તારાપણાના શહેરમાં/વિપ્રલબ્ધા ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિપ્રલબ્ધા ગઝલ

એક ભ્રમનો આશરો હતો… એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણા સુધી જઈ… પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો