છોળ/વાયરા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વાયરા


                ઊમટ્યા રે કાંઈ વાયરા ભીના
રાતા કો’ પાયની લ્હાય પરે જાણે શાતાભરી અડી હીના!

આઘેરા વંનમાં ક્યહીં અચાનક વાજિ ઊઠી વાંસ-વેણુ
સૂરના બાંધીને ઘૂઘરા રંગમાં રમવા નીસરી રેણુ!
                ડુંગરે ડુંગરે લહેરાતા જાય
                                પાલવ પોતનાં ઝીણાં!
                ઊમટ્યા રે કાંઈ વાયરા ભીના…

તાનમાં ઝૂમતાં ઝાડવાં ડાળીએ ડાળીએ હિલોળે પાંદ
ચોગમથી કંઈ કેટલાં મયૂર ગ્હેકતાં મોકળે સાદ
                તોય નહીં મહીં આવર્યાં રે’તાં
                                બપીહાના બોલ તીણા!
                ઊમટ્યા રે કાંઈ વાયરા ભીના…

દખ્ખણી દિશથી રેલતી ભાવન તેજલ-શ્યામલ ઝાંય
ભૂખર સુક્લ સીમ આજે રૂડા વ્રજ સમી વરતાય!
                ને ગોપિકા શી ઘેલી, પાણિયારી પેલી
                                ઢૂંઢતી જાય શું કેડીએ કેડીએ
                                સગડ કહાનજીના?!
                ઊમટ્યા રે કાંઈ વાયરા ભીના…

૧૯૫૬