તપસ્વી અને તરંગિણી/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

આ નાટકમા ઋષ્યશૃંગના પ્રાચીનકથાનકની ઘટના આધાર તરીકે લીધેલી છે, પરંતુ બુદ્ધદેવ બસુએ પોતાની સર્જકકલ્પનાથી એને એક એવો ઘાટ આપ્યો છે કે આ કૃતિ આજના મનુષ્યના માનસનું તથા એની આત્મ-ઓળખની દ્વિધા-વેદનાનું નિરૂપણ બને છે. યુવાન વય થતાં પણ નર-નારીભેદથીય અજાણ એકાંતનિષ્ઠ તપસ્વી ઋષ્યશૃંગમાં, તરંગિણીના છલભર્યા આકર્ષણથી ને સ્પર્શથી સ્ત્રી-કામના એવી જાગી ઊઠે છે કે એ રસ્તે વળી જતાં એ એક દક્ષ યુવરાજ બની રહે છે, પણ પછી એવી પરિસ્થિતિ સરજાય છે કે એ આ રાજ્ય-સમૃદ્ધિ છોડીને નીકળી પડે છે – મૂળ આશ્રમમાં પણ ન જતાં એ, પોતાની ઓળખ પામવા અપરિચિત વિશ્વ તરફ ચાલી નીકળેે છે. તપસ્વીને લોભાવ્યાની જીતનો નશો ઊતરી જતાં, વારાંગના-પુત્રી તરંગિણીને પણ પ્રતીતિ થાય છે કે પહેલી વાર એણે પ્રેમનો અનુભવ કરેલો પણ એ ગુમાવીને તે સાધનરૂપ જ બની રહી. દ્વિધા અને પરિતાપને અંતે એ પણ બધી ભૌતિક સમૃદ્ધિ છોડીને પોતાના ખરા ચહેરાની શોધમાં નીકળી પડે છે. કામ-પ્રેમ-લગ્ન અંગે નારીની વેદના-સમસ્યાનું આલેખન પણ શાંતાના પાત્રનિમિત્તે અહીં સુપેરે થયું છે. આ કૃતિમાં લેખક પૌરાણિક વાતાવરણને અનુરૂપ પ્રશિષ્ટ ભાષાને તથા ક્યાંક કાવ્ય-અંશોને પણ પ્રયોજે છે. નાટ્ય-પ્રવાહને એ ક્યારેક મંદ ગતિ વાળો કરે છે, પરંતુ પરિસ્થતિ અને પ્રસંગોનું આલેખન એવા નાટ્યકૌશલથી થયું છે કે આ નાટકનું વાચન સહ્ય જ નહીં, રસપ્રદ પણ બને છે. અનુવાદ યથા-યોગ્ય થયો છે. તો, આવી એક વિશિષ્ટ કૃતિમાં જિજ્ઞાસાથી પ્રવેશીએ –

– રમણ સોની