તુલસી-ક્યારો/૧૭. સમાધાન
બેઉ જણાં ત્યાંથી સારી પેઠે દૂર નીકળી ગયાં ત્યારે ખૂણામાંથી નીકળી દેવુ નાઠો. પાછળ કદાચ પેલો માણસ આવશે ને પકડી પાડશે એવી બીકે થડક થડક થતો એ માંડ માંડ રસ્તો પૂરી કરી શક્યો. આખે માર્ગે એના અંતરમાં ઊર્મિઓની ઘૂમાઘૂમ ચાલી. પણ બીજી બધી વાતોને વિસરાવે તેવો ભય એના અંતરમાં ઊઠ્યો : ‘આ નવી બા શું કહેતી હતી? શું દાદા આવી પહોંચ્યા હશે? તો તો એ મને મારશે. એ તો ઠીક, પણ દાદા કાલે આ નવી બાને નફટાઈથી કોર્ટમાં ઊભેલી જોશે તો એને શું થશે? આ ભાસ્કર એની કેવી દશા કરશે? આ માણસ કોણ છે? એ નવી બા સાથે આમ કેમ વર્તન કરે છે? ને નવી બા શું દાદાને દેખીને શરમાઈને નાઠાં? દાદા પ્રત્યે એને શું વહાલ છે? અદબ અને માન છે? હું જલદી જઈને દાદાને વાત તો કરું.’ દેવુ ઘેર પહોંચ્યો ત્યારે સાચેસાચ એણે દાદાને આવેલા દીઠા. પોતે જે ટ્રેનમાં આવ્યો તે પછીની બીજી જ ગાડીમાં રવાના થઈને દાદા ઉપવાસી મુખે મુસાફરી કરી આવ્યા હતા. દેવુએ જઈને દાદા કશું બોલે તે પહેલાં જ કહ્યું : “દાદાજી! મને હમણાં ન વઢતા. હમણાં મને એક વાત કરી લેવા દો; નહીં તો પછી એ વાત હું કરી નહીં શકું. દાદાજી! એ વાત મારે તમને એકલાને જ કહેવી છે.” બાગમાં બેઠેલા એકલવાયા દાદાને તો દેવુ પર રોષ કરવાના હોશ જ નહોતા રહ્યા. એણે પોતાની સાંધ્ય-પૂજામાં “શેમ! શેમ!”ના તિરસ્કાર-સ્વરો સાંભળ્યા હતા. એનું મન પુત્રવધૂને એક વાર એકાંતે મળવાનું હતું. એના ઉપર તો એ આવીને ઊભા રહ્યા કે તરત પુત્ર વીરસુતનો રોષ તૂટી પડ્યો હતો. એ સૂનમૂન એકલા બેઠેલા પુરુષને દેવુએ પહેલો જ બોલ આ કહ્યો : “દાદાજી, બાને ખબર પડી છે કે તમે આવેલા છો; બા શરમાયાં લાગે છે.” દેવુની એ આખી અનુભવ-કથા સાંભળતાં જ વૃદ્ધની આંખો ચાંદનીનાં કિરણોને ઝીલતી ચમકી ઊઠી. ઝબકી ઊઠેલી આંખોને આ વૃદ્ધ બ્રાહ્મણે થોડી ઘડી મીંચી રાખી અને મનમાંથી આર્તનાદ ઊઠ્યો : ‘નિર્બલકે બલ રામ!’ બિડાયેલ આંખોમાંથી અશ્રુધારા વહી. દેવુએ પોતાના દાદાજીને રડતા એક જ વાર દીઠા હતા : પોતાની મૂએલી બાને યાદ કરતી વખતે. આ પુરુષને વારંવાર આંસુ બગાડવાની આદત નહોતી. દુ:ખોની આગથી એ નહોતા ઓગળતા. એને પિગળાવનાર એક જ તત્ત્વ હતું : પોતાની દીકરા-વહુઓનો પોતા પ્રત્યે પ્રેમભાવ. આખી રાત એને નીંદર ન આવી. પાછલા પહોરના અજવાળિયાને લીધે કાગડા બોલ બોલ કરતા અને એ કાગારવ એને સવાર પડી ગયાનો વારંવાર વિભ્રમ કરાવતો. પોતાની પાસે સૂતેલા દેવુના શરીર પર એ વારંવાર હાથ ફેરવતા હતા અને બીજા ઓરડામાં સૂતેલી મોટી વહુ ભદ્રા ઊંઘમાં કશુંક લવતી હતી એ તરફ એ કાન માંડતા હતા. એ સ્વપ્ન-લવારીમાં ભદ્રા બોલતી હતી : ‘કંચન! મારી બેન! તમને શી ખબર? – બાપુજીએ તો એક વાર તમારા જેઠના બરડામાં સીસમની લાકડીનો સોટો ખેંચી કાઢેલો. શા માટે – કહું? તમારા જેઠે મને મારા બાપ સમાણી ગાળ દીધેલી, એ બાપુજીને કાને પડી ગઈ હતી તેથી. બાપુજી તો બાપુજી છે, બેન! ચાલ પાછી ઘરે. તારે તે શું મોટું દુ:ખ છે! મને જોતી નથી? મારા માથાને મૂંડવાનો પહેલવહેલો દા’ડો આવ્યો તે દી બાપુજીએ અન્નજળ નહોતાં લીધાં. બાળ-ઉમ્મરનો રંડાપો હું રમતાં રમતાં વેઠું છું તે તો બાપુજીના પ્રેમને બળે. નીકર તો, બાઈ, હું તારા કરતાંય વધુ પોચી છું – ગાભા જેવી છું.’ થોડી વાર લવતી રહી ગયેલી ભદ્રાએ ફરી પાછું લવવા માંડ્યું : ‘ફડા...ક! ફડા...ક! ફડા...ક! હા-હા, સીસમની ત્રણ લાકડીઓ ખેંચી કાઢી’તી બાપુજીએ તમારા બરડામાં : કેમ, યાદ છે ને, વા’લા? ભૂલી શકો જ કેમ! હેં, ખરું કહો તો, મારા સોગન... ફરી વાર દઈ તો જુઓ મને ગાળ!’ વૃદ્ધ સસરો વધુ ન સાંભળી શક્યો. વિધવા પોતાના વિદેહી સ્વામીની સાથે સ્વપ્નમાં વાતો કરી રહી હતી. એ વાતો સાંભળવામાં પોતાને પોરસ ચડતો, છાતી ગજ ગજ ફૂલતી હતી. છતાં એ વાતો પતિ-પત્ની વચ્ચેની ખાનગી હતી; એ સાંભળ્યે પાતક લાગે. આવા નીતિશાસ્ત્રને જીવનમાં અનુસરતો સસરો પોતાની પથારી છોડીને બગીચામાં ટહેલી રહ્યો. સૌ સૂતાં હતાં તે વખતની આકાશી એકાંતમાં ચાંદો જાણે ચુપકીદીથી રૂપાની પાટો ને પાટો ગાળતો હતો. ગાળીગાળીને નભોમંડળમાં અઢળક ઢોળતો હતો. કૃપણને દિલાવર બનવા પ્રેરે તેવી ચાંદની હતી. ઘૂમાઘૂમ કરતી કાળી વાદળીઓ આ વૃદ્ધને ચન્દ્રના ઘરની વિધવા અને ત્યક્તા પુત્રવધૂઓ-શી દેખાતી હતી. સસરાના નેહે નીતરતી એ સૌ જાણે ઘરકામ કરી રહી હતી. આવડા પ્રબલ આકાશી દૃશ્યે આ વૃદ્ધની નસોમાં નવું બળ પૂર્યું. એણે સ્નાન પતાવીને, દેવુને જગાડી પોતાની સાથે લઈ, વહેલા પ્રભાતે ‘આશ્રય-ધામ’ શોધી કાઢ્યું. થોડા થોડા ભળભાંખળામાં બેઉ જણાએ ‘આશ્રય-ધામ’ને ચારપાંચ ચક્કર લગાવ્યાં. પણ હજુ અંદર કશો અવરજવર નહોતો. દાદા અને દેવુ બેઉ ‘આશ્રય-ધામ’ની દીવાલ પાસેની એક પીપર નીચે બેઠા બેઠા રાહ જોવા લાગ્યા. “જોજે હો, દેવુ!” દાદાએ ભલામણ કરી : “બા નીકળે કે તરત તું મને બતાવજે, હોં! હું નહીં ઓળખી શકું. મેં તો એને બાપડીને પૂરી જોઈ પણ ક્યાં છે?” પ્રભાત થયું ત્યારે પહેલવહેલો જ જે પુરુષ ‘આશ્રય-ધામ’ના દરવાજા પર આવી સાંકળ ખખડાવતો ઊભો તેને દૂરથી દેખી દેવુનો દેહ ભયની કંપારી અનુભવતો દાદાની નજીક સંકોડાયો. “કેમ, દેવુ! કેમ બીનો?” દાદાએ પૂછ્યું. ત્યાં તો દરવાજો ઊઘડ્યો ને એ માણસ અંદર દાખલ થયો. તે દેખીને હિંમત અનુભવતા દેવુએ જવાબ દીધો : “એ જ મેં કહ્યો તે – પેલો ...” “કોણ પેલો?” “જેને ‘ભાસ્કર’ ‘ભાસ્કર’ કહે છે તે.” ભાસ્કરનું નામ સાંભળવું અને ભાસ્કરને નજરોનજર નિહાળવો એ દેવુના દાદાને માટે સહેલું કામ નહોતું. પુત્રને કન્યા શોધી આપનાર અને પુત્રના સર્વહિતના રક્ષક બનનાર આ માનવીનું નામ એનાથી અજાણ્યું નહોતું. પુત્રનો ઘરસંસાર પણ કોઈક ભાસ્કરભાઈ ચલાવી આપે છે, પુત્ર અને વહુ વચ્ચેના કજિયાટંટા, વાંધા-તકરારો પણ કોઈક ભાસ્કરભાઈ પતાવી આપે છે, એ સાંભળવાના અનેક પ્રસંગો પોતાને ગામ આવતા હતા. પુત્રને કૉલેજમાં પ્રોફેસર-પદ અપાવવા માટે પણ કૈંક રાત્રિઓના ઉજાગરા વેઠીને મુંબઈ-વડોદરાની દોડાદોડી ભાસ્કરભાઈએ કરી હતી તે સાંભળ્યું હતું. પણ પુત્રના પિતાને એ બધા સમાચારો અતિ-અતિ વધુ પડતા સારા લાગ્યા હતા. પુત્રના સંસારમાં લેવાઈ રહેલો આ રસ એ જૂના જમાનાના બાપને વધુ પડતો લાગતો હતો. અમદાવાદ જઈ આવેલું કોઈ સ્વજન ઘણી વાર જ્યારે જ્યારે એને આવીને જાણ કરતું કે, ‘ભાઈબંધની તો બલિહારી છે, ભાઈ! દુનિયામાં ભાઈબંધ શું નથી કરતો!’ ત્યારે બુઢ્ઢા બાપને નાકે કશીક ન કળાય ને ન પરખાય તેવી ખાટી સોડમ આવી હતી. બેટા કે બેટીને, ભાઈને કે ભાઈબંધને ફક્ત પરણાવી ઘર ચાલુ કરવા દેવા સુધીની જ વાતને સ્વધર્મની છેલ્લી સીમા સમજનાર આ જૂના જમાનાનો ભણેલો બ્રાહ્મણ તે પછીની તમામ વાતને પેશકદમી જ માનતો હતો. ભાસ્કર નામથી એણે પોતાની સન્મુખ બીજો એક બ્રાહ્મણ જોયો – બ્રાહ્મણ જ હોવો જોઈએ : એને પૂછવું જોઈએ : અલ્યા, કહે તો વારુ : તારા મિત્રધર્મની સરહદ ક્યાં સુધી જઈને થંભે છે? એટલો વિચાર કરે છે ત્યાં તો દરવાજાની બારી ફરી વાર ઊઘડી. પહેલી એક યુવતી નીકળી ને તેની પીઠે મજબૂત હાથનો ધક્કો દેતો એ-નો એ જ પુરુષ પાછો નીકળ્યો. દેવુ પોતાના દાદાને ‘એ જ મારી બા’ એટલું કહી શકે તે પૂર્વે તો એ આનાકાની કરતી યુવતીને ધકેલવા જેવી સ્થિતિ કરતો પુરુષ સામે ઊભેલી મોટરકાર સુધી લઈ ગયો. બેઉને લઈને કાર ઊપડી, અને માત્ર ઊપડતી મોટરે એ સ્ત્રી હજુય પ્રભાતના સહેજ સંક્રાંતિકાળમાં અર્ધ-દૃશ્ય રહેલા એવા બે જણાને પીપરની ઘટા હેઠે જોતી ગઈ. તે પછી પાકી ખાતરી કરવા માટે પિતા બાળકને લઈ ‘આશ્રય-ધામ’ની ઑફિસે ગયા; પૂછ્યું : “અમારે કંચનગૌરીને મળવું છે.” “શું થાય તમારે?” “સગાની દીકરી થાય.” “બહાર ગયેલ છે.” ઘણી લાંબી વેળા ત્યાં બેઠા પછી, પ્રભાતનાં અનેકવિધ ગૃહકાર્યોમાં મચી જવાના એ સમયે, ત્યાં આશરો લઈ રહેલી પચાસેક નાનીમોટી સ્ત્રીઓને પરસ્પર વાદાવાદ અને રીસ-બબડાટ કરતી જોયા પછી નિરાશ દાદા દસ વાગ્યે બહાર નીકળ્યા અને ઘેર ગયા વગર બારોબાર અદાલતમાં પહોંચ્યા. ત્યાં એણે સાંભળ્યું કે ફરિયાદી બાઈ કંચનગૌરીના વકીલે પોતાની અસીલની તબિયત એકાએક ગંભીર થઈ જવાથી, ને તે કારણે તેને બહારગામ ચાલ્યા જવું પડેલું હોવાથી, અચોક્કસ મુદતને માટે મુકદ્દમો મુલતવી રાખવાની અરજી ન્યાયાધીશને કરી છે. આ રસ-ગંભીર મુકદ્દમામાં હાજરી આપવા આવેલાં બસોક સ્ત્રી-પુરુષ શ્રોતાઓ પાછાં વીખરાતાં હતાં. તેમનાં વદનો પર નિરાશા ને ખિન્નતા જ નહીં પણ ચીડ અને ઠપકો પણ હતાં. તેઓ અંદર અંદર વાતો કરતાં હતાં કે – “એકાએક તબિયત શાની લથડી ગઈ? વખતસર કોઈ દાક્તરને તો બતાવવું હતું!” “આમાં તો નબળાઈ જ ગણાવાની.” “ભાસ્કરભાઈ કોઈને પૂછે નહીં, ગાછે નહીં ને એને બહારગામ ઉપાડી જાય – એ તે કેવી વાત!” આ સૌ માણસોની વાતો કરવાની છટામાંથી એક ભાવ તો સ્પષ્ટપણે ઊપસી આવતો હતો કે સૌ કંચનના જીવનને પોતાનું આત્મીય માનતાં હતાં. સૌને કંચને આજે જાણે કે ફરેબ દીધો હતો. સૌએ પોતાના સમયની તેમ જ સજાવટની બરબાદી બદલ કંચનને જ દોષિત ગણી. સૌથી વધુ કષ્ટ તો જે જે નવી પ્રૅક્ટિસ માંડનારા જુવાન ધારાશાસ્ત્રીઓ આ મુકદ્દમામાં કંચન-પક્ષે લડવા થનગની રહ્યા હતા તેમને થતું હતું. એમ પણ વાત થઈ કે, “એનો સસરો આવેલો છે એવું જાણ્યા પછી એ હિંમત હારી ગઈ. ભાસ્કરભાઈએ તો એને ઉત્તેજિત કરવાની ઘણી મહેનત કરી; પણ એને હોશ આવ્યા જ નહીં.” કોઈ બોલ્યું : ‘એબ્સર્ડ.’ કોઈએ કહ્યું : ‘ચાઇલ્ડિશ.’ અદાલતના એ તમાશબીનોને ચીડવતી, વીરસુતની ગળોગળ દાઝને ધૂળ મેળવતી, અને એક વૃદ્ધ તેમ જ એક બાળકને અમદાવાદના ફૂટપાથ પર બાઘોલા જેવા બનાવી મૂકતી કંચન અને ભાસ્કરવાળી આગગાડી આગળ ને આગળ વધતી હતી; ગુજરાતનાં જોવાલાયક ગામો ઘૂમતી હતી. “તને ભોળીને શી ખબર પડે?” ભાસ્કર એને સમજ આપતો હતો : “એ લોકો તારું અપહરણ કરીને તને પોતાના ગામની રજવાડી હદમાં ઘસડી જવા આવ્યા હતા ને કાવતરું ગોઠવતા હતા. તું ભલી અને નિર્દોષ છે એટલે તેમના વિશે ભલા વિચારો ધરાવે છે.” આ શબ્દોથી કંચનને પોતાના અપરાધનો ભાર હળવો થયો હોય એવું લાગ્યું. પોતે ભલી અને નિર્દોષ હોવાનો ઠપકો કઈ સ્ત્રીને નથી ગમતો! “તને ખબર છે?” ભાસ્કરે કહ્યું : “હું ન આવી પહોંચ્યો હોત તો તને ઉપાડી જવા માટે એ ટોળી ત્યાં બેઠી જ હતી!” સવારે ‘આશ્રય-ધામ’થી નીકળતી વેળા કંચને જે બે આકારો દીઠા હતા તેમને હવે એણે ઓળખી પાડ્યા. એ બેઉ – એ સસરો ને એ પુત્ર – પોતાને ઉઠાવી અથવા ભોળવી જવા જ આવેલ હોવા જોઈએ. “તેં તો ક્યાં નથી વાંચ્યા એ કિસ્સાઓ? – જેમાં પોતાની ઇચ્છાથી આડે હાલનાર વહુવારુઓનાં તો આ ગામડાંનાં સાસરિયાં ખૂનો પણ કરાવી નાખે છે.” એમ કહીને ભાસ્કરે પોતાની યાદદાસ્તમાંથી એક પછી એક બનાવો વર્ણવવા માંડ્યા. એ વર્ણન કોઈ પણ સ્ત્રીને કંપાયમાન કરી મૂકે તેવું હતું. “આવી તમામ સિતમગીરીને તોડવા તું સાચી નારી બની જા, તારું સિંહણ-સ્વરૂપ પ્રકાશ! તું વાઘેશ્વરી દેવી છે. તું સેંકડો કંગાલ સ્ત્રીઓની પ્રેરણામૂર્તિ બન. અબળાઓનાં બેડીબંધનો તૂટીને એક દિવસે તારાં ચરણો પાસે એનો એકસામટો ઢગલો થશે. એવો દિવસ નિહાળવા મારાં નેત્રો તલસે છે. હું તો ફક્ત શિલ્પી છું; તારામાંથી આ ઘાટ ઘડવાના મારા કોડ છે.” એમ બોલીબોલીને એણે એ સેકન્ડ ક્લાસના પ્રવાસીશૂન્ય ડબામાં કંચનગૌરીની પીઠ પર થબડાટ કર્યા. થબડાટે થબડાટે કંચનનું ફરી પાછું ફુલાવું શરૂ થયું હતું. પોતે કંઈક પરાક્રમ કરી દેખાડવાનું મંગલ નિર્માણ લઈને આવી છે એવું એને વારંવાર લાગવા માંડ્યું, ને પોતાને ભાસ્કરભાઈ અપહરણ તેમ જ ગુપ્ત હત્યામાંથી બચાવી લાવેલ છે તેવી તેની ખાતરી થઈ. પરંતુ વારંવાર પોતાના દિલને વિશે સસરાનો દુષ્ટ સંકલ્પ ઠસાવવા માગતી કંચન વારંવાર ચોંકી ઊઠતી હતી ફક્ત એક જ શબ્દના સ્વર-ભણકારને લીધે : હજુય જાણે રેલગાડીનાં પૈડાંને બાઝી પડીને કોઈ બાળક બોલાવતું હતું : ‘બા!’ એ ક્ષીણ શિશુ-બોલની સુંવાળી ગરદનને ચીપતો ભાસ્કરનો સૂર ગાજતો હતો : ‘વીરાંગના!’