ચિલિકા/પ્રથિતયશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રથિતયશ વેત્રવતી અને ઓરછા
સાંભળો: પ્રથિતયશ વેત્રવતી અને ઓરછા — યજ્ઞેશ દવેઠરીને ઠામ થઈ નિવાસી સ્થાયી થવાની સાથે જ મારી અંદરનો એક પ્રવાસી રહે છે છટપટતો. કોઈ કવિએ કહ્યું છે તેમ ‘એક સિંદબાદ જીવે છે મારામાં.’ એક યાત્રા પૂરી થાય, થોડા દિવસો પગ વાળી બેસું ત્યાં તો ફરી કોઈ નવું નગર, નવો પ્રદેશ, નવી દિશા બોલાવે. લાંગરેલાં વહાણોના શઢમાં ફરી પવન ભરાય ને ફરી યાત્રા શરૂ. રવીન્દ્રનાથની ‘બલાકા’ જેમ ‘હેથા નય, હેથા નય અન્ય કોનો ખાને’. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં ટ્રેનિંગ હતી. વચ્ચે શનિ-રવિની બે રજા. પગ પહેલાંય મન થનગન્યું. ક્યાં જવું? સિમલા, ચંડીગઢ, હરિદ્વાર, અલ્મોડા, નૈનિતાલ, આગ્રા-મથુરા તો જોયેલાં. મસુરીનો વિચાર થયો. એ દરમ્યાન જ ઢાંકીસાહેબનો ફોન આવ્યો. વાતવાતમાં મારી મૂંઝવણ કહી તો કહે, ‘ત્યાં રમણીય પ્રકૃતિ હશે, કુદરતનો આનંદ મળશે પણ કાંઈ શીખવા જાણવા નહીં મળે, જ્ઞાન નહીં મળે. એ માટે જવું હોય તો કોઈ ઐતિહાસિક સ્થળે જવું જોઈએ.’ તેમણે સુઝાડ્યું ગ્વાલિયર. તરત જ નક્કી કરી નાખ્યું ને રીઝર્વેશન પણ. ગ્વાલિયર પર ઇતિહાસ, સંસ્કૃતિની ઘણી પરતો લાગી છે. તાનસેન ગ્વાલિયરના. ગ્લાલિયર ઘરાના, તેનો કિલ્લો, મંદિરો, મકબરા એક સળંગ સુદીર્ઘ ઇતિહાસ છે. ભારતભરનાં આકાશવાણી કેન્દ્રોમાં એક જાતનો ભ્રાતૃભાવ. અજાણ્યા પ્રદેશ, ભાષામાં જાવ તોય સહકર્મચારી હોવાને સંબંધે જ બધો સહકાર મળે. રાજકોટથી જ ગ્વાલિયરના સ્ટેશન ડાયરેક્ટર શ્રી કસાનાને ફોન કર્યો કે, ‘આવવું છે.’ તો સામે ઊલટથી કહે, ‘આ જાવ. સબ વ્યવસ્થા હોય જાયેગી.’ વગર ઓળખાણે તેમના આવકારે જ જાણે ગ્વાલિયરામં પ્રવેશ મળી ગયો. બાજી છેક છેલ્લી ઘડીએ બદલાઈ ગઈ. રિઝર્વેશન કરાવી નીકળ્યો’તો ગ્લાલિયર જવા, પહોંચી ગયો ઓરછા. ક્યારેક પાગલ ઇચ્છાને એ જ છૂટી મૂકી છૂટો દોર આપવાની મજા છે. ફૈઝ અહમદ ફૈઝે કહ્યું છે ને —

‘અચ્છા હૈ દિલકે પાસ રહે પાસબાને અક્લ
લેકિન કભી કભી ઇસે તનહા ભી છોડિયે’

દિલ્હીથી રાતની નવ વાગ્યાની ટ્રેન. ટ્રેન ઉપડતાં જ સૂઈ જવાનું હતું. અડધી રાતે સાડા ત્રણ વાગે તો ગ્વાલિયરમાં હઈશ. બર્થની સીટ પર લંબાવતાં જ જુવાન સહયોગી સાથે વાતો થઈ. બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં (BSFમાં) સારી પોસ્ટ પર હતો. રજામાં તેના ઘરે ઝાંસી જતો હતો. મનમાં ઝાંસી ઝબક્યું. લક્ષ્મીબાઈનું ઝાંસી છે તેટલા માટે જ નહીં, પણ ઝાંસીથી ઓરછા સાવ નજીક છે એટલે. ઓરછા જવાના ઓરતા તો અઢાર વરસથી હતા. જયંત મેઘાણી, કવિ ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્ના સાથે મેવાડ-રાણકપુર, કુંભલગઢ, ઉદયપુરનો પ્રવાસ કરેલો ૧૯૮૩માં. ત્યારે પ્રદ્યુમ્નભાઈ ઓરછાની વાત કરતાં થાકે નહીં. ત્યાંનાં ભીંતચિત્રો પર ફોટોગ્રાફીનું તેમનું કામ વરસો પહેલાં પ્રગટ થયેલું. ત્યાંની બેતવા નદી, કાંઠો, ત્યાંના મંદિરો, મહેલો, કિલ્લાઓ, બુરજો, મહેલ – મંદિરનાં બુંદેલખંડી ભીંતચિત્રો – આ બધું જોવાની ઉત્કટ ઇચ્છા ત્યારથી મનમાં ધરબાયેલી હતી જ. ટ્રેનમાં મળી ગયેલા પેલા ઝાંસીના યુવાન સાથે વાત કરતાં માહિતી મળી કે આ જ ટ્રેન માત્ર ગ્વાલિયરથી સવા કલાકમાં જ સવારે પાંચ વાગે ઝાંસી પહોંચાડી દે અને ત્યાંથી ઓરછા જવા માટે છકડા સર્વિસ વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે. બસ અચાનક જ પ્લાન ફેરવ્યો. થયું, ગ્વાલિયર ઓછું જોવાય કે ન જોવાય તો કાંઈ નહીં પણ ઓરછા તો જવું જ. નહીંતર આ અંતરિયાળ જગ્યાએ ફરી ક્યારે અવાશે? અને વરસોથી સેવેલા સ્વપ્નને ક્યાં સુધી સેવ્યા કરવાનું? સ્વપ્નમાંથી વાસ્તવિકતા માત્ર સવા કલાક જ છેટી છે. પેલા યુવાનનો આભાર માન્યો. ટી. ટી.ને કહી ટિકિટ એક્સટેન્ડ કરાવી અને સવારે સાડા ત્રણ વાગે ગ્વાલિયર ઊતરવાને બદલે થોડી વધારે ઊંઘ ખેંચી સવારે પાંચ વાગે ઝાંસી ઉતર્યો. એવા સમયે નાનું નગર તો સૂતું જ હોય. એ ક્યાં મુંબઈ-દિલ્હી જેવું અભાગિયું છે કે અખંડ ઉજાગરો આંજી ઊંઘરેટાયેલી આંખે રાતે જાગ્યા કરે. રેલવે સ્ટેશનથી રિક્ષા સૂની શેરીમાં, રસ્તાઓ પર અવાજનો લિસોટો દોરતી પહોંચી બસ સ્ટેશન. ઓરછા જવા માટે છકડાની ખેપ હજુ શરૂ નહોતી થઈ. ઝાંસીથી આસપાસનાં ગામો જવા માટે છકડા પર રૂપના નંબર લખેલા હોય. ઓરછા ૯ નંબરનો છકડો જાય. ઓછી ચહલપહલવાળા સ્ટૅન્ડ પર સવારની પહેલી ચા પીવાની મજા લીધી, ત્યાં પૅસેન્જરો પૂરતા થયા ને છકડાવાળાએ હલકારો કર્યો, ‘ચલો ઓરછાવાલે સાહબ, ગાડી જા રહી હે.’ ને હું મારી લેધરબૅગ સાથે અંદર ગોઠવાયો. અંદરના પેસેન્જરો મને બાબુલોગ જાણી સંકોચાઈ બેઠાં. તેમને ઉઘાડવા એ મારી ફરજ હતી. છકડામાં લોકસંગીતકાર મંડળી હતી. વહેલી સવારે બીજી સવારી તો ક્યાંથી હોય. એ દિવસો ગણેશ-ઉત્સવના. આખી રાત આ લોકસંગીત મંડળીએ ઝાંસીમાં કાર્યક્રમ આપેલો. સવારે પાછા પોતાના ગામ જઈ રહ્યા હતા. આગળ ડ્રાઇવર પાસે બેઠેલા બે ગાયક કલાકારો ઊંઘરેટા અને મારી સાથે પાછળ માઇક સ્પીકર, સાજનો સરંજામ સંભાળતા બે માણસો ને તબલચી. કાર્યક્રમ ટનાટન ગયો હતો. આંખ ઊંઘરેટા. હું વાતે વળગ્યો. ગામડાના માણસોનાં મન, તેમની ફળી, ડેલીની જેમ ખુલ્લાં જ હોય છે. પીપિંગ હૉલમાંથી શક્તિ નજરે તમને જોઈ દરવાજા ભીડેલ ન રાખે. સીધા જ આવકારે. કલાકારો જુવાન હતા, પણ પરંપરા ટકેલી હોય તેવું લાગ્યું. હા, લોકોની રુચિ અનુસાર જૂનાં ભજનો કે ગીતો ફિલ્મીધૂન પર ગાવાં પડે. રામાયણ કે મહાભારતના પ્રસંગો પર બેંતબાજી ચાલે તો સામસામે મંડળીઓની રાતભર રમઝટ બોલે. દોહા-ચોપાઈના સવાલજવાબ સાથે કથાપૂર્તિ કરતા જવાની. રાત આખી કોઈ મચક ન આપે. ઘણું પરંપરાનું ને કેટલુંક શીઘ્રસર્જન પણ ખરું. મેં પૂછ્યું, ‘ત્યારે જ સૂઝે ને રચી કાઢો તે દોહા, ચોપાઈ પછી લખી લો ખરાં?’ તો કહે. ના. એ વખતે સૂઝ્યું તે બોલાયું. તે બોલાયું તે બોલાયું—’ તેનો કોઈ લિખિત રેકર્ડ નહીં. એવી કોઈ લાલચ નહીં. એ સમયે શ્રોતાઓને ગમ્યું તે જ બસ. મારા કાનેને તેમણે થોડો બુંદેલખંડી ગીતોનો પ્રસાદેય ચખાડ્યો. મેં તેમની ડાયરી જોવા માગી. અનેક લોકગીતો, દોહા, ચોપાઈ લખેલાં. એક પાના પર નજર પડી —

‘જૈસે નદી સુની હો બિન નીર કે
વૈસે નારી અધૂરી લગે બિન ચીર કે’

લયમાં વજનદોષ જરૂર છે પણ નીર-ચીરનો સાર્થક પ્રાસ ભાવી ગયો. ફટફટ અવાજ કરતું ફટાફટ ચાલતું હતું. સવારની આછીભીની ઠંડી હવામાં અનેરી તાજગી. આસપાસ ટેકરીઓ દેખાઈ. આગળ જતાં બધું વધુ લીલું થતું ગયું. હવામાં શરદનાં ખેતરોની ભીની ગંધ હતી. એમ થાય કે પીધા જ કરીએ અને આવ્યું ઓરછા. અઢારઅઢાર વરસ મનમાં પાળેલી ઇચ્છા જાણે મૂર્તિમંત થઈ. ઉત્સુકતા હતી ઓરછાને જોવાની, પામવાની ને એક દહેશત હતી કે અજ્ઞાતના ગૂંઠનમાં રહેલું ઓરછા, તેની વેત્રવતી નદી, ત્યાંના મહેલો, મંદિરો, કિલ્લાઓ મારી કલ્પનામાં છે તેવા જ નહીં હોય તો? કારણ આપણે ધારીએ કે ન ધારીએ કોઈ જગ્યાએ જતાં પહેલાં એ જગ્યા વિશેની પૂર્વધારણા, એક ચિત્ર તો નજર સામે હોય છે જ. આશંકિત મનને હજી ધીરજ ધરવાની હતી. વહેલી સવારે હજી ઓરછા જાગ્યું ન હતું. કેટલાંક ઘર જાગ્યાં હતાં પણ ગલીઓ-દુકાનો સૂની હતી. છકડાવાળાએ ઉતાર્યો ને થોડુંક ચાલ્યો ત્યાં જ દૂરથી દેખાયું શ્યામવર્ણ શિખર. હું ચાલ્યો બેતવા-વેત્રવતિ તરફ. વહેલી સવારે જ કોઈ પાગલ ભારતીય ટૂરિસ્ટને જોઈ ચાની દુકાનવાળાને નવાઈ લાગી. સવારમાં જ ધમધમતા પ્રાઇમસ પર ઊકળતી ચાની સુગંધી વરાળથી ચા કોને પીવાની ઇચ્છા ન થાય! સામે જ ચત્રભુજ મંદિરનાં ઉત્તુંગ ષટ્કોણીય શિખરો દેખાતાં હતાં. ચાવાળા પાસે જ એક ડંગોરો લઈ બેઠેલો વાતડાહ્યો વૃદ્ધ દુકાનદાર સાથે વાત કરતાં કરતાં તેમની બોલી-બુંદેલીમાં એક કહેવત બોલ્યો. રસ પડ્યો—

‘હાંકે સે ટટ્ટુ નિગૈ, સુંગે અતર બસાય,
પુછેં પુછેં જાનિયે પુત્ર કોન સો જાય.’

જે ઘોડાને ચાબુક ફટકારીને હાંકવું પડે, જે અત્તરને નજીક લઈ સૂંઘવું પડે અને જેના પુત્રને તારો બાપ કોણ? તેનો અર્થ શો? તેની ઓળખ તો સ્વયં મળવી જોઈએ. આવી તો ઘણી કહેવતો – હજારો તેને યાદ છે. સાંભળવાનો સમય ક્યાં? હજી આગલી પેઢીના શહેરીજનો અને આ પેઢીના ગ્રામજનો પાસે આ જણસ સચવાયેલી પડી છે ત્યાં સુધીમાં તેનું ડોક્યુમેન્ટેશન થઈ જવું જોઈએ. બેતવાના સામે કિનારે જ અરણ્ય દેખાતું હતું. ત્યાં જઈને અરણ્ય રૂદન કરું? દુકાનવાળાને અને પેલા વૃદ્ધજનને થેલામાંથી સૌરાષ્ટ્રની મોટી શેકેલી શિંગ કાઢીને ધરી. ફોતરાં ઉડાડતાં ખાતા જાય ને કહેતા જાય, ‘યે તો કાજુ હૈ કાજુ’ તેમનો એ સંતોષ લઈ ઊપડ્યો બેતવા તરફ. સામેનું ખંડેર જેવું ચત્રભુજ મંદિર હજી ખૂલ્યું ન હતું. હવે પહેલાં બેતવામાં સ્નાન. ગામને અડીને જ વહે છે આ બેતવા. ગામ પાસે જ મહેલની આગળ વળાંક લેતી લાંક ધસમસતી વહી જાય છે. દર્શન પહેલાં જ તેનો રવ સંભળાય છે. સોળમી સદીના બુંદેલા રાજપૂત રાજા રુદ્રપ્રતાપને આ રમણીય કિનારો ગમી ગયો ને ઓરછા રાજ્યની સ્થાપના કરી. રુદ્રપ્રતાપને અહીં જ મહેલ, મંદિર, નગરી વસાવવાનું મન કેમ થયું હશે તે તો બેતવાનાં દર્શન કર્યાં ત્યારે જ ખબર પડી. જોઈ પહોળા તટે ખડકોથી વિભાજિત થતી, શિકર ઉડાડતી ફેનિલ બુદબુદો ફીણો ઉડાડતી, કલધ્વનિ કરતી વેગવાન વેત્રવતી. સામેના કાંઠે સાગનું વન. અદ્ભુત. બધું રાજા રુદ્રપ્રતાપ અને કાલીદાસના સમયમાં હતું તેવું જ. હવે હું પુલ વટાવી બેતવાના અરણ્ય તરફના કાંઠે છું. સામે છે ઓરછા, તેનો દુર્ગ, વિશાળ મહેલો, મંદિરો, મંદિર આદર્શ છત્રીઓ, કિલ્લાના બુરજો, કાંગરા, કાંગરીઓ, દરવાજાઓ, બધું એવું જ, જેવું મેં કલ્પ્યું હતું. મનો ને લોચનનો કોઈ ઝઘડો ન રહ્યો. આ કાંઠે સાગનું વન, વચ્ચે નીલવર્ણી બેતવા, સવારનો ઠંડો પવન, પારદર્શી દૂરતાની સામે કાંઠે પ્રકાશની પહેલી ટશમાં સૂર્યના સુવર્ણ પ્રકાશમાં ઝળહળતાં શિખરો, ગુંબજો, છત્રીઓ, છજાઓ, દુર્ગદીવાલો ને દુર્ગ પરની દેરીઓ. આ બેતવા-વેત્રવતીએ કાલીદાસની જેમ મારું મન મોહ્યું. મેઘદૂતમાં નિર્વિંધ્યા, ગંભીરા, ચર્મવતિ, યમુના, ભાગીરથી સાથેસાથે પોતાના પ્રદેશની વૈત્રવતીને કવિ ભૂલ્યા નથી. ‘તેષાં દિક્ષુ’વાળા પ્રથિતયશ શ્લોકમાં જ વેત્રવતિનું વર્ણન છે —

‘તેની વિશ્વે વિદિત વિદિશા છે રૂડી રાજધાની
ત્યાં કામિની રુચતી રસની માણશે મોજ મોંઘી;
તીરે ગર્જી મૃદુ, વિલસતી ભ્રૂસમી ઊર્મિવાળું
પીજે મીઠું અધરરસ શું વારિ વેત્રાવતિનું’

શિલાઓ સાથે જળ અથડાવાથી થતા મંદ જળધ્વનિને વિલાસિની નાયિકા-વેત્રવતિનાં રતિકૂજન કહ્યાં અને આ જળમાં નાયિકાના ભ્રુવિલાસ જેવા તરંગો મનેય દેખાયા. થયું નદીમાં ઊતરું. સાથે ટુવાલ-કપડાં તો હતાં જ. કાંઠે મોટા ખડક પર બૅગ મૂકી પડ્યો નહાવા – સ્વચ્છ નીલ શીતળ ધસમસતા વહેતા જળમાં. આવી વહેતી પાર્વતી નદી જોયે કેટલાં વરસો થયાં હશે? ને નહાયે? છેલ્લે આવી જ ખળકતી તુંગભદ્રામાં નહાયો હતો. વિજયનગર ગયો હતો ત્યારે. તે વાતનેય વીસ વરસ થયાં. મારી જેમ નદીમાં કાંઠે નહાય છે ઓરછાના પુરુષો... કાળું કસાયેલું પાતળું ડિલ. મેં નદીની અંદર ડૂબકી મારી. મોટી આંખવાળી સરતી લસરતી માછલી દોસ્તી કરવા આવી. હાથે ચુંબન કરી ગલગલિયાં કર્યાં. બિલોરી જળમાં તળિયાના ચોખ્ખા કાંકરા દેખાયા. મારા જ હાથ પાણીમાં અજાણ્યા સુંદર લાગ્યા. નદીમાં તળિયે તડકાનું ઝળહળતું નર્તન ને જળની વિશિષ્ટ ગંધ એક જ ડૂબકીમાં પમાઈ ગયાં. સામે કાંઠે ગામમાંથી એક ભક્તવૃંદ પાલખી લઈને આવ્યું. સાથે આવ્યા ઝાંઝ, પખાજ, ભજનકીર્તનના ઉલ્લાસિત સૂરો, નાચતા વગાડતા, ડોલતા ભક્તજનોની ટોળી. ગણપતિની મૂર્તિને વિસર્જિત કરવા આવ્યા છે. બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરાવી પૂજન કરાવે છે. અબીલ-કંકુથી પાણી ધવલ રક્ત થઈ જાય છે. કોઈ ઉત્સાહી ભાવિક વારે વારે શંખ ફૂંકી રહ્યો છે. ગંભીર શંખધ્વનિ નદીના તટને ભરી દે છે. હવે ગણપતિને વિસર્જિત કરી ભાવિકો નહાય છે. નહાઈ ડિલ લૂછી પાછા ફરે છે, ત્યારે તેના પગ છે ઉદાસ ક્લાંત. હમણાં જ નાચતા-ગાતા આવેલા આજ ભાવિકો ગણપતિને વળાવી જાણે થોડા ઉદાસ થયા છે. કેમ ન થાય? જે રૂપ સાથે અનુષ્ઠાનમાં પ્રીત બંધાઈ તેને આમ જ વહાવી દેવાનું? નદી રૂપને ઓગાળી અરૂપમાં લઈ જશે. એક તરફ નદીની અંદર જ પડ્યા રહેવાનું મન થતું હતું, ને બીજી તરફ સામે રહેલું ઓરછા બોલાવતું હતું. નાહીને અરીસા વગર જ દાઢી કરી તો બેચાર ગ્રામજનો તો જોઈ જ રહ્યા આ નાગરી જનને – કંઈક આશ્ચર્યથી, કંઈક વૈચિત્ર્યથી. હવે હું હતો તાજી હવા જેવો ફ્રેશ. હમણાં સુધી વજનદાર લાગતી મારી લેધરબૅગ હળવી લાગી ને પહેલાં પગ ઉપાડ્યા રાજમહેલ તરફ. બેતવાને કિનારે જ દુર્ગથી આરક્ષિત રાજમહેલ સંકુલ. કિલ્લાની સીધી ભૂખરી કાળી પીઠ, બંદૂકના નાળચા માટેના ત્રાંસા ખાંચાઓ, કાંગરાઓ અને મહેલની છત પર નાની નાની છતરીઓ. સીધી અને વળાંકયુક્ત રેખાઓનું અદ્ભુત સંયોજન. દુર્ગની એક તરફ બેતવા અને બીજી તરફ તેને આવીને મળતી અડવાલો નદી. દુર્ગ જળથી આરક્ષિત. દુર્ગવિધાનના રચયિતાઓ પર માન થાય. અડવાલો નદી પરનો પુલ પસાર કર્યો ને દુર્ગમાં પ્રવેશ મળ્યો. અહીં જ છે રાજમહેલ. જહાંગીર મહેલ અને પ્રવીણ મહેલ. ટિકિટ લીધા પછી જ અંદર પ્રવેશ મળે. કાઉન્ટર ખૂલે ૯-૦૦ વાગે ને હું પહોંચ્યો સવારે ૮-૩૦ વાગે. આ આખા પરિસરને નિરાંતે પામવાનો અનાયાસ જ અવસર મળી ગયો. દરેક પરિસરને પોતાનાં આંદોલનો હોય છે. તેની સાથે ટ્યૂનિંગ થાય, સંવાદ સધાય પછી જ તે સ્થળ પોતાનું અંતરંગ ખોલે. કિલ્લાની અંદર રાજમહેલના દ્વાર પર જ બેઠો. આસપાસ લટાર મારી. ઊંચાં પગથિયાં, વિશાળ દરવાજો, ખૂલતો ચોક, ફરી ઘાટીલી પગથીઓ, ઉપરના તલ પર ફરી મહેલ, ફરી ઉદ્યાન, ત્યાંથી ઉપર ફરી પગથિયાં અને બીજો મહેલ, મહેલનું પ્રાંગણ અને ઉદ્યાન. ‘દ્વાર કે પાર આંગન ખૂલે, આંગન કે પાર દ્વાર.’ નકશીદાર ઝરૂખાઓ, ઉપર ઘાટીલી નમણી છત્રીઓ, ઉઘાડી બારીઓ, નાની નાની કોટરી, અવાવરું ગંધ, ચામાચીડિયાની ફુરુફુસાહટ. ચોતરફ ઊગી ગયેલાં ઘાસની શરદ ઋતુની ભેજભરી ઉષ્ણ ગંધ; દુર્ગ અને મહેલ સંકુલમાં અનેક તલ, સોપાનશ્રેમીઓ અને રેખાઓની રમણા – બધું નિરાંતે પામી રહ્યો. એટલામાં તો કિલ્લાની અંદરથી કોણ જાણે કોઈ બાજુએથી નારીવૃંદનો ગાવાનો અવાજ આવ્યો. અવાજ નજીક આવ્યો ને તે પછી દેખાયું નારીવૃંદ – રંગબેરંગી વસ્ત્રોમાં સજેલું. હાથમાં પૂજાપો અને કંઠમાં ગીત. એ વૃંદ કિલ્લાના કોઈ ખૂણે વળી ગયું ને ગીતના અવાજ ઓસર્યા ને ત્યાં તો ફરી એ ઉલ્લાસિત ગાનની ભરતી ચડી ને ફરી એ નારીવૃંદ દેખાયું. કિલ્લામાં જ કોઈ પૂજાસ્થળ હોવું જોઈએ. નવ વાગ્યાને ટૂરિસ્ટ ઑફિસના માણસો આવ્યા. કિલ્લાના જ એક કોષ્ઠમાંની ઑફિસ ખૂલી ને ખૂલ્યા મહેલના દરવાજાનાં તાળાં. રાજમહેલ બહાર દીવાને આમ અને અંદર દીવાને ખાસ. ઓરછાના સ્થાપક રાજા રુદ્રપ્રતાપે ૧૫૦૫માં બંધાવેલો. એ પછી રાજા ભારતીચંદ્રે કામ આગળ વધાર્યું ને રાજા મધુકર શાહના સમયમાં તો તે પાંચ-મજલો મહેલ બન્યો. મહેલની અંદર વચ્ચે ખૂલતા ચોકમાં ખૂલતા વિશાળ ઠંડા ઓરડાઓ. ચોકીદારે ઓરડાઓ ખોલી આપ્યા. ચોકમાં પડતા સવારના પ્રકાશમાં દીવાલ છત પરની આખી ચિત્રવિથિ ઝળહળી ઊઠી. ૧૬મી-૧૭મી સદીમાં બુંદેલખંડી શૈલીમાં દોરાયેલાં ચિત્રાની થીમ મહાભારત, ભાગવત દશાવતાર, કૃષ્ણલીલા અને રામાયણની. બળકટ રેખાઓ અને ખૂલતા લીલા, પીળા, જાંબલી, નીલા, લાલ રંગોનાં સંયોજનો, મહેલમાં દીવાલો, કમાનો, સ્તંભો, ગોખ બધું ચિત્રથી ખચિત. તત્કાલીન રાજપૂત મુગલ કળાની અસર દેખાય. ફૂલપાન, વેલ, પશુ, પક્ષી, નારી, નૃત્યાંગના આ બધું અદ્ભુત રંગરેખાનું સંયોજન પામે. અંદરના ઓરડાઓમાં રામાયણ, ભાગવત, દશાવતાર, નવગ્રહનાં ચિત્રો બળૂકી રેખાઓમાં અને બળૂકા રંગોમાં. મહેલનું સમારકામ ચાલુ છે, આશંકા છે કે આ ભીંતચિત્રો રહેશે ખરાં? રાજમહેલના પહેલા મજલા પર લટાર મારી બહાર નીકળ્યો. ફરી થોડાં પગથિયાં ચડ્યો અને આવ્યો ઉદ્યાન તલ પર. એક તરફ રાય પ્રવીણ મહેલ ને બીજી તરફ સામે મોટો જહાંગીર મહેલ. વીરસિંહ જુ દેવે તેના મિત્ર જહાંગીરની મુલાકાતની સ્મૃતિમાં બંધાવેલો. રાય પ્રવીણ રાજા ઇંદ્રમણિની પ્રેમિકા. અપરૂપ સુંદરી ગાયિકા અને નૃત્યાંગના. એક સરસ પ્રેમકથા જોડાઈ છે, આ રાય પ્રવીણ સાથે. રાજા ઇંદ્રમણિની આ નૃપપ્રિયાથી અકબર મોહિત થયો ને તેને દિલ્હી દરબારમાં બોલાવી. હિંદના શહેનશાહનું ફરમાન. પાછું તે કેમ ઠેલાય. રાય પ્રવીણે તો દિલ દઈ દીધું હતું ઇંદ્રમણિને. રાય પ્રવીણ તો જઈ પહોંચી શહેનશાહના દરબારમાં. જરાય લજવાઈ-શરમાઈને નહીં, પણ હિંમતભેર ઊભી રહી. ઇંદ્રમણિ પરના પ્રેમે એક ઠંડી તાકાત આપી. કંઈક રોષ, કંઈક ઉપાલંભથી ભર્યા દરબારમાં અકબરના માનમર્તબાનો વિચાર કર્યા વગર બોલી ઊઠી—

‘બિનતી રાય પ્રબીનકી, સુનિહો સાહ સુજાન
જુઠી પાતલ ભ્રીખત હૈ, વારી, વાયસ શ્વાન’

‘હે શહેનશાહ, રાય પ્રવીણની વિનંતી સાંભળો. ભિખારી, કાગડો અને કૂતરો હોય તે એંઠી પતરાવળી ચૂંથેઃ હું તો રાજા ઇંદ્રમણિને સર્વસ્વ આપી એની થઈ ચૂકી છું.’ અકબરે તેનો ઉત્કટ પ્રેમ જોઈ માનભેર પાછા ઓરછા મોકલી આપી. કહે છે કે અહીંના રાજકવિ કેશવદાસે ‘કવિપ્રિયા’ ને ‘રસિકપ્રિયા’ જેવા શૃંગારગ્રંથોમાં આ નાયિકાને અમર કરી. ઓરછા જોયા પછી ‘રસિકપ્રિયા’ વાંચવાની ઉત્કંઠા જાગી. વીસેક વરસ પહેલાં કેશવદાસનું સિચત્ર બારામાસા જયંત મેઘાણીએ ત્યાં ‘પ્રસાર’માં જોયેલું. બાર ઋતુનાં બાર પદો, અને તેને અનુસાર ઋતુચિત્રો. પુસ્તક જોતાં એવી છાપ પડેલી કે ચિત્રો કરતાં શબ્દનો જ હાથ ઉપર રહેલો. બારામાસાની નાયિકાને આ ચૈત્ર કેવો લાગેલો? આવો—

‘ફુલીં લલિતા લલિત, તરૂન તન ફૂલે તરૂવર
ફૂલીં સરિતા સુભગ, સરસ ફૂલે સબ સરવર
ફૂલીં કામિનિ કામરૂપ, કરિ કંતહિ પૂજહિં
શુક સારી કુલકેલિ, ફૂલિ કોકિલ કલ કૂજહી
કહી ‘કેશવ’ એસે ફૂલ મંહ, સૂલ ન હિયે લગાઇયે
પિય આપ ચલન કી કો કહૈ, ચિત્ત ન ચૈત ચલાઇએ’

દરેક ઋતુ તેના શીત ઉત્તાપ, વર્ષા, જલ-પવન, વન-ઉપવનની વાત કરતાં કરતાં દરેક મહિના માટે નાયિકાને પ્રિયતમને તો એ જ કહેવું છે કે આવા આ મહિનામાં તું ક્યાંય ન જતો. મારી પાસે જ રહે. ‘ભાદોં ભૌંન(ભવન) ન છોડિયે’, ‘ગમન ન સુનિયે સાવને’, ‘કંત ન કાર્તિક કિજીએ’, ‘માગસર મારગ ન ચિતું’, ‘પંથ ન બુજીએ પુસમેં’, ‘ધર નાહ છાડિયે માધમેં, ‘ફાગુન ફાગ ન છંડિયે’. આ બારામાસામાં કામરત નાયિકાની વાત તો છે જ, પણ એ વખતના કવિએ પ્રજાજને ઋતુચક્રને કેવી રીતે માણ્યું છે તે વાત જ મુખ્ય છે. આ જ કેશવદાસે નાની ઉંમરમાં ધોળા થઈ ગયેલા વાળને નર્મભર્યો ઉપાલંભ આપ્યો.

‘કેશવ કેસનિ અસિ કરી, જસ અરિ હું ન કરાહિ
ચંદ્રવદન મૃગલોચની, બાબા કહિ કહિ જાહિ’

‘હે મારા કેશ, તેં મારા પર જે વિતાડ્યું છે તેવું તો દુશ્મન પણ ન કરે. જે રસિકા સાથે રમણ કરવાની ઇચ્છા રાખી છે તે સુંદરીઓ તારા લીધે મને બાબા (કાકા) કહીને બોલાવે છે.’ અત્યારે કેશવદાસ હોત તો ‘ગોદરેજ’ કે હર્બલ હેર ડાય વાપરી ફૂટડો જુવાન દેખાઈ મૃગનયની સાથે રમણ કરતો હોત. અત્યારે તો એ કેશવદાસ નથી. રાજા ઇંદ્રમણિ નથી કે નથી મૃગલોચની રાય પ્રવીણ. અત્યારે તો આ મહેલ એમ. પી. ટૂરિઝમની હોટલ છે અને બેચાર ટેબલ પર ફોરેનર ટૂરિસ્ટો ધીમું ધીમું ગણગણતાં વાતો કરી રહ્યા છે અને બદામી ધોધ જેવા વાળ લહેરાવતી એક રમણી અન્યમનસ્ક થઈ ભૂતકાળમાં ઝાંખી રહી છે. હુંય મારા મનને કહું છું ‘ચાલ જીવ’. સામે જ છે જહાંગીર મહેલ. સવારના તડકાથી ત્રાંસા પડછાયાની રેખાઓ દીવાલો પર, ફરસ પર, ઉદ્યાન પર અંકાતી જાય છે. મહેલ ફરી એક ઊંચા તલ પર પગથિયાં ચડી દોઢીના દરવાજે આવું છું ત્યાં ઘેરી વળી ચામાચીડિયાની હવડગંધ. સહેજ આગળ ચાલુ છું તો વચ્ચે મોટો ચોક અને સ્નાનકુંડ. ચારે તરફ ઓરડાઓ. એમાંનો જ એક મુખ્ય ખંડ મ્યુઝિયમમાં ફેરવાઈ ગયો છે. મ્યુઝિયમ હજી ખૂલ્યું નથી. ખૂલ્યું હોત તોપણ જોવાની ઇચ્છા ન થઈ હોત. દીવાલો, ગોખો, ખૂણાઓ, ગર્ભગૃહોમાં જે તે જગ્યાએ શોભતી; કંઈ કેટલાય અંગત સંબંધો, સંદર્ભો, સ્પર્શો ધરાવતી વસ્તુઓ-મૂર્તિઓ મ્યુઝિયમમાં લાઇનબંધ ગોઠવાય છે અને એ જોવાનો એક થાક લાગે છે, નિર્વેદ જાગે છે. સારું છે હું તેમાંથી બચ્યો. મહેલના પૂર્વ તરફના છેડે, ઓરડાઓ, પ્રકોષ્ઠો પરસાળમાંથી વેગવાન વેત્રવતિ-બેતવાનાં દર્શન કરું છું. અહીંથી મારી જેમ જ અનેક રાજાઓ-રાણીઓ દેશવદાસ અને રાય પ્રવીણે વળાંક લેતી બંકિમ ભંગિમાંથી નાચતી, શિલાખંડો પર ઘૂઘવતી વિશીર્ણ થઈ વીખરાતી અરણ્યમાં ખોવાઈ જતી, યમુના ભણી વહી જતી બેતવાનાં દર્શન કર્યાં હશે. મારુંય એ બેતવાનું છેલ્લું દર્શન. મહેલ જોયા પછી હવે મંદિરો, છતરીઓ તરફ, બેતવાના કિનારે જ મંદિર સદૃશ છત્રીઓ – બુંદેલી રાજાઓનાં સમાધિસ્થળો છે. ઉત્તુંગ શિખરોવાળી ભવ્ય છતરીઓ. નજીક ગયો પણ અંદર પ્રવેશ ન મળ્યો. દશ દરવાજા જ દશ વાગે ખૂલતા હતા અને એ પણ દરવાન જો હોય તો. ચત્રભુજ મંદિર પાસે બેતવાને કિનારે જ કેશવદાસ અધ્યયન કેન્દ્રનું બોર્ડ વાંચેલું. કવિ અને પ્રશાસક અશોક વાજપેયીના કાળમાં અહીં કેશવદાસ સમારોહ પણ થયેલો. શક્ય છે તેમની દૃષ્ટિથી જ આ કેન્દ્ર ઊભું થયું હોય. કેન્દ્ર ખુલ્લું હોય તો કેશવદાસનું સાહિત્ય જરૂર જોત. ઓરછા આવ્યા પછી દેશવદાસ સાથેય એક નિકટનો પરિચય થયો. મહેલમાંથી જ સામે દેખાતું હતું કાળું પડી ગયેલું ચતુર્ભુજ મંદિર. તેની પાછળ ચૂને ધોળેલું સફેદ રાજારામ મંદિર અને તેનીય પાછળ ગામથી દૂર ટેકરી જોવા ઊંચાણ પર લક્ષ્મીનારાયણ મંદિર. દૂરના લક્ષ્મીનારાયણ મંદિરે પહેલાં મન મોહ્યું. કારણ આ મંદિરમાં જ સચવાયેલાં રહ્યાં છે બુંદેલી કળાનાં ભીંતચિત્રો અને વિતાનચિત્રો. લક્ષ્મીનારાયણ મંદિર જવા ગામ ચીરીને નીકળ્યો. સડક લઈ જાય છે ટેકરી સુધી અને સડકથી મંદિર સુધી રાતા પથ્થરોની ફરસ. શું મારા માટે આ રેડકાર્પેટ બિછાવેલી છે? હા, મારા માટે જ. વહેલી સવારનો ચાલ ચાલ કરું છું. સામાન સાથે ચાલતા ભાદરવાના બાફભર્યા તડકામાં પગ તો થાકીને લોથ થઈ ગયા છે. પણ મન? એને ક્યાં કશો થાક હતો? એને તો બધું નયનભર નીરખી લઈ અંદર ઉતારી લેવું છે. મંદિરની પીઠિકા ત્રિકોણાકાર. મંદિર અને દુર્ગ વિધાનનો અદ્ભુત સમન્વય. ત્રિકોણાકાર ત્રણ દીર્ઘાઓમાં ચિત્રો છે. કહે છે રાજા પૃથ્વીસિંહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ચિત્રકળા કરાવી. અહીં વિષયમાં કૃષ્ણલીલા, રામાયણના પ્રસંગો, દાણલીલા, યુદ્ધનાં દૃશ્યો, પશુ, પક્ષી, વેલબુટ્ટાઓ; રંગો કથ્થાઈ, ભૂરો, પીળો, લાલ, લીલો; રેખાઓ બળકટ પણ મધુબની જેવી અણઘડ નહીં. આ ચિત્રો તેના નિર્માણકાળમાં કેવા દૈદીપ્યમાન લાગતાં હશે? કલ્પના જ કરવી રહી. ધાતુરંગો હશે તેથી હજીય સચવાઈ રહ્યાં છે. પણ માણસોએ સાચવ્યાં છે ખરા? હાથ પહોંચે ત્યાં ત્યાં દીવાલો પર ટુરિસ્ટો પ્રેમીઓએ પોતાનાં નામ ખોતર્યાં છે. પોતાનો વ્યક્તિવેશેષ પરનો પ્રેમ દર્શાવવા હૃદયમાંથી આરપાર તીર દોરીને આ ચિત્રોને જ ઘાયલ કર્યાં છે. યોગ્ય સાચવણી સંરક્ષણ હોત તો આમ ન થાત. પણ અફસોસ બધું સરકારના હાથમાં. કાકાસાહેબ સાચું જ કહે છે કે અ-સરકારી અસરકારી. અહીંનો એક રખેવાળ એ જ ગાઇડ. એ તો ઇઝરાયલી યુગલને ભાંગીતૂટી અંગ્રેજીમાં તેને આવડે તેમ ચિત્રો અને ઇતિહાસ સમજાવતો હતો. હું કુતૂહલવશ સાંભળવા રોકાયો તો કહે, ‘આગે દૂસરી ગૅલેરી મેં આપ જાઈએ, અચ્છે ચિત્ર હૈં’ હું આશય સમજી ગયો. તેને ઇંડિયન ટૂરિસ્ટ પાસેથી પૈસાની આશા ઓછી અને પોતાની લોલંલોલ પોલ ખુલ્લી પડે તે વધારામાં. યહૂદી દંપતી સાથે થોડી વાતો કરી હું બીજી ગૅલેરી જોવામાં પરોવાયો, હું દીવાલ સરસી ઉપર ચડતી વિશિષ્ટ સીડીથી ઉપરના માળે ચડ્યો. અહીંના સ્થાપત્યમાં પગથી, પગથિયાં, પરસાળ, ગુંબજ, ઘુમ્મટમાં ભૌમિતિક કોણો-રેખાઓનો લલિત વિન્યાસ છે. ગર્ભગૃહમાંથી વિગ્રહ-લક્ષ્મીનારાયણની ચોરી થઈ ગઈ છે તેથી ત્યાં માત્ર અપૂજ અંધારું છે. શિખર સુધી જવા માટે ભીંત સરસી સર્પાકાર સીડાઓ છે. છેક શિખર સુધી જવાની હિંમત ન ચાલી. બીજા મજલા સુધી જઈ જોયું તો થયું ઓરછાના દુર્ગ મહેલ મંદિરની સાથે સાથે ઓરછા નગરની સીમા આંકતા ખળભળી ગયેલા ગઢ કિલ્લાની સીમારેખાઓનું દુઃખદ દર્શન. વળતાં લીધું રાજારામનું મંદિર — આ વિસ્તારમાં લોકોનું આસ્થાકેન્દ્ર. ઓરછાનાં મહેલો, દુર્ગો, મંદિરો, છતરીઓ બધાં કાલ અને લીલખાયા શ્યામવર્ણી. આ એક જ સ્થાપત્ય શ્વેત. સફેદ ચૂને ધોળેલું. કારણ આ મંદિર અપૂજ નથી. તેને રંગરોગાનનો બધો જ લાભ. જોકે આ રંગરોગાને જ તેની ઐતિહાસિક અને એસ્થેટિક અપીલ નામશેષ કરી નાખી છે. આસ્થાળુઓને ભલે ગમતું હોય, મારા જેવા પ્રવાસીને તો એમ જ લાગ્યું, કહે છે કે ઓરછાનરેશ મધુકર શાહની રાણી ગણેશકુંવરીને ભગવાન રામ સપનામાં આવ્યા’તા. રાણીની ઇચ્છાને નામ આપી કૃષ્ણભક્ત રાજા અયોધ્યાથી રામની મૂર્તિ લાવ્યા. મંદિરમાં તેની પ્રાણપ્રતિષ્ઠા કરતાં પહેલાં તેને અહીંયાં રાખી. પણ સ્વપ્નમાં લીધેલાં વચન પ્રમાણે મૂર્તિને જ્યાં પ્રથમ વાર રાખી હતી ત્યાં જ સ્થાયી થઈ ગઈ અને એ જ મહેલ બન્યો રાજારામનું મંદિર. અને મંદિર તરીકે મહેલ કેમ ન હોય? અહીંયાં જ રામ એ રાજારામ તરીકે પૂજાય છે. બહાર પૂજાપો, પૂજાપાત્રો, ધાતુમૂર્તિઓ, માળાઓ, વીંટીઓ, આભૂષણોની દુકાનો અને પાથરણાં હતાં. મંદિરમાં માવાનો ભોગ ધરવા પ્રસાદની દુકાનોમાંથી મીઠા ગરમ માવાની ભૂખ ઉઘાડતી સોડમ આવતી હતી. દર્શન કરી ઊઘડેલી ભૂખને મેં માવાનો પ્રસાદ ધર્યો. રામની જેમ આતમરામ પણ પ્રસાદ માગે ને! અહીંની સ્મૃતિ રૂપે કમળફૂલ જેવી સાત પાંખડીઓના ખાનાવાળી ધાતુની કંકાવટી લઈ ચાલ્યો પાસેના ચત્રભુજ મંદિર. જે મંદિરને ઓરછા આવતાવેંત જ જોયેલું તે ચત્રભુજ મંદિરને નજીકથી, અંદરથી નિરાંતે જોવાનો વારો છેલ્લો આવ્યો. ઊંચી જગતી પર છે આ ચત્રભુજ મંદિર. ચાર ષટ્કોણીય બહુમજલા મિનાર જેવાં શિખરો વચ્ચે ગર્ભગૃહનું ષટ્કોણીય ઊંચું પ્રોન્નત શિખર એ ઓરછાનું સર્વાધિક ઊંચું શિખર. મંદિરમાં ભલે ખચિત શિલ્પો નથી પણ તેના આકારની દક્ષિણના ગોપુરમ્ જેવી ભવ્યતા જ તેની ગરિમા માટે પૂરતી છે. એક કાળે ચત્રભુજની મૂર્તિ હશે... અત્યારે તો લગભગ અપૂજ જેવું જ પડ્યું છે. અહીંનાં મંદિરો અને છત્રીઓ જેવાં ષટ્કોણીય શિખરો બીજે જોયાં નથી. સવારના સાડાદસ થયા હતા. હવે ઝાંસી ગ્વાલિયર તરફ જવાની વળતી યાત્રા આરંભવાની હતી. કોઈ પ્લાનિંગ કે આયોજન વગર જ મનની ઉત્કટ ઇચ્છાને વશવર્તી અહીં આવ્યો તેનો જ આનંદ અને સંતોષ હતો. સવારે છ વાગે તો ઓરછા પહોંચ્યો ને સાડાદસ વાગે તો પાછો જવા નીકળી ગયો. આ ચાર-પાંચ કલાકમાંય ઓરછા સાથે નાતો બંધાઈ ગયો. એ કાલીદાસની વેગવાન વેત્રવતિ-બેતવા, કાંઠા પરથી દેખાતી છતરીઓ, મહેલો, દુર્ગો, મંદિરો, એ રાજા ઇંદ્રમણિ, કવિ કેશવદાસ, રસિકપ્રિયા રાય પ્રવીણ બધાં મને વળગી રહ્યાં. ઓરછાથી ગ્વાલિયર ગયો ત્યારેય અને અહીં રાજકોટ આવ્યા પછીય ઓરછા સાથે જ છે અને અંદર સુધી ઝમી રહેતા આવા કોઈ સ્થળની વિશેષતા આ જ છે ને!