જેલ-ઑફિસની બારી/કેદીનું કલ્પાંત
ઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ!
ઊંચી ઊંચી ડાળના હો લીંબડા!
મારે તું વિના ન કોઈની સગાઈ રે,
જેલનાં જીવન એવાં રે.
લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ!
લાખ લાખ પાંદ તારી આંખડી;
મારા ગામ તણી સીમડી કળાય રે? – જેલનાં0
મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ!
મહીસાગર તીર મારાં ખોરડાં;
એની ઓસરીએ ચાંદની ચળાય રે – જેલનાં0
ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ!
ઘરની ધણિયાણી બીબી ફાતમા;
જોજે, ખેતર ગઈ છે કે કૂબા માંય રે – જેલનાં0
કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ!
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો;
મને એક વાર હળીમળી જાય રે – જેલનાં0
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ!
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે – જેલનાં0
કે’જે સીવડાવે નવાં પગરખાં, રે ભાઈ!
કે’જે સીવડાવે નવાં પગરખાં;
એના તળિયામાં રૂપૈયા રખાય રે – જેલનાં0
રૂપિયો દેવો પડે સપાઈને, રે ભાઈ!
રૂપિયો દેવો પડે સપાઈને;
નથી દેતા તો ચામડાં ચિરાય રે – જેલનાં0
પંદર મીલેટના મેળાપ છે, રે ભાઈ!
પંદર મીલેટના મેળાપ છે;
ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે – જેલનાં0
રોશું તો પડશે મને ધોકલાં રે ભાઈ!
રોશું તો પડશે ધીંગા ધોકલા;
તારી નજરું સામે એ નૈ સહાય રે – જેલનાં0
મરિયમ નાની છે મારી દીકરી, રે ભાઈ!
મરિયમ નામે છે ડાહી દીકરી;
એને કે’જે જાળીને ન અડકાય રે – જેલનાં0
મરિયમની કૂણી કૂણી આંગળી, રે ભાઈ!
મરિયમની કૂણી કૂણી આંગળી;
એને ટેરવે અડું તો સજા થાય રે – જેલનાં0
મરિયમને દૂરથી બકા કરું, રે ભાઈ!
મરિયમને દૂરથી બકા કરુ,
તો તો જેલર ખારો થઈ ખિજાય રે – જેલનાં0
પૂછીશ ના સુખદુ:ખની વાતડી, રે ભાઈ!
પૂછીશ ના ભીતરની વાતડી;
મારાં માફી તણાં દનૈયાં કપાય રે – જેલનાં0
બરધિયાને કાંધ હવે કેમ છે, રે ભાઈ!
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે?
રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે – જેલનાં0
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, રે ભાઈ!
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે – જેલનાં0
વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ!
વેચો વળીઓ ને વેચો વાંસડા
મારા બરધિયાને વરસ બે જિવાડય રે – જેલનાં0
ફટકા ફાંસીનું શીખું કામ જો હું ભાઈ!
ફટકા ફાંસીનું બૂરું કામ જો;
વધે માફી વળી રૂપૈયા રળાય રે – જેલનાં0
બદનામી થાય આખી જેલમાં, હો ભાઈ!
બદનામી થાય આખી જેલમાં;
પીર દાવલશા સોણલે ભળાય રે – જેલનાં0
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ!
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
વરસ બે તો વહી જાશે પલક માંય રે – જેલનાં0
[લેખકના કાવ્યસંગ્રહ ‘યુગવંદના’માંથી]