દક્ષિણાયન/પક્ષીતીર્થમ્


પક્ષીતીર્થમ્

તીરૂકલુકુન્ડરમ્ — પક્ષીતીર્થ અથવા વેદગિરથી ઓળખાતા નાનકડા ગામમાં અમે પાછાં આવી પહોંચ્યાં. ત્યાંના ખૂબ વિશાળ અને લંબચોરસ, ચારે બાજુ પગથિયાંવાળા કુંડ શંખતીર્થમાં સ્નાન કર્યું અને સાથે સાથે નિચોવેલાં કપડાં ખભા પર નાખી અહીંનું મંદિર પણ જોઈ લીધું. આ સ્થળનું માહાત્મ્ય જ્યાં કેન્દ્રિત થયું છે તે અહીંનો પાંચસો ફૂટ ઊંચાઈનો વેદિગિર છે. પૃથ્વીનો ઊર્ધાભિલાષી લાવારસ જ ઊંચે ચડી આ એક સળંગ ઊંચી નાની ટેકરી રૂપે જામી ગયો છે. માણસે આ ટેકરીનો મહિમા અનેકગણો વધારી પોતાની ઊર્ધ્વકાંક્ષાના શિખર જેવું મંદિર ટેકરીની ટોચ પર બાંધ્યું છે. ના, પણ એમ કહેવું બરાબર નથી. ટેકરીના શિખરને જ મંદિરના પણ શિખર તરીકે રાખીને તેની આસપાસ મંદિર બનાવ્યું છે. આકાશના હૃદયમાં રોપાયેલી ધજા જેવું એ મંદિરમંડિત શિખર ગમે ત્યાંથી જુઓ, પોતાની એકલ અનન્ય ઊર્ધ્વસ્થિતિથી તમને તે આકર્ષવાનું જ. ટેકરી ઉભડક ઊંચી હોવાથી એના પર ચડવાનાં પગથિયાં પણ થકવે એવી ઊંચાઈનાં હતાં. જિંદગીમાં કોક વાર ડુંગરા ચડનાર યાત્રીઓ ઢીંચણે હાથ દઈને હાંફતાં હાંફતાં અને ધીરે ધીરે કતરાતી ગતિમાં ચડતાં હતાં. આ વેદિગિરની ટોચે વેગિરીશ્વર શ્રી શંકર નિવાસ કરે છે. દ્રાવિડ મંદિરોની વિશેષતા પ્રમાણે દેવના ગર્ભાગારમાં સૂર્યના પ્રકાશનો પ્રવેશ ન હતો તો પછી ત્યાં સૂર્યથી ગૌણ એવા પવનનો પ્રવેશ તો શાનો જ હોય? આજુબાજુ કોપરેલની ખોરી વાસ મહેકતી હતી. બે ડગલાં બહાર જ જયાં શુદ્ધતમ હવાના સાગર ઊછળતા હોય ત્યાં જીવને રૂંધતી આ હવામાં ઘડીભર ઊભા રહેવાની ધીરજ પણ ક્યાંથી રહે? એ સિદ્ધિ તો દેવોને માટે જ શક્ય ભલે રહી મંદિરથી અમે બહાર નીકળ્યાં અને જેના કુતૂહલથી પ્રેરાઈ અહીં આવ્યાં હતાં તે પક્ષીભોજનની ઘટનાને પ્રત્યક્ષ બનવાની રાહ જોવા લાગ્યાં. મંદિરના પશ્ચિમ ભાગમાં એક નાનકડા ખડક પર પીળી ચાંચનાં બે સફેદ ગીધ પક્ષીઓ અહીંના પૂજારીના હાથે ભોજન કરવા રોજ અગિયાર-બારના સુમારે આવે છે. સેંકડો વરસોથી આ ઘટના ચાલુ બનતી આવેલી છે. પક્ષીઓ બે જ, નહિ વધારે કે ઓછાં, એક પણ દિવસ પાડ્યા સિવાય આ સ્થળે આવ્યાં કર્યાં છે અને અહીંના પૂજારીઓ તેમને જમાડતા આવ્યા છે. પુરાણની કથા કે જેની કલ્પના ગમે તે ખુલાસો ઉપજાવી શકે તેવી સમર્થ છે તે આનો તરત ખુલાસો આપી દે છે. બે ભાઈ હતા. એક શિવનો ભક્ત અને બીજો શક્તિનો. એક દિવસે બંને જણ કોના ઈષ્ટદેવ શ્રેષ્ઠ એ બાબતમાં લડી પડ્યા. શિવે પ્રગટ થઈ આ ભક્તોને કહ્યું, ‘અરે મૂઢો! તે બંને એક જ છે.’છતાં તેમણે તે નિરાકરણ ન સ્વીકારતાં દેવની સમક્ષ જ લડાઈ ચાલુ રાખી. શિવે શાપ દીધો: ‘જાઓ, ગીધ થઈને અવતરજો.’ પોતાની મૂઢતાનું ભાન પામેલા તેમણે પશ્ચાત્તાપ કર્યો અને શાપમાંથી મુક્તિની પ્રાર્થના કરી. દ્વાપરને અંતે એમનો શાપમાંથી મોક્ષ થયો. શિવમાં ભળી જવાને એમણે ફરી તપ આદર્યું. શિવ પ્રગટ થયા. દેવાધિવદેવ! અમારે મોક્ષ જોઈએ છે.’ ‘તથાસ્તુ!’કહી શંકર જવા જતા હતા ત્યાં આ પરમ ભક્તો બોલ્યા: ‘પણ પ્રભુ! હમણાં ને હમણાં જ.’શંકરની ભ્રમર સંકોડાઈ. ‘મૂર્ખ છો તમે. જાઓ, ફરીથી કિલના અંત લગી ગીધ બનીને રહો.’આજે કલિકાળમાં મોક્ષની રાહ જોતા એ બે ભાઈઓ આ પરમ પાવન તીર્થમાં રોજ આવે છે. તેઓ દિવસે હિંદનાં બધાં તીર્થો ફરી આવે છે, ગંગામાં સ્નાન કરે છે, અહીં ભોજન કરે છે અને ચિત્રકૂટમાં રાત ગાળે છે. આ તપસ્વી ભાઈઓને ભોજન આપવાનું કે ભોજન કરતા જોવાનું પુણ્ય જે ન મેળવે તે કમનસીબ! પુરાણને ગપ માનીએ, શાપ અને મોક્ષને અવગણીએ પણ અહીંના વલંદા અમલદારોને ચોપડે સત્તરમી સદીમાં પણ નોંધાયેલી આ નિત્યઘટના નકારાય તેમ નથી. પક્ષીવિદો આનો શો ખુલાસો આપે છે? ગીધ કેટલાં વરસ જીવે છે? વળી મરે છે ત્યારે પોતાનો બીજો વારસ કેવી રીતે મૂકી જાય છે? અતિશય આતુરતાથી અમે પક્ષીની શોધમાં નજર નાખી. તેમના આવવાનો વખત થયો હતો. પાસેની ટેકરીના એક શામળા ખભા પર બે સફેદ પીતચંચ પક્ષી આરામથી બેઠાં હતાં. તેઓ ઘડીકમાં ચાંચથી પીછાં ખોતરતાં હતાં. ઘડીકમાં ઊઠીને એકબે ચક્કર લગાવતાં હતાં અને એટલામાં જ પાછાં બેસી જતાં હતાં. એમને માટે પ્રસાદ લાવવા પૂજારી હજી વિલંબ કરતો હતો એટલે તેમનાં ભોજનસ્થળની આજુબાજુ ભેગા થયેલા પ્રેક્ષકગણને તાકતો રાખીને તેઓ દૂર દૂર જ ભમતાં હતાં. તેમની રાહ જોતાં જોતાં કંટાળીને મન આસપાસની પ્રકૃતિ તરફ વળ્યું. અને બેશક, તેમાં પંખીદર્શનની ઉત્સુકતાની પૂર્તિ કરતાં વિશેષ આહ્લાદકતા હતી! આ પેલા મંદિરનાં ગોપુર. લીલી ભૂમિની શેતરંજ ઉપર કોઈ રથનાં પ્યાદાં ચલાવી, રમતો અધૂરી મૂકી હમણાં જ ચાલી ન ગયું હોય જાણે! આમ પૂર્વમાં પેલો મહાબલિપુરમ્‌ જવાનો, લીલાં વૃક્ષોની પ્રલંબ વીથિ વચ્ચે પાંથી જેવો જતો પાણ્ડવર્ણી રસ્તો; દૂર ક્ષિતિજમાં દેખાતી સમુદ્રની ધોળી રેખા; વચ્ચે વચ્ચે અહીંતહીં લીલા ચણિયા પર જડેલાં આભલાં જેવાં નાનાં નાનાં તળાવ અને ખેડેલાં સફાઈદાર ખેતરો; આમ ઉત્તરે ચિંગલપટ જતી સડક અને તેના પરની હારબંધ નાળિયેરીઓ, જાણે શેરવાની પર જડવામાં આવેલાં સજ્જડ બટનો જ! લીલા રંગની અનેક છાયાઓમાં માટીની રતૂમડી છાયાઓ અને ઝાડ તથા રસ્તા, તળાવો તથા ખાબડાં જોઈને આંખ મીરાંબાઈના ભજન જેવું માધુર્ય અનુભવવા લાગી. પક્ષીઓના ચમત્કારિક કે પાવક દર્શન કરતાંયે નિસર્ગની આ મુગ્ધ કરનારી મનોહર તનુનું દર્શન કરવા જ આટલો ચડાવ ચડીએ તોય ફેરો સાર્થક થઈ જાય. આ ટેકરીના પૂર્વ ભાગમાં ૫૦ પગલાં નીચે એક નાની ગુફા મહાબલિપુરમ્‌ની ગુફાઓ જેવી છે. સાતમી સદીની એ કહેવાય છે. એની દીવાલ પર બ્રહ્મા અને વિષ્ણુની સાડા અઢાર ફૂટ ઊંચાઈની મોટી મૂર્તિઓ છે. અંદરના ભાગમાં શિવલિંગ છે. વલંદા મુસાફરો આ ટેકરીની મુલાકાતે આવેલા ત્યારે પોતાની સહીઓ પણ અહીં કોતરી ગયેલા તે ત્યાં મોજૂદ છે. એવી રીતની ૧૬૬૪ થી ૧૬૮૭ સુધીની ત્રણ સહીઓ અહીં છે. બ્રિટિશના હાથમાં આ સ્થળ ગયું તે પહેલાં વલંદાઓ અહીંના અધિપતિ બની ગયેલા. તેમનાં દફતરોમાં આ પક્ષીભોજનનો બનાવ નોંધેલો છે. આ સ્થળના અને મહાબલિપુરમ્‌ના ઇતિહાસને તદન ગાઢ સંબંધ છે. પણ ઇતિહાસની કથા કરતાંય પુરાણની કથા વધારે રોમાંચક અને આહ્લાદક હોય છે. આને વેદિગિર શા માટે કહેવામાં આવે છે? આ એના શિખરમાં સામવેદ છે, મધ્યમાં યજુર છે, મૂળમાં ફૂ છે. આમ વેદોનો આ ગિરિ બનેલો છે. આપણે વેદોને ચારની સંખ્યામાં જાણતા થયા તે પૂર્વે તેઓ એક જ હતા; પણ હિંદી સરકારે મુસલમાનો, ખ્રિસ્તીઓ વગેરે લઘુમતીવાળી કોમોને હિંદના પ્રજાવર્ગમાંથી અલગ પાડવા માંડી છે તેમ ભારદ્વાજ વગેરે ઋષિઓએ તેમાંથી ગાયત્રી વગેરે મંત્રો કાઢીને જુદા જુદા પ્રયોજવા માંડ્યા. આ તો ભારે અનર્થ! વેદોને થયું, આપણે બધા આમ છિન્ન થઈ જવાના. તો ચાલો, તપ કરીએ અને તેઓ તપની ભૂમિ કૈલાસમાં ગયા. તપ સફળ થયું. મહાદેવે કહ્યું, ‘જાઓ, પૃથ્વી પર તમે છ ટેકરી રૂપે વસો અને તમારા ઉપર હું વાસ કરીશ. આ વૈદિરિ આમ છ ટેકરીનો બનેલો છે અને તેના ઉપર વેગિરીશ્વર વાસ કરી રહ્યા છે. તીર્થની પવિત્રતા અને મહિમા વધારનારી બીજી ઘણી કથાઓ છે, પણ હવે પક્ષીઓને જમાડવાની તૈયારી થતી લાગે છે, માટે તેના તરફ ધ્યાન આપવું એ જ યોગ્ય છે. દાઢી પર ધોળા વાળના કાંટા ફૂટેલો, ગટ્ટો, સહેજ જાડો વૃદ્ધ પૂજારી અને ફૂલવેલને વિષયો બનાવી તેમના અનેક પ્રકારના સંયોજનથી થાંભલે થાંભલે નવી જ રચના અહીં કરેલી છે. આ સ્તંભો પર પુરાણોના અને તેમાંયે કૃષ્ણજીવનના પ્રસંગો તો છે જ; પણ ત્યાં મૂકેલાં શિકારનાં તથા બીજાં ઐહિક દૃશ્યો પણ શિલ્પીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરાવે છે. મંડપની વચ્ચે એક આઠેક ફૂટના વ્યાસની વિશાળ પીઠવાળા કાચબાની પીઠ પર એક ભવ્ય નાની વેદી હતી. આ મંડપના પ્રત્યેક થાંભલાનું આખું શરીર ચારે બાજુએ શિલ્પથી રચેલું હોવા ઉપરાંત તેમનાં મથાળાં પણ સુંદર રીતે ગોઠવેલા વામનો કે ઊડતા દેવદૂતોની આકૃતિઓનાં હતાં. ફરી ફરીને આ જોયું. શિલ્પકળાનાં કૌતુક જેવી પથ્થરની સાંકળો પણ જોઈ અને પછી પાસેના કુંડનાં પગથિયાં પર જરા આરામ લીધો. આ કુંડમાં કહે છે અંગ્રેજોની તોપો કાટ ખાય છે. હૈદરઅલીએ ૧૭૮૦ માં બેલીને હરાવી તેની તોપો અહીં નાખી દીધેલી. કેવું વિચિત્ર સ્મરણ! માનવતાનાં કળા અને કૌતુક, પામરતા તથા ગૌરવ અને વિજય તથા પરાજયનો કેવોક સમાગમ આ એક જ સ્થળે થયેલો છે! ભિખારીઓને તથા પૂજારીઓને તલસતા મૂકીને અમે મંદિર છોડ્યું સૂર્ય વાદળોની પાછળથી ઘડીક ઘડીક તડકો કાઢતો હતો. ઉત્સવ વગેરે કંઈ ન હોવાથી લોકોની કશી ભીડ ન હતી. રસ્તા લગભગ નિર્જન હતા. ફરી અમે વંડીમાં આરોહણ કર્યું. શિવકાંચીનાં શૈવમંદિરોમાં કામાક્ષી અમ્મા એટલે પાર્વતીના મંદિરનો મહિમા ઘણો મોટો છે, તેયે વિશેષતઃ તો સ્ત્રીઓ માટે. મંદિરમાં ધન પણ પુષ્કળ લાગે છે. કામાક્ષી અમ્મા એક સૂચિભેદ્ય અંધકારમાં થઈને જવાના ગર્ભાગારમાં બેઠાં હતાં. તેમની ઊભેલી આરસની ગૌર પ્રતિમા સમક્ષ દીવા ઝળહળતા હતા. મોઢા પર પ્રસન્નતા હતી. આટલા ગાઢ અંધારામાં રહેવા છતાં આટલાં પ્રસન્ન શાને? ‘હું દેવી છું ને?’ પાર્વતી જાણે બોલતાં હતાં. આ મંદિરમાં વિશેષતાવાળી ચીજ તો તેનું ગોપુરમ્‌ અતિ સાદું હતું, પણ તેના દરેક માળ પર વચલા બારણા પાસે જ્યાં દ્વારપાળો હોય છે ત્યાં સ્ત્રીદ્વારપાલિકાઓ હતી. રસ્તામાં આવેલા વામનાવતારના એક નાના મંદિરના દેવને પણ મળી લીધું. એ મંદિરના આખા ચોગાનમાં મગફળીઓ સુકાવા પાથરી હતી તે તથા મગફળી મને ભાવતી ન હોવા છતાં એકાદબે ઉપાડી લેવાનું મને મન થયું તેને કેવી રીતે મેં વારી રાખ્યું એટલું જ એને અંગે યાદ રહ્યું છે. શિવકાંચીમાં સૌથી મોટું ધામ એકામ્બરનાથનું છે. મદુરાનાં ગોપુરમ્‌ની ભવ્યતાવાળું અહીંનું ગોપુરમ્‌ છે. ગોપુરમાં પેસતાં એક નવો જ અનુભવ થયો. કપડાંને અંગ પરથી ખેંચી કાઢે એટલા જોરથી પવનનો સપાટો આવવા લાગ્યો. ગોપુરમ્‌ની બહાર હતાં ત્યારે પવન હતો જ નહિ. મને થયું હમણાં જ પવન નીકળ્યો હશે. પણ તે ભૂલ હતી. ગોપુરમ્‌ની પેલી બાજુ અમે નીકળ્યાં અને એ સપાટો અટકી ગયો! પાછા ફરતાં પણ એ જ અનુભવ થયો. વિશાળ મેદાનમાં શાંતિથી ફરતા પવનને ગોપુરમ્‌નો આટલો ભવ્ય વિશાળ દરવાજો પણ કેટલો સાંકડો પડતો હતો! ગોપુરમ્‌ની ત્રીસપાંત્રીસ ફૂટની સળંગ ઊંચાઈની પથ્થરની પડછંદ બારસાખો ભૂતકાળના આ શિલ્પીઓની પડછંદ પ્રતિભાનું જ જાણે મૂર્ત રૂપ હતી. એકામ્બરનાથનાં દર્શને આવેલા યાત્રીઓના સંઘે ગર્ભાગારને પચાવી પાડ્યો હતો. અર્ચના માટે લોકો પડાપડી કરતાં હતાં. પૂજારીઓ વ્યગ્ર જણાતા હતા. આ ભીડ અર્ધા કલાકે પણ ઓસરે તેમ નથી એમ જણાતાં શિવલિંગનાં દર્શન કરવાને બદલે ગર્ભાગારમાં હાથમાં દીવા પકડી ઊભેલી બેએક ફૂટ ઊંચી પિત્તળની પ્રતિમાનાં વીજળીની ટૉર્ચથી દર્શન કરી લીધાં; પરંતુ એના દર્શનથી પણ અહીંનો ફેરો સફળ થવા લાગ્યો. મંદિરના ચોગાનમાં એક આમ્રવૃક્ષ છે. તેની નીચે બેસી પાર્વતી તપ કરતાં હતાં અને શિવ તેમને ત્યાં પ્રત્યક્ષ થયા હતા. અત્યારે નગરની ભાગોળે વહેતી વેગવતી તે વખતે એ થઈને વહેતી હતી. એકામ્બરનાથમાં આમ ખાસ શિલ્પસૌન્દર્ય ન જડ્યું પણ તેના બંધારણની ભવ્યતા મીઠી લાગી. હજી બીજાં બેત્રણ મંદિરો હતાં પણ તે જોવાની ઇંતેજારી રહી ન હતી. એક જ ઠેકાણે આટલા બધા દેવોએ ભેગા મળી પોતાની કિંમત ઘટાડી દીધી છે. એ લોકો માગણી અને છતનો નિયમ ભણ્યા લગતા નથી. કાંચી છોડતાં બે વાત ભૂલી ન શકાય તેમ નથી. ગુજરાતીઓના પોતાને ગોર કહેવડાવતા બ્રાહ્મણે આપેલો પ્રસાદ અને ત્યાંના ભજનિકોનું સંગીત. આ બ્રાહ્મણે ખાનદાની તો પૂરી બતાવી એમ કહેવું જોઈએ. અર્થાર્થે આક્રમણાત્મક બનતું બ્રાહ્મણત્વ એણે ક્યાંય બતાવ્યું નહિ. પણ તેણે એનો એક આસિસ્ટંટ અમારી સાથે મૂકી દીધેલો. જતાં જતાં તે અમને ગોરને ઘેર લઈ ગયો. ગોરે ચોપડામાં મારા દસ્તક અને સરનામું લખાવી લીધાં. એ ચોપડામાં બીજાં પણ ગુજરાતી નામો મેં જોયાં. પ્રસાદની મારે જરૂર ન હતી છતાં તેણે એક પડીકું સાથે વળગાડ્યું. ટપ્પામાં બેસીને મેં પડીકું છોડ્યું. સાકર તો તરત ઓળખાઈ; પણ સાથે કબૂતરનાં ઈંડાં જેવી અંદર ગોળીઓ પણ હતી. આ કયો ખાદ્ય પદાર્થ હશે? છેવટે જડી આવ્યું કે એ ભસ્મની ગોળીઓ હતી! સારું થયું કે બેંગલોરમાં બસવનગુડના મંદિરમાં મળેલી ભસ્મની પેઠે એને પણ મેં મોંમાં ન મૂકી. અને એમ તો અમારો અનુભવ પણ હવે વધ્યો કહેવાય ને! આ ભસ્મ શા કામમાં આવશે? મારા જીવનના ભક્તિયુગમાં આ મળી હોત તો પરમ આનંદ થાત; પણ આજે? એ ગોળીઓનું પછી શું થયું તે યાદ નથી. આજે વહેલી સવારમાં ઊઠેલો ત્યારે દાતણ કરતાં કરતાં પાસેના રસ્તા પર થઈ આવતો એક સુમધુર સમૂહનાદ સંભળાયો. આજના પર્વને અંગે નીકળેલા એ ભજિનકો ભજન કરતા જતા હતા. ઘડીક મન થયું કે તેમની પાસે જઈ પહોંચું; પણ એ મંડળીનાં દેહદર્શન કરવા કરતાં તેમના ગાનનું પાન કરવું એ જ વધારે આનંદદાયી હતું. કીર્તનો હંમેશાં આહ્લાદક હોય છે; પણ એની કક્ષાઓ હોય છે. ગુજરાતનાં કીર્તનો કરતાં મહારાષ્ટ્રીઓનાં કીર્તનો વધારે કલામય લાગે છે. પણ તેમના કરતાંયે અહીંનાં કીર્તન વધુ કલામય લાગ્યાં. આટલા પ્રાકૃત સમાજમાં પણ આવું શિષ્ટ છતાં મનોહારી સંગીત વ્યાપેલું છે એ પ્રજાની સાંસ્કૃતિક પ્રગતિ જ બતાવે છે. એ આછાં મંજીરાંનો તથા એ પુરુષકંઠોનો છતાં કોમળ મધુર નાદ અને આકાશમાંથી ઝરમર ઝરમર થતી વૃષ્ટિ ક્ષણ માટે જીવનની બધી પાર્થિવતા અને ક્લેશને ડુબાવી દેતાં હતાં. એ કીર્તનો હજી કાનમાં રણક્યા કરે છે. જીવનને સર્વથા અપાર્થિવ અને ક્લેશરહિત કરી દે એવું કોઈ સંગીત હશે?