છોળ/બોલ્ય
છેલ રે મોરા! કુણ આવે આ
કંઠમાં ભરી આવડાં હેત-હુલાસ?
ભોર પ્હેલાંનાં ચોગમથી આંહીં
હાલકદોલક ઝીલને ઉપરવાસ?!
બોલ્યમાં ઈના ગુંજરતા મધપૂડા
કે ટૌ’કા રાતા વેરતા જાયે સૂડા,
બોલ્યમાં સૂતો સાવજનો હુંકાર,
કે ગળતી રેણનો રમઝમે શૂનકાર!
બોલ્યમાં હરણ ફાળનો સોહે લાંક,
કે લૂંબે ઝૂંબે ફૂલડે મ્હોરી શાખ,
બોલ્યમાં ઊઠે બીડની લીલમ લ્હેરી
કે બોલ્યે પાંખ્યું ઊડતા ચીલની પ્હેરી!
ઓ લુગાઈ મોરી!
ઘડીક છેટે, ઘડીક લાગતા પાસ
એક બે નહીં, વંન આખાનાં
બોલતાં આવે વાંસ!
છેલ રે મોરા! કુણ આવે આ…
બોલ્યમાં ભીના વાનનાં ઝમે તેજ,
કે માંજરાં કોઈ નેણનાં રમે હેજ!
બોલ્યમાં ભર્યા ગાલનાં પડે ખાડા,
કે વીંછું ત્રોફેલ ચટકા ભરે કાળા!
બોલ્ય રીઝે ન બોલ્ય તો લિયે હઠ,
કે બોલ્ય બળૂકી વ્હાલની દિયે બથ,
પરવાળાં શા ઓઠનો માંહી સોસ
કે બોલ્યમાં વાધે બીજનો પ્હેલો કોશ!
ઓ લુગાઈ મોરી!
ઘડીક મરક, ઘડીક લઈને હાસ,
એક બે નહીં, તંન આખાનાં
કોળતા આવે સાંસ!
છેલ રે મોરા! કુણ આવે આ…
- લુગાઈ = યુવતી
૧૯૬૨
આ બેય ગીતોની પશ્ચાદ્ભૂ છે ગુજરાત-રાજસ્થાનનો ભીલી પ્રદેશ. પહેલું ‘બોલ્ય’ છોટા ઉદેપુરની ઝીલ ફરતે ભરાતા ‘ભગોરિયા’ મેળાનું. વ્હેલી સવારથી, હાથલાંબી વાંસળી અને કરતાલ વજાડતાં, વગડાઉ ઝાડ-બીડ થકી ઠેકતા આવતા મોટિયાર અને લુગાઈ (યુવક-યુવતી)ને જોતાં રાની હરણાંના ટોળાનો ભાસ થઈ આવે! દિવસ આખો આપસમાં ગોઠ કરતાં મેળો માણે. સાંજ ઢળતાં, એકાબીજાની કેડ ફરતાં હાથના આંકડા ભીડી રાતભર ચકરાવે નાચે. ને ‘તાડપાં’ (તાડપત્રીના પગ લગી પહોંચતા મોટા ભૂંગળાવાળું, પૂંગી જેવું લોકવાદ્ય)ના ઘેઘૂર સૂર મહીં થનકતાં આવે આખીય વનસૃષ્ટિ ને મનસૃષ્ટિનાં હેતહુલાસ ને શૃંગાર!
બીજું ‘ચેતવણી’, દક્ષિણ રાજસ્થાનના જાણીતા જૈન તીર્થ કેસરિયાજીના ચૈત્રી મેળાનું. ભરી બજારે, મોટિયારોની મનભર છેડ કરતી રહેતી, માંજર-નીલ ને મારકણી આંખોવાળી લુગાઉઈયુંના અતિ સહજ, નિર્બંધ હુલાસને જોતાં, નાનાવિધ કુંઠિત રીતરિવાજો મહીં જકડાયા શહેરી જનોનેય ઈર્ષા થઈ આવે!