દક્ષિણાયન/ત્રિચિનાપલ્લી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ત્રિચિનાપલ્લી

ત્રિચી સુધીનો ૧૬૮ માઈલનો ૮ કલાકનો પ્રવાસ લહેરમાં અને ઘેનમાં પૂરો કર્યો. ટ્રેનમાં જાત જાતના ઉતારુઓ મળતા ગયા અને છેવટે કાંઈ નહિ તો છાપાં તો મિત્ર તરીકે હતાં જ અને તેમાંથીય કંટાળીએ ત્યારે ઊંઘ તો તૈયાર જ હતી. સિલોનથી એક નવજુવાન હિંદનાં સંસ્કારતીર્થોની યાત્રા કરવા નીકળ્યો હતો. શાંતિનિકેતન, કાશી, અઘાર, પોંડિચેરી, અમદાવાદ વગેરે સ્થળોએ ફરી, આર્યતાનાં પાણી પી, માતૃભૂમિ સાથેનો વછોડાયેલો સંબંધ ફરીથી સ્થાપવા તે ઇચ્છતો હતો. તે થોડોક પત્રકાર હતો, કવિ પણ હતો. રામેશ્વરના સ્ટેશનથી જ સાથે થયેલું એક કુટુંબ – બે જુવાન ભાઈઓ, એક નમણી યુવતી, એક વૃદ્ધા – નીલગિરિ રેલવેના પોલીસ અમલદારનું નીકળ્યું. મને આશ્વાસન થયું કે પોલીસખાતું છેક અધર્મી નથી. અહીં મુસલમાનો પઠાણો પણ હતા, તેમના પૂરા પંજાબી લેબાસમાં. આ પ્રવાસીમંડળમાંથી કોઈ ઊંઘતું, કોઈ આળોટતું તો કોઈ પડીકામાં બંધાયેલો ભાત વેચાતો લઈને ખાતું હતું. ‘વડે વડે’ની બૂમ સાથે ફેરિયા સ્ટેશન પર વડાં તો વેચી રહ્યા હોય જ. છેવટે પૂર્તિરૂપે રેલવેનો ટી. ઈ. – ટિકિટ એક્ઝામિનર પણ આવી ગયો. તે તો અમારી સાથે બેઠો વાતોએ પણ ચડ્યો. આ રામનદ જિલ્લો. વનસ્પતિ જોઈએ તો આ સડકની સાથે સાથે દોડતા, રેતાળ ટેકરાઓ પર ઊગેલા બાવળ, છત્રીના જેવા સપાટ ગોળ ફેલાયેલા. ખેતીવાડી નહેરોથી થાય. દુકાળ વારંવાર. અને એક વાર રામેશ્વરના આશ્રયદાતાઓ, મંદિરોના બાંધનાર અને રામનદના સેતુપતિ રાજાઓના વંશજ એવા અહીંના રાજા આજે દેવાળિયા અને પદભ્રષ્ટ થયેલા હતા. રેલવેની પણ રિટ્રેન્ચમેન્ટની મઝાની કાતર ચાલે. ઉજ્જડ સ્ટેશનો. મોટાં જંક્શનો તેય બાપડાં જેવાં લાગે. દક્ષિણ હિંદમાં ગરીબાઈ તો બધે છે, પણ મલબારના પશ્ચિમ ભાગને ગીચ રમ્ય પ્રકૃતિનું આશ્વાસન છે તે પણ આ પૂર્વ પ્રદેશને ન મળે. રામેશ્વરમ્ અને ધનુષકોડિની પવિત્રતા અને પુરાતનતાને જેટલી વટાવાય તેટલી ખરી. રાત્રે આઠે ત્રિચિનાપલ્લી પહોંચ્યા. દાદર કે ભોંયરાં ચડાવી-ઊતરાવી હેરાન કરી મૂકે એટલું મોટું સ્ટેશન છે. વંડીની મંદતાને લીધે હો કે રસ્તાની લંબાઈને લીધે હો, અમને અમારા યજમાન અહીંના ઑનરરી મૅજિસ્ટ્રેટ તથા હીરાના મોટા વેપારી શ્રી ગુણવંતલાલ ઝવેરીને ઘેર જતાં ખૂબ વાર લાગી. પાછળથી જાણીને નવાઈ થઈ કે અહીંના ગાડીવાળા ઉતારુઓની પાસેથી વધારે પૈસા લેવા કે લીધેલા પૈસા બરાબર છે તેમ જણાવવા ટૂંકો રસ્તો મૂકીને પણ લાંબે રસ્તેથી જાય છે! વંડીવાળા, ઝટકાવાળા અને મજૂરો સાથેની માથાકૂટ તો અમારે પ્રવાસની એક અખંડ સંતાપત્રિવેણી હતી. શ્રી ઝવેરીનું ઘર એટલે ગુજરાતના વણિકની ખાસિયતોવાળું ઘર. તેમના બે પુત્રોમાંથી નાના પુત્રે અમારા સ્વાગતનો ભાર ઉપાડી લીધો. ત્રિચીમાં જોવા જેવી બધી વસ્તુઓ એક જ સ્થળેથી જોઈ શકાય છે. દોઢ લાખની વસ્તીનું ત્રિચી વસ્તીના પ્રમાણમાં ઇલાકાનું ત્રીજું પણ બીજી રીતે બીજું મહત્ત્વનું શહેર છે. મદુરાના જેટલો વેપાર અહીં નથી, ત્યારે અહીંની સાંસ્કારિક અને ઐતિહાસિક મહત્તા મદુરાને નથી. મદુરાની ધાર્મિક મહત્તાને સરખું ઊતરે તેવું વૈષ્ણવ તીર્થ શ્રીરંગમ્‌ પણ અહીં પાસે જ છે અને હિંદુ રાજવંશો જેટલા અહીં થયા છે તેટલા મદુરામાં નથી થયા. મદુરા રાજ્યગૌરવમાં ત્રિચિનાપલ્લીનું ઋણી જ રહ્યું છે. ત્રિચીની ઉત્પત્તિનાં મૂળ અગમ્ય પુરાણકથાઓ સુધી જાય છે. પુરાણો તેને દક્ષિણ કૈલાસનો એક ભાગ ગણે છે. આ દ્રાવિડનગરી એમ તો ૨૦૦૦ વર્ષ કરતાં જૂની છે. અહીંથી પોતાનો પ્રતાપ સમુદ્રપાર લઈ જનારા ચૌ રાજાઓએ સાતમી સદીથી દક્ષિણનું આધિપત્ય ભોગવતા પલ્લવ રાજાઓ પાસેથી આ પ્રદેશ દસમી સદીના પ્રારંભમાં લઈ લીધેલો. બારમી સદીના અંત લગી એટલે લગભગ ૩૦૦ વર્ષ તેમનો પ્રતાપ અહીં પ્રવર્તી રહ્યો. આ ચૌલ રાજાઓએ દક્ષિણનું મોટામાં મોટું સામ્રાજય સ્થાપ્યું. ઉત્તરમાં, ગોદાવરીની પેલે પાર કલિંગ સુધી તેઓ પહોંચેલા. આખું દક્ષિણ તો તેમના જ હાથમાં હતું. સિલોન અને તેની આજુબાજુના ટાપુઓ પણ તેમના જ આધિપત્યમાં હતા અને તેમનો સૌથી મોટો વિજય તો ઉત્તર હિંદ અને બ્રહ્મદેશનો હતો. ઈ. સ. ૧૦૧૧માં સૌથી મોટો ચૌલ રાજા રાજારાજદેવ થયો. અહીંથી ત્રીસેક માઈલ પર આવેલા તાંજોરનું પ્રખ્યાત મંદિર તેણે બંધાવેલું. એનો પુત્ર રાજેન્દ્ર ચૌલદેવ. ખરો પરાક્રમી અને દિગંતમાં દક્ષિણનો ડંકો વગાડનાર તો એ જ. હજાર માઈલનો દરિયો ઓળંગી માર્તબાનના અખાતમાં થઈ તેણે પેગુની રાજધાની પ્રોમને કબજે કરી. તેણે બંગાળમાં લશ્કર મોકલ્યું. મગધ રાજાને દંડ્યો અને ગંગામાં પોતાના હાથી પાઈ આવ્યો. ઉત્તરનો વિજય તે વેળા મહામોંઘો ગણાતો. એ વિજય કરી રાજેન્દ્ર ગંગાઈ કોણ્ડ – ગંગાના વિજેતાનું બિરુદ ધારણ કર્યું અને ત્રિચી પાસે એક મહાન સંયોજનવાળું ગંગાઈકોણ્ડ ચોલપુરમ્ બંધાવ્યું. એની પછીના વિજેતાઓને હાથે તે ભાંગી ગયું. એ નગરના પથ્થરોમાંથી અહીંના પી. ડબ્લ્યુ. ડી. એ કોલરુમ બંધ બાંધ્યો છે. નવી દિલ્હીના પથ્થરમાંથી કોઈ બીજો વિજેતા જમનામાં બંધ બાંધે તેમ. પોતાના પુરોગામી પલ્લવોનાં સ્મરણો જેમ ચૌલોએ નાબૂદ કર્યાં તે જ રીતે ચૌલોને જીતનાર પાંડ્યોએ તેમની નગરીઓનો નાશ કર્યો. આ ચૌલો ઉપરથી જ હિંદનો પૂર્વ કિનારો ચૌલમંડળ અને તેમાંથી કોરોમાંડલ તરીકે ઓળખાતો થયો. મારવર્ધન, જાતવર્ધન, સુંદ ૨૫ાંચ વગેરે પાંડ્ય રાજાઓના શાસનકાલ પછી મૈસૂરના હોયશલ રાજાઓ અહીં સત્તામાં આવ્યા. તેમના પછી વિજયનગરના નાયક રાજાઓ, તેમના પછી વિજયનગરને હરાવનાર મુસલમાનો અને તેમના પછી કાબેલિયતથી આખું દક્ષિણ પડાવી લેનાર અંગ્રેજો એમ વીસ સદીનો ઇતિહાસ આ ભૂમિ પર અંકાઈ ગયો છે. અંગ્રેજોને દક્ષિણ લેતાં ફ્રેન્ચો સાથે ભારે મહેનત ઉઠાવવી પડી છે. દુપ્લેક્સ અને ક્લાઇવ અહીં પાસેના જ એક ફકીર રૉક પાસે લડેલા અને પોતાના વિજયમાં અંગ્રેજોએ પાસેના બીજા ખડકને ગોલ્ડન રૉક નામ આપેલું છે. ત્રિચી આજે તો ઘણું વિસ્તાર પામ્યું છે. પહેલાંનો કિલ્લો સાંકડો પડવાથી તેને દૂર કરવામાં આવ્યો છે; પણ એટલો ભાગ હજી ફૉર્ટ નામે ઓળખાય છે. એ ફૉર્ટની મધ્યમાં ઊંચી ખૂંધ કરીને બેઠેલા નંદી જેવો, નીસ પ્રકારના પથ્થરનો બનેલો, ૨૬૦ ફૂટ જેટલી ઊંચાઈનો જાણીતો ખડક છે. એની ઉપર એક દુર્ભેદ્ય ગણાતો કિલ્લો છે. ત્રિચીમાં મોટામાં મોટું આકર્ષણ હોય તો આ છે. આજુબાજુની સપાટ ભૂમિમાં એકદમ ઊપસી આવતો આ ખડક શહેરના કોઈ પણ ભાગમાંથી દેખાય છે. ખડક પરનું શિવમંદિર અને ઠેઠ ટોચે ગણપતિનું મંદિર હાથી પર ગોઠવેલી અંબાડી જેવાં લાગે છે. ત્રણસોએક જેટલાં છાતીભર ચડવાં પડતાં પગથિયાં ચડીને દેવદર્શન અને તેથીય મનોરમ પ્રકૃતિદર્શન બંનેનો લાભ સહેલાઈથી મળી જાય છે. આખું ત્રિચી જોવા માટે શહેરમાં ઠેર ઠેર ફરવાની જરૂર નથી. આ ગણપતિની ટોચે આવી જાઓ એટલે ચારે દિશામાં પથરાયેલું ત્રિચી અને તેનાં અગત્યનાં સ્થળો તમે અહીંથી જ જોઈ શકશો. શહેરનો ઘણો વિસ્તાર દક્ષિણ દિશામાં ચારેક માઈલ દૂર આવેલા રેલવે સ્ટેશન લગી છે. લાલ, કાળાં, ધોળાં છાપરાની હારની હારો, વચ્ચેના સાંકડા રસ્તાની પાતળી કાળી લીટીઓ, એમાં અટકાઈ ઢંકાઈ જતા માણસો બધું મળી એક સુરમ્ય દૃશ્ય બની રહે છે. દૂર દૂર છ-આઠ માઈલ પર ઘેરી લીલી ક્ષિતિજમાં નાનકડા કાળા ટેકરા જેવા પેલા ફકીર અને ગોલ્ડન રૉક પણ દેખાય છે. પશ્ચિમના ભાગમાં ખડક સીધો નીચે ઊતરે છે, ત્યાંથી નીચે દૃષ્ટિ કરતાં જરા આંખ ચકરાય પણ ખરી. એ દિશામાં ત્યાં આજનાં વિદ્યાધામો રહ્યાં. ગર્લ્સ હાઈસ્કૂલ, સેન્ટ જૉસેફ્સ કૉલેજ, નૅશનલ કૉલેજ. પૂનાની પેઠે ત્રિચી પણ મદ્રાસ ઇલાકાનું આજે વિદ્યાનું કેન્દ્ર છે અને પેલું ઉત્તર દિશામાં બારણાંવાળું, કાળાં નળિયાંના છાપરાવાળું એક માળનું લાંબું ઐતિહાસિક મકાન ક્લાઇવ હાઉસ, તેની ધોળી ભીંતો અને ઓટલો બરાબર દેખાય છે. એકદમ પાસે જ છે એ તો. બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર એ કારકુનના મકાનમાં આજે કૉલેજના વર્ગો લેવાય છે. બ્રિટિશ ખમીર ક્લાઇવ જેટલું બીજા થોડા અંગ્રેજોમાં ઝળક્યું છે. હિન્દના ઇતિહાસને ઘડનારો ક્લાઇવ આ મકાનમાં ઘડાયો હશે. નિશાળોમાં ભણતા હતા ત્યારે ઇતિહાસ કોઈ અગ્રાહ્ય વસ્તુ જેવો લાગતો હતો. ક્લાઇવ હાઉસ જોઈ ઇતિહાસ એટલો અપાર્થિવ ન રહ્યો. ત્રણેક સદીઓ ક્યાં આધી કહેવાય? અને જેની દઢતાની અન્યથા કલ્પના કરવી આપણે માટે આજે અશક્ય છે તે બ્રિટિશ સામ્રાજ્ય તે વખતે ટગુમગુ ટગુમગુ કરતું પગ ઉપર ઊભું થવા મથતું હતું. ઘટનાઓએ બીજા પ્રકારે ઝોક લીધો હોત તો હિંદનો ઇતિહાસ જુદો લખાયો હોત. ઇતિહાસ ત્યારે જ વાસ્તવિક લાગે છે કે જયારે તેની ઘટનાઓમાં માનુષી ચંચળતા કે ભાવિની અન્યથા સંભાવ્યતા આપણને સ્પષ્ટ દેખાય. ઇતિહાસની પ્રત્યેક ઘટનાના ઉલ્લેખ સાથે તેની ઊલટી શક્યતાઓ કેટલી પ્રવર્તમાન હતી, હારનાર પક્ષની પણ જીતવાની કેટલી શક્યતા હતી, તે જો આપણને ભણાવવામાં આવે તો વિધાતા જેવ દુર્ધર્ષ લાગતા વિજેતાઓની પણ માનુષી મર્યાદાને આપણે સમજી શકીએ અને વિજેતાઓનું એ માનુષત્વ તથા આપણામાં પણ તેવી શક્તિઓની શક્યતાઓનો ખ્યાલ આપણને પુરુષાર્થ તરફ પ્રેરવાને સમર્થ બને. આમ ઉત્તરે વર્તમાનથી ઉત્તરોત્તર ભૂતમાં લઈ જતી વસ્તુઓ પડી છે. કૃષ્ણરાજસાગર અને શ્રીરંગપટ્ટણમાં દીઠેલી ક્ષીણકાય કાવેરી વિશાળકાય બની. પૂર્વાભિમુખે વહી રહી હતી. કાવેરી નદી પર જેટલા બંધ બાંધવામાં આવ્યા છે તેટલા હિંદની બીજી એકે નદી પર બંધાયા નહિ હોય. એકલા મૈસૂરની હદમાં જ નાનામોટા બાર બંધ છે. ઠેઠ પશ્ચિમ કિનારે ફૂર્ગમાંથી નીકળી પૂર્વે બંગાળાના ઉપસાગરમાં પહોંચતી કાવેરી પોતાના ૪૭૫ માઈલના માર્ગમાં મૈસૂર રાજ્ય અને મદ્રાસ ઇલાકાને જલપાન કરાવતી, કરોડો એકરનાં ખેતરોને પાતી, ભૂમિને લીલી શસ્યશ્યામલ કરતી છેવટે જનકલ્યાણમાં જ પોતાની તમામ સંપત્તિ વાપરી નાખે છે. કાવેરીનું બહુ થોડું પાણી સમુદ્રમાં પહોંચવા પામે છે. ચોમાસામાં ગાંડીતૂર થઈ તટસ્થ ગ્રામનગરોને ડુબાવતી રૌદ્ર જલદેવી કાવેરી હવે પ્રશાયુક્ત માનવના કરસ્પર્શથી એક રિદ્ધિદા જનજનની બની ગઈ છે. એનો પહોળો પ્રવાહ આમ પશ્ચિમે ભૂરી લીલી ભૂમિમાંથી વહી આવતો, આમ પૂર્વમાં મંથર વેગે વહેતો વહેતો ક્ષિતિજમાં મળી જાય છે. એનાં મેલાં પાણી અહીંથી સૂર્યના તાપમાં ચાંદી જેવો ચળકાટ મારતાં દેખાય છે. એના બંને કિનારા ૫૨ એણે જ પોપેલી હરિયાળી કૃતાર્થ બની પવનનાં ઝોલાંઓથી ઝૂલતી તેનું અભિનંદન અને અભિવંદન કરી રહી છે. અને નદીને પેલે પાર શ્રીરંગના લીલાછમ બેટમાં શ્રીરંગજીના મહામંદિરનાં ગોપુરનાં કળશપંક્તિયુક્ત ગગનચુંબી શિખરો ઊંચાં ઊંચાં તાડવૃક્ષો કરતાંય પચાસગણાં ઊંચાં, કુદરતની જ કોઈ નવી વૃક્ષજાતિ ન હોય તેવાં આખી પ્રકૃતિ પર દમામ જમાવતાં ઊભાં છે. ઊર્ધ્વગામી આત્માની પ્રાણજ્યોતિ જેવાં એ ગોપુરમ્‌ની વચ્ચે સૂતેલા મહામહિમાવાન શ્રીરંગજીનો અને આ ખડક પર બેઠેલા ગણપતિનો ગાઢ સંબંધ છે. શ્રીરંગજીનો ઇતિહાસ પણ એમાં આવી જાય છે. સૃષ્ટિનો પ્રલય કર્યા પછી તેનું નવસર્જન કરવાનો વખત આવ્યો. બ્રહ્માએ ધ્યાન ધર્યું. વિષ્ણુએ અનંત પર સૂતેલા સ્વરૂપે ઓમકારના મૂર્તરૂપ એવા વિમાનમાં બ્રહ્માને દર્શન દીધાં. એ પ્રેરણાથી સૃષ્ટિ પ્રગટી. એ વિમાનસ્થ અનંતશાયી વિષ્ણુને ઇક્ષ્વાકુ રાજા પોતાની સાથે અયોધ્યામાં લઈ આવ્યા. રાવણના સંહાર પછી રામ પાછા ઘેર આવ્યા. ભક્ત વિભીષણને રામનો વિરહ અસહ્ય લાગ્યો. તેણે કહ્યું, ‘પ્રભુ! આપનું સાંનિધ્ય તો મારે જોઈએ જ.’તેમણે વિભીષણને પોતાના પૈતૃક કુળદેવ અનંતશાયી વિષ્ણુની ભેટ વિમાન સાથે આપી દીધી. તેને લઈને લંકાને માર્ગે જતો વિભીષણ લઘુશંકિત થયો. વિમાનને નીચે મૂકવાનું નહોતું, અપવિત્ર થવા દેવાનું નહોતું. વિનાયકનું એણે સ્મરણ કર્યું. વિનાયકે હાજર થઈ કહ્યું, ‘કબૂલ, વિમાન પકડી રાખીશ. પણ ત્રણ વાર બૂમ પાડું ને ને તું જો ન આવ્યો તો હું જવાબદાર નહિ. માણસો જેટલા જ દેવો પણ કાવતરાબાજ હોય છે. એક વાર નદીઓની સભામાં પોતાનું માનભંગ થતાં કાવેરીએ દેવાધિદેવ વિષ્ણુને પોતાના ઉછંગમાં ઉતારવાની પ્રતિજ્ઞાપૂર્વક એ સભા છોડી. તેણે મહા તપ કરી દેવ પાસેથી ઇચ્છિત વર મેળવ્યો. વિષ્ણુ એ વર પૂરો કરવાની તક શોધી રહ્યા હતા. તેમણે વિચાર્યું કે આ ભોળા રાક્ષસનો લાભ લેવો ઠીક છે. તેમણે વિભીષણની લઘુશંકા પૂરી જ ન થવા દીધી અને વિનાયકના હાથમાંના વિમાનનો ભાર અસહ્ય રીતે વધારી મૂક્યો. વિનાયકે ત્રણ વાર બૂમ પાડી, ‘વિભીષણ! વિભીષણ!! વિભીષણ!!! આ લે તારું. ‘વિમાન નીચે જમીન પર પડ્યું અને તુરત વિભીષણની લઘુશંકા પૂરી થઈ ગઈ. તે વિમાન પાસે આવ્યો અને તેને ઊંચકવા લાગ્યો. થઈ રહ્યું. વિમાન હાલ્યું જ નહિ. ગુસ્સે થઈ તેણે પાસે ઊભેલા દુંદાળાને એક લાત લગાવી દીધી. ગણપતિ ઊડ્યા ઊડ્યા તે આ ખડકની ટોચે આવી પહોંચ્યા! કેટલું સખત અપમાન! ગણપતિએ તરત જ શિવ આરાધ્યા અને અહીં નીચે પોતાની પાસે રાખ્યા. તે આ ખડક પરના માતૃપૂજકેશ્વર. પેલા વિમાનસ્થ શેષશાયી શ્રીરંગજી એક ચંદ્રપુષ્કરિણી પાસે જ્યાં પડ્યા હતા ત્યાં જ સ્થાપિત થયા. એ મંદિરનું વિમાન એટલે કે શિખર તથા એમાંના શ્રીરંગજી બંને વિભીષણને સ્વહસ્તે જ અહીં આવેલાં છે. વિભીષણ નિરાશ થઈને પાછો ગયો. આપણો આર્યત્વનો વિજય જબરો છે. જ્યારે ને ત્યારે દાનવો સારા કે નરસા છેતરાય જ છે. આર્યોના દેવો કોઈ પણ રીતે તેમને ચડવા દેતા નથી. ગોકર્ણ પાસે પણ રાવણને એમ જ થયેલું ને? છતાં વિભીષણની ભક્તિની સીમા નહોતી. તે હજી પણ કહેવાય છે કે અહીં દર્શન કરવા આવે છે. રાત્રે ધૂળ ઉપરનાં તેનાં રાક્ષસી કદનાં પગલાં કદી કદી જોવામાં આવે છે. ખડક અને તેના પરથી દેખાતાં અતિ રમણીય દૃશ્યો જોતાં ધરાવાય તેમ ન હતું. સહેજ નીચે માતૃપૂજકેશ્વરનું મંદિર છે. ત્યાં ઊતરતાં એક ગુફા કોતરેલી છે અને તેમાં એક મોટી આકર્ષક પ્રતિમા પણ છે. માતૃપૂજકેશ્વરના મંદિરમાં તાજાં દોરેલાં પૌરાણિક પ્રસંગોનાં અનેક કળાહીન ચિત્રો હતાં. મંદિરમાં થાંભલા પરનું આછું અલંકરણ થોડું છે માટે જ સુંદર લાગે છે. મંદિરમાં એક નવાઈની વસ્તુ જોઈ તે છતમાં લટકતી પથ્થરની સાંકળો. આવી સાંકળો કાંજીવરમ્ના મંડપોમાં અને બિજાપુરની મસીદમાં પણ જોવા મળી. ખુદ પથ્થરને જ એવી રીતે અરસપરસ પરોવાયેલા આંકડા રૂપે કોરી કાઢવામાં અહીંના શિલ્પીઓએ અદ્ભુત કૌશલ બતાવ્યું છે. પણ જશ છે એની પ્રથમ ફૉર્મ્યુલા શોધનારને; પછી તો માત્ર હાથની હથોટી અને મહેનત જોઈએ. અર્ધે રસ્તે ભીંતો ઉપર તાયુમ નાવર દેવની કથા આલેખેલી છે. આ ડોસી પોતાની દીકરીની સુવાવડ કરવા જાય છે. વચ્ચે નદી આવે છે. નદીમાં પૂર છે. કેવી રીતે જવાશે? હતાશ બની તે મહાદેવને પ્રાર્થે છે. દેવ ડોસીનું રૂપ લઈ પેલી ડોસીની દીકરીની સુવાવડ કરી આવે છે. બીજે દિવસે પૂર ઊતરી જતાં મહા ચિંતાતુર બની ડોસી દીકરીને ઘેર આવે છે. જુએ છે તો બધું નિર્વિઘ્ને પાર પડ્યું હતું. ‘આ કોણે કર્યું?’ડોસીનો પ્રશ્ન કોઈ સમજતું નથી. ‘કૈમ માડી! તું જ...’ ‘અરે ગાંડાં! એ તો શંકર પોતે જ હતા. અને ભક્તો મહાદેવ પર ગાંડાં થઈ ગયાં. એ મા બનેલા તાયુર-માતા-નાવ દેવ અહીં ઘણા લોકપ્રિય છે. સાંજે કાવેરીને ઓળંગી સામેના બેટમાં શ્રીરંગને દર્શને પહોંચ્યાં. શ્રીરંગની જાહોજલાલી હશે ત્યારે અદ્ભુત હોવી જોઈએ. આખું નગર શિલ્પશાસ્ત્ર પ્રમાણે બંધાયેલું છે. મંદિરને ફરતા એક પછી એક સાત પ્રાકારો – કોટ છે. દરેક કોટમાં ગૌપુર તો હોય જ. પહેલા કોટનું ગોપુર અધૂરું રહેલું છે. આપણી હવેલી જેટલો એકલો દરવાજો ચણાઈને કામ રહી ગયું છે. એ દરવાજાની જ વિરાટતા અને તેનો આજુબાજુનો વિસ્તાર ગોપુરની પાછળ કેટલી બેહદ શક્તિ ખરચાતી હશે તેનો ખ્યાલ આપી દે છે. પછીનાં અગણિત ગોપુરમ્‌ તો જોતાં થાકી જવાય. સ્થાપત્યની વિશિષ્ટ પ્રતિભા અહીં બહુ થોડી છે. એમાં માત્ર અહીંનો મંડપ જ એક અપવાદરૂપે છે. બાકીનું શિલ્પ કળા કરતાં કથાપ્રસંગના આલેખન પૂરતું જ મહત્ત્વનું છે. શ્રીરંગનાં દર્શન ઘણી સરળતાથી થયાં. પદ્મનાભના આ બંધુ જ હતા. તેમનો સોનાનો મુગટ અને ઉપવીત તેમની લંબાયમાન શ્યામ કાયા પર શોભતાં હતાં. જ્યોતિષાં જ્યોતિઃ એવા આ દેવાધિદેવને જોવા માટે પૂજારીએ આરતી સળગાવી પ્રકાશ પ્રગટાવ્યો. લક્ષ્મીના મંદિરમાં લક્ષ્મીના સુવર્ણમુકુટનો અમારા મસ્તક પર સ્પર્શ મેળવવાનું ભાગ્ય પણ મળ્યું. મંદિરના ચોકમાં એક બીલીનું ઝાડ છે. અહીં પહેલાં શિવમંદિર હતું. એને ભાંગીને આ વિષ્ણુમંદિર બન્યું છે. એક જ ધર્મના દેવોની પણ શી ચડતીપડતી! સાત સાત પ્રાકારોમાં રહેતા આ દેવ પણ મુસલમાનોના હુમલા વખતે આ સ્થાન છોડી ચાલી ગયા હતા. મૂર્તિને ઠેઠ તીરુપતિ, મદ્રાસની ઉત્તરે આવેલા પ્રખ્યાત તીર્થમાં લઈ જવામાં આવેલી. અહીં ખાસ મહિમા છે એકાદશીનો. એકાદશી દેવીનો મહિમા અજબ છે. રુક્માંગદની વાત તો જાણીતી છે. દાનવધ્વંસકારિણી એકાદશીનો દિવસ અહીં મહા ધામધૂમથી ઊજવાય છે; પણ તેમાંયે વૈકુંઠ એકાદશીની તો વાત જ ન પૂછો. એ દિવસે શ્રીરંગ વૈકુંઠ દરવાજેથી નીકળી વિલાસમંડપમાં જાય છે. દરવાજામાંથી નીકળતા દેવનું જે દર્શન કરી શકે તેનો અચૂક વૈકુંઠવાસ થાય જ. એ દર્શન કરવા લોકોની બેશુમાર ધકાધકી થાય છે. વળી એમાં કોકને તો તરત જ વૈકુંઠપ્રાપ્તિ થઈ જાય છે! એક પણ એકાદશીએ કોઈ કચડાઈને મરી ન ગયું હોય એવું બન્યું નથી. આખા હિંદમાંથી વૈકુંઠાર્થી ભક્તો અહીં ઊમટે છે. આટલો મોટો મેળો હિંદમાં અન્યત્ર ભાગ્યે જ જમા થતો હશે. આ પ્રસંગે વિષ્ણુની લીલાને પૂજારીઓ બીભત્સતાની પરાકોટિએ પહોંચાડી દે છે. જારકર્મ કરી આવેલા કૃષ્ણને રાધા મારે છે તે દૃશ્ય અહીં ભજવાય છે. એક પાલખીમાં રાધા, બીજીમાં કૃષ્ણ. તેમને ઊંચકી પૂજારીઓ સામસામા ધસે છે, અથડાય છે! અહીંનો અશ્વમંડપ શ્રીરંગન્ની ઉત્તમમાં ઉત્તમ શિલ્પસમૃદ્ધિ છે. એક ખંડિત મંડપના પહેલી હારના દસેક થાંભલાઓ ઉપર આ અશ્વોની અદ્ભુત સંયોજનાઓ ગોઠવેલી છે. ઝાડ થયેલા ઘોડા ઉપર બેઠેલો સવાર ઘોડાના ઊભા પગની નીચે આવેલા એક હિંસક પશુને ભાલો કે તલવાર મારી રહ્યો હોય છે. ઘોડાની નીચે કેટલીક મધુર આકૃતિઓ સરસ રીતે ગોઠવી દીધેલી છે અને એની નીચેનાં પડખાં ઉપર અનેક કથાપ્રસંગો કોતરેલા છે. પણ એ સૌમાં અશ્વોનું આલેખન ઉત્તમ છે. દરેકના અલંકારો પૂરતી ઝીણવટ ને વિશિષ્ટતાભરી વિગતોથી ઉપજાવ્યા છે. પશુ તથા માણસનાં શરીરોની અનેક ગતિ-સ્થિતિઓનું હૂબહૂ આલેખન શિલ્પીનો જબરો કાબૂ અને સિદ્ધિ બતાવે છે. આ જ બેટ ઉપર જંબુકેશ્વરનું એક પ્રખ્યાત શિવમંદિર છે. શ્રીરંગનું મંદિર નવમી સદીમાં બંધાવેલું ગણાય છે. આ તેનાથી પણ જૂનું છે. એનો હમણાં જીર્ણોદ્ધાર થયો છે. એક ચેટ્ટીએ એક લાખ રૂપિયા ખર્ચીને મદુરાના સુંદરેશ્વર મંડપની યાદ આપે તેવા તેટલા જ ભવ્ય, પણ શિલ્પની પ્રતિભામાં જરા ઊતરતા છતાં સુરમ્ય આકૃતિઓવાળા ચાર મહાસ્તંભો બનાવરાવ્યા છે. જંબુકેશ્વરની કથા તેમના પર આલેખેલી છે. આ સ્થળે એક કાળે મહાજંગલ હતું. તેમાં એક જાંબુડાના ઝાડ હેઠળ એક શિવલિંગ હતું. એક હાથી અને કરોળિયો તેની રોજ પૂજા કરતા. લિંગ ઉપર ઝાડનાં પાંદડાં ન પડે માટે કરોળિયો તેના પર હંમેશ જાળાં બાંધતો. હાથી સૂંઢમાં પાણી ભરી લાવી તેના પર અભિષેક કરતો. એક દિવસ હાથીને કરોળિયા પર રીસ ચડી કે આ મારા ઇષ્ટદેવને માથે કેમ જાળાં બાંધે છે? પછી હાથી રોજ જાળાં તોડી નાખે ને કરોળિયો રોજ નવાં બાંધે. એ બંને ભક્તો વચ્ચે એમ તીવ્ર હરીફાઈ જામી. શિવના એ પરમ ઉપાસકો છેવટે લડી પડ્યા. કરોળિયો હાથીની સૂંઢમાં પેસી ગયો. હાથીએ સૂંઢ પછાડી તેને મારી નાખ્યો. પણ કરોળિયોય તેના પ્રાણ લેતો ગયો. ભક્તોની આ પરમ ભક્તિથી ઈશ્વર રાજી થયા અને તેમને સુખી કર્યા. કરોળિયો કોગ્રેંગન રક્તાક્ષ નામનો રાજા થયો. એની માતાને તે ગર્ભસ્થ હતો ત્યારે જ્યોતિષીએ કહેલું, જો અમુક મુહૂર્તમાં આ સંતાનનો જન્મ થયો તો તે રાજા થશે. એ મુહૂર્ત પહેલાં પોતાને પ્રસવ ન થઈ જાય માટે તે બિચારીએ પોતાના પગ ઊંચે બંધાવી રાખ્યા! પછી હાથીનું શું થયું તે કથા કહેતી નથી. અંતમાં અહીં મોટું મંદિર બંધાયું અને જમ્બુકેશ્વરનો મહિમા જગતમાં જાહેર થયો. મંદિર કેમ બંધાયું એની પણ નાનકડી કથા છે. ઈશ્વર જાતે મિસ્ત્રી બનીને અહીં કામ કરતા હતા. પુષ્કળ કારીગરોને આપવાનો પગાર એક રાખના પડીકામાંથી મળી રહેતો. તીરુનેરુ નામની એક વ્યક્તિ આવીને એ પડીકું આપી જતી. અહીંનું લિંગ આપલિંગ છે. જરા નીચાણમાં આવેલા ગર્ભાગારમાં શિવના લિંગને ફરતું હંમેશાં પાણી રહે છે. ગમે તેટલી વાર એ પાણી કાઢી નાખો પણ તે પાછું તેટલું ને તેટલું જ. અમે બીજે દિવસે સવારમાં ત્રિચી છોડ્યું. અહીંની પ્રખ્યાત વસ્તુઓ હીરા અને ચિરૂટ છે. એ બેમાંથી એકે અમારા કામની ન હતી. આખા હિંદમાં વધારેમાં વધારે હીરા વા ૫૨ ના દક્ષિણ છે. અહીં આભૂષણોમાં હીરા જ મુખ્ય છે. સામાન્ય સ્થિતિનો માણસ પણ પાંચસો-સાતસોની કિંમતના હીરાના બે કાંપ પણ પોતાની સ્ત્રીને માટે કરાવે જ. સ્ત્રીઓમાં હીરાની પરખ પણ ઘણી. ખોટાં નંગોમાંથી સાચું નંગ તરત ઉપાડી લે. આટલો બધો હીરાનો જ શોખ અહીં કેમ હશે? આ શ્યામવર્ણીઓને કદાચ હીરા સિવાય બીજી એકે ધાતુનું ભૂષણ શોભતું નહિ હોય? પણ હીરામાં એક લાભ તો છે જ. ગમે તેટલો પૈસાદાર પણ ઘરેણાંથી શરીરને સાવ કુરૂપ તો ન જ કરી શકે. અમારા ઝવેરી યજમાનને ત્યાં તેમના મીઠા સ્વાગત ઉપરાંત કેટલાક કીમતી હીરા જીવનમાં પહેલી વાર જોવાનો લાભ પણ અમને મળ્યો.