તખુની વાર્તા/ભમરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. ભમરી

મામાએ આવતાંની વારમાં જ કહેલું, તેજબા બાવા ને ભાણિયાને બૉ યાદ કરતી છે એટલે – પછી બા ગમી જોઈ અચકાઈ ગયેલા. બાનું મોં પડી ગયેલું, બાપુજી લમણાની ફૂલેલી નસ મસળવા માંડેલા. એમનું નાકનું ફોયણું ઉઘાડ-બંધ થવા લાગેલું. તખાનું ત્યાં કંઈ કામ નથી : એમના નીચલા હોઠમાં ખૂંપી ગયેલા આગલા દાંતની રાખોડી ધાર બ્લેડની જેમ ચમકતી હતી. પણ મોટી બેનની છેલ્લી મંછા છે કે – મામાનો અવાજ કડૂચ મારતો તૂરો થઈ ગયેલો. એ કંકુ, – ચોખાનો ચાંદલો લૂછતા હોય એમ પરસેવો લૂછવા હથેળી ઘસવા લાગ્યા. મને આમ જ યાદ આવી ગયું : મારી આંખે કંકુના સૂરજ – મેં સટ ઊભા થઈ પેન્ટ ચડાવ્યો એટલે કોઈ કશું બોલ્યું નહીં. બાના ચહેરા પર અણગમાની તીખી બરડ ધાર નીકળેલી. પણ અમે નીકળ્યા ત્યાં લગીમાં તો એમનો ચહેરો પલળેલા રૂનો લોંદો થઈ ગયેલો. કપાસિયાને વીંટાયેલા રૂની જેમ એણે મને ઢાંકી દીધો. આખા રસ્તે બાના પોચાપચ ભીનાભદ ટાઢાટાઢા ચહેરાથી ખૂબ અકળામણ, રૂંધામણ થઈ. પણ બસ જેવી ધક્કાભેર ઊભી રહી કે એ ગૂમડા પરના પોપડાની જેમ ઊખડી ગયો. બા કે’તી, ગૂમડાને પોપડો વઈળો નથી કે તખલાએ નખથી ઉખાઈડો નથી. ગૂમડામાંથી ભગંદર નીં કરી મેલે તા’ હુધી એ જંપે ની. પણ એમાં મારો હું વાંક? એક તો ચેર બૉ આવે ને પાછી ગૂમડા તળેની ચામડી આવી કે નંઈ એ જોવાની અધીરાઈ.

બસમાંથી ઊતરતાંની વારમાં ધૂળના ગોટાથી ઘેરાઈ ગયો. પહેલાં તો ગૂંગળામણ થઈ, પછી સારું લાગ્યું. જોઉં તો બાપુજી મોઢે રૂમાલ દાબી બીજા હાથે ધૂળના ગોટા આઘો કરવા મથતા હતા. પણ ધૂળ એમને બરાબરની વીંટળાઈ પડી હતી. ધૂળના આછા ભૂખરા ચપોચપ તાંતણાથી ઘડીક તો એ બંધાઈ ગયા. સામે પારસપીપળાના થડે વીંટાયેલા ધોળા દોરા વચમાંથી તૂટીને ઊડતા હતા. એના પરના કંકુના ચાંદલા કાળા પડી ગયા હતા. થડ નીચે શિવલિંગ સામે ઊખડેલા પ્લાસ્ટરના ખાડામાં એક નંદવાયેલું કોડિયું અધૂકડું પડ્યું હતું. એનું મોં બળીને કાળું પડી ગયું હતું. એની નીચેથી કીડીની લંગાર પીપળે ચડતી હતી. બાપુજીએ એ બાજુ જોયું ન જોયું કરી ચાલવા માંડ્યું.

અચાનક મેં એક હાથે ચડ્ડી ચડાવી હડી મેલી. પોણામાં મારા પગ ગરકે–દોડું દોડું ને તેટલે ને તેટલે, બગલમાંથી ખેંચી ખેંચીને હાથ લંબાવું. દોરા ઇયળની જેમ લાંબા થઈ થઈને હથેળી પર ચડે. થૂંકથી ચોંટાડી સાત આમળા ચડાવું. પાછો આવી જોઉં તો આમળા ઊકલી ગયેલા. દોરા હવામાં વલવલ્યા કરે.

મામાએ ખભો હલાવ્યો. ઝબકીને મેં ચાલવા માંડ્યું.

વળાંક વળ્યા કે બાપુજી અચકાઈ ગયા. ભૂખરું ફળિયું ફફડતું ફફડતું વીંટાઈ વળ્યું. છેડે વાળેલી ઢીલી ગાંઠ જેવું ઘર સળવળ્યું. બારણામાં અમે ઊભા. મોટાં મામીએ લોટો ઓવારીને પાણી આંગણામાં ઢોળી દીધું. ધૂળમાં એક આકાર ઊપસી આવ્યો. જાણે ઘરના કોઈ માણસને આંગણામાં ન સુવાડ્યું હોય!

અમે પરસાળમાં પેઠા. પેલે છેડે તેજબા ખાટલામાં સૂતાં હતાં. ઢીલી પાટીને લીધે ખાટલો ઘોડિયા જેવો લાગતો હતો. એમની આંખ અધબિડાયેલી, હાથ લટકી પડેલા. કાબરચીતરા જીથરવીથર વાળમાંથી કરચલિવાળા હોલવાયેલા રાખોડી ચહેરા પર કંકુનો ચાંદલો ચળકે. સેંથીએ ઉતાવળે ભભરાવેલા સિંદૂરના ઓશીકા પર ડાઘા. મને હાઈવે પર ચળકતા સાઈનબોર્ડ યાદ આવ્યા.

અમે આ તરફ બારી આગળ પલંગ પર બેઠા. બાપુજીનો ચહેરો ભારેખમ થઈ ગયો હતો. જાણે સોજી ગયો ન હોય! એમણે ચશ્મા કાઢી સાફ કર્યા. ગળું ખંખોળ્યું. એમની લમણાંની નસો ફૂલી ગઈ હતી. એમનો હાથ વારેવારે ગળાને પસવારતો હતો. એમની વલ્લી થઈ ગયેલી મોંફાડમાંથી આગલા દાંતનો રાખોડી ખૂણો દેખાતો હતો. એ કેમ પગની આંટી મારીને તકિયાને અંઢેલીને બેઠા હતા એ મને સમજાયું નહીં. પાણી આવ્યું. એ એક્કી સાથે ગટગટાવી ગયા. એમનો ચહેરો ઢીલી પડેલી પણછ જેવો થઈ ગયો.

ત્યાં તો મોટી મામી બોલી : બાવા, ઉં તો તમારી પાટલાહાહુ થામ. તમે તો મને હાના ઓળખો? પૈણીને ગિયા પછી પાછું વાળીને આ બાજુ ભાઈરું જ કાં છે તે? અમારું પાતર ખાંડું એ કબૂલ પણ અમારો એમાં હો વાંકગનો?

બાપુજીએ બણબણતી માખી ઉડાડતા હોય એમ હાથ વીંઝાયો. એમના નાકનું ટેરવું ઝાપટ વાગવાથી સહેજ લાલ થઈ ગયું. પણ મામી ઉમંગમાં હતી. કહે : ચા મેલું કે કોફી? મારાં નણંદબા તો કાયમ કે’, અમારા એમને તો ચા જ ફાવે. એખલા દૂધની, કડક! મારી નણદી આમ તો પાછી ચકોર. થોડા સે’વાસે તમને પગથી માથા હુધી રજેરજ ઓળખે! એ હસતી હતી. એના પીળા ખૂંપરિયા દાંત દેખાયા.

જોઉં તો તેજબાનો ખાટલો સળવળ્યો. ચૂંચવાટ થયો. એકાએક કોણ જાણે ક્યાંથી ભમરી ધસી આવી. બાપુજીના માથા પર ભમવા લાગી. બાપુજી હાથ વીંઝોડવા માંડ્યા, એટલે મારા ગમી આવી. એક ઘૂમરી ખાઈ મારા ખભા પર બેઠી. માથું નીચું કરી સૂંઢથી સૂંઘવા લાગી. એની પાંખ થરક થરક. મારું શરીર લાકડા જેવું અક્કડ. આંખને ખૂણેથી જોઉં. મધ જેવો વાન. મને કોણ જાણે કેમ હથેળીમાં રમાડવાનો ઊભરો આવ્યો. ત્યાં તો બાપુજીનો હાથ વીંઝાયો. એ લંબગોળ ઊડવા લાગી. પરસાળમાં ગૂં ગૂં ગૂંનો ભૂખરો લિસોટો દોરાઈ ગયો – ધૂમકેતુ જેવો. બધાનાં મોઢાં પર ઓઢેલું સૌજન્ય ઘડીભરમાં જાણે ફાટેલા દૂધની જેમ ફોદા-ફોદા થઈ ઉપર તરવા માંડ્યું. અચાનક ભમરી સામેના ફોટા પર બેઠી. ધીરેકથી ફોટાના કપાળે બાંધેલા ભૂખરી ઇયળ જેવા ઘરમાં ઘૂસી ગઈ. એ કોનો ફોટો હશે? બાપુજીનો કે મોટા મામાનો? રંગ ઊડી ગયો છે એટલે – બાપુજીનો હશે, કદાચ મોટા મામાનોય હોય!

ચા આવી. મને તલપ લાગેલી. ધુમાડિયા ચા મને ચાલે. બાપુજીને મુદ્દલે ભાવતી નથી. બાપુજીનું મોં કડૂચ મારી ગયું. પહેલે ઘૂંટે જ હોઠ અને રકેબીની ધાર વચ્ચેથી ચાનું ટીપું પડ્યું કફની પર. બાપુજીએ રકેબી ટેબલ પર મૂકી દીધી. મામી હડફડ હડફડ કરતી પાણી લઈ આવી. મામા ખસિયાણા પડી બાપુજીની પાછળ લોટો લઈને ગયા. આવીને બેઠા. જોઉં તો એટલા ભાગે ઝાંખો ડાઘ, કફની મસળાયેલી.

ચા પીધા પછી મામાએ બાપુજીને હનકારો કર્યો. બાપુજી ધીરેથી ઊઠ્યા. તેજબાના ખાટલા પાસેના ટેબલ પર ઉભડક બેઠા. મામીએ તેજબાના ચહેરા પરના વાળ ઊંચે લીધા. ચાદરમાં ખોવાઈ ગયેલો જમણો હાથ બહાર કાઢ્યો. એ થિર પડેલી અધમૂઈ ગોકળગાય જેવો લાગતો હતો. બાપુજીએ મન રાખતા હોય એમ તેજબાનો હાથ હાથમાં લીધો પણ તરત ખેંચી લીધો. બાનો હાથ ભૂખરી પથારીમાં અમળાવા લાગ્યો. જોઉં તો બાપુજી ફૂલ લેતા હોય એમ હળવેથી હાથ હાથમાં લઈ પસવારે. ધીરે ધીરે એ શાંત થઈ ગયો. બાપુજી તેજબાના ચહેરા પર ઝૂક્યા. તેજબાની પાંપણ ઢળી, હોઠ ફફડ્યા, ડૂમો બાઝ્યો. બાપુજી ચશ્માંના કાચ લૂછતા લૂછતા પાછા ફર્યા. એમની કફનીની બાંય સહેજ રતુમડી થઈ ગઈ. મને એ ગમી. મને જોતો જોઈ એમણે ઉતાવળે હાથ ઘસી નાખ્યો.

બાપુજી બેઠા કે મામાએ મને હનકારો કર્યો.

મને યાદ આવ્યું. મામાની મોટી દીકરીના લગનમાં આવેલો. સાંજે ધધરી વેળાએ માંડવામાં પકડઝલાકડી રમતો હતો. ત્યાં મોટા મામા આવ્યા : ચાલો ભાણાભાઈ કરતા બાજુના કોઢારિયામાં લઈ આવેલા. બહારથી સાંકળ ખોલીને અંદર ધકેલ્યો. કે’ : તારી તેજબાએ તને જોવો છે. હું ઠરી ગયેલો. મારી નાનીમાએ એક વાર કાનમાં કહેલું : તું ગુલાબબાના પેટનો નથી, તેજબાના પેટનો છે. એ પછી બીજા બધા પણ મને છાનામાના એક કોર લઈ જઈ પૂછતા. હું બંને બાજુનું માથું ધુણાવતો. મોટા મામા આવતા ત્યારે મારે સારુ કફની-સુરવાલ ને ખુમા-ફતા સારુ ચડ્ડી-ખમ્મીસ લાવતા. કે’તા : ખાસ તખા હારુ તેજબાએ મોકલા છે. ખુમો ને ફતો એ જોઈને બૉ બળતા. ભારે અળાઈએ ચડતા. બા સમજાવતાં : મોટો છે તો મોટું પેરે એમાં બળો છો હાના ફાટ્ટીમુઆ! બબડતા : એ હો તાં બેઠી બેઠી મારી છાતીમાં ઓ’ળી હલગાવે છે. મામા જાતે બજારે લઈ જઈ મને એકલાને જલેબી ખવડાવતા. મને થતું, એમને કઈ રીતે ખબર પડી ગઈ ઓહે કે મને બીજુ કઈની કઈની ને જલેબી જ બૉ ભાવતી છે? એક વાર બાને પૂછી બેઠેલો. બા રડવા લાગેલાં : લોકથી મારું ચપટીક હખ્ખ હો નથી જેરવાતું!

તેજબાને પહેલી વાર જોતાં હું સડક થઈ ગયેલો. પરસેવો વળી ગયેલો. જાણે હમણાં મૂતરી પડીશ. હું બારણા ગમી જવા કરતો હતો ત્યાં તેજબા હસતાં હસતાં આવ્યા. કોણ કે’ કે ગાંડાં છે? હાથ પકડી ખોળામાં બેસાડ્યો. પછી ગાલે હાથ ફેરવતાં કે’ : તખલો તો મારો પોયરો છે, મારો. જો તખા, તારે જમણે ગાલે મહો છે તો મારે હો છે. એમણે મારો હાથ એમના ગાલે ફેરવેલો. પછી છાતીએ વળગાડેલો. મેં ય વાછડાની જેમ થાનમાં માથું મારેલું. મારા રૂંવે રૂંવે ઘૂઘરી વાગવા માંડેલી. ક્યાંય સુધી તેજબાએ મારું માથું સૂંધ્યા કરેલું.

એમની રાયડાના તેલ જેવી વાસમાં હું લપેટાઈ ગયેલો. ત્યાં ધડાક બારણું ખૂલ્યું. મામા હાંફળાફાંફળા આવ્યા : ગુલાબબા તખાને હોધે છે, કહી ઝડપભેર મને તાણી ગયા.

બસ, એ પછી આજે એમને જોયાં. હું એમના પર ઝૂકું, સૂંઘું, બસ દવા દવાની વાસ. એમની આંખ એકદમ ઝબકી ઊઠી. મને નંજવાતો દીવો દેખાયો. એમનો હાથ કોણી આગળથી વળી ગયો હતો. મને બળતાં બળતાં ઉપરથી મરડાઈ ગયેલી ધૂપસળી યાદ આવી. મેં એમનો હાથ મારા જમણા ગાલે લગાડ્યો. ગાલે ખરબચડું હૂંફાળું ખરબચિયું. નાનો હતો ત્યારે નારિયેળનું છોડું ગાલે ઘસતો-મસો આવતા એમનો હાથ જરા સળવળ્યો. એમના હોઠ ફફડ્યા. કોઈના આવવાથી બાવરી બનેલી ટિટોડી જેવો અવાજ નીકળ્યો.

એકાએક ખાંસી ઊપડી. મામા મને અને બાપુજીને બાજુના ઓરડામાં લઈ ગયા. થોડી વારમાં રોકકકળ સંભળાઈ. પહોંચ્યા ત્યારે મામા તેજબાની આંખ બંધ કરી તુલસીનું પાન મૂકતા હતા. છતુબા મામીને કે’તાં હતાં : રોકકકળ મેલ બેન! તેજુ તો બૉ ભાયગશાળી અખંડ ચૂડી-ચાંદલો લેઈને ગેઈ. જો ધણી ને પોયરો, બેઉને મલીને, કાંધે ચડીને ગેઈ! મારી આંખે કરોળિયા વળે.

ટોયડી લઈ હું આગળ ચાલ્યો. ફળિયું ફાટમાં ફસાઈને ફાટી ગયેલા પાલવની જેમ લટકી પડ્યું હતું. સ્મશાને ચેહ પર તેજબાનો દેહ મુકાયો. મામાએ ડોલચામાંથી ઘી કાઢી આપ્યું. હું તેજબાના પગની એડીએ ઘસવા લાગ્યો. મેં જોયું તો મારી જેમ તેજબાની એડી ય ઊંચી. બંને પગની બીજી આંગળીના નખ મારી જેમ જ વચલી ફાડના. હું દીકરો તો ગુલાબબાનો જ છું, છતાં – બાપુજીએ સળગતા પૂળાથી અંગૂઠે અગ્નિ મૂક્યો – મારો અંગૂઠો ભડભડ બળવા લાગ્યો.

🞄🞄🞄

ઘરે પાછા ફર્યા ત્યારે બાએ અમારા ચહેરા પરથી તેજબાના સમાચાર વાંચી લીધા. ફળિયામાં જ નાહવાનું પતાવી અમે ઘરમાં ગયા. બા પાણી લઈને આવી : મોટી બેને કા’રે દેહ મૂઈકો? અગિયાર વાગે : બાપુજી ઢીલા અવાજે બોલ્યા. ત્યાં તો એક ભમરી ગૂં ગૂં કરતી બાની આજુબાજુ ફરવા લાગી. બા એકદમ ગભરાઈ ગઈ. બાપુજીએ હાથ વીંઝોડ્યો. ભમરી જરા આઘી જઈ એકદમ બાપુજીની આજુબાજુ ઘૂમરી ખાવા માંડી. બા ધ્રૂજતાં બોલી : કયા જનમની વેરણ છે? બાપુજીએ ફરી હાથ વીંઝોડ્યો. ભમરી બાપુજીની મુઠ્ઠીમાં સપડાઈ ગઈ. એ… એ… ચીસ પાડી બાપુજીએ સામેની ભીંત પર ઘા કર્યો. ફટ અવાજ થયો. જોઉં તો ભમરી અથડાઈને ચત્તી પડેલી. એની પાંખનો થરકાટ શમવા માંડ્યો.

બા હડફડ હડફડ તવેથો લેવા દોડી. બાપુજી ફૂંક મારતા કણસતા હતા. હથેળીની વચ્ચોવચ સહેજ રતાશ પડતી ફોલ્લી. ટોચે કાળું ટીપકું. તવેથો ઘસાવા લાગ્યો. સામે પડેલી ભમરીની થીર પાંખો અક્કડ પહોળી થઈ ગઈ. ઊઠીને હથેળીમાં ભમરીને લેવા જાઉં ત્યાં બાએ થડકતા અવાજે ચીસ પાડી : કરડહે! મેં હથેળીમાં બેઠી મૂકી તો એ ઊથલી પડી. બાપુજીનો ચહેરો લાલઘૂમ થઈ ગયો.

– એને રે’વા દે, હાવેણીથી અમણા વાળી લખું છું, બાએ અટકાવ્યો. હું ભમરીને હથેળીમાં લઈ વાડા ગમી ચાલવા માંડ્યો. ત્યાં પાછળથી બાનો અવાજ સંભળાયો : કેદારનું કીધું છે કે આ ફોટા પરથી ભમરીનો દર ઉખાડી લાખ, પણ હાંભળે એ બીજા! બાની વાત છે તો સાચી. ઘણા વખતથી ભમરીએ ઘર કર્યું છે. ફોટામાં બા-બાપુજી ખુરશી પર બેઠાં છે ને વચ્ચે મેજ પર હું. બા કે’ છે, તારી બાબરી વખતે પડાવેલો. ભમરીએ બરાબ્બર મારા મોઢા પર ઘર બનાવેલું છે. પણ બચ્ચાં- ફચ્ચાં હોય એ વિચારે તોડતાં અચકાયા કરું છું.

ભમરીને વાડામાં તુલસીક્યારે બેઠ્ઠી મૂકી. હમણાં પાંખ ફફડાવશે! વાડામાંથી પાછો ફરી જોઉં તો બાપુજી ટેબલ પરથી નીચે ઊતરે. હાથમાં તવેથાની અણી ચમકે. કફની ખંખેરતાં ભમરીના ઘરની પોપડી ચોફેર ઊડી પડી. પોપડી ભેગું ઊડી પડ્યું એક ઇયળ બચ્ચું. અમળાતું.

ગદ્યપર્વ : નવેમ્બર ૧૯૯૦