છોળ/જાળ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જાળ્ય


                સઈ! ઘેરી દાટ જાંબુડાંની જાળ્ય
તડકોયે માછલાં શો માંહી અટવાય એવી
                ગીચોગીચ ગૂંથાઈ ડાળ્ય!

ઉપરથી જાય વળી ગાંડો અખ્ખાડ
                પછેં કરવી અંધારની શી વાત્ય
ધોળે દા’ડેય તે લાગતું રે જાણે બીચ
                ભૂલી પડી કો’ મધરાત્ય!
ગરતાં તો ગરી આ રૂંવાડે રૂંવાડે
                અણજાણ્યી ભરી હતી ફાળ્ય!
સઈ! ઘેરી દાટ જાંબુડાંની જાળ્ય…

વાયરાની હિલ્લોળે હિલ્લોળે ચારેકોર
                જાંબુડાં દડતાં’તાં થોક
તોય જાણે વીણતાં થાતું’તું ચાહીને
                પૂંઠે મારી ઝીંકતું’તું કોક!
ધડકંતે ઉર ઘણું જોતાંયે આમતેમ
                કોઈની ના લાધતી’તી ભાળ્ય!
સઈ! ઘેરી દાટ જાંબુડાંની જાળ્ય…

ઓચિંતી કાળા ડિબાંગ એક ભોરિંગે
                વાંહેથી દીધી શી ભીંસ,
ભયના માર્યા તે મારા થંભી ગ્યાં શ્વાસ
                ને કંઠમાં ગડાઈ રહી ચીસ!
ઠેર ઠેર દીધાં જે ડંખ એના લીલામે
                ભર્યાં હાય છાતી ને ગાલ્ય!
સઈ! ઘેરી દાટ જાંબુડાંની જાળ્ય…