તારાપણાના શહેરમાં/નસનસમાં આખરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નસનસમાં આખરે

આતુરતાને ટેરવે ઊંચકાઈ જાઉં છું
ફુલ્લીના પંજા જેમ હું ફેંકાઈ જાઉં છું

મર્યાદા તોડવાના મનોરથ લઈને રોજ…
કાંઠા ઉપરનાં ફીણમાં ફેલાઈ જાઉં છું

સૂરજ થવાની વાત તો આકાશમાં રહી
ચકમકથી નીકળું છું ધુમાડાઈ જાઉં છું

હું એકવીસમી સદીનો ભૂતકાળ છું
હું પૂર્વજોના સ્વપ્નમાં ખોડાઈ જાઉં છું

હું તો હવાની હાંફ છું, સમજણની બ્હાર છું
કેવળ કોઈના કાનમાં અથડાઈ જાઉં છું

પ્રતિબિંબ થઈને બેઠો રહું છું તળાવમાં
પળના પવનની ફૂંકમાં વેરાઈ જાઉં છું

ભ્રમ છું, વિકલ્પ છું, હું અજાણ્યો છું, પ્રશ્ન છું
હું દર્પણોની ભીડમાં ઘેરાઈ જાઉં છું

નસનસમાં આખરે મેં સુરંગો ભરી દીધી
જોવું રહ્યું કે ક્યારે હું ચંપાઈ જાઉં છું