છોળ/આષાઢ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આષાઢ


સઘન ગગન ઘનગરજ સુણીને થરથર કંપ્યા પ્હાડ!

કાજળઘેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર.
ઝબકે લબકે વીજ કરંતી નાગણ શા ફુત્કાર
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!
                આવ્યો આષાઢ ગાઢ આવ્યો આષાઢ!…

ઊથલ ઊથલ દલ વાદળ પલપલ વરસે મુશળધાર
પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ઘરે પ્રલય શિંગાર,
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢી જળ ઓછાડ!
                આવ્યો આષાઢ ગાઢ આવ્યો આષાઢ!…

આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
આકુળ વ્યાકુળ જનગણ કંઠે ઊઠતો એક પુકાર
પ્રલયંકર હે શંકર! એને ઝીલો જટાની આડ!
                આવ્યો આષાઢ ગાઢ આવ્યો આષાઢ!…

૧૯૫૬