દક્ષિણાયન/મૈસૂરની નગરીઓ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મૈસૂરની નગરીઓ

ચન્નરાયપટણાથી બેંગલોર સુધીનો લગભગ ૯૦ માઈલનો પ્રવાસ મઝાનો હતો. મોટરમાં અમારો આટલો લાંબો પ્રવાસ પહેલી વાર જ હતો. રસ્તો લગભગ સીધો ચાલ્યો જતો હતો. બંને બાજુએ ઝાડો હતાં. ખેતરોમાં ન જેવું જ વાવેતર જોવામાં આવતું. દિવસ ચડતો ગયો. સૂર્યનો પ્રકાશ સોનેરી મટી રૂપેરી થતો ગયો; પણ ઠંડીનું જોર વધતું જ ગયું. બિસ્તરા છોડી કામળો કાઢવી પડી અને કાન બાંધીને બેસવું પડ્યું. આગળ જતાં તો નાક પણ બાંધવું પડ્યું! આટલી બધી ઠંડીના કારણરૂપે મેં મોટરના વેગને જ પહેલાં તો માની લીધો; પણ પછી મને સમજાયું કે બેંગલોર તો ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ છે. અમે એ ઊંચાઈની નજીક પહોંચતા જતા હતા. એટલે કદમ-બ-કદમ ઠંડીનો પ્રતાપ વધતો જતો હતો. શરીરના એકેએક ભાગને ઢાંકીને અમે બેસી ગયા. મોટર ગાંડી થઈને જાણે દોડતી હતી. રસ્તામાં સામેથી બહુ ગાડાં વગેરે પણ મળતાં ન હતાં એટલે એના વેગમાં ખાસ અંતરાય આવતા ન હતા. શું આ રસ્તા પર કોઈ ગ્રામવસ્તી ગુજરતી નહિ હોય? રસ્તામાં વળાંકો બહુ થોડા આવતા હતા. ટેકરી ઊતરતાં મોટર ડૂબકી ખાતી. ટેકરી ચડ્યા પછી કંઈ અવનવીન દૃશ્ય આવશે એમ માની કલ્પના ઉત્સુક થતી; પણ ટેકરી ચડતાં પાછો તેવો ને તેવો જ સીધો રસ્તો આવીને ઊભો રહેતો. અમારી વિવિધતાની ઇચ્છાને નાસીપાસ કરતો એ રસ્તો કોક નવું જ વૈચિત્ર્ય સરજાવતો હતો. નાની નાની ટેકરીઓ ચડતો ને ઊતરતો તે એક વિરાટ મોજાની પેઠે આગળ વધવા લાગ્યો. ટેકરીઓનાં મોટરનાં એ ડબકાં ખાતાં ખાતાં આછી નીંદર પણ આવી જતી. બેંગલોર જેમ નજીક આવતું ગયું તેમ ખેતરો લીલાં થવા લાગ્યાં. ખેતરોમાંથી વાલોરની સુગંધ આવવા લાગી અને વાલોરપાપડીનાં ઊંધિયાં ખાવાની મોસમ આવી છે એ ખ્યાલે ગુજરાત યાદ આવવા લાગ્યું. બે વાગે અમે બેંગલોર આવી પહોંચ્યા. બેંગલોરમાં પહેલો વિચિત્ર અનુભવ ત્યાંના ઝટકાનો થયો. એ ઝટકો ધારિયા કે તલવારનો નહિ; પણ ઝટકાનો જ ઝટકો. ઝટકો એટલે ઘોડાગાડી, ટાંગો. મૈસૂર સિવાય આખા દક્ષિણ હિંદમાં એકે ઠેકાણેની ઘોડાગાડીઓ અમને સગવડભરેલી ન લાગી. માત્ર અમારા સામાનને જ એ જનાના જેવી ગાડીમાં બેસાડવો યોગ્ય માની બપોરના બે વાગ્યાના તાપમાં ઝટકાની રચનાનું પગે ચાલતાં અધ્યયન કરતા અમે આપણા સર્વને જાણીતા ઇતિહાસવિજ્ઞ શ્રી રત્નમણિરાવને [1] ઘેર પહોંચ્યા. સાહિત્યના જગત સિવાય એમને એ નામે બીજું કોઈ ઓળખતું નથી. ઘરમાં કે વેપારી મંડળોમાં એ ભાણાભાઈ નામે જાણીતા છે. લગભગ અઢી લાખની વસ્તુવાળું બેંગલોર મૈસૂર રાજયનું મોટામાં મોટું શહેર છે. એક રાજધાની તરીકેની સુંદરતા અને ભભકાવાળા મૈસૂરને બાદ કરતાં આખા દક્ષિણ હિંદમાં એ સૌથી સુંદર શહેર છે. સત્તાવીસ ચોરસ માઈલના ઘેરાવામાં આવેલા આ શહેરના બે છેડા, ઉત્તરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને દક્ષિણે બસવનગુડી વચ્ચે ખાસું આઠ માઈલનું અંતર છે. ટીપુ સુલતાન જયારે અહીં ગાદીનશીન હતો ત્યારે તેણે શહેરની ચાર દિશામાં ચાર ચોકીમિનારા બંધાવેલા અને ભવિષ્ય ભાખેલું કે આ શહેર આટલે સુધી વિસ્તાર પામશે. તે વખતે તો આ હવાઈ કલ્પના જ લાગી હશે; પણ આજે એ સત્ય બન્યું છે. આખું શહેર વાડકાના આકારનું છે. છતો વાડકો, ઊંધો નહિ! આ ઉપમા ભાણાભાઈની વાપરું છું અને તેમણેય તે વળી શ્રી આનંદશંકરભાઈએ નૈનિતાલનું વર્ણન આપતાં વાપરેલી ત્યાંથી લીધેલી છે. શહેરને એક છેડે ઊભા રહેતાં બીજો છેડો અને વચ્ચેનો તમામ ભાગ દેખાઈ જાય. એક ચોકીમિનારા પરથી ચારે દિશાના મિનારા જોઈ શકાય છે. અહીં જગ્યાની કાંઈ કમી નથી એટલે બધી દિશામાં શહેર ફાલતું ગયું છે. ટીપુએ કલ્પેલી હદ કરતાં પણ આગળ વધે તો નવાઈ નહિ. ઉત્તાકામંડ કરતાં અહીં આવવાનું ઘણા પસંદ કરે છે, ઊંચાઈને લીધે ગરમી થોડી છે અને વરસાદ પણ બહુ નથી, માત્ર ૩૬ ઈંચ જેટલો જ પડે છે. શહેર રમણીય છે એમાં શંકા નથી. શહેર સારો વેપાર કરે છે. અહીં કાપડ, ઊન અને રેશમની મિલો છે. રાજયની સાબુફૅક્ટરી છે, ચંદનના તેલની મિલ છે; પણ સૌથી અનોખો ધંધો ઊનની શેતરંજીઓ બનાવવાનો છે. નાનાં આસનોથી માંડી મોટાં દીવાનખાનાંને ઢાંકે તેવી શેતરંજીઓ નાનકડા હાથઉદ્યોગનાં જેવાં કારખાનાંમાં અહીં બનાવાય છે. અહીંના ઐતિહાસિક અવશેષોમાં મુખ્ય જૂનો કિલ્લો છે. તેને પહેલાં ૧૬ મી સદીમાં અહીંના હિંદુ રાજાએ માટીનો બનાવેલો. હૈદરે તેને પથ્થરનો બનાવ્યો. અંગ્રેજોને પેરામ્બકમની લડાઈમાં હરાવીને તેમના અમલદારોને અહીંના ભોંયરામાં પૂર્યા હતા. છેવટે તે કિલ્લાને ટીપુ પાસેથી કૉર્નવાલિસે ૧૭૯૧ માં જીતી લીધો. કિલ્લાને ઉત્તર-દક્ષિણ દિલ્હી અને મૈસૂર દરવાજા છે. ઉત્તરના દરવાજાનું સ્થાપત્ય મુસલમાનોના લશ્કરી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. બીજો અવશેષ છે ચાર દિશાના ચાર ચોકીમિનારા. ઊંચી ટેકરીઓ ઉપર એ બાંધવામાં આવ્યા છે, એટલે મિનારાની ઊંચાઈને કંઈ અસાધા૨ કરવાની જરૂર પડી નથી. વીસપચીસ પગથિયાં ઉપર નાના સરખા ઓટલા એ જ આ મિનારા! આ મિનારાઓ પરથી શહેરનો દેખાવ સુંદર લાગે છે. લાંબું પહોળું શહેર, રાતને વખતે અનેક દીવાઓથી શોભી ઊઠતું સુંદર દૃશ્ય બની રહે છે અને દૃષ્ટિ ઠેઠ ક્ષિતિજ સુધી અનવરોધે પહોંચી જાય છે. કોટની નૈઋત્ય દિશામાં કવિ ગંગાધરેશ્વરનું જૂનું મંદિર છે. ત્યાં ધ્યાન ખેંચનારી વસ્તુ આખા ખડકમાંથી કોરી કાઢેલાં આપણાથી ત્રણગણા કદનાં ત્રિશૂળ, ડમરુ અને છત્ર છે. આ જોવાનું અમે ચૂકી ગયા હતા; પણ શહેરની જે સૌથી રમણીય એવી બે જગ્યાઓ છે તે તો અમે જોઈ જ. એ છે અહીંનાં બે ઉદ્યાનો: લાલબાગ અને કબનપાર્ક. હૈદરઅલીએ આ બાગોની યોજના કરેલી. ઇતિહાસના પૃષ્ઠ પર ભયંકર દેખાવના ચહેરાવાળો માણસ આટલું સુંદર સ્થળ યોજાવે? હા, પણ ઇતિહાસ હૈદરને એવો ભયાનક ચીતરે તેમાં તેનો શો વાંક? સાચો હૈદર, સાચો ટીપુ જોવાને તો અહીં આવવું જોઈએ. આ બાગમાં દર વર્ષે ફૂલમેળો ભરાય છે. એ પ્રથા શરૂ કરનાર ટીપુ હતો. ઘાતકી, ક્રૂર તરીકે વર્ણવાયેલો ટીપુ ફૂલના મેળા ભરાવે? અકલ્પ્ય! ના ના, ટીપુમાં ફૂલ જેવી કોમળતા હતી અને વજ્ર જેવી કઠોરતા પણ હતી. અંગ્રેજોને એ કઠોરતા જ એકલી અનુભવવા મળી હોય અને એ કઠોરતાનું જ તેઓ વર્ણન આપે; પણ તેથી આ રાજાઓ કલાવૃત્તિથી કે રસવૃત્તિથી વંચિત હતા. યા પ્રજાદ્રોહી હતા એમ તો કદી માની શકાય જ નહિ. અહીંની કેળવણીની સંસ્થાઓમાં મહત્ત્વની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ છે. એની વ્યવસ્થા બધી મદ્રાસ સરકારના હાથમાં છે. તાતાની સખાવતથી એ ઊભું થયું છે. એનો ઊંચો મિનારો શહેરને બીજે છેડેથી પણ દેખાય છે. સાયન્સનાં ગહન તત્ત્વોથી અજાણ્યા પ્રેક્ષકને સંસ્થાના કાર્યની બહુ સમજ ન પડે. માત્ર રસાયણોની ગંધથી નાક દબાવતો દબાવતો તે બહાર નીકળી જાય! બેંગલોર વ્યાપારનું કેન્દ્ર હોવા ઉપરાંત સંસ્કારનું કેન્દ્ર પણ છે. મદ્રાસ ઇલાકો, મુંબઈ ઇલાકો અને મૈસૂર તથા હૈદ્રાબાદના ચાર જુદા જુદા રાજકીય ભાગોમાં વહેંચાઈ ગયેલા કર્ણાટકનું સાંસ્કારિક ઐક્ય અને પુનરુજીવન સાધવા મથતી કર્ણાટક સાહિત્ય પરિષદનું મથક અહીં છે. સાહિત્યની સાથે એણે લોકજીવનની જાગૃતિના બધા પ્રશ્નોને પોતાના કરી લીધા છે અને માત્ર વ્યાખ્યાનો કે સંમેલનોથી સંતોષ ન માનતાં તેણે કાયમી કાર્યકર્તાઓ અને પ્રચારકો તૈયાર કરી તેમની મારફતે પ્રજામાં જીવનની સર્વેદેશીય જાગૃતિ લાવવાની યોજના ઉપાડી છે. સંધ્યાકાળે અમે બસવનગુડી ગયા. બસવન એટલે પોઠિયો – નંદી અને ગુડી એટલે મંદિર. આ નંદીમંદિરમાં શંકર વિનાના કેવળ નંદીની જ પૂજા થાય છે. શ્યામ વર્ણનો એ નંદી પગ વાળીને બેઠો છે. એનો આગલો જમણો પગ સહેજ ઊંચો છે અને મોઢામાંથી તરબૂચની ચીર જેવી જીભ બહાર કાઢી નાકને તે ચાટી રહ્યો છે. એની બેઠેલી મૂર્તિ જ બારચૌદ હાથ ઊંચી હતી. એટલા વિશાળકાય નંદીની અને ભીંતોની વચ્ચે પ્રદક્ષિણા ફરવા પૂરતી જ જગ્યા રાખી છે. પ્રદક્ષિણા ફરતાં ફરતાં લાગે છે કે આ નંદી ખરેખર અકળાયા કરે છે. મને થયું, આ શહેરનાં માણસોને સાંકડાં ઘરો છોડી ખુલ્લાં મકાનોમાં રહેવા જતાં જાણીને એ પણ હમણાં જ માથું હલાવી ઊભો થશે અને આ મંદિરને પીઠ પરથી માખ ઉડાડતો હોય તેમ ઉડાડી દેશે; પણ એને દેવ બનાવ્યો હતો એટલે તે ધીરજ રાખીને દર્શન આપવાનું કામ કર્યા કરતો હતો. બહાર નીકળતાં એક નાની ગમ્મત થઈ. આ બાજુ મંદિરોમાં પૂજારીઓ દરેક દર્શનાર્થીને દેવનું કશુંક નિર્માલ્ય આપે છે. શિવમંદિરમાં પુરુષને ભસ્મ અને સ્ત્રીને કંકુ મળે. વિષ્ણુમંદિરમાં દેવનાં ઊતરેલાં ફૂલ મળે. અમારા પ્રવાસમાં પહેલી જ વાર અમે અહીં દર્શન નિમિત્તે ગયા. પૂજારીએ અમને ભસ્મ આપી. મને શી ખબર કે એ ભસ્મ છે? દેવનો કશોક ભોજય સ્વાદિષ્ટ પ્રસાદ માની મેં તો એને સીધી મોંમાં મૂકી! આ મંદિરની પાસે જ દક્ષિણ દિશાનો મિનારો છે. અમે તેની પર ચડ્યા. પશ્ચિમમાં સંધ્યા પોતાના રંગો સંકેલતી હતી. ઉત્તરે દૂર દૂર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનો ટાવર દેખાતો હતો. વિશાળ શહેર તગતગતો બુટ્ટાનો શ્યામલ ઉપરણો ઓઢી સૂતું હતું. બેંગલોરનું એ અમારું છેલ્લું સમગ્રદર્શન હતું. ભાણાભાઈનું મધુર આતિથ્ય અમે ત્રણ દિવસ ભોગવ્યું. આ ત્રણ દિવસના સહવાસથી એમના વ્યક્તિત્વનું જે એક બીજું પાસું જોવાનું મળ્યું તે એક અલભ્ય લાભ થયો. એમનાં પુસ્તકોના ભારેખમ પ્રૌઢ વિષયો જોતાં તેઓ એક જરઠ પંડિત જ હશે એમ લાગે; પણ તે એટલા સરળ અને કૌતુકપ્રિય તથા હાસ્યપ્રિય છે કે એમની આગળ આપણાથી અતડા કે ગંભીર રહી શકાય જ નહિ. ગંભીર મોં રાખી એ હાસ્યનાં તીર ફેંક્યું જાય અને તમે હસીહસીને આડા પડી જાઓ. જમતી વેળા એ પોતે તો નિરાંતે આરોગતા જાય, સાથે વાતો કરતા જાય અને અમે પેટ પકડીને હસવા આગળ ખાવા માટે નવરા જ ન પડીએ. રાત્રે દસ વાગે અમારી મૈસૂર જવાની ગાડી ઊપડી ત્યાં લગી એમણે અમને હસાવ્યા કર્યા અને એ હસવામાં એમની અને અમારી વિદાયના દર્દને પ્રગટ થવાનો વખત જ ન મળ્યો. અરુણોદય પહેલાં અમે મૈસૂરની નજીક આવી પહોંચ્યા. પૂર્વાકાશ અતિ રમણીય હતું. વાદળો લાંબાં લાંબાં પથરાયેલાં હતાં અને અગ્નિ ખૂણામાં એક લાંબી ટેકરી વીજળીના તગતગતા ઝબકતા દીવાની એક હારને પોતાની લંબાયમાન કાયા ઉપર ધારણ કરીને પડી હતી. એ જ વિદ્યુતમાળાની એક સેર છૂટી પડી જાણે તેની છાતી ઉપરથી નીચે ઢળકતી હતી. કોક મસ્ત રમણી જાણે વક્ષ: સ્થળ પર રત્નહાર ઢળકતો મૂકી પોઢી ન હોય! એ હતી ચામુંડી હિલ. રાજાની આરાધ્ય કુલદેવી ચામુંડી એના પર વસી રહી છે. આ ટેકરી મૈસૂરનું એક સૌંદર્યરત્ન છે. આ શહેરની શોભા વધારવામાં દીવાની યોજનાઓનો તથા સ્થળ-પ્રકાશન(focus)નો ચતુરાઈપૂર્વક ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકરીને પણ એવી રીતે યોજનાપૂર્વક પ્રકાશમાન કરવામાં આવી છે. પૂર્વાકાશની અરુણશ્યામ પીઠિકા ઉપર આલેખાયેલી ટેકરીના એ હારનક્ષત્રને જોતાં અમે મૈસૂરના સ્ટેશને ઊતર્યા. જોગના ધોધના પ્રવાસમાં અમારી સાથે આવેલા એક મિત્રને ઘેર અમે ગયા. એમને ત્યાં રહી અમે મૈસૂરમાં ચાર દિવસ ગાળ્યા. આ બાજુ આંતરપ્રાંતીય વ્યવહાર માટે અંગ્રેજી ભાષા જ કામમાં આવે છે. ભણેલો વર્ગ પણ થોડુંક જ હિંદી સમજે છે અને સ્ત્રીઓ તથા બાળકો તો કાંઈ જ નહિ. અમાર યજમાન અંગ્રેજી જાણતા; પણ તેમનાં બહેન અને ત્રણ બાળકો તો તેટલુંય ન જાણે. તેમની માતૃભાષા પણ કાનડી નહિ, તામિલ હતી. આમાંની નિશાળે જતી બે કન્યાઓ થોડુંક અંગ્રેજી જાણતી. આ સંજોગોમાં અમારા વ્યવહારમાં ઘણી ગમ્મત થતી. અમે કન્નડ ભાષાના થોડા શબ્દો જાણી લીધેલા. અમે એ ટૂંકી મૂડી ઉપર કદી સાહસભર્યો વેપાર પણ કરી બેસતા. એ બાળકો પણ એમના ટૂંકા અંગ્રેજીનો છૂટથી ઉપયોગ કરતાં. ચાર દિવસના સહવાસના અંતે અમે જુદા પ્રાંતના છીએ એ ભાન જતું રહ્યું. જતી વેળાએ બાળકોની વિદાય. લેવી જરા કઠણ કામ થઈ પડ્યું. આ બાજુ મૈસૂર રાય સુધી હજી સ્વાગત-સુગંધ છે. શિમોગાના જેવો જ આદર અમે અહીં પામ્યા. પણ મદ્રાસ ઇલાકા બાજુ અતિથિનું સ્વાગત જેવી કશી વસ્તુ જ નથી એમ અમને સૂચનો મળ્યે જતાં હતાં. અમે સાંભળ્યું હતું કે અતિથિને ઊતરવાને હોટેલ જ બતાવવામાં આવે. અજાણ્યાને તો ઓટલા પરથી જ વાતચીત કરી વિદાય કરવામાં આવે. સગુંસંબંધી કોઈ આવે તો તે હોટેલમાં જમીને પછી જ ખબર કાઢવા આવે, આવી વાતો આપણને હેરત પમાડે એવી હતી; પણ અમે ગુજરાતી મિત્રો કે સાર્વજનિક છત્રને જ આશ્રયે આખો પ્રવાસ પૂરો કર્યો એટલે એ અ-સ્વાગતનો આસ્વાદ લેવામાંથી રહી ગયા. મૈસૂરમાં તો અમે નોતરે ચડ્યા એમ કહી શકાય. એક સામાન્ય વ્યાપારી, એક કૉલેજિયન, એક કૉલેજના પ્રોફેસર અને એક છાત્રાલય, એટલાંએ અમને નિમંત્રેલા. દરેક સ્થળે ભોજન ભાવભીનું હતું; આપણાં તરફના જેવું ઘીભીનું નહિ. જ્યાં વધારેમાં વધારે વાનીઓ હતી ત્યાં પણ તે મુખ્યત્વે ચોખાની જ હતી. ભાત, શાક નાખીને કરેલી દાળ — સામ્બર ઓસામણ — રસમ્ અને ક્યાંક અથાણું એટલી જ મુખ્ય વાનીઓ ભોજનમાં અમને મળી. સ્ત્રીમહેમાનના સત્કારમાં સૌભાગ્યવતીને કંકુ અને ફૂલની વેણી આપવાની પ્રથા ખૂબ મનોહર અને માંગલ્યભરી લાગી. પ્રવાસમાં કંકુ કે ફૂલના અભાવે ચાંલ્લા વિનાની અને વેણી વિનાની રહેતી – જોકે આમેય તેને વેણીનો તો શોખ નથી — મંગળા દરેક ઘરની મુલાકાત પછી ચાંલ્લા અને વેણીથી જાણે નવી સ્ત્રી બની જતી. એના કપાળમાં ચાંલ્લો ન જોઈને તથા ગાલ ઉપર હળદર ન જોઈને, અમારી યજમાન બહેનોએ એની જરા પ્રેમપૂર્વક ખબર પણ લીધી. લડાઈમાં કે પ્રેમપ્રદર્શનમાં ભાષાનું નડતર બહુ થોડું જ આવે છે. મૈસૂરને હિંદમાં સહેલગાહ માટેનાં શહેરોમાંનું એક મહત્ત્વનું શહેર કહી શકાય. દશેરાનો ઉત્સવ મહાઠાઠથી અહીં ઊજવાય છે. સ્પેશ્યલ ટ્રેનો ભરાઈ ભરાઈને અહીં આવે છે. એ દિવસોમાં રાજ્ય પોતાનો બધો વૈભવ ખુલ્લો મૂકે છે. એમાં શીળી શરદઋતુ પણ અનોખો સાથ આપે છે. અમે ગયાં ત્યારે એ ઉત્સવો પૂરા થઈ ગયા હતા; પણ તેથી અમે મૈસૂરનું જે શાંત સૌન્દર્ય અનુભવ્યું તે તે સમયે ઉતાવળ અને ધમાલથી ભરેલા એ જનસંમર્દમાં અનુભવી શકત કે કેમ તેની શંકા છે. મૈસૂરમાં સામાન્ય જનો જેને સહેલાઈથી જોઈ શકે એવી ચાર-પાંચ મુખ્ય વસ્તુઓ છે. જગન્મોહન ચિત્રશાલા, પ્રાણીઉદ્યાન — ઝૂ, રાજ્યના તબેલા, ચામુંડી હિલ્સ અને કૃષ્ણરાજસાગર. અહીંથી બેંગલોર તરફ જતાં-આવતાં પહેલા સ્ટેશન સેરિંગપટ્ટમ્ – શ્રીરંગપટ્ટણને પણ મૈસૂરની દર્શનીય વસ્તુઓમાં ગણી લેવું જોઈએ. જગન્મોહન ચિત્રશાલા રાજ્યના રાજાઓનાં અને બીજાં ચિત્રો તથા બીજી નાનકડી કલાત્મક વસ્તુઓનું આકર્ષક સંગ્રહસ્થાન છે. અહીંના રાજાઓ કૃષ્ણરાજેન્દ્ર વાડિયર પહેલા, બીજા, ત્રીજા અને અમે ગયા ત્યારે જે ગાદી પર હતા તે ચોથાનાં ચિત્રો અને તેમના જીવનના પ્રસંગો, શિકાર, રાજદરબાર, અંગ્રેજો સાથેની સંધિઓ, તેમની મુલાકાતો, તેમના વસંતોત્સવો બધું ચાર પેઢીઓની સંસ્કારિતા અને ભપકાના વિકાસ પ્રમાણે વિકાસ પામેલી ચિત્રકલાથી આલેખાયું છે. અહીં હૈદર અને ટીપુના જીવનપ્રસંગોને આલેખતાં ચિત્રોને એક ખાસ ખંડ આપવામાં આવ્યો છે. એક ફોજદારમાંથી રાજા થનાર હૈદર અને તેના કાબેલ પુત્ર ટીપુની જીવનકથા તેના કરુણ રંગોમાં અહીં આલેખાઈ છે. હૈદર અને ટીપુની વિદેશી ચિત્રકારોએ કરેલી છબીઓ છે. ટીપુનાં અંગ્રેજો સાથેનાં યુદ્ધો, શ્રીરંગપટ્ટણનો ઘેરો, ટીપુની લડાઈ, તેના બે છોકરાઓને અંગ્રેજો બાનમાં લઈ જાય છે તે પ્રસંગ, તેના મૃત શરીર ઉપર તેનાં સ્ત્રીપુત્રોનો વિલાપ, છાયાતેજને ઉઠાવ આપતી કાળા રંગની જ રેખાઓથી ચીતરાયાં છે. રાજત્વ અને તેના અનુષંગી વિજયો અને પરાજયો ઉભયનું આ આલેખન કરુણ રસ જ નિપજાવે છે. ચીન અને તિબેટનાં બીજે જોવા ન મળે એવાં કેટલાંક અલભ્ય ચિત્રો પણ એક ખંડમાં હતાં. અહીંના ઝૂમાં જોયેલો હિપોપોટેમસ મૈસૂરના સ્મરણ તરીકે મગજમાંથી ન ભૂંસાય તેવો છે. નદીનાં વિશાળ પાણીનો તે વિહારી અહીં એક ખાબડામાં પડ્યો હતો. એનું મોં બનાવીને કુદરતે હદ કરી છે. એના દાંત બતાવવાને ત્યાંના રખેવાળે ઘાસની એક કલ્લી લઈને તેના માથા પર ઊંચી ધરી અને એણે વિકૃત રેખાઓવાળું પાતાળના પ્રવેશદ્વાર જેવું પોતાનું મોં ફાડ્યું. એનાં બંને જડબાંમાં વેંત વેંતના સફેદ ખીલા જેવા અણીદાર દાંત ખંજરો જેમ ઝગઝગી રહ્યા. જે દાઢ ઉપર વરાહે પૃથ્વીને ધારણ કરી હતી તે કંઈક આવી જ હશે અને એ દાંતની વચ્ચે એની પાતળી જીભ હતી. કેટલી મુલાયમ! રખેવાળે ઘાસ ફેંક્યું, તેને હડપ કરીને તેણે મોઢાની પેટી બંધ કરી અને પાણીમાં ડૂબકી મારી તે પોતાનાં ટેકાવાળાં નસકોરાં ફુલાવી રહ્યો. શહેરના અગ્નિ ખૂણામાં આવેલી ચામુંડી હિલ્સ એક સર્વકાલીન સુંદર દૃશ્ય છે. સવારે એની પાછળ સૂર્ય ઊગે છે અને ગિરિની રેખાઓમાંથી તે એક અનુપમ છાયાચિત્ર રચે છે; બપોરે તે એના પર રૂપેરી કિરણો રેડી તેની એકેએક વિગતને બતાવતું રંગચિત્ર ઉપજાવે છે અને સાંજે પોતાના સોનેરી કિરણોથી તેનો સુવર્ણાભિષેક કરે છે. રાત પડતાં પેલી દીપમાળા તેના પર ઝગઝગી રહે છે. ચોવીસે કલાક ટેકરીનું દર્શન કંઈ ને કંઈ મનોરમતા નિપજાવે છે. અમે એના ઉપર ચડતા ગયા તેમ તેમ ક્ષિતિજ વિશાળ થવા લાગી અને નગરની અને તેના પ્રાંતભાગોની રચના વધારે અને વધારે સ્પષ્ટ દેખાવા લાગી. ઉત્તરમાં દૂર દૂર દસેક માઈલ પર કૃષ્ણરાજસાગરનાં આછાં દર્શન થતાં હતાં. ટેકરીનો ત્રીજો ભાગ ચડ્યા પછી રસ્તાની પડખે જ એક ખુલ્લા ઓટલા ૫૨ બેઠેલો જગવિખ્યાત નંદી અહીંનું એક રમણીય કુતૂહલ કહેવાય. પગ વાળીને બેઠેલો આ વિરાટ નંદી જાણે બેંગલોરનો જ અહીં નાસી આવ્યો હોય એમ લાગે છે. આ નંદી જરા વધારે પુષ્ટ અને શોભાવાળો છે. અહીં ખુલ્લામાં રહે છે એટલે પણ હોય! અમારી સાથે સાથે ગાયો પણ ટેકરી ઉપર ચડતી હતી અને કેટલીક વાર પગથિયાં પર ચાલવાનો તેમને અમારા કરતાંયે વિશેષ અધિકાર છે એ સાબિત કરતી હતી અને તેની કોણ ના પાડી શકે? જન્મી ત્યારથી આ પગથિયાં ચડતી એ ગાયના કરતાં અમારા જેવા પરદેશી પ્રવાસીનો અધિકાર ઊતરે જ! રાજ્યની કુળદેવી ચામુંડીનો વૈભવ બેશુમાર છે. રાજા પોતે પીતાંબર પહેરીને દેવીની પૂજા કરે છે. તેનું એક રંગચિત્ર પણ મંદિરમાં મૂકવામાં આવ્યું છે. આ રાજાના પૂર્વજોને ચામુંડીની કૃપાથી રાજ્યપ્રાપ્તિ થઈ હતી. આ ટેકરી પર તેમણે રાતવાસો કરેલો ત્યારે દેવીએ તેમને સ્વપ્નમાં પ્રેરણા આપી ને પછી અહીંના રાજ્યની ગાદી તેમણે મેળવી અને દેવીની સ્થાપના કરી. એવો આ સ્થળનો ઇતિહાસ છે. મહિષાસુરનું મર્દન કરનારાં છતાં અહીં અતીવ સૌમ્ય રૂપે વિરાજમાન ચામુંડી અમે ગયાં ત્યારે કોક રાજપુરુષને દર્શન આપતાં હતાં. રસ્તો રોકાયેલો હતો. અમે દેવીને માનસિક નમસ્કાર જ કરી લીધા. અમે બહાર નીકળ્યાં. દૂર દક્ષિણે ક્ષિતિજમાં નીલગિરિની ગિરિમાળાની રેખા સ્વપ્ન જેવી આછી આછી દેખાતી હતી. વનરાજિથી ઢંકાયેલી ક્ષિતિજ પાછળ સૂર્ય અમને ખબર આપ્યા વિના જ અસ્ત થઈ ગયો. અમે ટેકરી ઊતરવા લાગ્યા. પેલા નંદી પાસેના ચોગાનમાંથી અમે શહેરની રોશની જોઈ. મૈસૂરમાં જનારે આ દૃશ્ય ચામુંડી હિલ પરથી જોવું જ જોઈએ. બેંગલોર કરતાં પણ અહીંનો ઝળકાટ વધારે છે. રાજાના મહેલની આજુબાજુનો ભાગ વિશેષ દીપ્તિવાળો હતો. કન્નડ ભાષાના એક વર્તમાન કવિએ આ દૃશ્યને ટમકતા તારાઓવાળા આકાશ સાથે સરખાવ્યું છે તે યોગ્ય જ છે. શહેરના બગીચાઓ, પૂતળાંઓ, રાજમહેલના દરવાજા તેમ જ બીજાં મોટાં મકાનોને ફ્લેશલાઇટથી રાત્રે દીપાવવામાં આવે છે; પણ જ્યારે એક ચૌટામાં આવેલો મોટાં લાલ ફૂલોથી ઊભરાતો વિશાળ ક્યારો પણ ફ્લેશલાઇટથી દીપાવેલો જોયો ત્યારે નગરના શૃંગારકારોની જનતાભિમુખ રસવૃત્તિ વિશે મને માન થયું. શહેરમાં ઘણા સુંદર બગીચાઓ છે; પણ એ સૌનો શિરોમણિ તે કૃષ્ણરાજસાગરનો વૃન્દાવન બાગ છે. શહેરથી ઉત્તરમાં આઠેક માઈલ પર કાવેરી નદીમાં બંધ બાંધી એક વિશાળ જલાગાર રચવામાં આવ્યો છે. એને કૃષ્ણરાજસાગર નામ યોગ્ય રીતે જ અપાયું છે. હિંદમાં સિંધુના સક્કર બૅરેજ પછીનો આ બીજા નંબરનો મોટામાં મોટો બંધ છે એ જાણીતી વાત છે. કાવેરીની આરપાર પોણા બે માઈલની ૧૨૦ ફૂટ ઊંચી ભીંત સહેજ વળતી કમાનને આકારે નાખી દેવામાં આવી છે. આવા બંધોમાં પાણીના ઘસારાનું બળ વહેંચાઈ જાય એટલા માટે ભીંતને નદીના પ્રવાહની સામે સહેજ ગોળ આકારે રચવામાં આવે છે. સેંકડો માઈલથી વહી આવતાં પાણી બંધના પશ્ચિમ ભાગમાં અટકીને થંભી ગયાં છે. નાખી નજર ન પહોંચે એટલે લગી એક વિશાળ સરોવર ડહેકા દઈ રહ્યું છે. નદીના આગળ વધતા વિશાળ જલસૈન્યને જાણે એક દુર્ઘર્ષ યોદ્ધો માત્ર પોતાના બાહુદંડ લંબાવી રોકી રહ્યો છે. એક બાજુ પાણીનો અફાટ આગાર અને બીજી બાજુ કોરીકટ જમીન. બંધની પૂર્વના ભાગમાં નદીના બેય કિનારાની ઢળતી જમીનમાંથી વિશાળ પગથારો રચી કાઢી તે પર એક અત્યંત મનોરમ ઉદ્યાન બનાવ્યો છે અને પાણીના સ્વભાવનો ઉપયોગ કરી લઈ એમાંથી નાનકડા ધોધ અને અનેક આકારો રચતા ફુવારા બનાવ્યા છે. દર નિરવિએ આ ફુવારાઓમાં જ્યારે રંગબેરંગી પ્રકાશ રેડવામાં આવે છે ત્યારે એ અવર્ણનીય રમણીયતા ધારણ કરી લે છે. અહીંના ફુવારાઓ પાસેથી ઘણી ખૂબીઓવાળું કામ લેવામાં આવ્યું છે. તે બધા સીધી સોટીની માફક કે એક વીસપચીસ ધારાઓવાળી પિચકારીની માફક જ કેવળ ઊડતા નથી, કેટલાક ક્યાંક સામેસામેથી ધસીને કમાનો રચે છે. કેટલાક એકની ઉપર બીજી અને ત્રીજી કમાન રચે છે. કેટલાક એમને મથાળે પંદરેક ફૂટ ઊંચે ગોઠવેલા પ્રકાશને હોલવવા જાણે ઊછળીને નીચા પડે છે. આ ઊછળતા અને કમાનો રચતા ફુવારાઓના વૃંદમાં પચાસેક ફુવારા પોતાની ધારાઓને ઊંચે એક કેન્દ્ર તરફ પ્રેરી ગોળ મંડપ બનાવી રહ્યા છે. કૃષ્ણની વિહારભૂમિ વૃંદાવનનું નામ આ સ્થળને આપી અહીંના કૃષ્ણરાજેન્દ્ર રાજાનો અને તેની તરફથી રચાયેલી આ સૌંદર્યભૂમિનો સંબંધ મધુર ધ્વનિપૂર્વક બતાવાયેલો છે. જેમ જેમ બાગમાં નીચે ઊતરતા જઈએ છીએ તેમ તેમ બંધની દીવાલ ઊંચી થતી જાય છે. ઉદ્યાનની કરોડ જેવા મધ્ય ભાગમાં જતાં દીવાલની પૂરી ૧૨૦ ફૂટની ઊંચાઈ જોવા પામીએ છીએ. આ પેલી બાજુ જ સવાસોએક ફૂટની પહોળી આ દીવાલની પાછળ તોળાઈ રહેલા પાણીનો વિચાર કરતાં મગજ કંપે છે. કોઈ અકલ્પ સામર્થ્યવાળી ભુજા આ ભીંતને ઉપાડી લે તો જલપ્રલયનું દૃશ્ય જોવાની કેવી તક મળે! અથવા કાવેરી જાતે જ ગાંડી બને તો? ના, પણ માણસના બુદ્ધિપ્રભાવની આડે અહીં સૌ સલામત છે. બંધની આજેય દુર્ભેદ્યતાનો ખ્યાલ તેના પાયામાં બેઠેલા વિશાળ પથ્થરો આપતા હતા. પણ એ પથ્થરોની વચ્ચેથી પણ ક્યાંક ક્યાંક ઝરતું પાણી પોતાની પાણીપોચી પ્રખર શક્તિનો પરચો આપતું હતું. નદીના પ્રવાહને બાંધી લીધા છતાં બંધને છેડેનાં થોડાં ગરનાળાંમાંથી તેને વહેતો તો રાખ્યો જ છે. નદીને સામે કિનારે એક મોટી નહેર બાંધી તેમાં થઈને આ અકળાતાં પાણીને ક્રમશઃ મુક્તિ આપવામાં આવે છે. ટેકરીઓવાળા એ ભાગમાં થઈને આ નહેરને લઈ જવા માટે ટેકરીઓને વચ્ચેથી પોલી પણ કરવી પડી છે. બે માઈલ લગી આ નહેર ટેકરીઓની નીચે થઈને જ ચાલી જાય છે એ પણ એન્જિનિયરિંગ કળાનું બીજું પરાક્રમવંતુ કૌતુક છે. નહેરમાંથી વહેતું એ પાણી મૈસૂરની ભૂમિને આર્ક કરી શસ્ત્રવતી કરે છે. નદીના બાગ તરફના નિર્જળ તળની બરાબર મધ્યમાં બંધના પ્રોનૃતતમ હૃદયભાગ આગળ કાવેરી માતાની એક નાજુક નમણી મૂર્તિ મૂકવામાં આવી છે. તેના હાથમાં કળશ અને તેમાંથી એનું કૃપાજળ નાનકડી ધારારૂપે ટપકે છે. અમે ગયાં ત્યારે એના ગળામાં ગલગોટાનો સુંદર હાર હતો. બંધમાં આ મૂર્તિ મૂકીને આના વિશ્વકર્માએ એની ભાવનાને જુદો જ પલટો આપી દીધો છે. સિંધુના બંધમાં આવું કંઈક હશે કે કેમ એ પ્રશ્ન છે. પણ આર્યત્વના સંસ્કારોવાળા આ રાજયે માણસ પ્રકૃતિમાતાના પ્રતાપનો ઉપયોગ કરવા છતાં તેના તરફની પૂજ્યવૃત્તિ ચૂક્યો નથી, તેમ જ પોતે તેને વશ કરી છે છતાં પોતાની મર્યાદા ભૂલ્યો નથી એ વસ્તુને અહીં રજૂ કરવાનું યાદ રાખ્યું છે. આપણે ગાયનું દૂધ પીએ છીએ પણ તેને માતા તરીકે સ્વીકારીએ છીએ. પ્રકૃતિ ઉપરના આ વિજયથી માણસ ગાંડો નથી બની ગયો તેમ જ પોતાની અલ્પ પામરતાને જ વળગી નિરાશ થઈ બેસી નથી રહ્યો; એ ભાન દરેકને કરાવતો આ બંધ તથા તેની અધિષ્ઠાત્રી કાવેરીના ઉછંગમાં વિકસેલા સૌંદર્યપુષ્પ જેવું વૃંદાવન ઉદ્યાન અમારા પ્રવાસનાં ચિરસ્મરણીય સ્થળો છે. ત્રીજનો ચંદ્ર નદીનાં પાણી ઉપર તેમનું આચમન કરવા ઇચ્છતી રાત્રિરાણીની અંજલિ જેવો ઝૂકી રહ્યો હતો. બંધ પરની બે માઈલ લાંબી દીપમાળા ઝગી રહી હતી અને શાંત કાવેરી અખૂટ સમૃદ્ધિના સંચય જેવી સ્વસ્થ પડી હતી. એનું દર્શન કરતાં કરતાં અમે પાછાં ફર્યાં. નામનો ઉચ્ચાર બરાબર ન થઈ શકવાથી જેને અંગ્રેજોએ સેરિંગપટમ્ કરી નાખ્યું છે તે શ્રીરંગપટ્ટણમ્ પણ મૈસૂરની સાથે જ સંકળાયેલું કહેવાય. શ્રીરંગપટ્ટણમ્ બે રીતે મહત્ત્વનું છે: એક ટીપુને લીધે અને બીજું શ્રીરંગને લીધે. ટીપુની જાહોજલાલીના અવશેષ ત્યાં જેટલા બચ્યા છે તેટલા સાચવી રાખવામાં આવ્યા છે. શ્રીરંગજીનું મંદિર એના ભક્તિપ્રતાપથી આજે પણ એક મોટું તીર્થ મનાય છે. કાવેરી નદીને પોતાના માર્ગમાં જમીન સાથે ખૂબર મત કર વાનું સૂઝ્યું છે. તે કેટલાયે બેટ પોતાના ખોળામાં લઈ બેઠી છે. આવા ત્રણ મોટા બેટ ઉપર શ્રીરંગનાં ત્રણ ધામ છે. તેમાંનું પહેલું ધામ આ. આની પછી બીજું ૪૦ માઈલ દૂર શિવસમુદ્રના ટાપુમાં, જ્યાં કાવેરી સુંદર ધોધ બનીને વહે છે અને ત્રીજું ત્રિચિનાપલ્લી પાસે. આ ત્રણને અનુક્રમે આદિ રંગ, મધ્ય રંગ અને અંત્ય રંગ કહેવામાં આવે છે; પણ તેમાંયે પહેલું અને છેલ્લું ધામ વિશેષ જાણીતાં છે એટલે એ બે પશ્ચિમ રંગ અને પૂર્વ રંગ તરીકે પણ ઓળખાય છે. કહે છે કે મહર્ષિ ગૌતમે આ સ્થળની સ્થાપના કરી હતી પણ શિલાલેખો પરથી ઈ. સ. ૮૯૪ માં એક તીરુમલય ગંગ નામે રાજાએ આને સ્થાપ્યું એમ લાગે છે. કાવેરીના બે પ્રવાહ વચ્ચે આવેલું આ શહેર તે વખતે વધારે સુરક્ષિત હશે. તે વખતે અત્યારની પેઠે નદીનાં પાણીને વચ્ચેથી બાંધી રૂંધી રાખવામાં આવતાં ન હતાં એટલે એ જલદુર્ગનું સામર્થ્ય પણ અનન્ય જ હશે. ટીપુએ પણ એ દૃષ્ટિએ જ અહીં પોતાની રાજધાની કરવાનું પસંદ કર્યું હશે; પણ કાવેરી કદી વિજેતાને નડી લાગી નથી. ટીપુનું રક્ષણ તેણે બાંધેલા ત્રણ ત્રણ કોટ અને ત્રણ ત્રણ ખાઈઓ પણ ન કરી શક્યાં. અંગ્રેજ લશ્કર શ્રીરંગપટ્ટણમ્ ઉપર ધસી ગયું અને કહે છે કે આઠ જ મિનિટમાં બ્રિટિશ વાવટો ટીપુના મહેલ ૫૨ ચડી ગયો. તે વેળા કિલ્લાના ઉત્તર ભાગમાં ટીપુ દુશ્મનો સાથે હાથોહાથ લડતો હતો. તે ત્યાં જ લડતાં લડતાં પડ્યો. ટીપુની શોધ કરતાં તેનું શરીર યાંથી મળી આવ્યું તે સ્થળે આજે તે હકીકત સૂચવતી એક નાની તકતી ચોડી રાખી છે. તે સ્થળની આજુબાજુ માટીનાં નાનાં ભીંતડાં છે. કાળી જમીન લુખ્ખી પડી છે. ત્યાં તકતી ન હોય તો એ સ્થળમાં કશું અસાધારણ લાગે તેવું નથી. પણ આટલી તકતી આપણી કલ્પના જો જીવતી હોય તો તેને સળગાવી મૂકવાને પૂરતી છે. અંગ્રેજોને થરથરાવનાર અને તેમનો હિંદુની ભૂમિમાંથી સર્વથા ઉચ્છેદ વિચારનાર એ વીર માણસે પોતાનો પરાજય સ્પષ્ટ જોતાં શત્રુને હાથે સપડાઈ રિબાઈને મરવા કરતાં વીરમૃત્યુ જ વધારે પસંદ કર્યું હશે. અહીંથી જ થોડા અંતર ઉપર કોટમાં એક તુરંગ છે. વરસો સુધી તેમાં અંગ્રેજ કેદીઓને ટીપુએ પૂરી રાખ્યા હોવાનું કહેવાય છે. તેને હકીકત રૂપે જણાવતી તકતી ત્યાં પણ મૂકવામાં આવી છે. કિલ્લાના પૂર્વ ભાગમાં આવું જ બીજું નાનકડું કેદખાનું છે. એ આના કરતાં વધારે ભયાનક હતું. કોટની અંદર એક જગ્યાએ મીર સાદિક નામના એક મુસલમાનની કબર છે. આ મીર સાદિકે ટીપુને દગો દઈ અંગ્રેજોને અહીંનો રસ્તો બતાવ્યો હતો. દરેક મુસલમાન આજે એ કબર પાસેથી જતાં તે પર થૂંકે છે એમ અમે સાંભળ્યું. પૂર્વ દિશામાં એક પછી એક એમ ત્રણ કોટ અને તે દરેકને ફરતી સૂકી ખાઈઓ હજી પણ છે. તે વટાવીને માઈલેક ૫૨ દૂર બે રમણીય સ્થળો છે. એક છે ‘ગુંબજ’ જયાં ટીપુએ પોતાના પિતા હૈદરની અને માની કબરો બંધાવેલી છે. તેની કબર પણ તેમની સાથે જ કરવામાં આવી છે. ગુંબજની રચના સુંદર છે. નીચેના વરંડાના કાળા પથ્થરના થાંભલા આખી સફેદ ઇમારતમાં અનોખી સુંદરતા ઉમેરે છે. બીજું રમણીય સ્થાન છે ટીપુનો વિલાસમહેલ – ‘દરિયા દૌલત બાગ’. આજુબાજુ સરસ બગીચો છે અને વચ્ચે ટીપુનો મહેલ છે. બે માળનું જ મકાન છે પણ તેની ભીંતો પરનાં ચિત્રો તથા છતો, થાંભલા અને મકાનનો દરેકેદરેક ભાગ તેના અસલ લાલ, સફેદ અને લીલા રંગનાં વેલફૂલથી શોભાવાયેલો સુરક્ષિત છે. તે ટીપુની કળાપ્રિયતાનાં સારાં સૂચક છે. ભીંતો ઉપર કેટલાક પ્રસંગો પણ ચીતરેલા છે. એમાં પશ્ચિમની ભીંત પર હૈદરઅલીએ કાંજીવરમ્ પાસે કર્નલ બેલીને જેમાં હરાવેલો તે યુદ્ધનું ચિત્ર છે. એ મૂળ ચિત્ર તો ભૂંસાઈ ગયેલું; પણ પછીથી લૉર્ડ ડેલહાઉસીએ એ મૂળ ચિત્રને જાણકાર ચિત્રકાર પાસે આખું ચિતરાવ્યું છે. શહેરના પશ્ચિમ ભાગમાં રેલવે સ્ટેશનની પાસે ટીપુની નગરરચનાના કેટલાક અવશેષો છે. એક ટેકરા જેવા ભાગ ઉપર હૉસ્પિટલ હતી, એમ પાટિયું મારીને સૂચવવામાં આવે છે. તો પછી હૉસ્પિટલનો વિચાર અંગ્રેજો જ લઈ આવ્યા એમ નથી. એની પાસે દુર્ગનો અવશેષ છે. આ બાજુ દારૂખાનું ભરવાનું ભોંયરું છે. બધું જૂની ઢબનું છે છતાં એ જમાનાના યુદ્ધોના વાતાવરણનો ખ્યાલ આપે તેવું છે. ટીપુ એના પિતા હૈદર કરતાં ઘણો સંસ્કારી અને ભણેલો હતો. એ કેવળ અંગ્રેજો સાથે લડવામાં જ મચ્યો રહેતો એમ નથી. એણે કાવેરી ઉપર બંધ પણ બંધાવ્યો હતો. એના ફ્રેંચ ઇજનેરોની કળાના સ્મારક જેવી ઈંટોની એક ૧૨૦ ફૂટ લાંબી કમાન પર જમીન ઉપર ઊભી છે અને આજે પણ તેના ઉપર ચડી તેના મધ્ય પથ્થર પર ઊભા રહી તમે તેને હલાવી શકો છો.[2] એના અમાત્યો હિંદુ હતા. અહીંના અધિષ્ઠાતા દેવ શ્રીરંગને એણે કેટલીય જમીન ક્ષિસ આપેલી. અરે, જરૂર પડે તો બ્રાહ્મણો પાસે એ પોતાને માટે જપ પણ કરાવડાવતો. પરાજિત થયેલા શત્રુના અવશેષ જાળવી રાખવા જેટલી સંસ્કારિતા અંગ્રેજોએ બતાવી તે ઠીક જ કર્યું છે. પણ ‘ગુંબજ’ને રસ્તે, ટીપુની સાથેના યુદ્ધમાં ખપેલા બ્રિટિશ લશ્કરનું સ્મારક પણ ઊભું કરવાનું તેઓ ચૂક્યા નથી. સૌથી છેવટે અમે શ્રીરંગ અથવા રંગનાથનાં દર્શન કર્યાં. અનંતની ઉપર સહેજ પડખું ફેરવીને દેવ સૂતા હતા. એમની ઘનશ્યામ દીર્ઘકાય મૂર્તિ ગર્ભાગારના અંધકારમાં પણ પ્રસન્નતાથી વિરાજતી દેખાતી હતી. દેવનાં ચરણ પાસે હાથમાં કમળ લઈને કાવેરીમાતા બેઠાં હતાં. દેવદેવેશની પૂજા માટે હૃદયના પ્રતીક જેવા કમળથી કયું પુષ્પ વધારે ઉચિત હોઈ શકે? કાવેરીની વિનંતીથી જ શ્રીરંગ અહીં આવ્યા હતા. નદીઓની સભામાં એક વારગંગાએ પોતાની પવિત્રતાના અભિમાનથી કાવેરીનું અપમાન કર્યું. પરિણામે કાવેરીએ દેવાધિદેવ વિષ્ણુને રીઝવવા તપ આદર્યું. પ્રસન્ન થયેલા દેવે વરદાન આપ્યું અને કાવેરીએ દેવ પાસે પોતાનો ખોળો પાવન કરવા માગણી કરી. કાવેરીમાં ત્રણ સ્થળે આવેલાં શ્રીરંગનાં તીર્થ આ કથા સાથે સંબંધ રાખે છે. ત્રણે જગ્યાએ પોતાના અંકસ્થ દ્વીપોમાં વિષ્ણુને ધારણ કરી કાવેરી જન્મની કૃતાર્થતા માણી રહી છે. દેવની નિગૂઢ પ્રતિભા અને ઇતિહાસના ઘેરા ધૂપથી છવાયેલું આ સ્થળ કુતૂહલ દૃષ્ટિવાળા પ્રવાસીને શુષ્ક લાગે તેવું છે. ગામ બહારના ગુંબજ અને દરિયા દૌલત બાગથી અનેક ગણાં રમણીય સ્થળો મૈસૂરમાં છે; પણ કલ્પના જો કામ કરી શકે તો ઇતિહાસની મૂર્તિ અહીંના જેટલી આટલામાં બીજે ક્યાંય પ્રત્યક્ષ નહિ થાય. આજે પણ અંગ્રેજોના લશ્કરનો ઘોંઘાટ અને ધૂળના ગોટા દેખાય તેમ છે. હોઠ ભીંસી કાફર અંગ્રેજો સાથે છેવટનો જંગ ખેલતો ટીપુ નજરે પડી શકે તેમ છે અને એ લડાઈના ધુમાડાના ગોટા પાછળ પણ તેની પ્રજાપ્રિય રાજ્યપ્રણાલીની સુગંધ મેળવી શકાય તેમ છે. ઇતિહાસના હૃદયનો ધબકારો સાંભળવા ઇચ્છનારે આ સ્થળ જોવાનું કદી ન ચૂકવું જોઈએ. મૈસૂરમાં ફુરસદના વખતમાં કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો પરિચય પણ કર્યો. કૉલેજના વિદ્યાર્થીઓ જગતભરમાં સરખા જ લાગે છે. અહીંના કેટલાક પ્રોફેસરો અહીંથી જ ભણીને પ્રોફેસર બન્યા છે. મૈસૂર રાજ્યની સંસ્કારપ્રવૃત્તિઓમાં એમનો ફાળો ઘણો છે. એક પ્રોફેસર રેડિયોનું નાનકડું બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પણ ચલાવે છે. એ ‘આકાશવાણી’ના કાર્યક્રમો ઘણા લોકપ્રિય થઈ પડ્યા છે. બીજા એક પ્રોફેસર શ્રીનારાયણશાસ્ત્રી અજંતાના ખાસ અભ્યાસી હોવા ઉપરાંત અહીંની નાટ્યમંડળીના અગ્રણી પણ હતા. અજંતાને વિશે એમણે કેટલીક નવાઈ પમાડે તેવી વાતો કહી. અજંતાના ચિત્રકારો કર્ણાટકી હતા એવું એમને સંશોધનમાંથી મળ્યું છે અને તે વસ્તુને તેઓ જરૂરી પુરાવા સાથે જાહેર કરવા પણ ઇચ્છે છે. શિમોગામાં જેમનાં કાવ્યો સાંભળેલાં તે કન્નડના અગ્રગણ્ય કવિ શ્રી પુટપ્પાને પણ અમે મળ્યા. તે રાષ્ટ્રભાવથી ભરપૂર હોવા છતાં સ્વતંત્ર દૃષ્ટિથી પોતાના પ્રાંતની જરૂરિયાતોનો વિચાર કરનાર લાગ્યા. હિંદીનું કન્નડ ભાષા પરનું આક્રમણ અને તેની આવશ્યકતાની મર્યાદા વિશેનો એમનો દોઢેક કલાકનો વાર્તાલાપ આનંદદાયક હતો. કૉલેજના વિદ્યાર્થીઓએ ભજવેલું ગ્રીક લેખક ઇજેક્સ રચિત ઝસિસ— પારસિકનું નાટક એક નવો જ અનુભવ નીવડ્યું. કન્નડ ભાષા તો અમને સાવ અપરિચિત જ હતી; તોય તેનાં સ્વરાંદોલનો અને અભિનય ખાસ રોચક હતાં. કન્નડનું વર્ણમાધુર્ય તો સહેલાઈથી સમજી શકાય તેવું હતું. મૈસૂરને અમે ઘણા દિવસ આપ્યા. છેવટે પાંચમા દિવસની સવારે ઊટી જવાની મોટર માં અમે સ્થાન લીધું. મોટર ન ઊપડી ત્યાં લગી ભિખારીઓ અને ફેરિયાઓ અમારી ઉપર મધમાખોની પેઠે ઝઝૂમી રહ્યાં. એક છોકરી અત્યંત કર્ણકટુ તીક્ષ્ણ અવાજ કાઢી એનો જન્મથી બેડોળ ભયાનક ચહેરો લઈ વારંવાર અમારી સામે કૃત્રિમ રીતે ટટળતી હતી. છેવટે મોટર ઊપડી. રળિયામણા મૈસૂરમાં એવી બદસૂરત, મોંથી માત્ર ઉંદર જેવો જ અવાજ કરી શકતી, માબાપના કૈંક પાપનાં પરિણામ ભોગવતી એ છોકરીનું દૃશ્ય હજી મગજમાં ચોંટી રહ્યું છે. મૈસૂરની અમારી સૌંદર્યયાત્રાનું આ છેલ્લું તીર્થ કેટલું બધું સૂચક હતું!


  1. હવે સ્વર્ગસ્થ.
  2. જોકે હવે તે આપોઆપ તૂટી પડી છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.