છિન્નપત્ર/૩૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨

સુરેશ જોષી

મનમાં ને મનમાં હું હસું છું. આમ તો ઠાવકો બનીને બેઠો છું. સભા છે. સભામાં સજ્જનો છે. સન્નારીઓ છે, હું હમણાં જ વિદ્વાનની અદાથી ભાષણ કરવાનો છું. માલા છે, લીલા છે. લીલા હોઠ પર રૂમાલ દાબીને હસી રહી છે. માલાને એ રુચતું નથી. એ થોડી થોડી વારે લીલા પર ચિઢાય છે. મારી પ્રશંસા ચાલી રહી છે. નાનું બાળક અજાણ્યા ફળને કુતૂહલથી ચાખવા દાંત ભરે તેમ આ પ્રશંસાને હું સહેજ ચાખીને ફેંકી દઉં છું. પછી હું બોલું છું ને બોલતાં બોલતાં આ પરિવેશથી દૂર સરી જાઉં છું. નાનું બાળક લાકડાના ચોરસથી બંગલો બનાવે તેમ હું રસપૂર્વક વિચારોને ગોઠવું છું. હું જેને મહામહેનતે સ્થાપું છું તેને વળી સામી દલીલ કરીને તોડું છું. થોડુંક ટોળટિખ્ખળ પણ ઉમેરું છું તો ક્યાંક ઇચ્છા ન છતાં ગમ્ભીર બની જાઉં છું. વાક્યોની ગતિ ધીમી પડી જાય છે, સામે પવને જતો હોઉ તેવું લાગે છે. મારી સામે કોઈ દેખાતું નથી, એકલતાની નાગણ ડંખે છે ને હવે હું બોલતો નથી પણ ચીસ પાડું છું. સભા તાળીથી મને વધાવે છે. હવે હું જાણે મારા ખોળિયાની બહાર ફેંકાઈ ગયો છું. વિચારોના તાણાવાણા સિવાય મારા મગજમાં કશું રહ્યું નથી. એ વિચારોની જાળ પર આ કોનું આંસુ ઝિલાયું છે? એ કેવું ચમકે છે! ને હું સ્તબ્ધ થઈ જોઉં છું. પછી કશું બોલતો નથી. હું કશુંક બોલીશ એવી આશાએ સભા કાન માંડી રહે છે. હું હાથ જોડીને બેસી જાઉં છું. ગળામાં હાર છે, હાથમાં ગજરો. લીલા પાસે આવીને એ બંનેના ભારમાંથી મને મુક્ત કરતાંકહે છે: ‘What a dramatic end !’ માલા કશું બોલતી નથી. પણ ભીડ વચ્ચે એણે મારા હાથમાં એની આંગળી ગૂંથી દીધી છે. સ્વત્વનો આવો સ્પર્શસુખભર્યો દાવો મને મંજૂર છે! લીલા બોલ્યે જાય છે; ‘વક્તાનો પાઠ તું ખરેખર સારો ભજવે છે. આ હતાશા, એકલતા, વિશ્વને માથે ઝઝૂમી રહેલું સાર્વત્રિક મરણ, ચહેરા વિનાનો માનવી આ બધું તારે મોઢે એવા તો દર્દના કમ્પથી ઉચ્ચારાય છે કે જાણે ઘડીભર તો એને સાચું માની લેવા મન લલચાય છે –’ માલા એકાએક એને અટકાવી પૂછે છે: ‘તો શું એ સાચું નથી? એ કેવળ દમ્ભ કરે છે?’ લીલા ઘડીભર હેબતાઈ જાય છે, પણ પછી તરત જ કહે છે: ‘તારા જેવી ભોળીને ભરમાવવાને તો આટલું બસ છે’ એમ કહીને ગજરામાંનું ગુલાબ લઈને વાળમાં ગૂંથી લે છે. પછી કહે છે: ‘મારે મન તો આખા વ્યાખ્યાનનો સાર માત્ર આ.’ કહીને હસી પડે છે, હું જોઉં છું કે માલા ગમ્ભીર છે. ભીડ ઓછી થાય છે. થોડું એકાન્ત મળતાં જ એ એકાએક મને વળગી પડે છે. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં છે; ડૂમો ભરાયેલા અવાજે એ મને પૂછે છે: ‘તું મારાથી ક્યાંક ખોવાઈ તો નહિ જાય ને?’ હું મારી આંગળીને ટેરવે એનું આંસુ ઝીલતાં કહું છું: ‘તું મને જેટલો દૂર રાખે છે એથી વધારે દૂર હું કદી રહ્યો છું?’