છોળ/ચેતવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચેતવણી


રખે ઝપટમાં આવો ’લ્યા સહુ ચેતી રે’જો છેટે જી
                આથમણે ડુંગરથી ઓઢી છાયલ રાતાં
સમળીયુંનાં ઝુંડ સામટાં સરતાં આવે હેઠે જી!

                દસ દસ ભીડ્યા હાથ તણા કંઈ
                                ઘેર ઘૂમંતા ગોળ,
                ઊભી બજારે ફરતાં જાણે
                                ફાગણના વંટોળ,
શીય કરી સંતલસ આપસમાં એકબીજાને ભેટે જી!
રખે ઝપટમાં આવ્યો ’લ્યા સહુ ચેતી રે’જો છેટે જી…

                માંજર તીખાં નેણ ચડ્યાં શાં
                                આજ અજાણી ટીખળે,
                પડે નજર જેની પર એની
                                આરપાર જઈ નીકળે!
રહી રહીને મીટ ઠરે કો’ કેસરિયાળા ફેંટે જી!
રખે ઝપટમાં આવો ’લ્યા સહુ ચેતી રે’જો જી…

                ખળભળ હાટે-હાટ, ઊમટ્યાં
                                લોક વચે શી પૂછા
                ‘અણધારી ઝાપટમાં કોનાં
                નીકળ્યાં તે અવ છૂંછાં?!’

અરે પીંખાયો પસલો પેલો ફરતો ઝાઝી એંટે જી!
રખે ઝપટમાં આવો ’લ્યા સહુ ચેતી રે’જો છેટે જી…

૧૯૯૨