દરિયાપારથી.../કાલિકટ – સદીઓ પછી
વિશ્વના ભૌગોલિક ઈતિહાસમાં પંદરમી સદીનું મહત્ત્વ અપરંપાર છે. એ કાળમાં મહાસાગરો જાણે મહામાર્ગ બન્યા હતા, નવી દિશાઓએ જાણે અવનવા દેશો તરફ આંગળી ચીંધી આપી હતી, અને બીજી સદીના વિદ્વાન પ્ટોલેમીએ દોરેલાં વિશ્વ અંગેનાં અંકનોમાં અનેક વિગતોનો ઉમેરો થઈ ચૂક્યો હતો. યુરોપમાં છેક દક્શિણે આવેલા બે પાડોશી દેશો આ સાગરખેડુ પ્રવૃત્તિમાં એકમેકના હરીફ હતા. એ બે તે સ્પેઇન અને પોર્તુગાલ. ત્યાંથી જ ઘણા મોટા ભૂમિ-શોધકો પાક્યા. સ્પેઇન દેશના કોર્તેઝ દક્શિણ અમેરિકાના પ્રદેશમાં પહોંચ્યા, ને ત્યાં સ્પેઇનનું રાજ્ય સ્થાપ્યું. પણ વધારે વિખ્યાત તો ક્રિસ્ટોફર કોલમ્બસ થયા. એ પોતે હતા તો ઈટાલિયન, પણ ઈટાલીમાંથી એમને પ્રોત્સાહન અને સહાય ના મળ્યાં. એમણે પણ સ્પેઇનના રાજાના નામે જ પ્રયાણ કર્યું. કોલમ્બસ પહોંચવા માગતા હતા ઈન્ડિયા, પણ પહોંચી ગયા ક્યાંક “બીજે” જ! જે કામ કોલમ્બસથી નહતું થયું, તે સિદ્ધ કર્યું પોર્તુગાલ દેશના વતની વાસ્કો દ ગામાએ. આ રીતે, હજારો વર્ષોથી ેકબીજાથી અજાણ્યા રહેલા દેશો|પ્રદેશો|ખંડોનું પરસ્પર સંધાન થવા માંડ્યું. પંદરમી સદીમાં દુનિયાનો જે આકાર બન્યો, તે જ આજ સુધી રહેલો છે. યુરોપને આકાંક્શા હતી દરિયાપાર શાસન ફેલાવવાની. જૂના વિશ્વ અને નવા વિશ્વ વચ્ચે અનેકવિધ આદાનપ્રદાન થવા માંડ્યું. પરસ્પરનાં સાંસ્કૃતિક વલણો, ભાષાઓ, આહાર, જીવન-રીતિ, ધર્મ, અન્ય પ્રથાઓ વગેરે અનેક બાબતોની અસરો શાસકો તેમજ શાસિતો ઉપર પડતી રહી. આવાં સંમિશ્રણોથી રચાયેલું રહ્યું છે આપણું વર્તમાન વિશ્વ. પોર્તુગાલનું રાજ્ય-ક્શેત્ર તો સાવ નાનકડું, પણ એ યુગ દરમ્યાન એકસોથી પણ વધારે વર્ષો સુધી એ યુરોપી સામુદ્રિક અન્વેષણોમાં મોખરાને સ્થાને રહ્યું હતું. ત્યાંના રાજપુત્ર હૅન્રિ પોતે જ વહાણ-સંચાલકનું બિરુદ પામેલા, અને વહાણવટાને એમણે રાજ્યનીતિમાં મુખ્ય સ્થાન આપેલું. પોતાના દેશના કિનારાઓની નજીકમાં આવેલા ટાપુઓ અને ભૂશિરો પછી શું હશે એ જાણવાની એમને ઊંડી ઉત્સુકતા હતી. દૂરનાં સ્થાનો વિષે નહતું કશું લખાયું, કે નહતી ક્યાંયથી એમને વિષે ઊડતી વાતો આવેલી. રાજકુમાર હૅન્રિને થતું કે પોતે અથવા રાજ્યનો કોઈ સાહસી ઉમરાવ એ વિષેની શોધ હાથમાં નહીં લે, તો કોઈ ખલાસી કે સોદાગર તો ક્યારેય એવું ગજું નહીં કરી શકે. જ્યાં નફાની ખાતરી કે આશા ના હોય ત્યાં એ બધા ક્યાં જવાના? તેથી હૅન્રિએ જ નૌકાદળ તૈયાર કર્યું, અને કેટલાંયે સાગર-સાહસ માટે એ વહાણો મોકલતા રહ્યા. ઉત્તમ વહાણો બનાવવા માટે, અને સારા નાવિકો ઊભા કરવા માટે એમણે એક કેન્દ્ર પણ સ્થાપ્યું. એમાં ખગોળશાસ્ત્રનો અભ્યાસ તો એવો વિકસ્યો કે આખા યુરોપના નાવિકોએ એનો આધાર લીધા કર્યો. પોર્તુગાલના પાટનગર લિસ્બનની બહાર તરફ, પહોળા પટવાળી તેગુ નદીને કિનારે, બેલેમ નામની જગ્યા છે. એક જમાનામાં ત્યાં ધીકતું બંદર હતું. ત્યાંથી જ નીકળીને બાહોશ કપ્તાન વાસ્કો દ ગામા ઈન્ડિયાને શોધવા નીકળેલા, અને દોઢેક વર્ષે, ૧૪૯૮માં કાલિકટને કિનારે પહોંચેલા. આ સાહસને બિરદાવવા, લિસ્બન જઈને સૌથી પહેલાં હું આ બેલેમ જગ્યાનાં દર્શન કરવા ગઈ હતી. વર્ષો પહેલાં બંધાયેલો એક ઠીંગણો લાગતો, ને સુંદર કોતરણી કરેલા સફેદ પથ્થરનો મિનાર તો હતો જ, પણ વાસ્કો દ ગામાની સફળ સાગર-સફરને સન્માનવા માટે, છેક નદીની ધાર પર હોય તેવું, એક અત્યંત પ્રભાવશાળી સ્મારક થોડા વખત પહેલાં બનાવવામાં આવ્યું હતું. એનો પાછલો ભાગ તદ્દન સીધો છે -નાવિકના પોષાક સાથે ધારણ કરાતી લાંબી, પાતળી, તીણી તલવાર દર્શાવતો. આગલો ભાગ તોતિંગ તથા સુરેખ વહાણ જેવો છે. દરિયામાં ભળી ગયેલી તેગુ નદીના પાણીમાં ધસી જવા તૈયાર અને તત્પર થયેલું વહાણ. એના ઊંચા મોભ ઉપર ઊભા છે દ ગામા પોતે – સંગેમરમરમાં કંડારાયેલા, દરિયાખેડુ કપ્તાનનાં વસ્ત્રોમાં, સાહસ માટે આતુર, લક્શ્યથી સભાન. આ સ્મારક-વહાણની બંને બાજુ, દ ગામાની પાછળ ઊભેલા નાવિકો, ખલાસીઓ, અમલદારો, ધ્વજધારીઓ, ને પાદરીઓનાં શિલ્પ છે. આ આખું વિરચન અને કલ્પન અસાધારણસુંદર ને પ્રતીકાત્મક છે. આ સ્મારકની આસપાસ કાળા, સફેદ અને લાલ પથ્થરોથી જડેલું ખૂબ જ વિસ્તૃત ચોગાન છે. એની વચ્ચોવચ, કપચીથી બનાવેલા પરિઘવાળું અતિવિશાળ વર્તુળ છે. એમાં દુનિયાના દેશોના આકાર લાલ પથ્થરથી, અને સમુદ્રો ભૂરા પથ્થરોથી દર્શાવાયા છે. પોર્તુગાલે કરેલાં સામુદ્રિક અભિયાનો વહાણની નાની નાની આકૃતિઓ દ્વારા નોંધાયાં છે. વળી, ત્યાં ત્યાં પહોંચ્યાનાં વર્ષ પણ ખરાં. કાલિકટ, ગોવા, દીવ, દમણ વગેરે નામથી આપણો ઈતિહાસ તાજો થઈ જાય. ભારતનાં આ થાણાંમાં ચારસો વર્ષ સુધી પોર્તુગીઝ કૉલૉની રહી. તદુપરાંત, બ્રાઝિલ, મોઝામ્બિક, ઈન્ડોનેશિયા, દક્શિણ આફ્રિકા વગેરે દેશોમાં પણ પોર્તુગીઝ સત્તા રહી. આખી દુનિયાની પ્રદક્શિણા સૌથી પહેલી વાર જ્યારે થઈ ત્યારે તે કરનારા હતા પોર્તુગીઝ સમુદ્ર-વીરો. ૧૫૨૨માં ‘વિક્ટોરિયા’, એટલે વિજય, નામના વહાણે એ સિદ્ધ કરી હતી. એના કપ્તાન ફર્ડિનાન્ડ મૅજૅલાન પૅસિફિક ટાપુવાસીઓ દ્વારા મૃત્યુ પામ્યા હતા. આજે પણ, દુનિયાની છેક દક્શિણે આવેલી સમુદ્રધુનિ મૅજૅલાનના નામથી ઓળખાય છે. પછી અમુક વખતે, આ બે સાહસી હરીફ દેશો- સ્પેઇન અને પોર્તુગાલ – વચ્ચે સમજૂતીપૂર્વક, એક જમાનામાં પોતપોતાના જીતેલા પ્રદેશોની સરહદો નક્કી કરાઈ હતી. તે મુજબ, ઉત્તરથી દક્શિણ જતી સરહદી રેખાની પૂર્વ તરફની ભૂમિ પોર્તુગાલના રાજા તથા વંશજોની, અને બાકીની બધી સ્પેઇનનાં રાજા-રાણીની ગણાય છે. અત્યારે કદાચ નવાઈ લાગે કે એ સમયે પણ આ બધા બનાવોનું લેખિત પ્રમાણ રાખવામાં આવતું હતું. છાપકામની શરૂઆત પણ સોળમી સદીમાં જ થઈ હતી, તેથી ભ્રમણ-યાત્રા, અભ્યાસ-ગ્રંથો, નકશા વગેરેની પ્રતો થવા માંડી હતી. વિશિષ્ટ પ્રદર્શનોમાં ક્યારેક એ પ્રાચીન સમયની મૂળ પ્રતો જોવા મળી પણ જતી હોય છે. એવા ભૌતિક રૂપે દેખાઈ જતો ઈતિહાસ ઘણી વધારે નવાઈ પમાડી જાય છે. દુનિયા આખીની શોધ કરનારા જ એ બધા હતા, દુનિયાને આજનું સ્વરૂપ મળવાની શરૂઆત જ એ બધાથી થઈ. હવે તો જાણે કશું “શોધવાનું” બાકી જ નથી રહ્યું. હવે તો ફક્ત એ આદ્ય-પ્રવાસીઓને યાદ કરીને, શક્ય હોય તે રીતે, એમને અનુસરવાનું જ રહ્યું. પોર્તુગાલના કેટલાયે નાવિકો અને કપ્તાનોએ જીવ ગુમાવ્યા, કેટલાંયે વહાણો ડૂબીને દરિયાને તળિયે ગયાં, ને છતાં એમની બહાદુરીની વાતો ઓછેવત્તે અંશે સચવાયેલી રહી છે. જેમકે, સોળમી સદીના, લુઈસ દ કામ્પો નામના પોર્તુગીઝ કવિએ વાસ્કો દ ગામાનાં સાહસો ઉપર એક મહાકાવ્ય લખ્યું હતું. એમાં દ ગામાના શબ્દોમાં કવિ કહે છે, “જો બધાં ભયજનક તોફાનો, વીંઝાતા પવનો, હવાને પણ સળગાવી મૂકતી વીજળીઓ, મૂશળધાર વરસાદો, કાળી રાતો, અને અંત વગરનાં બધાં જોખમોની વાતો કરવા બેસું તો કદાચ કંટાળાજનક, કે ખોટી બહાદુરી જેવું, કે જુઠાણાં જેવું, કે પછી હું ગાંડો હોઉં તેવું લાગશે.”