તત્ત્વસંદર્ભ/લેખકોની વર્કશોપમાં (૧. ઓ’કોનેર, ૨. ફ્રાન્કો મોરિયા)
૧ ઑ’કોનરની મુલાકાત
મુલાકાતી : કઈ વસ્તુએ તમને લેખક બનાવ્યા?
ઓ’કોનર : લેખક થવા સિવાય અન્ય કશું હું થયો નથી. માંડ નવદસ વર્ષનો હોઈશ ત્યારે જ લેખક બનું કે ચિત્રકાર એવી દ્વિધા મારા મનમાં ઊગી નીકળી હતી અને સોળ કે સત્તરનો થયો હોઈશ ત્યારે જ મને જ્ઞાન લાધ્યું કે રંગોનો તો ઘણો મોટો ખર્ચ થાય, એટલે હું લેખક બન્યો, એક પેન્સિલ અને એકાદ પેન્સની નોટથી તમે લેખનકાર્ય શરૂ કરી શકો. એક વાર પેરિસ જવાને શિષ્યવૃત્તિય મળેલી પણ કૌટુંબિક સંજોગોને કારણે હું એ સ્વીકારી શક્યો નહિ. એ તબક્કે મારા જીવનનો માર્ગ બદલાઈ ગયો; નહિ તો હું ચિત્રકાર બની ગયો હોત..
મુલાકાતી : તમે તમારા માધ્યમ તરીકે ટૂંકી વાર્તાને શા માટે પસંદ કરો છો?
ઑ’કોનર : એટલા માટે કે, હું સમજું છું તે પ્રમાણે એ સ્વરૂપ જ ઊર્મિકાવ્યની સૌથી નજીકનું છે – મેં લાંબા સમય સુધી ઊર્મિકાવ્યો લખ્યાં, પણ મને ભાન થયું કે હું ઊર્મિકવિ બનું એવી ઈશ્વરની ઇચ્છા નહોતી અને ઊર્મિકવિતાની નજીક આવે છે ટૂંકી વાર્તા. નવલકથાનું લેખન ખરેખર તો માનવપરિસ્થિતિઓ વિશેનું અતિ વિશાળ જ્ઞાન અને અતિ તાર્કિક દૃષ્ટિ માગે છે જ્યારે ટૂંકી વાર્તામાં ઊર્મિકવિતા જે પ્રકારે માનવપરિસ્થિતિઓની બાબતમાં તાટસ્થ્ય કેળવી રહે તેવું તાટસ્થ્ય ચાલી શકે.
મુલાકાતી : ફૉકનરે કહ્યું છે – ‘એમ હોય કે દરેક નવલકથાકાર પ્રથમ તો કવિતા લખવાની ઇચ્છા કરે, તેને સમજાય કે એ તેનું ગજું નથી, એટલે પછી તે ટૂંકી વાર્તામાં અજમાયેશ કરી જુએ, જે કવિતા પછી સૌથી વધુ શક્તિ માગતું સ્વરૂપ છે. અને એમાં તે નિષ્ફળ જાય છે ત્યારે જ તે નવલકથાનું લેખન ઉપાડે છે.’ આ બાબતમાં તમને શું લાગે છે?
ઓ’કોનર : એ વાત એવી સરળ રીતે મૂકી દેવામાં આવી છે કે એથી મને પોતાને આશ્વાસન લેવાનું ગમે – એકદમ સાચું એમાં લાગ્યા કરે, સિવાય કે, એમાં એમ સૂચિત રહ્યું છે કે નવલકથાલેખન એ એટલી સરળ વાત છે કે ટૂંકી વાર્તામાંથી બહુ સહજ રીતે એમાં તમે સરી જઈ શકો. પણ હકીકતમાં નવલકથા જોડેનો મારો પોતાનો અનુભવ એવો છે કે એમાં કામ કરવાનું મને હંમેશ અતિ મુશ્કેલ લાગ્યું છે. કમસે કમ ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ’ જેવી નવલકથા લખવાને નિષ્ફળ સ્નાતક બનવું કે નિષ્ફળ કવિ બનવું કે નિષ્ફળ ટૂંકી વાર્તાનો લેખક માનવું કે કશેક પણ નિષ્ફળ બનવું કે એ કરતાં કશુંક વધારે જોઈએ. નવલકથાના સર્જનમાં સાતત્યપૂર્ણ જીવનનું ભાન એ જરૂરી વસ્તુ છે, ટૂંકી વાર્તામાં જરૂરી નથી. સાતત્યપૂર્ણ જીવનનો માત્ર ઇશારો જ તમે એમાં કરી લો છો. નવલકથામાં તમારે એવું ભાન જગાડવાનું છે. અને આધુનિક નવલકથાઓ પ્રત્યે મારે જે ફરિયાદ છે તેનું કારણ પણ અહીં જ પડ્યું છે. ‘એઝ આઈ લે ડાયિંગ’ જેને હું ખૂબ વખાણું છું – એ નવલકથા પણ સાચેસાચ નવલકથા નથી. એ ટૂંકી વાર્તા જ છે. મારી દૃષ્ટિએ, નવલકથા એક એવી વસ્તુ છે જે યુગનું લક્ષણ, યુગનું સ્વરૂપ, અને ઘટનાઓ અને પાત્રો પર યુગની જે જે અસરો પડે છે તેની આસપાસ રચાય છે. જ્યારે કોઈ નવલકથાને ચોવીસ કલાકના ગાળામાં ઘટતી ઘટના રૂપે જોઉં છું ત્યારે એ માણસે ટૂંકી વાર્તાને શા માટે વિસ્તારી કાઢી તેનું મને વિસ્મય થાય છે.
મુલાકાતી : તમારી કામ કરવાની પદ્ધતિનો ખ્યાલ આપશો? તમે ટૂંકી વાર્તાનો શી રીતે આરંભ કરો છો?
ઑ’કોનર : ‘સફેદ કાગળ પર કાળું ચિતરામણ કર્યે રાખો’ – એમ મૉપાસાં સલાહ આપ્યા કરતા અને હું હંમેશ એ રીતે જ કરતો આવ્યો છું. લખાણ કેવું ઊતરે છે તે વિશે હું લગીરે અફસોસ કરતો નથી. વાર્તાની મુખ્ય રૂપરેખા રચી દે એવું કશુંક લખાણ હું પ્રથમ લખી દઉં છું, એ પછી હું એને નિહાળી રહું છું. જ્યારે હું લખવા બેસું છું, જ્યારે વાર્તાનો મુસદ્દો રચું છું, ત્યારે ‘એલિઝાબેથ જેન મોરિએરિટી જ્યારે રસ્તાના ઢોળાવ પર ઊતરી રહ્યાં હતાં ત્યારે ઑગસ્ટની રમણીય સંધ્યા ઝળહળી રહી હતી’ – એ પ્રકારનાં રૂપાળાં વાક્યો ઘડવાનો હું કદી વિચાર કરતો જ નથી. શું બન્યું તેનો માત્ર કાચો મુસદ્દો જ ટપકાવી દઉં છું, અને પછી એ રચના કેવી લાગશે તે હું જોઈ શકું છું. વાર્તાની આ પ્રકારની ડિઝાઈન એ જ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વની વસ્તુ છે. એમાં તમે જોઈ શકો કે અહીં કથાનકમાં ઉદ્વેગકર શૂન્યાવકાશ છે, અને તમારે એ કોઈ પણ હિસાબે પૂરી દેવો જ જોઈએ. હું હંમેશાં વાર્તાની ‘ડિઝાઈન’ને લક્ષમાં લઉં છું. એની માવજતના પ્રશ્નને નહીં. ગઈ કાલે જ મારા મિત્ર એ. ઈ કૉપાર્ડ – જેઓ સૌ અંગ્રેજી વાર્તાકારોમાં મહાન છે અને જેઓ પખવાડિયા પહેલાં જ ગુજરી ગયા – તેમને વિશે એક વૃત્તાંત પૂરો કરી રહ્યો હતો. કૉપાર્ડને, એક નોંધપોથી હાથમાં લઈને આમતેમ ઘૂમતા દીવાઓ કેવા લાગે તેની નોંધ કરતા પેલું મકાન કેવું દેખાય તેની કલ્પના કરતા, અને હંમેશ પોતાને કશીક સૂચના મળે તેવાં રૂપકો યોજતા જોઉં છું. ‘એ રસ્તો ટેકરીના ચઢાણ પર પાગલ સર્પ જેવો લાગતો હતો’ કે કંઈક એ પ્રકારનું વર્ણન તેઓ કરતા હોય, અને ‘તે યુવતીએ આમ કહ્યું અને પીઠામાંના માણસે કશુંક ભળતું જ કહ્યું’ આવું બધું લખી નાખ્યા પછી જ તેમને પોતાની વાર્તાની રૂપરેખા મળી હોવી જોઈએ, અને એ પછી તેમણે ઝીણવટભરી વિગતો પૂરવાનું શરૂ કર્યું હોવું જોઈએ. પણ, હું કદીયે એ રીતે ચાલી શક્યો નથી. સૌ પ્રથમ તો આ લોકોએ શું શું કર્યું તે મારે તો જોવાનું રહ્યું. એ પછી જ ઑગસ્ટની સંધ્યા રમણીય હતી કે વસંતની એ સંધ્યા હતી, તેનો વિચાર કરવા બેસું. હું કશીક પણ શરૂઆત કરું તે પહેલાં મારે કથાવસ્તુ(theme)ની પ્રતીક્ષા કરવી પડે છે.
મુલાકાતી : તમે પુનર્લેખન કરો છો?
ઓ’કોનર : પુનર્લેખન તો નિરંતર, નિરંતર નિરંતર ચાલ્યા જ કરે. હું પુનર્લેખન હંમેશ જારી રાખું છું, અને કૃતિ પ્રકાશિત થાય તે પછીયે, અને પુસ્તકરૂપે રજૂ થાય તે પછીયે, ફરીફરીને હું લખ્યે જ જાઉં છું. મારી આરંભકાળની મોટા ભાગની વાર્તાઓનાં નવાંનવાં પાઠાંતરો, હજીયે થયે જ જાય છે અને, ઈશ્વર ચાહે તો, એ સર્વને આજે પ્રગટ કરું.
૨ ફ્રાન્કો મૉરિયાની મુલાકાત
મૉરિયા : ના, એ વિશે મારું મંતવ્ય બદલાયું નથી. મને એમ લાગે છે કે મારા તરુણ નવલકથાકાર મિત્રો ટેકનિકનો વધારે પડતો મહિમા કરી રહ્યા છે. સારી નવલકથાના સર્જન માટે કૃતિથી બાહ્ય રહેલા અમુક ચોક્કસ નિયમો અનુસરવા જોઈએ એમ તેઓ માનતા જણાય છે. હકીકતમાં આ જાતનો ખ્યાલ તેમને પોતાના સર્જનમાં અવરોધક બને છે તેમ તેમને ગૂંચવનારો પણ બને છે. મહાન નવલકથાકાર પોતાની જાત સિવાય બીજા કોઈ પર આધાર રાખતો નથી. પ્રુસ્ત એના કોઈ પુરોગામીઓને મળતો આવતો નથી, તેમ તેનો કોઈ અનુયાયી થયો નથી, થઈ શકે પણ નહિ. મહાન નવલકથાકાર પોતે જ પોતાનો ઢાંચો નિપજાવી લે છે; તે પોતે જ તેનો ઉપયોગ કરી શકે છે. બાલ્ઝાકે ‘બાલ્ઝાક શૈલી’ની નવલકથા સરજી; એ શૈલી માત્ર બાલ્ઝાકને જ અનુકૂળ હતી.
નવલકથાકારની સામાન્ય રૂપની મૌલિકતા અને તેની શૈલીમાં વ્યક્ત થતી વૈયક્તિક મુદ્રા એ બે વચ્ચે ગાઢ સંબંધ રહ્યો હોય છે. અનુકરણરૂપ શૈલી એ ખરાબ શૈલી છે. ફૉકનેરથી માંડીને હેમિંગ્વે સુધીના અમેરિકન નવલકથાકારોએ, તેઓ જે કંઈ કહેવા ચાહતા હતા તે માટે નિજી શૈલીની ખોજ કરી – અને એ શૈલી એક એવી વસ્તુ છે જે બીજાઓને વારસામાં આપી શકાતી નથી.
મુલાકાતી : તમે એમ કહો છો કે દરેક નવલકથાકારે પોતાની આગવી શૈલી શોધી લેવી જોઈએ – તો તમારી શૈલી વિશે તમારે શું કહેવાનું છે?
મૉરિયા : મેં નવલકથાઓ લખી એ બધા સમય દરમ્યાને હું કઈ ટેકનિક પ્રયોજી રહ્યો હતો એ વિશે ભાગ્યે જ મેં કોઈ આત્મતપાસ કરી હશે. જ્યારે હું નવલકથા લખવામાં ગૂંથાયો હોઉં છું ત્યારે વચ્ચે હું થંભી જાઉં, અને વાર્તાલેખનમાં વધારે પડતી સીધેસીધી દખલ તો નથી કરતો ને, કે મારાં પાત્રો વિશે વધારે પડતું જ્ઞાન તો હું નથી ધરાવતો ને, કે એ પાત્રો વિશે સારાંનરસાંનો વિવેક તો નથી કરતો ને, એવું અચરજ કરતો હોઉં – એમ બનતું નથી. સંપૂર્ણ સાહજિકતાથી, બિલકુલ સ્વયંભૂ વૃત્તિથી, હું કથા લખું છું. હું શું કરી શકું એમ છું કે કરી શકું એમ નથી, એ બાબતના પૂર્વે કેળવેલા ખ્યાલોથી હું દોરાતો નથી.
આજે જો કેટલીક વાર આ વિશેના પ્રશ્નો હું મનોમન પૂછી લઉં છું તો તે એટલા જ માટે કે એ મને પોતાને અનુલક્ષે છે. મારી આસપાસ એ ઉદ્ભવ્યા છે.
ખરેખર તો નવલકથા સારી હોય કે ન હોય, પૂર્ણ રચાયેલી કોઈ પણ કૃતિમાં આવા પ્રશ્નનું નિરાકરણ મળી ગયું જ હોય છે. આ પ્રશ્નોનો વધુ પડતો ખ્યાલ ફ્રેંચ નવલકથા માટે છક્કડ ખવડાવનારી બાબત બની ગઈ છે. કથાની રચનારીતિ માટે જોય્યસ, કાફકા અને ફૉકનેર તૈયાર કોષ્ટકો આપે છે. એવા મુગ્ધ ખ્યાલને તિલાંજલિ આપવામાં જો આપણા તરુણ લેખકો સફળ થાય તો ફ્રેંચ નવલકથા-સાહિત્યમાં કટોકટી પ્રવર્તે છે એમ લોકો જે વાત કરે છે તેનો નિકાલ આવી જાય. મને એવી ખાતરી થઈ છે કે નવલકથાકાર તરીકે સાચો મિજાજ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આવા કલ્પિત નિયમોને, આવી ગ્રંથિઓને ઓળંગી જશે.
મુલાકાતી : આમ છતાંય, નવલકથાના સર્જનમાં અમુક ચોક્કસ ટેકનિકનો ચાહીબૂઝીને તમે ઉપયોગ કર્યો હોય એવું નથી બન્યું?
મૉરિયા : નવલકથાકાર પોતાની પ્રકૃતિને અનુકૂળ બને એવી ટેકનિક સહજ પ્રેરણાથી નિપજાવી લેતો હોય છે. ‘Therese Desqueroux’માં મેં મૂંગી ફિલ્મોમાં પ્રયોજાયેલી યુક્તિઓ ખપમાં લીધી હતી. પૂર્વભૂમિકાની બાદબાકી, ઓચિંતાનો ઉઘાડ, અને પશ્ચાદ્દર્શન, એ સમયે એ પદ્ધતિઓ નવી હતી અને અચરજ પમાડનારી હતી. મારી સહજવૃત્તિએ મને સૂચવ્યું અને મેં એ ટેકનિકનો આશ્રય લીધો. Destins નામની મારી નવલકથા પણ એ જ રીતે ફિલ્મની ટેકનિકો પર દૃષ્ટિ રાખીને રચાઈ હતી.
મુલાકાતી : તમે જ્યારે લખવાની શરૂઆત કરો છો ત્યારે પ્લોટનાં બધાં જ મહત્ત્વનાં ઘટકતત્ત્વો તમારા મનમાં નિશ્ચિત થઈ ચૂક્યાં હોય છે ખરાં?
મૉરિયા : એ તો નવલકથા પર આધાર રાખે, સામાન્ય રીતે આવું બધું કંઈ નિશ્ચિત થઈ ચૂક્યું હોતું નથી. કૃતિનું એક પ્રસ્થાનબિંદુ જેવું મળ્યું હોય, અને થોડાંક પાત્રો મળ્યા હોય. વારંવાર એમ બને છે કે આરંભમાં પ્રાપ્ત થયેલાં પાત્રો પછીથી જરીકે ગતિ કરતાં નથી, જ્યારે ઝાંખીપાંખી રેખાવાળાં, આંતરિક અસંગતિઓથી ભરચક એવાં પાત્રો, વાર્તા જેમજેમ આગળ વધે છે તેમતેમ નવી શક્યતાઓ પ્રગટ કરતાં દેખાય છે; અને આપણે આરંભમાં ધાર્યું ન હોય તેવું કૃતિમાં સ્થાન પ્રાપ્ત કરે છે. Asmodie નામના મારા એક નાટકમાંથી જ દૃષ્ટાંત લઉં. એના આરંભમાં M. Coutureનું પાત્ર આટલું વિકસશે અને નાટકમાં આટલું મહત્ત્વનું સ્થાન લેશે, એવો મને જરીકે ખ્યાલ જ ન હતો.
મુલાકાતી : તમારી નવલકથાના લેખન દરમ્યાન કોઈ પ્રશ્નોએ તમને ગૂંચવ્યા હોય એવું બન્યું છે ખરું?
મૉરિયા : ના હજી સુધી તો નહિ. છતાં આજે મારી કૃતિઓ વિશે ટેકનિકની દૃષ્ટિએ જે પ્રકારની ટીકાટિપ્પણીઓ થઈ રહી છે તે વિશે હું બેખબર રહી શકું નહીં. એ કારણે જ તો જે નવલકથા મેં હમણાં જ પૂરી કરી તે આ વર્ષે પ્રગટ કરતો નથી. એ દૃષ્ટિએ હું એનો ફરીથી વિચાર કરી લેવા ચાહું છું.
મુલાકાતી : તમને જેનો વ્યક્તિગત રીતે અનુભવ જ ન હોય એવી કોઈ પરિસ્થિતિનું તમે ક્યારેક આલેખન કર્યું છે ખરું?
મૉરિયા : એ તો સમજાય એવી વાત છે. ઉદાહરણ તરીકે મેં કોઈને ય ઝેર આપ્યું નથી! નિશ્ચિતપણે નવલકથાકાર વત્તેઓછે અંશે પોતાનાં બધાં જ પાત્રોને સમજી લેતો હોય છે : પણ જેનો સીધેસીધો મને કોઈ જ અનુભવ ન હોય તેવી પરિસ્થિતિઓ પણ વર્ણવી છે.
મુલાકાતી : તમે જોયેલી વસ્તુઓ કે તમારા પોતાના જ અનુભવોને તમે વર્ણવી શકો તે પૂર્વ તમારે સમયનું કેટલુંક અંતર જાળવવું જોઈએ?
મૉરિયા : વ્યક્તિ અમુક ઉંમર પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે સાચો નવલકથાકાર ન બની શકે, અને આ જ કારણે કોઈપણ તરુણ લેખક માટે પોતાના બાળપણ કે કિશોરવય સિવાય જીવનના બીજા તબક્કાઓ વિશે સફળતાથી આલેખન કરવાનું ભાગ્યે જ બને છે. નવલકથાકાર જો ‘જર્નલ’ લખતો હોય તો અલગ વાત છે, નવલકથાના સર્જન માટે સમયનું ચોક્કસ અંતર પાડવું એ બિલકુલ અનિવાર્ય છે.
મારી બધી નવલકથાઓ મારી કિશોર વય અને મારી તરુણ વયના તબક્કામાંથી ઉદ્ભવી છે. એ બધી કૃતિઓ તે ‘ભૂતકાલીન વસ્તુનાં સંસ્મરણો’ સમી છે. પણ પ્રુસ્તનું દૃષ્ટાંત જો મને મારી વાત સમજવામાં સહાયક બન્યું હોય તો, એમાં મેં સમાન અનુકરણનો કોઈ પ્રયત્ન કર્યો નથી.
મુલાકાતી : ભવિષ્યમાં ઉપયોગી બનશે એ ખ્યાલે તમે નોંધો કરી લેવાનું રાખો છો? જીવનના પ્રવાહમાં તમને કશુંક પણ રસપ્રદ જણાય તો આનો હું ઉપયોગ કરી શકું એમ છું એવું તમને થાય છે ખરું?
મૉરિયા : કદીયે નહીં, મેં તમને આગળ કારણ કહ્યાં જ છે. હું અવલોકન કરતો નથી ને હું વર્ણન કરતો નથી; હું તો પદાર્થજગતને પુનઃ શોધી લઉં છું. મારા ભાવુક, વિષણ્ણ અને બહાર ખુલ્લા કરી દીધેલા શૈશવના સાંકડા ‘જાન્સેનિયન’ વિશ્વને હું પુનઃ પામું છું, જાણે એમ બન્યું હોય કે પાછળથી મારી કૃતિ માટે જે સામગ્રી બનવાની હતી – તેના પર, હું વીસ વર્ષનો થયો ત્યારે બારણાં ઢંકાઈ ચૂક્યાં હોય એવું એ વિશ્વ.
મુલાકાતી : આંખ કાન જેવી ઇંદ્રિયોનો વ્યાપાર – ઐન્દ્રિયિક ગ્રહણ તમારા લેખનમાં કેટલે અંશે પ્રભાવક બન્યું છે?
મૉરિયા : ઘણો મોટો પ્રભાવ – મારી નવલકથામાં ગંધની ઇંદ્રિય મહત્ત્વનું સ્થાન લે છે એમ લગભગ બધા જ વિવેચકોએ નોંધ્યું છે. હું નવલકથાનું સર્જન આરંભું તે પૂર્વે મારા ભીતરમાં એનાં સ્થળો, એનું વાતાવરણ, એના રંગો અને ગંધ એ સર્વનું પુનઃ સર્જન કરું છું. મારા પંડમાં હું મારા શૈશવ અને તરુણ કાળનું વાતાવરણ ફરીથી શ્વસું છું. મારાં પાત્રો અને તેમનું વિશ્વ હું સ્વયં બની રહું છું.[1]
કંકાવટી, એપ્રિલ, ૭૮.
- ↑ ‘પેરિસ રિવ્યૂ’એ યોજેલી મુલાકાતોના અંશો.