ચિન્તયામિ મનસા/વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ

સુરેશ જોષી

કોઈ પણ સાહિત્ય કૃતિનું વિવેચન આખરે પોતાની સામે લક્ષ્ય તરીકે શાને સ્થાપતું હોય છે? કૃતિ વિષેની કેટલીક વિગતોને નિવિર્વાદ રૂપે સ્થાપી આપવી એના પર કેટલાક વિવેચકો ભાર મૂકતા હોય છે. પણ સાહિત્યકૃતિ વિષેની એકવાક્યતા શક્ય હોતી નથી તે તો સુવિદિત છે. આથી કેટલીક વાર વિવેચકે સ્વીકારેલાં ગૃહીતોનાં ચોકઠાંમાં કૃતિને બેસાડવાનો પ્રયત્ન થાય છે. આથી કૃતિના મહત્ત્વના અંશ જ કેટલીક વાર બાદ થઈ જતા હોય છે. કૃતિની રચનારીતિને સમજાવનાર પણ એના તન્ત્રને સમજાવે છે, મર્મને નહિ. વળી કૃતિમાંનાં પ્રતીક, કલ્પન આદિ ઘટકોની ચર્ચા કરતાં કરતાં ઘણુંખરું એ ઘટકોનો ફરીથી વિભાવનાઓની પરિભાષામાં અનુવાદ કરી લેવામાં આવે છે. આથી કૃતિનો તર્કસંગત અહેવાલ આપ્યાનો સન્તોષ થાય છે. પણ એથી આપણી રસવૃત્તિ તૃપ્ત થાય છે ખરી? કળા નામે મૂર્તતા સિદ્ધ કરવા મથે છે. એથી ફરીથી વિભાવનાઓના ક્ષેત્રમાં ઢસડી જવાથી તો અમૂર્તતા જ આવે. આમ કૃતિના ભાવનમાં જે વ્યવધાનરહિતતા, તત્ક્ષણતા અને પ્રત્યક્ષતાની અપેક્ષા રહે તે સંતોષાતી નથી. કૃતિની સંકુલતાને અમુક બૌદ્ધિક સંકેતોમાં સારવી લેવાનું વલણ જેટલું વ્યવસ્થાનું આગ્રહી છે તેટલું રસાનુભવનું આગ્રહી નથી.

આપણે ત્યાં રસમીમાંસકોએ રસને ચમત્કાર કહીને ઓળખાવ્યો છે અને ચમત્કાર એટલે ચેતોવિસ્તાર એમ કહ્યું છે. કોઈ પણ સાહિત્યકૃતિનું મૌલિભૂત પ્રયોજન તો આ પ્રકારના ચેતોવિસ્તારનું જ હોઈ શકે. ફ્રેન્ચ કવિ વાલેરીએ પણ કાવ્યના પ્રયોજન લેખે increase of consciousnessનો જ ઉલ્લેખ કર્યો છે તે આ સન્દર્ભમાં સૂચક બની રહે છે. પણ આજકાલના વિવેચકના affective cognitive aspectને વધારે મહત્ત્વ આપવામાં આવતું હોય એવું લાગે છે. આથી ભાવક કવિની ચેતના સુધી પહોંચી શકતો નથી. વિવેચન એની આડે ઘણા અન્તરાયો ઊભા કરે છે. આથી વિવેચન વાસ્તવમાં તો સર્જકની ચેતના સાથે ભાવકને સમ્પર્કમાં મૂકે એ પ્રકારનું હોવું જોઈએ.

આમ ચેતના વિષેની ચેતના, સાહિત્ય વિષેનું સાહિત્ય આવું કંઈક સ્વરૂપ વિવેચનનું હોવું ઘટે એમ ચૈતન્યવાદી અભિગમ સ્વીકારનારા વિવેચકોનો સમુદાય માને છે. આ એક મૂળ મુદ્દા વિષે આ સમુદાયના વિવેચકોમાં સંમતિ છે પણ બીજી ખ્યાત વિગતો પરત્વે એમનામાં પાયાના મતભેદો પણ પ્રવર્તે છે. આમ તો આ સમ્પ્રદાયનાં મૂળ વોલ્ટર પેટર અને રસ્કિનમાં જોઈ શકાય. એ રીતે આ અભિગમને રોમેન્ટિક અભિનિવેશના એક નવીનતમ આવિષ્કાર રૂપે પણ ઓળખાવવામાં આવે છે. આ સમુદાયના વિવેચકો પૈકીના બે વિવેચકો, માર્શલ રેમોં અને જ્યોર્જ પુલે, વિલહેલ્મ ડિલ્થી અને ફાઇડરિખ ગુન્ડોલ્ફ નામના બે જર્મન વિવેચકોથી સારી પેઠે પ્રભાવિત થયેલા છે.

સાહિત્ય વિષેનું સાહિત્ય એવા અભિગમને કારણે આ સમ્પ્રદાયના વિવેચકો સમકાલીન વિવેચનની અન્ય શાખાઓથી જુદા પડે છે. ફ્રેન્ચ સંરચનાવાદીઓ, રશિયન રૂપરચનાવાદીઓ કે અમેરિકાના નવ્ય વિવેચકો વિવેચનને વસ્તુલક્ષી જ્ઞાનનો એક પ્રકાર ગણે છે. એમને મતે વિવેચન માનવવિદ્યાની એક શાખા છે. આથી એ નૃવંશવિદ્યા, ઇતિહાસ કે સમાજવિદ્યાની જેમ પૃથક્કરણ અને વર્ણનની પદ્ધતિથી જગતને નિશ્ચિત સ્વરૂપની વિભાવનાઓનાં ચોકઠાંમાં મૂકી આપવાનો પ્રયત્ન કરે છે. એથી ઊલટું, ચૈતન્યવાદી અભિગમવાળા આ વિવેચકો સાહિત્યિક વિવેચનને એક પ્રકારનું સાહિત્ય જ ગણે છે. આ સાહિત્યનો પ્રકાર પોતાના વિષય લેખે પ્રાકૃતિક પદાર્થો, અન્ય લોકો કે નવલકથાકારો અને કવિઓ જેને વિષે લખતા હોય છે તેવી અતિ પ્રાકૃતિક વાસ્તવિકતાને લેતા નથી; એ બધં કોઈ સર્જકની રચનામાં અભિજ્ઞાત થઈ ચૂકે પછી એમનો વિષય બની રહે છે. આમ સાહિત્યિક વિવેચન એ એક રીતે કહીએ તો દ્વૈતીયિક કક્ષાનું સાહિત્ય છે. એ સાહિત્યના વિષયભૂત પદાર્થને કાવ્ય, નવલકથા, નાટક, નોંધપોથી અને પત્રો દ્વારા પહોંચવાનો પ્રયત્ન કરે છે. એ બધું બીજાઓએ લખ્યું હોય છે. આ વિષયભૂત પદાર્થને પામવા માટે સાહિત્યિક વિવેચકે, વિજ્ઞાની કોઈ ફૂલનું કે અણુનું એનાથી બહાર રહીને વર્ણન કરે છે, તેમ, કૃતિની બહાર રહીને એનું વર્ણન કરવાનું નથી. સાહિત્યમાં જે વિષયો છે જ તેને એણે વિસ્તારવાના છે, પૂર્ણ કરવાના છે અને એની નવે રૂપે રચના કરવાની છે. આથી એ સાહિત્ય જે રીતે ભાષા વાપરે છે તે જ રીતે ભાષાને વાપરે છે અને એ જ પ્રકારની વાસ્તવિકતાને અભિવ્યક્ત કરે છે.

આનો અર્થ એ થયો કે નવલકથાકાર કે કવિની જેમ સાહિત્યિક વિવેચક પરોક્ષ રીતે પોતાનું આગવું સાહસ આચરતો હોય છે. આ એ પોતાના અનુભવને અનુસરીને નહીં, પણ બીજાના અનુભવના માધ્યમ દ્વારા કરતો હોય છે. આમ એ જે કરે છે તે તાટસ્થ્યપૂર્ણ કે અનાસક્ત હોતું નથી. આ સમ્પ્રદાયના એક વિવેચક આલ્બેર બેગુંઇ કહે છે તેમ આત્મલક્ષી વિવેચન સમ્પૂર્ણતયા ન્યાય્ય છે અને એને પુરસ્કારવાને પૂરતાં કારણો છે. આ પ્રકારનો વિવેચક પોતાની રચનામાં પોતાના અંગત સાહસને ચાલુ રાખે છે. એને માટેની ભાષાની શોધથી એ પોતાના આ સાહસને મૂર્ત કરી આપે છે. જ્યોર્જ પુલેએ પોતાના જૂથના અન્ય વિવેચકોની રચનાઓ વિશે મહત્ત્વના નિબન્ધો લખ્યા છે તે આ સન્દર્ભમાં સૂચક બની રહે છે. કોઈકને એમ લાગશે કે વિવેચનના વિવેચનનું વિવેચન એમ જો આગળ ચાલ્યા જ કરશે તો અનવસ્થા દોષ ઊભો થશે પણ વાસ્તવમાં એવું નથી. આ વિવેચકોને મતે વિવેચન એ એક પ્રકારનું સાહિત્ય જ બની રહે છે, માટે એનું પણ વિવેચન થવું ઘટે. આથી આ પ્રકારના વિવેચનને અન્ય પ્રકારનાં વિવેચનોની સાથેના સમ્બન્ધમાં જોવું યોગ્ય નહીં લેખાય. આ તો પોતે જ એક પ્રકારની ચૈતન્યલક્ષી ખોજનું meditation reverieના સ્વરૂપનું સાહિત્ય છે. સ્વિટઝર્લૅન્ડમાં તો આવા સાહિત્યની એક પરમ્પરા જ ચાલી આવે છે. એને રૂસો, કોન્સ્ટન્ટ, એમિલેય અને રામુઝ જેવા લેખકોએ સમૃદ્ધ કરી છે.

જો વિવેચન એ સાહિત્ય વિશેનું સાહિત્ય છે, તો સાહિત્ય પોતે શું છે? આ વિશે આપણે જે કહીએ તેને આધારે વિવેચનના વિષયનું સ્વરૂપ જ માત્ર નહીં પણ વિવેચનનું પોતાનું સ્વરૂપ પણ નક્કી થશે. આ સમ્પ્રદાયના વિવેચકોને મતે સાહિત્ય એ ચેતનાનું એક સ્વરૂપ છે. સાહિત્ય વિશેની આ વિભાવના એમને અન્ય વિવેચકોથી જુદા પાડે છે. પુલે કે રેમોં સાહિત્યને નવલકથા કે કાવ્યમાંના અર્થોની વસ્તુલક્ષી સંરચના રૂપ, એ દ્વારા રજૂ થતા ‘વક્તવ્ય’ને રૂપે સર્જકના સજાગ્રત ચિત્તની ગ્રંથિઓના અણજાણપણે થતા આવિષ્કાર રૂપે કે સમાજને અખણ્ડ રૂપે રાખનાર એવી પ્રચ્છન્ન સંકેતવ્યવસ્થાના પ્રકટીકરણ રૂપે જોતા નથી. એમને મતે સાહિત્ય એ અમુક ભાવસ્થિતિનું મૂર્તરૂપ છે. કોઈ પણ સર્જકની એક કૃતિ દ્વારા ચેતનાનો અમુક ભંગિનો મન અને શબ્દના સંયોગ દ્વારા આવિષ્કાર થયો હોય છે. આ સંયોગ ચૈતન્યને અવતરિત કરે છે અને એ એને અન્યને માટે સુલભ બનાવે છે.

આથી વિવેચનની પ્રવૃત્તિનો પ્રારમ્ભ કરતાં પહેલાં વિવેચકે પોતાના ચિત્તને એનાં અંગત લક્ષણો વિનાનું કરી દેવાનું રહે છે, જેથી કૃતિમાં આવિષ્કૃત થયેલી સર્જકની ચેતના સાથે એ પૂરું સમરસ થઈ શકે. આ જાતનું આત્મવિલોપન વિવેચકને પક્ષે, પ્રારમ્ભમાં અનિવાર્ય બની રહે છે. એની આલોચનાપ્રવૃત્તિ તે સમરસ થવાની પ્રક્રિયાનો અહેવાલ જ હશે. પુલે કહે છે કે આ પ્રકારની વિવેચકની પ્રવૃત્તિને અપેક્ષિત ઘનિષ્ઠતા વિવેચકોનો વિચાર તે આલોચિત સર્જકનો વિચાર બની ન રહે તો શક્ય બનતી નથી. લેખક જે અનુભવે છે, જે વિચારે છે, જે કલ્પે છે તેને ફરી અનુભવવા, વિચારવા અને કલ્પવામાં વિવેચક સરળ બને તો જ આ ઘનિષ્ઠતા સિદ્ધ થઈ ગણાઈ. આ નર્યું આત્મલક્ષી છે એમ કહેવું ઉચિત નથી. કારણ કે જેને પહોંચવાનું છે તે એક subject છે; એટલે કે એક પ્રકારની ચૈતન્યાવલંબી પ્રવૃત્તિ છે. આલોચક પોતે એને સ્થાપે નહીં અને એને પુન:સંચારિત કરે નહીં, પોતે સર્જકની ચિત્તદશામાંથી પસાર થાય નહીં ત્યાં સુધી એ શક્ય નહીં બને.

આમ આ સમ્પ્રદાયના વિવેચકોને મતે વિવેચન એટલે બીજાની ચેતના વિશેની આપણી ચેતના અથવા બીજી રીતે કહીએ તો સર્જકના મનોજગતને આલોચકના ચિત્તના અન્તર અવકાશમાં પ્રસ્થાપિત કરવું તે વિવેચન. આથી આ વિવેચકો વિશિષ્ટ સાહિત્ય કૃતિઓના બાહ્ય કલેવર પરત્વે ઉદાસીન હોય છે. ઘણુંખરું એઓ અમુક એક સર્જકની સમગ્ર કૃતિઓને ધ્યાનમાં રાખીને વિવેચનની પ્રવૃત્તિ આદરતા હોય છે. આમાં એ સર્જકની નોંધો, ડાયરીઓ, અસમ્પૂર્ણ રહી ગયેલી કૃતિઓ, તૂટક તૂટક મુસદ્દાઓ – આ બધું જ લક્ષમાં લેતા હોય છે. આવાં અપૂર્ણ લખાણો સર્જકના ચિત્તની આબોહવાનો, એના ગુણધર્મનો વધુ સારો ખ્યાલ આપતાં હોય છે. પુલે કહે છે કે આ રીતે જોતાં સાહિત્યમાં કશું formal નથી. વિચારની વાસ્તવિકતા જ વિશિષ્ટ હોય છે અને એ જ મહત્ત્વની વસ્તુ છે. જીવન્ત ચિત્ત એ અજસ્ર સ્રોત છે. એ કશા વસ્તુલક્ષી રૂપમાં પોતાને કદી પૂરેપૂરું પ્રકટ કરી શકતું નથી, સાહિત્યકૃતિની વિશિષ્ટતા જ એ છે કે એ પોતાનું રચનાતન્ત્ર ઊભું કરીને એને ઉલ્લંઘી જાય છે, એટલું જ નહીં, એનો નાશ કરે છે. આથી સર્જકની કૃતિ એટલે – એણે જે કાંઈ રચ્યું હોય તે સમસ્તનું સંકલન. પણ એમાં એઓ ક્રમશ: પાછળની કૃતિઓનો લોપ કરતી આવે અને એ રીતે રચનાતન્ત્રમાંથી મુક્ત થવાની ક્રમિક પ્રક્રિયાનો આવિષ્કાર કરે. ઝાક રુસો જેવો આ સમ્પ્રદાયનો રૂપ વિશેનો આગ્રહી વિવેચક પણ સાહિત્યના રચનાતન્ત્રને એથી સમ્બન્ધશૃંખલા કહીને ઓળખાવે જેનું કાર્ય જ ‘ચૈતસિક વિશ્વ’ને પ્રકટ કરી આપવાનું છે. આ ચૈતસિક વિશ્વનું એનું આગવું બંધારણ હોય છે અને આ સમ્પ્રદાયના વિવેચકો સાહિત્યમાંના રચનાતન્ત્રનો સમૂળો છેદ ઉડાડી દેતા નથી. એથી ઊલટું એઓ વિશિષ્ટ કૃતિના વસ્તુલક્ષી રચનાતન્ત્રને સ્થાને સર્જકની સમસ્ત કૃતિઓના સમવાયમાંથી પ્રકટ થતા ચેતનાના રચનાતન્ત્રને સ્થાપે છે.

સાહિત્ય એ ચૈતન્યનું એક સ્વરૂપ છે એ બાબતમાં આ સમ્પ્રદાયના વિવેચનમાં ઐક્ય પ્રવર્તે છે તેથી આ ચૈતન્ય પોતે શું છે તે પરત્વે આ વિવેચકોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. આપણે સાહિત્યવિષયક પરસ્પરવિરોધી વિભાવનાઓના જમાનામાં જીવી રહ્યા છીએ એટલું જ નહીં માનવીના મૂળભૂત સ્વભાવ વિશે પણ અત્યારે અનેક પરસ્પરવિરોધી મતો પ્રવર્તે છે. જો વિવેચનનો ઉદ્દેશ વિવેચકનું ચિત્ત સર્જકના ચિત્ત સાથે એકાત્મતા અનુભવે એ હોય તો એનો આધાર ચેતના વિશેની આપણી સમજ કેવી છે તેના પર રહેશે. અન્યના ચિત્ત સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે આપણે ક્યાં પહોંચતા હોઈએ છીએ, એની કૃતિ દ્વારા આપણે એના આન્તરિક અવકાશમાં રહીને ફરીથી એના વિચાર અને લાગણીને જીવીએ છીએ એમ કહેવાનો અર્થ શો? આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે આ સમ્પ્રદાયના મહત્ત્વના કેટલાક વિવેચકોની વિચારણાને તપાસવાની રહેશે.

આ સમ્પ્રદાયના એક પ્રમુખ વિવેચક માર્સલ રેમોં છે. એક રીતે કહીએ તો એઓ આ વિવેચનશાખાના સ્થાપક જેવા છે. એમણે જ કહ્યું હતું કે વિવેચન એટલે સર્જકની ચેતના વિશેની વિવેચકની ચેતના. વિવેચકે ઉત્કટ ગ્રહણશીલતા કેળવવાની છે; એને માટે એ સંવેદનપટુ હોવો જોઈએ. આ તો પ્રારમ્ભિક આવશ્યકતાની વાત થઈ. આ પછી ક્રમશ: સર્જકના અભ્યન્તર સાથેની એકાગ્રતા વધતી રહેવી જોઈએ. આવી ભેદક સહાનુભૂતિ જ વિવેચકને એનું પ્રથમ તબક્કાનું કામ પાર પાડવાને શક્તિશાળી બનાવશે. સર્જકની ચેતનાના અન્તરંગમાં પ્રવેશીને કૃતિ વિશેનું જ્ઞાન એ પામી શકશે, શબ્દોમાં મૂર્ત થયેલા સર્જકના અનુભવને એ પુનર્જીવિત કરી શકશે. વિવેચકનં કાર્ય અસ્તિત્વની સ્થિતિઓનું ચૈતન્યની સ્થિતિમાં રૂપાન્તર કરવાનું છે. એણે પોતાનામાં કળાકૃતિનું પુનનિર્ર્માણ કરવાનું છે. પણ તે કળાકૃતિને વશ વર્તીને, સ્વચ્છન્દે નહિ. એ કૃતિ નવેસરથી પોતાનામાં જન્મ લે તે બરાબર, પણ તે સર્જક સાથેના સક્રિય સહકારથી, એનાથી નિરપેક્ષ રીતે નહીં. આમ રેમોંને મતે ‘penitrating sympathy’ અને ‘કcreative participation’નું ઘણું મહત્ત્વ છે. રેમોં જ્ઞાનના બે ભાગ પાડી નાંખે છે. એક જ્ઞાન તે બુદ્ધિનિર્ભર, વૈજ્ઞાનિક અથવા વસ્તુલક્ષી જ્ઞાન. એ જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાં જ્ઞેય પદાર્થને યથાયોગ્ય અન્તરે રાખવામાં આવે. એને મનથી વેગળો રાખીને એનું નિરીક્ષણ કરવામાં આવે અને એને બીજા પદાર્થોથી પણ નોખો રાખીને જોવામાં આવે. આથી બીજા પ્રકારના જ્ઞાનમાં મન એના અભ્યાસનો પદાર્થ એક બની રહે; વિવેચનમાં વિવેચકનું ચિત્ત અને કૃતિમાં પ્રકટ થયેલું ચિત્ત એક બની જાય. આ પ્રકારનું જ્ઞાન આન્તરિક અને સંવેદનમૂલક, વિવેચક જેમ પોતાના ચિત્ત પરત્વે અન્તર્મુખ બની શકે તેમ સર્જકના ચિત્ત પરત્વે પણ બને એવી અપેક્ષા રહે. રેમોંની એક વિવેચક તરીકેની વિશિષ્ટતા તો આ જ છે; એઓ એમણે અવલોકેલા બધા સર્જકની ચેતનાને પોતાનામાં પુનર્જીવિત કરી શકે છે. એમનામાં એવી inner plasticiry તીવ્ર માત્રામાં છે. દરેક સર્જકના સ્વત્વને એ ઉત્કટતાથી અનુભવીને પોતાના વિવેચનમાં પ્રમાણિત કરી આપી શકે છે. પોતાનામાં એને પુનરુદ્ભાસિત કરીને પોતાનાં આગવાં કલ્પન દ્વારા કે સંક્ષિપ્ત અવતરણો દ્વારા એને મૂર્ત કરી આપી શકે છે. સર્જકના મૂળભૂત હાર્દને એઓ તત્ક્ષણ પામી લઈ શકે છે. એમાં કશી દ્વિધા કે ખચકાટ દેખાતાં નથી. વળી એમાં અનાવશ્યક વિષયાન્તરને પણ સ્થાન નથી. આ દૃષ્ટિએ એમની વિવેચનશૈલીનું ઉત્તમ નિદર્શન તે ‘From Baudelaire to Surrealism’ નામનું એમનું પુસ્તક છે. 1933માં એ પુસ્તકથી ફ્રેન્ચ સાહિત્યવિવેચનમાં એક નવા તબક્કાનો પ્રારમ્ભ થયો. એમાં જુદી જુદી શૈલીના અને જુદા જુદા અભિગમ ધરાવનારા કવિઓની વાત, દરેકની વિશિષ્ટતાની વાત અળપાવા દીધા વિના કરી છે, ને છતાં આધુનિક ફ્રેન્ચ કવિતામાં રહેલી આન્તરિક એકતાને પણ એમણે છતી કરી છે. આ રીતે એમણે પ્રશિષ્ટ શૈલીના અને રોમેન્ટિક શૈલીના કવિ વચ્ચેના ભેદને બરાબર ચીંધી બતાવ્યો છે. પ્રશિષ્ટ શૈલીના લેખક પોતાને ઓળખવા માટે ખૂબ આતુર હોય છે. આથી એ અન્તર્મુખ બને છે અને પોતાના નિરીક્ષણને એ discursive reasoningના સ્તર પર લાવીને રજૂ કરે છે; રોમેન્ટિક શૈલીના કવિ જે જ્ઞાન જ્ઞાન હોવા સાથે સંવેદ્ય અને આનન્દરૂપ ન હોય તેને વર્જી દે છે. એ વિશ્વને એક મૂર્ત ઉપસ્થિતિ રૂપે અનુભવવા ઇચ્છે છે. પોતાના ક્રમશ: થતા રૂપાન્તરને પ્રકટ કરવા, પોતાની કલ્પનાને પ્રોત્સાહિત કરીને, એ રૂપક અને પ્રતીકોનું સ્થાપત્ય રચે છે. કાવ્ય ન્યાયને માટે, એને પ્રમાણભૂત બનાવવા માટે, અનિવાર્ય એવાં બે તત્ત્વને અહીં રેમોં ચીંધી બતાવે છે: ‘આત્માનુભૂતિ અને વિશ્વને પ્રત્યક્ષ ઉપસ્થિતિ રૂપે અનુભવવાની કલ્પનાશક્તિ.’

આ self-consciousnessને વેગળા રહીને કેળવેલી વિશદ અભિજ્ઞતા નથી કે અનેક પદાર્થો કે વિચારોથી છલકતું ચિત્ર નથી. એ અસ્તિત્વ વિશેની એક આદિમ અનુભૂતિ છે. એમાં પદાર્થોને પૃથક્ પૃથક્ કરીને જોવાની સ્થિતિ હજુ આવી નથી હોતી: આ સ્થિતિ તે અમુક ચિત્તની છે એવું પણ ત્યારે કહી શકાતું નથી. રેમોં એને વર્ણવતાં કહે છે: It is the feeling of existence in what it can have that is most elementary and least differenciated. એ એક પ્રકારની નિહારિકા જેવી અબુદ્ધિમય અપારદર્શકતા છે જે બુદ્ધિનિર્ભર જ્ઞાનને ઉલ્લંઘીને રહી હોય છે. આવી ચૈતસિક અવસ્થા જ મન અને જગત વચ્ચે બૌદ્ધિક ચેતનાએ ઊભા કરેલ અન્તરાયોને દૂર કરે છે અને કવિતા શબ્દોના માધ્યમ દ્વારા આલોચકને સર્વાશ્લેષી ઘનિષ્ઠતાના રૂપમાં જગતનો અનુભવ કરાવે છે. કોઈ પણ સાચી કવિતા આવી સ્થિતિને પામવા પ્રયત્નશીલ રહેતી હોય છે. એમાં આત્માનુભૂતિ અને વિશ્વાનુભૂતિ અભિન્ન બની જાય છે. રેમોં કહે છે તેમ આ એક એવા જાદુઈ વિશ્વનું સ્થાન છે જેમાં માનવી પોતાને પદાર્થથી અભિન્નરૂપે જોઈ શકતો હોય છે. આ અભિન્નતા સિદ્ધ કરવાની શક્યતાનો પુરાવો આપણને કાવ્યમાંથી પ્રાપ્ત થાય છે.

આ સમ્પ્રદાયના બીજા મુખ્ય વિવેચક આલ્બેર બેગુઇં છે. એ આ માર્સેલ રેમોંના શિષ્ય છે. એઓ પણ રેમોંની જેમ માને છે કે આલોચક સર્જકે સર્જેલા વિશ્વના અન્તરંગમાં પોતાને સ્થાપી શકે તો જ વિવેચન શક્ય બને છે. કવિના ચૈતસિક સાહસ સાથે વિવેચકે તાદાત્મ્ય અનુભવવું જોઈએ પણ રેમોં વિવેચકને પક્ષે આત્મવિલોપનની વાત કરે છે તે એમને માન્ય નથી. એમને મતે વિવેચકે એને પરિચિત કવિઓની દોરવણી નીચે કે એમના પુરુષાર્થમાં રસ લઈને, સતત શોધનું સાહસ કરવાનું છે. આ કવિઓ અને સર્જકો એમની કૃતિઓ દ્વારા એક ભૌતિક અને ચૈતસિક વાસ્તવિકતાને ચરિતાર્થ કરી બતાવે છે, જે કદાચ અન્યથા અસ્તિત્વમાં આવી જ ન હોત. પોતાની શોધમાં જે સહાયભૂત થતા નથી તેની પ્રત્યે એને ઝાઝી સહાનુભૂતિ નથી. એને માલાર્મે જેવા કવિની આદર્શની વિભાવના કે ઉષ્માહીન આત્મલક્ષિતા પરત્વે સમભાવ નથી. જો કવિની ચેતના અમુક પ્રકારની અતિક્રમણશીલતા ધરાવતી હોય તો તેમાં જ એને રસ છે.

વિસ્મય અને વસ્તુઓની પ્રત્યક્ષતાને પુન:સ્થાપિત કરવામાં એમને રસ છે. આ બે એમને મતે મહત્ત્વના છે. એમને મતે કવિ સ્વપ્ન, સંસ્મરણ કે ભૌતિક પદાર્થો પરત્વેની તીવ્રતર સંવેદનાથી પરિચિતતાના આવરણને ભેદી જાય છે. એ આવરણ વાસ્તવિકતાને ઢાંકી દેતું હોય છે. એ ખસી જતાં આપણે શૈશવના અદ્વૈતને પુન: પામીએ છીએ. બેગુઇંની વિવેચનપ્રવૃત્તિમાં શૈશવનું વસ્તુ વારે વારે આવ્યા કરે છે. એ શૈશવ માત્ર વ્યક્તિનું જ નહીં, પણ એક સમસ્ત પ્રજાનું શૈશવ પણ હોય છે. એનો આ રસ રોમેન્ટિક કવિઓ પ્રત્યેના એમના અભિગમનો નિર્ણાયક બની રહે છે. એમને મતે દરેક માનવમાં પોતાનામાં ક્યાંક, અનેક પ્રકારની કલુષિતતાઓ અને પ્રકીર્ણતાની વચ્ચે, શિશુની અકલુષિત પવિત્રતાને જ આપણું સાચું અસ્તિત્વ, તે જ આપણો સાચો આત્મા. આનો એ આવિષ્કાર ક્ષણભરને માટે કરી શકે તો આદિમ સાથેનો એનો સમ્બન્ધ પુન:સ્થાપિત થઈ શકે. તો એ ઉન્મુક્ત બનીને પ્રાકૃતિક વિશ્વ અને અન્ય માનવો સાથે વ્યવહાર કરી શકે.

બેગુઇંને મતે આવી ઉન્મુક્તતા બાળપણનો વિશિષ્ટ ગુણ છે, એ તત્ક્ષણ ભૌતિક પદાર્થોના અસ્તિત્વને ઓળખી લઈ શકે છે. બેગુઇં કહે છે કે સ્વપ્નના વિશ્વમાંથી પાછા વળ્યા પછી માનવીને, વસ્તુઓ એકાએક એમની આદિમ નવીનતા સાથે પ્રકટ થતી અનુભવતાં જે વિસ્મય થાય તેવું વિસ્મય થતું હોય છે. હું જાણે વસ્તુઓ સમજી નવો જન્મ પામું છું: એઓ મારી આગળ પ્રથમ વાર ઉદ્ભવે છે. અસ્તિત્વની પ્રથમ ક્ષણોમાં સ્થપાતો હોય તેવો વિનિમય અમારી વચ્ચે સ્થપાય છે. આ વિસ્મયને કારણે જગત ફરીથી પરીકથાની સૃષ્ટિ જેવું લાગવા માંડે છે.

રેમોં જેને નિહારિકા જેવી ‘અ-બુદ્ધિમય, અપારદર્શકતા’ કહે છે તેની સાથે પદાર્થોની આ મૂર્ત ઉપસ્થિતિને વિરોધાવી શકાશે. રેમોં અસ્પષ્ટ એવી અભિજ્ઞતાનો પુરસ્કાર કરે છે જેમાં વસ્તુઓ અને વ્યક્તિઓ એકબીજામાં ઓગળી જતાં હોય એવું લાગે; ત્યારે બેગુઇંને વિશદ વિસ્મયની સ્થિતિ વધુ ઇષ્ટ છે. એવી અવસ્થામાં દરેક પદાર્થ સુસ્પષ્ટ રીતે ધ્યાનાવિષ્ટ ચિત્ત સમક્ષ પ્રકટ થતો હોય છે, એનું ચોક્કસ વજન, એનું પોત આપણે અનુભવીએ છીએ. કવિની ભાષામાં એ વધુ મૂર્ત થઈ ઊઠે છે. ક્લોદેલ જેવા કવિની ભાષામાં આથી જ ‘જીવનનો ઉત્કટ સ્વાદ’ આવે છે. એમની કૌવતભરી ભાષામાંથી ભૌતિક પદાર્થની સોડમ આવતી હોય છે. ભાષા દ્વારા અભિવ્યક્ત થતી હોય ત્યારે પણ આ વસ્તુઓ એમની ઉપસ્થિતિનો પ્રભાવ જાળવી રાખે છે. આપણે એની સઘનતા અનુભવી શકીએ છીએ. આ ઉપસ્થિતિનો પ્રભાવ (જેનો કવિ અને શિશુ પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.) તે આપણી ઇન્દ્રિયો સમક્ષની એની ભૌતિક ઉપસ્થિતિમાં એના સર્જકની પ્રત્યક્ષતા પણ અનુભવી શકાય છે. એણે વિશ્વમાં અનેક પદાર્થો દ્વારા પોતાને મૂર્ત કર્યો હોય છે. આમ presence એ શબ્દ બેગુઇંની વિવેચનામાં કેન્દ્રસ્થાને રહેલો છે. એ પદાર્થની ભૌતિક સ્પર્શક્ષમતાને તેમ જ એ સ્પર્શક્ષમતાની અંદર રહેલી એના સર્જકની ઉપસ્થિતિને પણ ચીંધે છે. એમની કવિતાની વિભાવનામાં આ incarnationનો ભાવ કેન્દ્રસ્થાને રહેલો છે. એમની દૃષ્ટિએ કવિતામાંની ભૌતિકમાંની ચૈતસિક ઉપસ્થિતિને મૂર્ત કરી આપતી હોય છે. આથી એઓ કહે છે: Poetry must touch in the concrete presence of the invisible.

કાવ્યમાં પદાર્થ પોતાપણું ખોયા વિના દિવ્યત્વનું ઇંગિત પ્રકટ કરતો હોય છે. જે સ્વર્ગની ઝાંખી થાય છે તેમાં આ resonance at a distance સંભળાતું હોય છે. એમાં દિવ્ય, પ્રાકૃતિક અને માનવીય આ ત્રણે સંગીતમય રીતે સ્પન્દિત થઈ ઊઠતાં હોય છે. આ ઉપરાંત બીજી બે ઉપસ્થિતિઓની એ વાત કરે છે. એ પૈકીની પહેલી તે ભાષા. એ કાવ્યના સિદ્ધ થતા આવિષ્કારનું સાધન છે. કવિની ઉપસ્થિતિનું અનિવાર્ય માધ્યમ છે. કવિના શબ્દો, કવિની ચેતના, વિશ્વના સર્જક અને સૃષ્ટિના પદાર્થમાં મધ્ય રહ્યાં હોય છે. કવિ જ વસ્તુઓને એના સાચા નામથી ઓળખાવી શકે છે; એનાં ગુપ્ત નામથી સમ્બોધી શકે છે. પદાર્થમાત્રમાં રહેલા એના સર્જકને કવિની ભાષા બહાર પ્રકટ કરી આપે છે.

જ્યોર્જ પુલે આ સમ્પ્રદાયના એક વરિષ્ઠ વિવેચક લેખાય છે. એમને મતે પણ વિવેચનમાં વિવેચકનું ચિત્ત સર્જકના ચિત્ત સાથે તત્સમતા સિદ્ધ કરે છે. બન્નેના આત્મા વચ્ચે પારદર્શકતા સ્થાપવી જોઈએ. પણ બીજા વિવેચકો આ પારદર્શકતાને કશુંક સિદ્ધ કરવા માટેના સાધન તરીકે પ્રયોજે છે, પણ પુલેને મતે આ પારદર્શકતા જ સાધ્ય છે. શુદ્ધ અભિન્નતા સિદ્ધ કરનારું વિવેચન બીજી કશી પ્રકૃતિનું સાધ્ય બનતું નથી. આને કારણે ચેતના વિશેની ચેતના સિવાયનું બીજું કશું એમને અપેક્ષિત ન હોવાથી એઓ અનેક કાળના અને અનેક પ્રકારના લેખકોને સમભાવથી જોઈ શકે છે. આન્તરિક અનુભૂતિની કશીક વિશિષ્ટ ગુણવત્તા જો સામર્થ્યપૂર્વક અભિવ્યક્ત થઈ હોય છે તો ગુણવત્તાને અન્તરમાં પુનર્જીવિત કરવાનું પુલેને રુચે છે. કોઈ પણ એક લેખકની સમસ્ત કૃતિઓમાં જે મુખ્ય સૂર સંભળાતો હોય તેનું એઓ યથાશક્તિ પુનનિર્ર્માણ કરવાનો પ્રયત્ન કરે છે.

જે પ્રારમ્ભિક ક્ષણે સર્જકનું ચિત્ત પોતાની આગળથી, બહારથી પ્રવેશતાં સર્વથી નોખું પડીને, સ્વસંવેદ્યતાની ક્રિયા દ્વારા પ્રકટ કરે છે તે ક્ષણનું પુલેને મન ઘણું મહત્ત્વ છે. એ બધી બાહ્ય વસ્તુઓ એમને મતે આકસ્મિક અને મહત્ત્વ વિનાની છે. સર્જકમાં તો ચેતનાની affective qualities સર્વ કંઈકનું ઉદ્ગમસ્રોત બની રહે છે. ચેતના જેને વિશે સભાન હોય તે સમસ્તમાં અનુસ્યૂત થઈને રહેલી આ એક જ વસ્તુ છે, જે માનવ અસ્તિત્વને ભીતરમાંથી નીરખવાનું હોય છે તેનું અનિવાર્ય પ્રસ્થાનબિન્દુ તે આ આત્મચેતનાની ક્ષણ હોય છે. વિવેચનનું લક્ષ્ય સર્જકના ચિત્તને એની બહારની બધી જ વસ્તુથી વેગળી પાડીને જોવાનું છે. એની શક્તિના ઉછાળાની ક્ષણે એણે એને પામી લેવાનું હોય છે. એમને મન ત્યારે ‘it exists in a heavy virginal state not yet invaded and as it were masked by the thick mass of its objective content.’ પુલે હંમેશાં સર્જકની કૃતિમાં એ બિન્દુ તરફ જવાનો પ્રયત્ન કરે છે જ્યાંથી દરેક કલ્પનોત્થ વિશ્વ ઊઘડતું આવે છે.

દરેક સર્જકના ચિત્તના આ આન્તરિક પોતનું આ મહત્ત્વ પુલેને મન ઘણું છે. આથી જ તો એમિથેલની નોંધપોથીને એઓ આટલું મહત્ત્વ આપે છે. એમાંથી એમને માનવચેતનાની સૌથી મૂળભૂત અને અન્તિમ પ્રવૃત્તિનો ભણકાર સંભળાય છે. એમાં ચેતના પોતાને વિશે સચેતન બનીને વિચારતી હોય છે. એ મનની અંદર રહેલા ‘interior distance’ને પ્રકટ કરે છે. એ શુદ્ધ શૂન્યનો પારદર્શી અવકાશ હોય છે. એનો ઉજ્જ્વલ પ્રસાર મનુષ્યને વિચારવાને માટેનું ક્ષેત્ર એની આગળ પ્રસ્તુત કરે છે. આ સમ્પ્રદાયના બીજા બધા વિવેચકો હુસેર્લની ચેતના વિશેની વિભાવના સ્વીકારીને ચાલતા હોય એવું લાગે છે. જ્યારે પુલેને મન ચેતના તે સાહિત્યમાત્રનું જીવન્ત સ્રોત છે. હુસેર્લ અને બીજા અનેકને મતે ચેતના હંમેશાં અન્ય કશાક વિશેની જ હોય છે. આથી એઓને મતે એવી આત્મસર્જનતાની કોઈ ક્ષણ નથી હોતી જેમાં મન પોતાના આગવા affective tone સિવાય બીજી કશી અભિજ્ઞતા ધરાવતું ન હોય. પુલે ચેતનાની પ્રાથમિકતાને સ્વીકારે છે અને એને સાહિત્યનો પ્રાદુર્ભાવ સિદ્ધ કરી આપનારી શક્તિ લેખે છે. મન પદાર્થોથી ભરાઈ ગયું હોય, અભિભૂત થઈ ગયું હોય તે ચેતનાની સર્વોત્તમ અવસ્થા નથી, બીજી પણ ચેતનાની એક પ્રકારની અવસ્થા છે જે પદાર્થથી બચીને એનાથી અમુક અન્તરે રહીને, પોતાને પ્રકટ કરે છે. બહારથી એને નિમિર્ત કરનાર કોઈ પણ શક્તિથી એ દૂર રહે છે. આપણા જગત સાથેના સમ્બન્ધને પરિણામે પ્રાપ્ત થતા અભિજ્ઞાનથી વિભિન્ન એવી આ આત્મસચેતનતા હોય છે. આ ચેતના એ આલોચકની ચેતનાની સર્જકની ચેતના સાથેની તદ્રૂપતા છે. આ સ્થિતિને વર્ણવતાં પુલે કહે છે . ‘…this double consciousness appears less in its multiplicity of sensuous relations with things than prior to and separate from any object, a self consciousness of pure consciousness.’ આમ પુલેને મતે કોઈ અપારદર્શી સઘન ભૌતિક પદાર્થ કે પદાર્થોમાંની કોઈ માનવેતર ઉપસ્થિતિનું ઝાઝું મહત્ત્વ નથી; મહત્ત્વ તો એને વર્ણવનારી સર્જકની ચેતનાનું છે. ચેતના સિવાયનું બીજું કશું જો સાહિત્યમાં પ્રવેશતું હોય તો તેય મનને ઉલ્લંઘીને કે મનની બહાર રહ્યું હોતું નથી પણ એના કેન્દ્રના ઊંડાણમાં રહ્યું હોય છે. આ ચેતનાના આન્તરિક પ્રદેશનું ઊંડાણ એવું હોય છે કે કોઈ એની કિનાર કે છેડો જોઈ શકતું નથી. જેને transcendence of centre કહીને ઓળખવામાં આવે છે તેમાંયે સર્જકના ચિત્તની બહાર જવાનું હોતું નથી. પુલે transcendenceને બદલે convergence સંજ્ઞાને વધુ પસંદ કરે છે.

બધા જ પ્રમાણભૂત સર્જકોની ચેતના એવા એક બિન્દુ તરફ વળીને એકાકાર થવા મથતી હોય છે જે ચેતનામાત્રનું પ્રચ્છન્ન કેન્દ્ર હોય છે. પુલે આ દૃષ્ટિબિન્દુને સ્વીકારીને કેવલ અમુક એક સર્જકની ચેતનાનું જ નહીં, આખા એક યુગની ચેતનાનું પુનનિર્ર્માણ કરી આપે છે. સમસ્ત માનવચેતના એને મન એક જીવન્ત અખણ્ડ પુદ્ગલ છે. આથી પુલેને મતે સાહિત્યનો ઇતિહાસ એટલે માનવચેતનાનો ઇતિહાસ. પાસ્કલ અને નર્વલ જેવા સર્જકોને મન સર્જક એ એક એવા લક્ષ્ય માટેની શોધ છે જેને કદી આંબી શકાતું નથી. આથી transcendence presence હંમેશાં પ્રાપ્તિની સીમાની બહાર રહીને દુષ્પ્રાપ્ય જ રહે છે. આથી પુલે કહે છે ‘I am above all attracted by those for whom literature by definition a spiritual activity which must be gone beyond in its own depths or which, in failing to be gone beyond in being condemned to the awareness nontranscendence, affirms itself as the experience and verification of a fundamental defect..’ પુલેની વિવેચનાનાં બે પાસાં તે order અને transparence છે. આ પારદર્શકતા સર્જકની પ્રવૃત્તિની આરપાર જોવાથી પામી શકાય છે. અહીં કૃતિમાં પ્રકટ થયેલાં ચેતનાનાં લક્ષણને આત્મીયતાભરી બુદ્ધિના પ્રકાશમાં મૂકીને બતાવવાથી એ સિદ્ધ થાય છે. પુલેને અર્ધપારદર્શક એવી ચેતના વિશેષ રુચે છે કારણ કે એવી ચેતના બધું વિશદ કરી આપનારો પડકાર ઝીલનારી શક્તિ માટે પડકાર રૂપ બની રહે છે. જ્યારે એ કશાક અસ્પષ્ટની વાત કરે છે ત્યારેય એમાં રહેલી ગૂંચને વિશદ કરી આપવા મથે છે. ચેતનાના બુદ્બુદની બધી જ સામગ્રીને પરસ્પરના સમ્બન્ધને ચીંધીને એની વચ્ચેના reciprocal interchangeને આલેખીને એ એક બનાવે છે. આ રીતે એમાં orderને પ્રકટ કરવા મથે છે. પુલેને આમ તો સર્જકની કૃતિમાં જગતના કેટલાક અંશો આત્મજ્ઞાત થયા છે તેની સાથે નિસ્બત છે. એમ છતાં એમનો મુખ્ય ઉદ્દેશ મનને એમાંની સામગ્રીથી છૂટો પાડીને જોવાનો છે. સર્જકના આન્તરિક અવકાશના પોત સાથે જ એમને ઝાઝો સમ્બન્ધ છે. પુલેએ માનવચિત્ત જે વિધવિધ રીતે પોતાની અવર્ણનીય intimacyની અભિજ્ઞતા મેળવે છે તે વિવેકપૂર્વક વર્ણવી બતાવી છે.*[1]

જાન્યુઆરી, 1980


1.જ્હોન હિલિસ મિલરના ‘ધ જીનિવા ક્રિટીક્સ’ નામના લેખને આધારે ↵