જયદેવ શુક્લની કવિતા/હા ભઈ હા, બધેબધ પડે જ છે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હા ભઈ હા, બધેબધ પડે જ છે...

‘હવે
બહાર જો.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
સામે આકાશમાં સૂર્ય ઝાંખો-પીળો.
વચ્ચે વરસાદ.
નાગો વરસાદ!’
‘આ ઋતુમાં પેલ્લી વાર,
પણ એની ક્યાં નવાઈ?’
‘જુઓ તો ખરા.’
‘થોડી ઠંડક થશે...’
‘ના થાય. અન્દરની બાફ જોઈ?
લાવા રેલાતો જાય છે, જાણે.’
‘ક્યાં છે લાવા?
ઘડીમાં વરસાદ,
નાગો વરસાદ
ને વળી લાવા?’
‘વાઉ... આટલા બધા ભોળા?
ક્‌હે છે ભોળા ને ભોઠ...
સાનમાં સમજો.’
‘સાનબાનની વાત
હવે પડતી મેલો.
ઘણું થયું.
ફોડ પાડીને ક્‌હો તો જ...’
‘આ તડકો હવાઈ ગયો
નાગા વરસાદમાં.
ખવાતો જાય છે
આ સોનેરી પ્રકાશ...’
‘વળી પાછું આ...’

‘જુઓ, આ બાજુ જુઓ.
આવો, તમાશા...બજાર યહાં...વહાં...’
‘ક્યાં? કૈસા?’
‘આ સેલનું પાટિયું દેખો.’
‘ક્યાં છે?’
‘જરા ઝીણી આંખે જુઓ :
કોરિયા, ચીન, અમેરિકા, ઇસ્તમ્બુલ...
          વાહ...વાહ!’
‘સબ કુછ ઓપનમેં.’
‘શું... ક્યા ચીજ છે!’
‘બૉસ, બસ લઈ જાઓ હપ્તેથી ચૂકવજો.’
‘બધું હપ્તેથી?’
‘જુઓ, સેન્ટની બોતલ...
તીન બોતલ પર એક ફ્રી...’
‘મારે છ જોઈએ.’
‘ઇ મારે દસ.’
‘બોલો, તમારે...
બસ વાપરો, છાંટો...’
‘છાંટો, બધેબધ છાંટો.’
બૂ મહિનાઓથી, વર્ષોથી આવે છે.’
‘ક્યાંથી આવે છે? પૂછતું નાક લઈ
ઘર, શેરી, સડક
શહેરો ને નગરો વટાવતોક ને
દિલ્લી!
ત્યાં તો વળી અચરજ!’
‘શું?’
‘કોઈના હાથમાં ત્રણ ને એક બોતલ!
બીજાનાં ગજવાં બોતલ...બોતલ...
દરેકના હાથમાં બોતલ!
સૌ એકબીજા પર કંઈ છાંટે...
છાંટંછાંટ...છાંટંછાંટ...
જાણે ધૂળેટી!’
‘અઇલા, તાં હો નાગો વરહાદ?
બધેબધ એક હાથે?
વડોદરા, અમદાવાદ, દિલ્લી, અવધ બધેબધ?’

‘આ નાગો વરસાદ.’
‘ક્‌હો મેઘ-દૂત મોકલ્યા કોણે?’
‘હવે એની જરૂર છે જ ક્યાં?
મોબાઇલ ટુ મોબાઇલ ફ્રી’
‘ન્યાલ થઈ ગયા, વાહ!’
‘આહ! વાત કરી કરી પેટ ભરો.’
‘એનું એટલું તો સુખ ને...’
‘પણ સાંભળે કોણ?’

‘જુઓ તો ખરા.’
‘તે પેલો વરસાદ
હજીય પડે છે?’
‘હા ભઈ હા, બધેબધ
પડે જ છે,
પડે જ...’