છોળ/ઓરતો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ઓરતો

અવ તો રે આવી જાજ્યો હો જીવણ!
ફગફગતો ફરી ફાગણ આયો, ફોર્યાં ફોર્યાં ફરી વન!

કુંજગલીમાં સૈયરું સરખી પિયુ સંગ હોરી ખેલે
વરસે રે રંગરંગનાં વાદળ ગંધ ચડી છે હેલ
હાય રે વા’લા! —
ઊમટ્યા આ ક્રોડ ઉમંગોને સંગમેળે
અવરને અમીપાન ને મારે કાં ગરલ ઘૂંટનાં પીવણ?!
અવ તો રે આવી જાજ્યો હો જીવણ!

વીત્યાં ફાગણ કંઈક આવા ને વીતી હો કંઈક હોરી
તોય પૂર્યો ના ઓરતો ઉરનો રૈ ગૈ હું એક કોરી
                                હજીયે આવો —
                મોડી મોડી એક ફેરી દ્યો રંગે ઝબોળી,
બેઠી છું જરતી જાતનાં કરતી ધીરને ધાગે સીવણ!
                અવ તો રે આવી જાજ્યો હો જીવણ!

૧૯૬૫