દક્ષિણાયન/ઘર ભણી
હવે તો ઘર ભણી! થાકેલા બળદ જે આતુરતાથી ઘર ભણી થાકેલા હોવા છતાં વેગપૂર્વક વધે છે તે આતુરતા હવે અમને ધકેલી રહી છે. અમારો દક્ષિણનો પ્રવાસ અહીં વિજયનગરથી પૂરો થાય છે. હજી ઘર તો ખાસ્સું સાતસો માઈલ છેટું પડ્યું છે અને રસ્તામાં આખો મહારાષ્ટ્ર પડ્યો છે. જોવા જેવાં અનેક સ્થળો વચ્ચે છે. જરા આ જમણી બાજુ જતાં અજંટા અને ઈલોરાની ગુફાઓ આકર્ષી રહી છે. હજુ આ માર્ગમાં ઘણુંઘણું દર્શનીય છે. પણ હવે તબિયત ચાહતી નથી! ચાહે તોપણ તે તૈયાર નથી. માટે आलमेताबता — આટલાથી જ બસ કરીએ. શું બસ કરવાનું? પ્રવાસ કે તેનું વર્ણન? હજી ઘેર પહોંચતાં અમને જેમ થોડા દિવસો જશે તેમ આ વર્ણનને પણ પૂરું થતાં થોડાં પાનાં જશે. પ્રવાસની કે વર્ણનની તો તમન્ના હવે રહી નથી. કારણ કે એ બંને પૂરાં થઈ ગયાં છે. તોય કલમ મૂકી દેવાનું મન થતું નથી. શા માટે? ન જાને. દક્ષિણ હિંદની અને તેના ગૌરવની સીમા અહીં વિજયનગરથી આવી જાય છે. હવેથી ઉત્તરમાં બીજો જ મુલક શરૂ થાય છે. દક્ષિણની ધાર્મિકતા, સંસ્કારિતા, શિલ્પકલા અને કવિકલ્પનાનાં પ્રતીક જેવાં ગોપુરોનું દર્શન છેલ્લવેલું અહીં વિજયનગરમાં થાય છે. ત્રિવેન્દ્રમ્, ત્રિચિનાપલ્લી, મદુરા, બેલૂર વગેરે સ્થળોના રાજવંશો, વિદ્યાઓ, કળાઓ એ સર્વનો સંપૂર્ણ સમારોહ આ સ્થળે જમાવટ પામ્યો હતો. દક્ષિણની વિજયકૂચ ઇતિહાસના પટ ઉપર અહીંથી આગળ વધી નથી. સૈકાઓથી શરૂ થયેલી, દક્ષિણ ભારતની મહાસાગર જેવી સંસ્કૃતિની ભરતી કાલના પટ ઉપર અને ભૂમિના પૃષ્ઠ ઉપર વધતી વધતી અહીં વિજયનગર લગી આવી પહોંચી હતી. તે લાંબો વખત એક ઊંચી ઊર્ધ્વ સ્થિતિ પ્રાપ્ત કરીને અહીં શત્રુઓના ખડક ઉપર પછડાઈને વિશીર્ણ બની ગઈ. હજી નીચે દક્ષિણ જીવતું છે. મોજું કિનારા પર વેરાઈ જવાથી સમુદ્ર મટી જતો નથી તેમ દક્ષિણનો સંસ્કારદેહ હજી અખંડ જે સર્જીવન છે. શ્રીરંગમ્, મદુરા અને રામેશ્વરનાં ગોપુરો હજી એ જ ભક્તિનિનાદથી ગાજી રહે છે. બેલૂરના ચન્નકેશવો અને મદનકાઈઓ, વિષ્ણુઓ અને શિવો પોતાના દૈવી પ્રતાપથી શિલ્પ-સ્વરૂપે હજી પણ સજીવન છે અને એ ધાર્મિકતા અને સામાજિક સંસ્કારિતા આંગ્લ સંસ્કારોના પ્રબળ આક્રમણ સામે, બીજા કોઈ પ્રાંત કરતાં પણ વિશેષ સરળતા અને સફળતાથી છેલ્લામાં છેલ્લી અંગ્રેજી કેળવણી લેનાર દાક્ષિણાત્યના પણ લલાટ ઉપર ત્રિપુંડતિલક રૂપે અવિચળ રહી છે; પણ વિજયનગર તો માનવના અહંના સીમાચિહ્નરૂપે પણ ખડું છે. દક્ષિણના ગૌરવનું એ સમુચિત પ્રતીક હોવા ઉપરાંત આપણી રાજકીય શિથિલતા અને કલુષિતતાના અનિવાર્ય પરિણામનું પણ એકમાત્ર પ્રતીક બન્યું છે. વિજયનગર જાણે એમ કહેતું લાગે છે: ‘માણસની, તે સ્વપક્ષનો હો કે વિપક્ષનો હો, અભદ્ર પ્રવૃત્તિઓનો સાર તે આ છે: ખંડેર અને કબ્રસ્તાન.’ વિજયનગરને જ્યાં લગી નજરે નિહાળ્યું ન હતું ત્યાં લગી મને નહોતું લાગ્યું કે દક્ષિણના અમારા પ્રવાસનું એ આટલી સમુચિત રીતે અંતિમ સ્થળ બનશે. દક્ષિણના સાંસ્કૃતિક સાગરની વેરાયેલી ભરતીનાં છેલ્લાં મોજાંના છેલ્લા મંદ થતા ભણકાર અહીં સાંભળી લીધા. હવે ગાડીમાં કે મોટરમાં જયારે જ્યારે તક મળે ત્યારે થાકેલું શરીર ઊંઘતું હતું. પણ મન પાછું આ પાછળ મૂકેલી ભૂમિમાં ભમી આવતું હતું. અથવા કહો કે એ ભૂમિ એની ભૂપૃષ્ઠની, વનસ્પતિની, ગિરિમાળોની, ઝરણોની અને ધોધોની, મંદિરોની અને ગોપુરોની, સમુદ્રતીરોની અને સમુદ્રોની, શિલ્પકળાની અને સજીવ ધનશ્યામ માનવતાની તરવરતી સૃષ્ટિને લઈ મન ઉપર ચડાઈ કરતી હતી. એ બધાંને ફરીફરીને તો કેટલાં સંભારું? પણ દૃષ્ટિથી દૂર તે શું મનથી પણ દૂર બની જશે? એનો જવાબ તો ભવિષ્ય આપે તે ખરું; પરંતુ અત્યારે તો અહીંની સ્કૂલ સૃષ્ટિ પેલી સૃષ્ટિનું અસ્તિત્વ જ જાણે નકારે છે. તો ય ગત અનુભવોની મિષ્ટતાના બળે મન આગળ ખડો થતો હિંદના દ્વીપકલ્પનો પશ્ચિમ કિનારાથી માંડી પૂર્વ કિનારા સુધીનો આ પ્રદેશ, પેલી વનરાજિથી પલ્લવિત, વચ્ચે વચ્ચે ઊંચી ગિરિમાળાઓથી સુખચિત નાનકડી નદીઓ અને તાણાવાળા જેવી નહેરોથી ઓતપ્રોત તથા જ્યોત્સનાખંડો જેવાં મોટાં તળાવો કે નદી અને કાસારોથી સુશોભિત એવો એ નાનો દક્ષિણ ભાગ કોક ઝળકતા ખ્વાબની પેઠે મન આગળ તરવરી રહે છે. ત્યાંનાં સુવર્ણકળશોથી મંડિત થયેલાં મંદિરો અને જેનાથી બીજું કશું ઊંચું નથી એવાં તેનાં ભવ્ય ગોપુરો એ પણ જાણે મનની જમીનમાં ઘડીએ ઘડીએ ફૂટ્યા કરે છે. એના પ્રલંબ પ્રદક્ષિણામાર્ગોમાં અને વસંતમંડપોમાં ઊભરાતો મૂર્તિસમૂહ અને માનવસમૂહ આંખને હજીય થકવી દે છે. ત્યાંનાં કૉફી અને ઈડલીદૌસાની ફોરમ હજી નાકને તરબોળ કરે છે. દક્ષિણની જીવતી સંસ્થાઓ, પ્રતાપી વ્યક્તિઓ, ઉત્સાહભરી પ્રવૃત્તિઓ અને પ્રવાસમાં થયેલા મીઠા મિત્રો, બધું સ્વપ્નસૃષ્ટિ જેવું યાદ આવી પાછું ઘડીક લોપાઈ જાય છે. પણ એ ઘડીક પૂરતું જ. એ સ્વપ્ન નથી. આપણા જીવન જેટલી જ એ નક્કર સૃષ્ટિ છે, એટલી જ વાસ્તવિક અને એટલી જ ભૌતિક. પ્રવાસમાં એના મનોરમ અંશો જ કદાચ જોયા હશે, એની મનોહારી રૂપાળી ચીજો જ નિહાળી હશે. પણ એનો જીવનકલહ? એ આપણાથી જુદો નથી. એ સૃષ્ટિ આપણી સૃષ્ટિથી જુદી નથી, જૂની પણ નથી. કદાચ ભૂતને તેણે વધારે સામર્થ્યપૂર્વક પોતાનામાં સંઘર્યો હશે. પણ વર્તમાનથીય તે વંચિત નથી. આપણી ચામડી ગૌર છે, તેમની ઘનશ્યામ છે એવા થોડા ફેર હશે. પણ તે બધાંની પાછળ બે મહાન સમાન તત્ત્વ છે: ભારતીય આર્યતા અને બ્રિટિશ સામ્રાજ્ય. અંગ્રેજી રાજ્ય એકસરખી શુષ્કતાથી, એકસરખી ચોકસાઈથી અને એકસરખી દઢતાથી હિંદના આ ચાર છેડામાં આવેલી ભૂમિ પર શાસન કરી રહ્યું છે. એમાં આપણે ભેદ પાડી શકીએ તેમ નથી. એ વાસ્તવિકતા હેઠળ આપણે ગમે તેટલાં ભિન્ન સ્વપ્નો રચવાં હોય તો રચીએ. બ્રિટિશ શાહીવાદની એ વાસ્તવિકતાને ભેદીને ઉપર જવાનું સ્વપ્ન તો આજે સૌ પ્રાંતોની સમાન વસ્તુ છે. અમદાવાદ. ઘર. ગુજરાત અને ગુજરાતણોના મીઠા ચહેરા પાછા મને વીંટીને ઊભરાવા લાગ્યા. આટલો પરપ્રાન્ત ખેડી આવ્યા પછી સમજાયું કે મારા ગુજરાતમાં કેટલી કેટલી મીઠાશ છે. દક્ષિણ એ પરપ્રાન્ત? પ્રાન્તીયતા અને તેય આજના વસુધૈવ કુટુંબકમ્ના યુગમાં? ના, પણ આ પરિસ્થિતિમાં એક વાસ્તવિકતા તો છે જ. એક કુટુંબી પણ વસે છે તો જુદાં ઘરોમાં ને? ગુજરાત અને દક્ષિણ એવાં બે જુદાં ઘર છે. એ બેના અક્ષાંશ-રેખાંશ વચ્ચે જેમ કેટલુંક ન ટાળી શકાય તેવું અંતર છે તેમ એમના સ્કૂલ વ્યવહારો, સ્થૂલ જીવનસ્થિતિ વચ્ચે પણ કેટલાક ભેદો ચામડીના, ભાષાના, આહારવિહારના છે અને રહેશે. પણ તેથી આ બે પ્રાન્તો અથવા તો હિંદના કે પૃથ્વીના બીજા કોઈ પ્રાન્તો છેટા નથી. આપણે હવે છેટા નથી. આજે આખી પૃથ્વી એક પરગણું બનવા લાગી છે ત્યાં આ દક્ષિણની ભૂમિ તે કેટલેક દૂર રહેવાની? આપણા વેપારીઓએ તેને આત્મસાત્ કરી છે. ત્યાંના સાહસિકોએ તથા આજીવિકાશોધક અકિંચનોએ ગુજરાતને આત્મસાત્ કર્યો છે. હવે એ બેની વચ્ચે સંસ્કારની આપલેનાં સાધનો વધવાં જોઈએ. તે પણ વધી રહ્યાં છે. તોપણ હજી ઘણું બાકી છે એમ કહેવાય. ખંભાતના અખાતથી શરૂ થતો હિંદનો કટિપ્રદેશ કન્યાકુમારીના પાદાંગુષ્ઠ લગી સળંગ સંકળાયેલો છે. સમુદ્રનાં પાણી અને માણસોના પ્રવાહો ઉપરથી નીચે અને નીચેથી ઉપર જતા-આવતા રહ્યા છે. છતાં બંને પ્રદેશમાં એવાં અસંખ્ય માનવીઓ છે જે કન્યાકુમારી શું કે ગુજરાત શું તે જાણતાં નથી. રાજકીય દૃષ્ટિવાળા, ભૌગોલિક જ્ઞાનવાળા અને ધાર્મિક વલણવાળા શિક્ષિત, અર્ધશિક્ષિત કે અશિક્ષિતોને માટે રામેશ્વરમ્ અને કન્યાકુમારી દૂર નથી. પણ જેમનાં જીવન સંસ્કારાભિમુખ નથી એવાં કેટલાંયે માણસો છે જેમને મન આ સ્થળોનું અસ્તિત્વ જ નથી. મારે મન હજાર માઈલ દૂર પડેલી કન્યાકુમારી જાણે ઘરઆંગણાની વસ્તુ બની ગઈ છે; પણ તેથી શું? આ અનેકોનું શું? આખું ગુજરાત કન્યાકુમારી સુધીના ભારતદેશનું દર્શન ક્યારે કરી શકશે? કદીયે કરી શકે? આપણે ઇચ્છીએ કે એક દિવસ એવો આવે કે જ્યારે એકલા ગુજરાત અને દક્ષિણ હિંદમાં જ નહિ પણ આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર સર્વત્ર નિરંતર આવતાજતા વાયુના પ્રવાહોની પેઠે માનવજાત પણ વહેતી થઈ જાય. અગણિત_ મહાકાય ખગોળોમાં એક અણુકાય એવી જે પૃથ્વી આપણને રહેવા મળી છે તેને પણ જીવનમાં એક વાર જોઈ વળવાનું, ખૂંદી વળવાનું. વધારે નહિ, માત્ર આ પોતાનું ઘર જ તપાસી વળવાનું આપણા દરેકને માટે શું શક્ય ના બને? સમાપ્ત