તુલસી-ક્યારો/૧૮. પુત્રવધૂની શોધમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૮. પુત્રવધૂની શોધમાં

થોડે મહિને તમાશાની વૃત્તિ વિરમી ગઈ, શહેરી ઊભરો શમ્યો, મુકદ્દમાની લડત માંડી વાળવામાં આવી, અને વીરસુત એની સ્ત્રીને ખોરાકી-પોશાકી પૂરી પાડી ફાવે તે પ્રવૃત્તિમાં પડી જવા દેવા કબૂલ થઈ ગયો. પોતાને તો કંચન હવે ઘરમાં ધોળા ધર્મેય ન ખપે; પણ છૂટાછેડા મેળવવા માટે એણે પ્રયત્ન ન કરવો એ શરતે જ એના પરનો મુકદ્દમો પાછો ખેંચાયો. પિતા, પુત્ર અને મામા થોડાક મહિના રોકાયા. પણ વીરસુત તેમની હાજરીને સહી શકતો નહોતો – કેમ જાણે તેમની હાજરી વીરસુતના છિન્નભિન્ન સંસાર પર દિવસ-રાત કોઈ છૂપો કટાક્ષ કરી રહી હોય! તેઓ વીરસુતથી ડરી–સંકોડાઈને રહેતા. વીરસુત ઘરમાં આવે કે તરત ચૂપ થઈ બેસતા. પણ તેમના સવળા આચરણનીયે અવળી અસર પડતી. “હેં દેવુ!” દાદાએ એક દિવસ વીરસુત કૉલેજમાં ચાલ્યો ગયો તે પછી ઇચ્છા દર્શાવી : “બાપુ ભણાવે છે તે કૉલેજ તો જોઈએ! બધાં એનું શિક્ષણ બહુ બહુ વખાણે છે, તો આપણે એના ક્લાસની બહાર કમ્પાઉન્ડમાં ઊભા ઊભા સાંભળીશું! હેં, જશું?” દેવુએ હા કહી. પિતાની ઇચ્છા સાંજે ઘેર આવી પુત્રને વખાણથી રીઝવવાની હતી. દાદા ને દેવુ બેઉ જમ્યા પછી (વીરસુત જમી લેતો પછી જ તેઓ બેસતા) અંધ મામાથી ગુપ્તપણે રચેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ચાલ્યા. “ત્યારે, જાનીજી, હું તો સૂઉં છું મારી ઓરડીમાં જ!” એમ બોલીને જ્યેષ્ઠારામ તો પોતાને સ્થાને (ગ્યાસલેટ અને પરચૂરણ જૂના સામાનવાળી ઓરડીમાં) ચાલ્યો ગયો હતો. દાદા ને દેવુ બહાર નીકળીને સડક પર પહોંચે છે ત્યાં તો – જ્યેષ્ઠારામ તૈયાર થઈને હાથમાં લાકડી લઈ ઊભો છે! “કાં દવે! ક્યાં જાછ અત્યારે?” દાદાએ પૂછ્યું. “આ ... ઊંઘ તો આવી નહીં, એટલે એમ થયું કે, લાવને ભાઈ ભણાવે છે એ શાળામાં જઈ આવું! તમે શીદ ભણી?” “હવે રાખ રાખ, પાજી!” સોમેશ્વર હસી પડ્યા : “લે, હાલ હવે હાલ!” “ના, તમેતમારે જ્યાં જતા હો ત્યાં જજો ને! નાહકનો હું સાથે હઈશ તો શરમાવું પડશે!” “હવે, માબાપ, મૂંગો મરછ કોઈ રીતે?” ત્રણેય જણા ચાલ્યા. બીતાં બીતાં કૉલેજની ચોમેર મેદાનને આંટો મારી લીધો. ચોર જેવે મીનીપગલે અંદર પેઠા, ને વીરસુત જ્યાં વર્ગ લેતો તે જ ખંડની સામે આવીને ઊભા રહ્ય. ‘ભાઈ’ની મધુર અધ્યાપનવાણી સાંભળીને બાપનો આત્મા કકળ્યો : ‘આહાહા, આવા સરસ્વતીસંપન્નને શિરે આ દુ:ખ! મારા પુત્રના મોંમાંથી વાગ્દેવી કેવી પ્રસન્નતાથી વહી રહી છે! આને માથે...!’ પણ વીરસુતના અંતરમાં આ કુટુંબીજનોના દૃશ્યે ઊલટી જ લાગણી સળગાવી. એની વાગ્ધારા ખંડિત બની. એનો ચહેરો પડી ગયો. એની જ્ઞાનસમાધિમાં ભંગ પડ્યો. આનું એક વધુ કારણ હતું. પોતાનાં આ કૉલેજનાં વ્યાખ્યાનો સાંભળવા બે વર્ષ પૂર્વે કંચન આવતી તે દિવસો યાદ આવતાં કારમો તફાવત કલ્પના પર ચડી બેઠો. કંચન આંહીં બેસતી ત્યારે પોતે સોળે કળાએ ખીલી રહેતો. કંચનને સ્થાને આજે આ ત્રણ સગાં સાંભળે છે! વિડમ્બનાની અવધિ વળી ગઈ. ઘેર આવીને એણે પિતાને કહ્યું : “મારા દાઝેલ હૃદય પર શાને ડામ દઈ રહ્યા છો! આથી તો ઘેર જાઓ ને!” “ભલે ભાઈ!” વૃદ્ધે પુત્રની ઇચ્છા ઝીલી લીધી. એણે પોતાની તૈયારી કરીને પૂછ્યું : “ભદ્રાને લેતો જાઉં કે અહીં રાખું?” “લેતા જાઓ – ને આ ઘરને પણ દીવાસળી મૂકતા જાઓ! હું પણ મારો છુટકારો ગોતી લઈશ. પછી તમને નિરાંત થશે!” પિતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેની નજર સામે બે વીરસુત તરવરતા હતા : એક તો કૉલેજમાં બોલતો સરસ્વતીનો વરદાનધારી; ને બીજો આ બકવાદ કરનારો.બેમાંથી કયો સાચો? બેઉ સાચા : એક જ ખોળિયામાં બેઉ વસનાર. બકવાદી વીરસુતનો કોઈક દિવસ વિલય થઈ જશે, શારદાનો વરદાનધારી પ્રકટ થશે – એ આશાએ એણે કહ્યું : “તો ભલે ભદ્રા આંહીં રહેતી, ભાઈ!” એટલું જ કહી વૃદ્ધે રજા લીધી. એને બીક લાગેલી કે મૂંઝાયેલો ‘ભાઈ’ કદાચ આપઘાત કરી બેસશે. સ્ટેશને ગયા પછી સોમેશ્વરે અંધ સાળાને જુદો એકાંતે બોલાવી પૂછ્યું : “જ્યેષ્ઠારામ! ઘરે જઈ શું મોં બતાવું?” “જાત્રા કરવા જવું છે?” જ્યેષ્ઠારામે આંખો બીડી રાખીને કહ્યું : “તમારું મન જરા હળવું થશે, ને અંજળ હશે તો વહુને પણ ગોતી કઢાશે.” “તારી મદદ છે?” વૃદ્ધનો કંઠ લાગણીવશ બન્યો. જવાબમાં જ્યેષ્ઠારામે પૂરેપૂરી આંખો ખોલી. એ આંખોમાં અંધાપો નહોતો, પણ આંખનો દુષ્ટ લાગે તેવો મિચકારો હતો. “હેં, માળા દુષ્ટ!” ડોસા દેખીને હસી પડ્યા. “લેવાદેવા વગરનું આંખોનું તેજ હું બગાડતો નથી, તેમાં દુષ્ટ શાનો!” “ઠીક, ચાલ, દેવુને સાથે લેશું ને?” “હા, હા.” ત્રણેય જણા ડાકોર વગેરે સ્થળોમાં થોડું ભટકી પછી એક ગામમાં આવ્યા – જ્યાં કંચનનો, આશ્રય-ધામની એક સંચાલિકા લેખે, ભાસ્કરની સાથે પડાવ હતો.