દક્ષિણાયન/ઉદડ-મણ્ડલ


ઉદડ-મણ્ડલ

ટ્રેનની નિયમિતતાએ ઊપડેલી મોટરબસ દક્ષિણ દિશામાં નીલગિરિ તરફ અગ્રેસર થવા લાગી. અહીંથી નીલગિરિના શિખર પર આવેલું ઊટી – ઉતાકામણ્ડ – ઉદકમણ્ડલ ૯૯ માઈલ થાય. નીલગિરિના ચડાવની નજીક અમે આવી પહોંચ્યા. ઉપરથી આવેલી મોટરે નીચેની મોટર સાથે ઉતારુઓની અદલાબદલી કરી દીધી. ડુંગર ચડનારી મોટર કંઈ ખાસ મજબૂત દેખાઈ નહિ. આ અદલાબદલીમાં હું સહેજ ગફલતમાં રહ્યો ને મેં આગળની બેઠક ગુમાવી. મને છેક છેવાડેની બેઠક મળી. એથી અમારી ચોમેર ડગે ડગે નવાં નવાં સૌંદર્યો પ્રગટ કરતી પ્રકૃતિ નાજનીનની મનોરમતાના પૂર્ણ દર્શનમાંથી મેં થોડુંક ગુમાવ્યું; પણ બદલામાં થોડુંક માનવદર્શન વધારે કરી શકાયું એ ઓછો લાભ ન હતો. અહીંની મોટરોની બેઠકોની થિયેટરમાંની આડી પાટલીઓ પેઠે ગોઠવાયેલી એ બેઠકોની મહત્તા હજી કહેવાની રહે છે. આપણા સમાજના વર્ગભેદ અહીં પણ બરાબર પ્રતિબિંબાયા હતા. વિરાટ પુરુષનું મોઢું તે બ્રાહ્મણ, હાથ તે ક્ષત્રિય, ઉદર તે વૈશ્ય અને પગ તે શૂદ્ર છે. તે જ રીતે અહીં મોટરની બેઠકોના ડ્રાઇવરની બેઠકથી માંડી ઠેઠ પૂંઠળની સુધીના વર્ગો રચાઈ ગયા હતા. ડ્રાઇવરની પાસેની બેઠક સર્વત્ર દ્વિજોત્તમ કોટિની સિદ્ધ થયેલી છે. પછી ક્રમે ક્રમે બેઠકો ઉત્તમતા ગુમાવતી છેવટે તે સ્ત્રીઓ અને શૂદ્રો માટેની જ બની ગયેલી હતી. એકાદ-બે મોટરમાં તો રીતસરનો જનાનો કરીને જ સ્ત્રીઓ બેઠેલી. આવી આર્ય મોટરમાં બેસવા રસ્તેથી એક રિજન આવી ચડયો અને સ્વાભાવિક રીતે જ એને પાછળની બેઠક મળી, મારી સાથે જ. બીજા ઉતારુઓથી વેશભૂષામાં એ તદ્દન જુદો જ પડી જતો હતો. માથે ત્રિકોણાકાર મુંડન, કાળી. ચામડી, બેઠેલા ગાલ અને ઊપસેલાં હાડકાં, અર્ધી ઉઘાડી છાતી અને મેલાં ચીકણાં કપડાં. દરેક જણ તેનાથી દૂર ખસવા લાગ્યું. મોટરવાળાને તો પૈસા જોઈએ એટલે તેણે તો તેને બેસાડ્યો જ; પણ અંદર બેઠેલાં પોતાની શુદ્ધિ જાળવવા પ્રયત્ન કરવા લાગ્યાં. નવાઈની વાત એ હતી કે કેટલાક મુસલમાનો પણ તેનો તિરસ્કાર કરતા હતા. લોકોનાં તરડાતાં-મચકોડાતાં મોઢાં જોતો જોતો પોતાની જાતને બને તેટલી સંકોચતો મોં પર પૂરી દીનતા ધારણ કરી પોતે જન્મવાની કરેલી ભૂલ માટે ક્ષમાપ્રાર્થના કરતો હોય તેવો દીન ભાવ મોં પર ધારણ કરીને ઠેઠ સુધી એક પણ શબ્દ બોલ્યા સિવાય તે બેસી રહ્યો. તેની આજુબાજુ એક એક વેંતનું અંતર એ ભરચક મોટરમાં પણ કાયમ રહ્યું! સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ આવેલા ઊટીએ પહોંચવા મોટરને લગભગ ૩૦ માઈલ ડુંગર ચડવો પડે છે. પર્વતનો વિસ્તાર અને ચડાણની વિકટતાને લીધે રસ્તાને ખૂબ વાંકાચૂંકા અને આડાઅવળા ફેરા ખવાડવા પડ્યા છે. મોટરે સપાટ જમીન છોડી ટેકરીમાં પેસવા માંડ્યું. થોડા જ દિવસ ઉપર પાદાક્રાંત કરેલો જોગના ધોધનો રસ્તો આ જોઈને યાદ આવે જ. એ રસ્તાનું સૌંદર્ય સમુદ્રની વિશાળ ઉન્નત લહેરીઓનું હતું. આ રસ્તાનું સૌંદર્ય ટેકરીઓમાંથી માર્ગ કરતી નદીનું હતું. ટેકરીઓ જાણે રસ્તાને ભુલાવવા માટે ખૂબ ગૂંચવાઈ ગૂંચવાઈને બેઠેલી હતી. તમારી સામે રસ્તો પચાસ-સો કદમથી વધારે દેખાય જ નહિ. થોડુંક જાઓ કે રસ્તો બીજી દિશામાં વળી જાય; સામે જતો હોય ત્યાંથી ચક્કર ખાઈ એકદમ પાછો ફરે, ઉપર ચડે કે નીચે ઊતરે. આજુબાજુની લીલી ટેકરીઓમાં રસ્તાની સફેદ લીટી જ એક જુદા રંગની જોવા મળે. રસ્તાની બંને બાજુએ ઝાડ કે ઝાંખરાં બેઠેલાં હોય. આગળ રસ્તાનો થોડોક ધોળો ટુકડો અને પાછળ લીલી મોટરે ઉડાડેલી ધોળી ધૂળ. નીલગિરિની ટોચ સુધી વિજ્ઞાનના વિકાસના નમૂના જેવી રેલવે પહોંચી ગઈ છે, છતાં તેના પગમાં હજી પૃથ્વી જેટલાં જૂનાં જંગલો પડેલાં છે. નીલગિર ઉપર અઘતન સંસ્કૃતિના બધા વૈભવો, સિનેમા, નાટ્યગૃહ, પોલોગ્રાઉન્ડ, હોટલો છે છતાં તેની આજુબાજુ હજી વર્તમાન સંસ્કૃતિનો સ્પર્શ પણ ન થયો હોય તેવી જુગજૂની જાતિઓ વસેલી છે. વળી માણસે ચા અને કૉફીના બગીચાઓથી પર્વતને ઢળતું ત્રાંસું ખેતર બનાવી મૂક્યો હોવા છતાં એની આદિમ દુર્ઘર્ષ ભવ્યતા તે હજી ધરાવી રહ્યો છે. નીલિંગિર આમ માણસ અને પ્રકૃતિની અનાદિ હોડના જીવંત દૃષ્ટાંત રૂપે જાણે જીવતો બેઠો છે. નીલગિરિના પગ આગળની નાનકડી ટેકરીઓ વટાવી અમારી મોટર આગળ વધી. પર્વત એના ખરા સ્વરૂપમાં હવે પ્રગટ થવા લાગ્યો. કુશળ ખેલાડી સામા પક્ષની નિર્બળતા જાણીને તેની સાથે શરૂઆતમાં નાના નાના દાવ ખેલે, પેલાને ઘડીક ભાસ થવા દે કે તે પોતે જીતે છે; પણ પછી એક જ પલકારામાં પોતાના સામર્થ્યનો પરચો બતાવવા જબરો દાવ લઈ લે તેમ પર્વત કરતો લાગ્યો. નાનકડી ટેકરીઓને ગર્વથી ચડતી આવતી મોટરની સામે પર્વતે અચાનક પોતાનું એક દુરારોહ્ય પડખું ધરી દીધું અને મોટરનો શ્વાસ ખૂટી પડ્યો. તે થંભી ગઈ. દક્ષિણે આકાશને ભરી દેતું એક ઊંચું શિખર હતું. સીધું શિવલિંગ જેવું. મને રોમાંચ થયો. આ શિખર ચડીશું! કેટલી મઝા પડશે! પણ મોટર કંઈ એવા શુદ્ધ સાહસને માટે તૈયાર ન હતી. એ દુર્ઘર્ષ અડગ સમોવડિયાને તે ઓળખતી હતી. તેણે નમ્રતાથી મોઢું ફેરવ્યું અને શિખરના પગ આગળ પ્રદક્ષિણા કરવી હોય તેમ ડાબે હાથે મોટર ચાલવા લાગી. એ શિખર વટાવી આગળ જવામાં જ પાંચસાત માઈલ મોટરને કાપવા પડ્યા હશે. રસ્તો એ શિખરને ફરતો ફરતો ચડવા લાગ્યો. કોઈ ઉન્મત્ત ગજરાજ ઉપર તેને પંપાળતો પંપાળતો માણસ ચડતો હોય તેમ મોટર ચાલતી હતી. આ હાથી ગાંડો થઈ હમણાં ધૂણશે અને ચાંચડ પેઠે મોટરને શરીર પરથી ખંખેરી પાડશે! કેટલેક ઠેકાણે મહા વિકટ રસ્તો આવી જતો. પર્વતની ત્રાંસી બાજુને ઊભી ખોદીને જ રસ્તો કરી લીધેલો હતો. એક બાજુ નીચે સીધી ખીણ, બીજી બાજુ ઝઝૂમતું પર્વતનું પડખું. એવે માર્ગે મોટર કદીક થંભી જતી. અને વળી છાતીમાંથી હુંકાર કરી પછી આગળ વધતી. મોટર દરેક વળાંક ખૂબ સાવચેતીથી વળતી, છેવટે દમ ઘૂંટતી ઘૂંટતી ઉપર પહોંચી ગઈ. પેલું ગર્વિષ્ઠ શિખર ત્યાં દૂર અમારી નીચે આવી ગયું! વિજયનો હુંકાર કરતી હોય તેમ એંજિનના એક મોટા ઘુરરાટ સાથે છેલ્લો ઊંચો ઢાળ ચડીને મોટર સરળ રસ્તા પર આવી પહોંચી. આ અમારો કપરામાં કપરો ચડાવ હતો. હવે ચા-કૉફીનાં ખેતરો આવવા લાગ્યાં. કૉફીના છોડ તો મોટાં ઝાડની છાયામાં જ ઊછરી શકે છે. એટલે કેટલીક વાર તો કૉફીનાં ખેતર ઓળખાતાં જ નહિ. મોટાં વૃક્ષોની શોભા આગળ તે ઢંકાઈ જતાં. ચાના છોડ નાના છતાં વધારે આત્મોપજીવી હતા. ખુલ્લાં ખેતરોમાં સમાન અંતરે વવાયેલા તે છોડ, એમનાં અણિયાળાં ઈંડાં આકારનાં ચળકતાં પાંદડાંની નાનકડી ઘટાને લીધે નાના નાના ગુચ્છ જેવા લાગતા હતા. એક ઠેકાણે પાસે ખીણમાં પરદેશી સિંકોનાનાં વૃક્ષોનો વસવાટ પણ જોયો. અમે જેમ જેમ પર્વતની ટોચ પાસે પહોંચતા ગયા તેમ તેમ ઝાડ ઓછાં થવા લાગ્યાં. કેટલીક ટેકરીઓ તો સાવ વૃક્ષહીન લાગી. કેટલેક ઠેકાણે સરસ ચાસેલાં ખેતરો પણ આવતાં. અમે ઊટી પહોંચ્યાં ત્યારે ડિસેમ્બરની શરૂઆત હતી. આ વેળા અહીંની મોસમ ન હોય. આ મોસમ તે કુદરતની પાકની નહિ, માણસોના પ્રવાસની. આ ઋતુમાં તો જેમનું જીવન આ ભૂમિ સાથે સંકળાયું છે તેવી જ વસ્તી અહીં ટકી રહેલી હોય. ગ્રીષ્મઋતુનાં વનપંખીઓ તો આ ભૂમિ શિશિરાવૃત્ત બને તે પહેલાં ક્યારનાંયે તેને તજીને ચાલ્યાં ગયાં હોય છે. અમે એક સસ્તા છત્રમાાં સામાન મૂકી પાસેની હોટલમાં ઉદરપૂર્તિનો ઉકેલ સાધી અહીંનો બૉટેનિકલ ગાર્ડન જોવા નીકળી પડ્યા. આખા હિંદનો આ ઉત્તમ વૃક્ષ-ઉદ્યાન છે. દુનિયાનાં ઝાડોની શક્ય તેટલી બધી જાતો અહીં ભેગી કરી છે. ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ચીન વગેરે સ્થળેથી આવેલાં ઝાડ તેમના દાતા કે આ નેતાના નામ સાથે અહીં બેઠાં છે — ના, ઊભાં છે. સરકારે ખૂબ કાળજીથી આ બાગ બનાવ્યો છે. પહાડના ઢળતા પૃષ્ઠને પગથારોમાં કોતરી કાઢી તેના ઉપર પુષ્પશય્યાઓ, વૃક્ષવીથિઓ અને લતાકુંજો રચવામાં આવ્યાં છે. જેટલી વૃક્ષોની વિવિધતા છે તેટલી જ ફૂલોની છે. અહીં પણ ફૂલમેળો ભરાય છે. ફૂલોની એટલી બધી રમણીયતા હતી કે તે દરેકની છબી લેવાનું મન થતું. એક છોડનાં તો પાંદડાંની રચના જ કમળની પાંદડીઓ જેવી હતી. નાના ઘરમાં મૂકેલા છોડની વળી જુદી જ ખૂબસૂરતી હતી. એમનાં ફૂલોની અલૌકિકતા ઉપરાંત એમનાં પાંદડાંની સુંદરતા પણ અવર્ણ હતી. એક જ પાંદડામાં અનેક રંગ હતા, અનેક આકાર હતા. એનું ખરું વર્ણન આપવું હોય તો એમ જ કહેવું જોઈએ કે પાંદડાં ન હતાં; પણ કોઈ મહાકુશળ ડિઝાઇન રચનાર ચિત્રકારે ઉપજાવેલી અનેક મનોરમ. અને રંગની મિલાવટની આકૃતિ જ હતી. બાગની આવી મનોરમ રચના છતાં કુદરતનો વૈભવ અને માણસનું કૌશલ્ય અહીં ઊભરાતાં હોવા છતાં શુદ્ધ પ્રસન્ન વાતાવરણ અમને અહીં ન દેખાયું. આખા બાગની પાછળ એક જાતનું ‘સરકારીપણું’ દેખાતું હતું. બગીચાના પશ્ચિમ ભાગમાં ગવર્નમેન્ટ હાઉસ તરફ જવાના રસ્તા પરનો ભૂંડોભખ દરવાજો, ત્યાંનું લશ્કરી વાતાવરણ અને અંગ્રેજોને વિજય અપાવનારી તોપોની બગીચામાં ઠેર ઠેર ગોઠવણી એ બધાંમાંથી સત્તાનો છાક ગંધાયા કરતો લાગ્યો. મને લાગ્યું કે જ્યાં લગી અંગ્રેજો હિંદમાં સત્તાધીશ છે, ત્યાં લગી તેમનામાં હિંદની ભૂમિ પ્રત્યે તથા તેની કુદરત પ્રત્યે કદી સ્વાભાવિક નૈસર્ગિક પ્રેમ ઊભો થવાનો નથી. વ્યક્તિઓની વાત જુદી છે; પણ આખું બ્રિટિશ તંત્ર અને જૂજ અપવાદ સિવાય તેના તંત્રવાહકો હિંદુ અને તેનાં પ્રાકૃતિક ભવ્ય રમ્ય સ્થળોને પોતાના ભોજ્ય-ભક્ષ્ય તરીકે જ જોતા રહ્યા છે. એમાં દુર્દેવ આપણું કે અંગ્રેજોનું તે નક્કી કરવું મુશ્કેલ છે; કદાચ બંનેનું હશે. પગથારો ચડતાં ચડતાં અમે બગીચાને મથાળે જઈ ચડ્યાં અને ત્યાં કેટલાંક વિચિત્ર મકાનો જોઈ નવાઈ પામ્યાં. એસ્કિમો બરફનાં ઘર બનાવે છે, તેવાં જ આ વાંસ અને તાડપત્રનાં બનાવેલાં હતાં. જાણે સિગરામની મોટી છત્રી અને તેમાં ઘૂંટણે પડીને પેસી શકાય તેટલું એક જ બારણું. એ પેલી જાણીતી તોડા જાતિનાં ભવન હતાં. નીલગિરિની ઘણી જાતિઓમાં આ જાતિવિશેષ આકર્ષણ અને અભ્યાસનું પાત્ર બની છે. તેનો જીવનનિર્વાહ ભેંસો સાથે સંકળાયેલો હોઈ તેનાં દેવદેવીઓ પણ ભેંસોનાં જ મોટાં પાલક અને વેપારીઓ જેવાં છે. આ તોડાઓને તો સરકારે અહીં વસાવ્યાં છે એમ તેમનાં પ્રાથમિક દશાનાં ઝૂંપડાં પરના ગણતરી માટેના અદ્યતન ઢબના અંગ્રેજી આંકડા પરથી લાગતું હતું. અમે ગયાં ત્યારે કેટલાક સફેદ દાઢીવાળા પુરુષો ચલમ પીતા હતા. પ્રથમ તો મને લાગ્યું કે માનવસંસ્કૃતિથી સેંકડો જોજન દૂર પડેલી આ જાતિ અમને જોઈને નવાઈ પામશે કે બીશે; પણ આ લોકો પ્રવાસીઓથી ટેવાયેલા છે; એટલું જ નહિ, અમને છેતરી શકે તેવા પણ છે અને કંઈક સંસ્કારી પણ છે, એ થોડી જ વારમાં અમને સમજાયું. આશ્ચર્ય સાથે અમે જોયું કે એક ઝૂંપડા ઉપર સુભાષ બાબુ અને ગાંધીજીની છબીઓનાં કાર્ડ ચોંટાડેલાં હતાં. અમે એ કૂબો જોવાની માગણી કરી. તેની પાસે બેઠેલો માણસ અંદર ગયો અને બધું બતાવવા લાગ્યો. અમારે માટે તો અંદર જવાનું શક્ય અને સહ્ય હતું જ નહિ. દસ ફૂટની લંબાઈના અને આઠેક ફૂટની પહોળાઈના એ. મહાલયમાં એક બાજુ અર્ધા ભાગમાં ઊંચો ઓટલો દેખાયો. એ એમનો પલંગ. બીજા અર્ધા ભાગમાં એમનું રસોડું. અંદર દેવતા માતો હતો. એ હવાનો એકાદ શ્વાસ નાકમાં જતાં જ માથું દુખી ઊઠ્યું. આમાં લોકો કઈ રીતે રહેતા હશે? પ્રશ્નના જવાબમાં અંદરથી બેત્રણ છોકરાં હાથમાં રોટલો લઈ બહાર નીકળ્યાં. આ લોકોની પાસે બહુ થોડાં વસ્ત્ર હતાં. સ્ત્રીઓ પાસે પણ ચોળી કે કાપડાં જેવું કંઈ હતું નહિ. ઊટીની આવી કડકડતી ઠંડીમાં આવાં ધુમાડિયાં ઝૂંપડાં એમને હૂંફ તો આપે જ છે. આરોગ્યના અને બીજા નીતિના પ્રશ્નોનો વિચાર તેઓ એમની પર એમના ભેંસોના વેપારી દેવની કૃપા થશે તો બીજે જન્મ કરશે. સૂર્યનાં કિરણ ઊંચા ઊંચાં ઝાડની ટોચ પર રંગોળી પૂરતાં પૂરતાં ચાલ્યાં ગયાં અને ઠંડીનો પ્રતાપ અચાનક વધી પડ્યો. ગઈ કાલે મૈસૂરમાં તો તાપથી હેરાન થયા હતા. શરીર પર એકથી બીજું વસ્ત્ર પહેરી શકાતું ન હતું. અહીં તો લાગ્યું કે પહેરવાનાં બધાં કપડાં પણ ઓછાં પડશે. અમને અસાધારણ લાગતી ઠંડીમાં પણ અહીંનાં નિવાસી સામાન્ય કપડાં પહેરી ફરતાં હતાં. થોડુંક ખાઈકરીને અમે પથારીનો આશ્રય લીધો. બીજે દિવસે અમે ત્યાંથી અગિયાર વાગ્યે જ નીકળી પડ્યાં. નીલગિરિનું સૌંદર્ય એની ઉપર જવાના અને આવવાના રસ્તામાં જ ભરચક ભરાયું લાગે છે. અમે અર્ધું દર્શન કરી લીધું હતું. હવે બાકીનું અર્ધું શરૂ થયું. નીલિંગરને પૂરો જોવા ઇચ્છનારે એક બાજુથી ચડી બીજી બાજુ ઊતરવું જ જોઈએ અને તે પણ મોટર અને ટ્રેન બંને મારફતે. પર્વત સાથે કામ લેવાનું હોવાથી ટ્રેનને બને તેટલી હલકી કરવામાં આવી છે. ડબામાં બને તેટલી મોટી બારીઓ અને તેમાં કપડાંના જ પડદા, જાજરૂ જેવું પણ રાખ્યું નથી. ટ્રેનનો રસ્તો ખાસ્સો વળાંક લેતો જતો અને પળે પળે પર્વતનાં નવાં નવાં પડખાં નજર આગળ આવતાં હતાં. પર્વતની આ બાજુ મૈસૂરની બાજુ કરતાં વધારે ખેડાયેલી લાગતી હતી. ટેકરીઓની ટોચથી તે ખીણ સુધી મોટા મોટા ક્યારાઓની પાળો ટેકરી પર ચોકડિયાળી ભાતો રચતી હતી. ટેકરીઓ એકબીજા પર ચડી ચડીને અન્યોન્યને પડખે લપાઈને પરસ્પર પગ અડાડી ટટાર કે ઢળતી એમ અનેક પ્રકારે ઊભી હતી. જ્યાં ખેતરમાં છોડ ન વાવ્યા હોય ત્યાંની રાતી માટી પણ સુંદર લાગતી હતી. ટ્રેનનું એન્જિન ઘણી વાર રસ્તો વાંકો હોવાથી સહેલાઈથી દેખી શકાતું. કેટલેક ઠેકાણે ઊતરતાં પહેલાં ગાડીને થોભી જવું પડતું. ક્યાંક રસ્તો ઊંડી ઊંડી ખીણો ઉપર થઈને જતો, ક્યાંક પર્વતને કોરીને જતો. આવાં કેટલાંય બોગદાઓ આવી ગયાં. કેટલીયે રોમાંચક ખીણો આવી ગઈ. વાંકા રસ્તેથી જતાં બોગદાંમાં પેસતું એન્જિન જોઈ શકાતું. એન્જિન પાછળની ડબાની હાર દરમાં પેસતા સાપ જેવી લાગતી. ધીમી ગતિએ જતી ગાડીમાંથી બોગદાની ખરબચડી ભીંતને નાની લાકડીથી સહેલાઈથી અડી શકાતું. ત્રીસ માઈલના આ ઉતરાણમાં વચ્ચે આવતું કુન્નુર સ્ટેશન તો કશી જ રમણીયતા વિનાના એક વેપારી શહેરનો પૂરેપૂરો ભાસ આપતું હતું. કુનૂર પછીથી ટ્રેન એક ખીણની સાથે સાથે નીચે ઊતરવા લાગી. ખીણમાં ઊતરતાં પહેલાં ટ્રેને થોભીને એક દમ લઈ લીધો; પગ મજબૂત કરી લીધા. અને પછી મંદ ગતિએ ચાલવા માંડ્યું. પેલી ખીણ ગજબના પલટા લેતી હતી. માર્ગને પડખે ઊભેલી ટેકરીઓની બગલમાં લપાઈને ગાડી સરતી હતી. સીધા દીવાલ જેવા તદન બોડા ખડકો પણ ક્યાંક આવી જતા. ડગલે ને પગલે બોગદા આવતા અને લીલોતરીથી ભરચક ટેકરીઓ સાથે સાથે ચાલ્યાં જ કરતી. ખીણમાં ઊતરતાં એક નદી પણ અમારી સાથે થઈ. નાના બાળકની પેઠે એ ખડકોનાં પગથિયાં ઠેકતી, ક્યાંક નાનકડો ભૂસકો મારી નાના નાના ધોધ રચતી એ સરળતાથી વહી રહી હતી. ટ્રેન પેઠે એને બીવાનું હતું જ નહિ. નીચેનાં ઝાડોમાં એ કદી છુપાઈ જતી અને વળી બહાર નીકળી આવી પોતાની ધવલપાણ્ડ પાતળી કાયા ચમકાવી જતી. જંગલના મિત્ર જેવી એ નદી છેવટે જંગલમાં જ લપાઈ રહી. પર્વત ઊતરવાનો શરૂ કર્યો ત્યારે તો ચોમેર નાની શિખરમાળાઓ જ દૃષ્ટિને ઘેરી વળી હતી. પણ આ ખીણમાં પ્રવેશ કરતાં દૂરની સપાટ ભૂમિનું થયેલું દર્શન ગાંડા કરે તેવું હતું. અતિ પરિચિત થઈ પડેલા લીલા રંગમાં એ વાદળી ધુમ્મસવર્ધું દૂરસ્થ ભૂપૃષ્ઠ અનેરી ભાત પાડતું હતું. જેમ નીચે જતા ગયા તેમ એ અસ્પષ્ટ ધુમ્મસમાંથી નગરોની રેખાઓ સ્પષ્ટ થવા લાગી. પર્વતની તળેટીમાંનાં સોપારી અને ખજૂરીનાં વન તો હજી એક સપાટ ક્યારા જેવાં જ દેખાતાં હતાં. હિમાલય પોતાની ભવ્ય શિખરરાજિઓ અને હિમસૌંદર્યથી અજોડ છે; પણ ઊટીની મનોહર હરિયાળી સુંદરતા હિમાલયમાં પણ દુર્લભ છે એમ બંનેના અનુભવીઓ કહે છે. આંખો પીતાં પીતાં હારી જાય એટલું માધુર્ય અહીં ઊછળતું હતું. એ મીઠાશનો અતિરેક અમે ટ્રેનના પાટાની નજીક આવેલી સૂકી લાલ કેડીઓનું લાવણ્ય જોઈ મટાડતા હતા. અમે ઊતરી રહ્યા. ગાડીએ હાશ કરીને દોટ મૂકી અને પાસેથી સોપારીનાં વન પર વન પસાર થવા લાગ્યાં. સોપારીનાં અસંખ્ય પાતળાં થડ, તેમાંથી દેખાતું થોડું થોડું આકાશ અને તેના ઉપર ગીચોગીચ જામેલાં પાંદડાંનો લીલો ચંદરવો. ઝડપથી જતી ટ્રેનમાંથી ભૂખરાં સીધાં થડોની વચ્ચેથી નીલ આકાશની અનેક ઊભી પટીઓ નવા નવા રૂપે દેખાઈને ચાલી જતી હતી. નીગિરિને ચરણે વસેલાં એ વનોએ પણ ગુરુનું ગૌરવ બરાબર જાળવ્યું હતું. પશ્ચિમમાં જતા સૂર્યનો સુવર્ણવૈભવ આ વૃક્ષરાજિ પાછળ પ્રગટતો જોતાં અમે નીલગિર રેલવેના પ્રથમ સ્ટેશને પહોંચ્યા.