તત્ત્વસંદર્ભ/સાહિત્યકારનો યુગધર્મ (આલ્બેર કામૂ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યકારનો યુગધર્મ [1]

આલ્બેર કામૂ

મારી વાત કરું તો હું મારી કળા વિના જીવી શકું નહિ. પણ એ સાથે મેં મારી કળાને કદીયે સાર્વભૌમ વસ્તુ ગણી નથી. બીજી બાજુ, મને મારી કળાની એક એવી અનિવાર્યતા લગી છે કે મારા બાંધવોથી હું એને અલગ કરી શકતો નથી. અને હું જે કંઈ પણ છું, મારી કળા જ મને એમની કોટિનું જીવન જીવવાને અવકાશ અર્પે છે. સૌનાં સુખદુઃખોનું વિશેષ અધિકારવાળું ચિત્ર રજૂ કરી સૌથી મોટી સંખ્યાના લોકોની સંવેદના જગાડવામાં એ સાધનભૂત બની છે. આ હકીકત જ કળાકારને એકાકી ન બનવાની ફરજ પાડે છે. સૌથી સરળ અને સાર્વત્રિક સત્યનો સ્વીકાર કરવાની એને એથી અનિવાર્યતા ઊભી થાય છે. અને, લોકો કરતાં પોતે વિશેષ છે અને એ કારણે પોતે કળાકારનો માર્ગ પસંદ કર્યો છે એમ જેઓ માને છે, તેમને એ વાતનું તરત જ ભાન થશે કે પોતે અન્ય લોકોના જેવો જ છે એમ ન સમજે ત્યાં સુધી તે પોતાની કળા અને વિશિષ્ટતા જાળવી શકે નહિ. જેના વિના પોતાને ચાલતું નથી એ સૌંદર્ય અને જેનાથી પોતાને ઉતરડી શકતો નથી એ જનસમૂહ એ બે વચ્ચેથી કળાકારે પોતાનો માર્ગ કરવાનો હોય છે એટલે જ, સાચા કળાકારો કશાયનો તિરસ્કાર કરતા નથી. કોઈ પણ બાબત અંગે ચુકાદો આપવા કરતાં તેને સમજવાનો તેમનો પ્રયત્ન હોય છે. આ સંસારમાં તેમણે જો એક પક્ષ લેવાનો હોય તો તે માત્ર સમાજનો – નિત્ઝેના મહાન શબ્દોમાં કહીએ તો, કોઈ ન્યાયાધીશ નહિ પણ સર્જક જ્યાં શાસન કરે, પછી ભલે ને તે જીવ શ્રમજીવી હોય કે બુદ્ધિજીવી હોય – તેવા સમાજનો તે પક્ષ લે. આ જ માપદંડથી માપીએ તો, લેખકનું કાર્ય અપાર મુશ્કેલીઓથી ભર્યું જણાશે. તે એક લેખક હોવાને જ કારણે, જેઓ ઇતિહાસનું નિર્માણ કરી રહ્યા છે તેની સેવામાં તે પોતાને અર્પી શકે નહિ. તે તો એ ઇતિહાસની પ્રક્રિયા સાથે જેઓ અપાર યાતના વેઠી રહ્યા છે તેમની સામે સ્વાર્પણ કરે છે. જો તે આમ ન કરે તો તે સાવ એકાકી બની જશે અને પરિણામે પોતાની કળાથી પણ વંચિત થઈ જશે, પછી તો લાખ્ખો કરોડો માનવીઓના ટેકો ધરાવનાર જુલમીઓનાં સૈન્યો પણ, તેમની સાથે તે કદમ મિલાવવા ચાહે તો યે, તેની એકલતામાંથી બચાવી શકે નહિ. પણ આ વિશ્વને દૂરને છેડે સાવ હીણપતભરી સ્થિતિમાં ત્યજી દેવાયેલા અજ્ઞાતવાસી કેદીનું મૌન લેખકને તેની દેશનિકાલની પરિસ્થિતિમાંથી બચાવી લેવા પૂરતું થશે. કમ સે કમ, જ્યારે પેલા સ્વાતંત્ર્યના અધિકારોની વચ્ચે ય પેલા મૌનનું સ્મરણ જો જળવાઈ રહે એમ તે કરે અને પોતાની કળામાં એનો પ્રતિધ્વનિ પડે એ રીતે તેનું નિર્વહણ કરે તો એ વસ્તુ તેને ઉગારી લે. આવા મહાન કાર્ય માટે આપણામાંનો કોઈ જ સમર્થ નથી. પણ જીવનના સર્વે સંયોગોમાં – પોતે અણજાણ રહી ગયો હોય ત્યારે કે તત્કાલ મોટી પ્રતિષ્ઠા ભોગવતો હોય ત્યારે, કોઈ જુલમગારના રચેલા કારાગારમાં તે બંધાઈ ગયો હોય ત્યારે કે પોતાને અભિવ્યક્ત કરવા મુક્ત હવાનો અનુભવ કરતો હોય ત્યારે – એ લેખક પોતાના કાર્યની મહત્તા જ્યાં વસી છે એવાં બે કાર્યો પોતાની શક્તિઓને પરાકાષ્ઠા સુધી યોજીને આદરે ત્યારે જ તે જીવંત સમાજનું દિલ જીતી શકે : એ બે કાર્યો છે – સત્યની આરાધના અને સ્વાતંત્ર્યની ઉપાસના. કેમ કે, તેનું કાર્ય જ શક્ય તેટલા વધુ લોકોમાં એકતા આણવાનું છે. અસત્યો અને પરવશતા જે તેને માટે એકલતા રચે છે તેની જોડે તેની કળાએ સમાધાન કરવાનું નથી. આપણી વ્યક્તિગત નિર્બળતાઓ ગમે તે હો, આપણી કળાપ્રવૃત્તિની ઉદાત્તતા હંમેશાં એની દુષ્કર એવી બે પ્રતિબદ્ધતાઓમાં રહી છે : પોતે જે કંઈ જાણે છે તે વિશે અસત્ય બોલવાનો ઇન્કાર અને જુલમોનો સામનો. ઉન્માદમાં રાચતા ઇતિહાસનાં છેલ્લાં વીસથી યે વધુ વર્ષોમાં કાળના કંપમાં હતાશ બની ચૂકેલા મારી પેઢીના અન્ય માનવીઓની જેમ હુંય એક વસ્તુમાંથી આધાર શોધી રહ્યો છું : મારી અંદર એક ગૂઢ લાગણી પડી છે કે આજની ક્ષણે લેખનકાર્ય કરવું એ એક આદરપાત્ર વસ્તુ છે. કેમ કે એ એક પ્રતિબદ્ધતા રહી છે – કેવળ લેખન-કામ કરવું એટલી જ એ પ્રતિબદ્ધતા નથી. ખાસ કરીને, મારી પોતાની શક્તિઓ અને મારા અસ્તિત્વની ભૂમિકાને લક્ષમાં લેતાં, આ જે લોક ઇતિહાસનાં બળો સામે ઝઝૂમી રહ્યાં છે અને જેમનાં દુઃખો અને આશાઓના આપણે સહભાગી બન્યા છીએ, તેમની સૌની સાથે યાતના સહન કરવાની આ પ્રતિબદ્ધતા છે. જે માનવીઓ પ્રથમ વિશ્વયુદ્ધને આરંભે જન્મ્યા હતા, હિટલર સત્તા પર આવ્યો ત્યારે જેઓ વીસની ઉંમરના હતા અને પહેલી ક્રાંતિકારી ટ્રાયલો શરૂ થઈ હતી, અને સ્પેનિશ સિવિલ વૉર, બીજું વિશ્વયુદ્ધ, કેદીઓની શ્રમછાવણીઓનું જગત, યાતના અને અત્યાચારોથી ભરી જેલોનું એ યુરોપ એ બધી પરિસ્થિતિઓનો જેમને પોતાનું શિક્ષણ પૂરું થતાં સામનો કરવાના પ્રસંગો આવ્યા એ બધાં માનવીઓને અણુશક્તિનો વિનાશ જેના પર ઝઝૂમી રહ્યો છે તેવા વિશ્વમાં પોતાનાં સંતાનોને ઉછેરવાનાં છે અને પોતાની કૃતિઓ રચવાની છે. મને લાગે છે કે આત્યંતિક વિષાદનો ભોગ બની ગયેલા લોકો જે રીતે અનાદર કરવાનો પોતાનો અધિકાર સ્થાપવા ચાહે છે અને શૂન્યવાદમાં ધસી રહ્યા છે તેમની એ જાતની ભૂલોની સામે નિરંતર પ્રતિકાર કરતા રહીનેય આપણે એમને સમજવાની જરૂર છે, પણ હકીકત તો એમ છે કે આપણામાંના ઘણાખરાએ – મારા પોતાના દેશમાં તેમ યુરોપમાં – આવા શૂન્યવાદનો અસ્વીકાર કર્યો છે. અને તેની શોધમાં તેઓ રોકાયા છે. આપણા ઇતિહાસમાં મૃત્યુની ઇચ્છા જે રીતે સક્રિય બની છે તેની સામે ખુલ્લેખુલ્લી જેહાદ ઉપાડવાને અને આપત્તિના આ ભયંકર યુગમાં બીજી વાર જન્મ પામવાને એમણે પોતાને માટે જીવનની કળાનો આકાર આપવા ધાર્યો છે. નિઃશંક આ જગતને સુધારવાનું પોતાને આહ્‌વાન મળ્યું છે એમ હરેક પેઢીને લાગ્યા કરે છે, મારી પેઢીને લાગે છે કે હવે એ પોતાને સુધારી શકે નહિ, પણ એનું કાર્ય એથી યે મહાન છે : આ વિશ્વ પોતાનો વિનાશ નોતરી ન બેસે તે માટે તેની રક્ષા કરવાનું તેને ભાગે આવ્યું છે. દુર્ગતિને પામેલી ક્રાંતિઓ જ્યાં ભળી છે, ટેકનોલોજી જ્યાં ઉન્મત્ત બની છે, મૃત દેવતાઓ અને જીર્ણશીર્ણ વિચારધારાઓ જ્યાં શેષ રહી છે, મધ્યમબરની શક્તિઓ જ્યાં સર્વ વિનાશ નોતરી શકે છે છતાં અન્યને પ્રતીતિ કરાવવાનો કોઈ માર્ગ જે જાણતી નથી, બુદ્ધિશક્તિ જ્યાં માનવ માટેના ધિક્કાર અને દમનનું હથિયાર બની અધમ કોટિએ પહોંચી છે ત્યાં – આવા વિકૃત ઇતિહાસનો વાસ બનેલી આ પેઢી પોતે જ પોતાનો ઇન્કાર કરી આરંભ કરવા ચાહે છે અને ત્યારે પોતાના અંતરમાં અને પોતાની બહાર એવું કશુંક જે જીવન અને મૃત્યુનું ગૌરવ સ્થાપી શકે તેની પ્રતિષ્ઠા કરવાની રહે છે. વિનાશનો ભય જેના પર ઝળૂંબી રહ્યો છે એ જગતમાં – આપણા પ્રતાપી શોધકો જ્યાં મૃત્યુનું સામ્રાજ્ય ચણી દે એવો મોટો ખતરો ઊભો થયો છે – ત્યાં સમય સામેની આ અધર્મ્ય હોડમાં, જુદાજુદા દેશોમાં પરવશતાથી મુક્ત શાંતિ સ્થાપવી, નવા શ્રમજીવી વર્ગ અને સંસ્કારિતા વચ્ચે મેળ રચવો, સૌ માનવીઓ દ્વારા ‘ધ આર્ક ઑફ કૉવેનન્ટ’ રચવું, એ વાત તેઓ જાણે છે. આ પેઢી આટલું ભગીરથ કાર્ય સિદ્ધ કરી શકશે કે કેમ એ નક્કી નથી. પણ આખાય વિશ્વમાં સત્ય અને સ્વાતંત્ર્યના બેવડા પડકારને પહોંચી વળવા એ જાગી પડી છે અને જરૂર પડે તો કશાય દ્વેષ વિના, એને માટે મોતને શી રીતે ભેટવું એય તે જાણે છે. આ વસ્તુ જ્યાંજ્યાંં જોવા મળે છે, ખાસ તો જ્યાંજ્યાં આ માટે તે બલિદાન અર્પી રહી છે, ત્યાંત્યાં એને વંદના કરવી ઘટે અને એને પ્રોત્સાહન આપવું ઘટે. કોઈ પણ સંજોગોમાં, આ બાબતમાં તમારું અનુમોદન મળશે એમ હું સમજું છું અને મને જે માન તમે આપી રહ્યા છો તે એ પેઢી પર હું આવરવા ચાહું છું. એ સાથે લેખકની પ્રવૃત્તિની ઉદાત્તતા દર્શાવ્યા બાદ મારે એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવી જોઈએ. હાથમાં શસ્ત્રધારી એવા પોતાના બાંધવોનો તે સહયોગી બન્યો છે, અને તેથી ભિન્ન તેની કોઈ માગણી નથી. બચાવરહિત પણ હઠીલો, અનુચિત પણ ન્યાય માટે પ્રબળ અનુરાગી હરેકને નજરમાં રાખી શેહશરમ કે મગરૂબીમાં તણાયા વિના પોતાનું કર્તવ્યપાલન કરનારો, સૌંદર્ય અને યાતના વચ્ચે વિચ્છિન્ન થઈ જનારો અને અંતે ઇતિહાસની વિનાશકારી હિલચાલમાં જીદપૂર્વક પોતાના વિવિધ અસ્તિત્વમાંથી પોતાની સૃષ્ટિઓ નિર્માણ કરવા ચાહનાર તે આત્મસમર્પણ કરી રહ્યો છે. આ બધું છતાં, પ્રશ્નોના પૂરેપૂરા નિરાકરણની કે ઉચ્ચતર નીતિમત્તાની અપેક્ષા તેની કને શી રીતે રાખી શકાય? સત્ય સ્વયં ગુહ્ય છે, છટકણું છે; એને નિરંતર જીતવાનો પ્રયત્ન કરવો પડે છે. જ્યારે સ્વતંત્રતા એ ખતરાજનક વસ્તુ છે. જેમજેમ એનો ઉત્કર્ષ થાય છે તેમતેમ એને આધારે જીવન જીવવાનું કપરું બની જાય છે. આપણે આ બે લક્ષ્યો તરફ વેદનામય બનીને પણ દૃઢ નિશ્ચય સાથે આગેકદમ કરવી જોઈએ. ભલેને આવા લાંબા માર્ગ પર નિષ્ફળતા આવી મળે. હવે પછી જીવતા અંતઃકરણવાળો કયો લેખક સદ્‌ગુણોના ઉપદેશક તરીકે પોતાને સ્વીકારી શકે? મારી વાત કરું તો, ફરીથી મારે એક વાર એમ કહેવું જોઈએ કે હું એ કોટિએ પહોંચ્યો નથી. પ્રકાશ, અસ્તિત્વનો આનંદ અને જે સ્વાતંત્ર્યમાં હું ઊછર્યો છું એ સ્વાતંત્ર્ય – એ બધાંને હું ક્યારેય છોડી શક્યો નથી પણ જોકે, આ મારી ઉત્કટ ઝંખના મારી ખામીઓ અને મારી ભૂલોનો મને સંકેત કરી રહે છે તોય મારી કળાને સમજવામાં એ મને સહાયક બની રહી છે. જે મૂંગાં માનવીઓ આ સંસારમાં પોતાના ક્ષણજીવી અને મુક્ત આનંદની થોડીક ક્ષણોની પુનઃપ્રાપ્તિ અર્થે એના સ્મરણમાં પોતાનું જીવન નિભાવી રહ્યાં છે એ સૌને અંતરની પ્રતીતિ સાથે હું ટેકો આપી રહું એ માટે એ મને ઉપકારક બની રહી છે.

કંકાવટી, નવે, ૭૭.




  1. ૧. ૧૯૫૭માં આલ્બેર કામૂને નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યું ત્યારે એનો સ્વીકાર કરતાં તેમણે જે નિવેદન રજૂ કરેલું તેનો મુખ્યાંશ.