દરિયાપારથી.../મુક્તિની કિંમત કેટલી?
અગત્યની સંસ્થાઓને મોટું દાન આપવાનો, ને એ રીતે એમનાંમાં વધારે પ્રાણ પૂરવાનો ધારો દરેક દેશમાં જોવા મળે છે. પછી એ દાનવીરોનાં નામની તકતી લાગે છે, ને ક્યારેક તો એમનાં નામથી આખી સંસ્થા ઓળખાવા માંડે છે. ન્યૂયોર્ક શહેરમાં કેટકેટલી જગ્યાઓ ધનાઢ્ય, ને વિશાળ-હ્દયી દાનવીરોનાં નામથી ઓળખાય છે – શાળાઓ, મહાવિદ્યાલયો, કળાગૃહો, પુસ્તકાલયો, નાટ્યગૃહો, હૉસ્પિટલો, રસ્તાઓ, મહામાર્ગો, વિમાન-મથકો, નગર ચૉકો વગેરે. ને ફક્ત પોતાના નામના મોહથી પ્રેરાઈને કોઈ ગગનચુંબી મકાનને પોતાનું નામ (કે અટક) આપ્યું હોય તેમ પણ બને. સ્પષ્ટ રીતે જ, સમાજની સેવા, અને લોકોના ઉપયોગ માટે ઉદારતા કરનારાં સૌથી વધારે સન્માન પામે છે. ઍસ્ટર, લૅનૅક્સ, ટિલ્ડન અટકવાળાં કુટુંબોએ ૧૯મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં લાયબ્રેરિ-ઓની સ્થાપના કરેલી. આમજનતાને વાંચવા માટેનાં પુસ્તકોનો ભંડોળ તો એમાં હતો જ, પણ અમૂલ્ય અને અપ્રાપ્ય કહેવાય એવા પ્રાચીન ગ્રંથો પણ એ ગર્ભશ્રીમંત લોકહિતૈષી વ્યક્તિઓએ ભેગા કરેલા. દોઢસો-બસો વર્ષ પહેલાં લોકોમાં આવી દૂરદર્શિતા હશે, એમ માનવું પણ મુશ્કેલ છે. એટલું જ પૂરતું ના હોય તેમ, ૧૮૯૫માં આ ત્રણે સંસ્થાઓએ સંયુક્ત થવાનું નક્કી કર્યું, ને “ધ ન્યૂયોર્ક પબ્લિક લાયબ્રેરી, ઍસ્ટર, લૅનૅક્સ અને ટિલ્ડન ફાઉન્ડેશન્સ” નામની મહાસંસ્થાની સ્થાપના કરી. સામાન્ય રીતે એ ન્યૂયોર્ક પબ્લિક લાયબ્રેરી તરીકે જ ઓળખાય છે. આ ત્રિવેણી-સંગમથી આ મહાસંસ્થાનો અપૂર્વ વિકાસ થતો રહ્યો. આજે ન્યૂયોર્ક શહેરમાં આ લાયબ્રેરીની બ્યાંશી તો શાખાઓ છે. એમાં સંશોધન માટે ચાર તો મુખ્ય અભ્યાસ-કેન્દ્ર છે, દુર્લભ અને ઉત્કૃષ્ટ પ્રાચીન ગ્રંથોનો વિપુલ સંગ્રહ છે, અને દુનિયાનું મોટામાં મોટું અને સૌથી વિસ્તૃત પુસ્તકાલય આ ગણાય છે. પુસ્કોની સંખ્યા તો લાખોમાં હશે. એમાં રહેલા સૂચિ-ખંડ વિષે જાણવું બહુ રસપ્રદ લાગશે. મુખ્ય મકાનના ત્રીજા માળે આ ખંડ છે. દરેક અભ્યાસી સૌથી પહેલાં ત્યાં જાય છે. નંવું લાખ પુસ્તકોનાં શીર્ષકોની યાદી આઠસો ભાગમાં – એટલેકે આઠસો ચોપડીઓમાં – સંચિત થયેલી છે. આ યાદી બનાવનાર અને છાપનારની બલિહારી ગણાય. ને આ પછી પણ, ૧૯૭૨ બાદ મેળવેલાં પુસ્તકોની નોંધણી તો જુદી. આ સદીમાં તો વળી બીજી કેટલીયે નોંધણી ઉમેરાઈ હશે. લાયબ્રેરીનું આ મુખ્ય મકાન શહેરના ફિફ્થ ઍવન્યૂ નામના સુંદર માર્ગ પર આવેલું છે. એ ૧૯૧૧માં પૂરું થઈ રહેલું. “બોઝાર્ટ” નામની ફ્રેન્ચ શૈલીનું, આખા દેશમાંનું સુંદરતમ ઉદાહરણ એ ગણાય છે. રોજના હજારો લોકો આ મકાનમાં પ્રવેશે છે – પુસ્તકો લેવા, આપવા, અભ્યાસ માટે, છાપાં ને સામયિક વાંચવા, તેમજ શબ્દ, સાહિત્ય અને કળા પરનાં પ્રદર્શનો જોવા. આ લાયબ્રેરીનો ખર્ચો આમ તો શહેર તરફથી મળે છે, પણ એનાથી રોજિંદી વ્યવસ્થા માટેનો ખર્ચ પૂરો નથી થતો. અનેક સંસ્થાઓ, કંપનીઓ અને વ્યક્તિઓ વાર્ષિક રીતે એને સહાય આપતી રહે છે. ફક્ત લખપતિઓ જ નહીં, પણ જનતાના ઘણા સદસ્યો પણ દર વર્ષે લાયબ્રરીને યથાશક્તિ દાન આપતા હોય છે. આ ત્રિશાખા-સમન્વયની એકસો વર્ષ થયાંની ઉજવણી ખૂબ ધામધૂમથી થયેલી. એક સાંજે પાંચસો ખાસ વ્યક્તિઓ માટે મોટું જમણ હતું. એ બધાં કહેવાય આમંત્રિતો, પણ એ માટે ખાસ્સા પૈસા દાન કરવા પડે. બીજી એક સાંજે પાંચ હજાર જેટલાં કર્મચારીઓ માટે સંગીત અને બૉલડાન્સના કાર્યક્રમની ગોઠવણ થયેલી. વળી, ત્રણે માળ પર, લાયબ્રેરીના ઇતિહાસને લગતાં પ્રદર્શનો પણ યોજાયેલાં. ત્યારે સુવિશાળ પ્રવેશ-ખંડમાં થોડાં ટેબલ-ખુરશીઓ મૂકેલાં. શેમ્પેઇનની બૉટલો અને થોડો ખારો નાસ્તો પણ ખરો. આ મકાન અંદરથી તો ખાસ જોવા જેવું છે. સંગેમરમરનાં સોપાન, સુચિત્રિત ગુંબજ, દીવાલો પર કિંમતી કળાકૃતિઓ, સ્તંભ અને કમાનોયુક્ત વિશાળ કક્શો. ત્રીજે માળે છેલ્લાં એકસો વર્ષમાં છપાયેલાં પુસ્તકોમાંથી ચુંટીને દોઠસો જેટલાં ત્યાં પ્રદર્શિત થયાં હતાં. એ કાળ દરમ્યાન થયેલી પ્રાપ્તિઓ અને પીડાનું પ્રતિબિંબ એ પાડતાં હતાં. વિષય-વસ્તુ પ્રમાણે જુદાં જુદાં જૂથોમાં એમને વિભાજિત કરવામાં આવ્યાં હતાં – આધુનિક સાહિત્ય, નિસર્ગનું રાજ, વિરોધ અને વિકાસ, વિચાર અને સંવેદન, લોકપ્રિય મનોરંજન, સ્ત્રી-સર્જકો, અર્થશાસ્ત્ર અને ઉદ્યોગવિદ્યા, કલપનાનું ઉડ્ડયન, યુદ્ધ અને ઈતિહાસ વગેરે એનેક વિષયો હતા. ઉપરાંત, એ દરેક વિભાગમાં વિશ્વની ઉત્તમ કૃતિઓનો સમાવેશ થયેલો હતો. ફક્ત અમેરિકન જ નહીં, પણ અંગ્રેજ ( ફૉસ્ટર, નાયપૉલ), ફ્રેન્ચ ( સાત્ર, રેમાર્ક), જર્મન ( વેબર, ફ્રોઇડ), દક્શિણ અમેરિકન (માર્કેઝ, બોર્હેઝ), અને બીજાં અનેક. લાખોમાંથી થયેલી પસંદગી- સારી કે ચર્ચાસ્પદ અસરો કરી હોય તેવાં પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, અપ્રાપ્ય પ્રથમ સંપાદનો. ને પછી જોવા આવનારાંને માટે પ્રશ્નો – આ પ્રદર્શન વિષે તમારો મત શું છે? તમારી પ્રક્રિયા શું છે? ને પછી કહેવામાં આવે છે, “તમારી પસંદગી અમને જણાવશો, કે જેથી એને પણ પુસ્તકાલયના સંગ્રહમાં સમાવી શકાય.” લાયબ્રેરી પ્રજા માટે છે, અને પ્રજાજનોની સક્રિય સહભાગિતા એ ઈચ્છે છે. પ્રવેશતાં જ એક ભવ્ય પ્રદર્શન-ખંડ છે. એમાં “મુક્તિની કિંમત શું?” નામનું અત્યંત આદર્શવાદી અને પ્રતીકાત્મક અનુષ્ઠાન કરેલું હતું. એનો સંબંધ હતો યુદ્ધ સાથે – વ્યક્તિગત કે સમુહગત, ધર્મવિષયક કે અન્ય દેશના સંદર્ભે. એવું યુદ્ધ કે જે દૃઢ માન્યતા, નિષ્ઠા, સિદ્ધાંત અને આદર્શ માટે લડાયું હોય, ને જેને કારણે નિંદા-અપમાન . દેશવટો, કારાવાસ .કે મૃત્યુ સુદ્ધાં – ભોગવવું પડ્યું હોય. પ્રાણ જાય, પણ મુક્તિ જતી ના કરાય. જોખમ વહોરીશું, પણ જાતને વેચીશું નહીં- કાંઈ આવો અડગ આગ્રહ, આવી નૈતિક હિંમત. એ દર્શાવતાં શબ્દો, પ્રતો, ફોટા, સુવાક્યો વગેરે ત્યાં સરસ નાટ્યાત્મક, અસરકારક રીતે પ્રદર્શિત થયેલાં હતાં. કાચમાંથી એક લાંબું વહાણ બનાવવામંા આવ્યું હતું. એનું સૂચન હતું જે બચાવે છે, જે મુક્તિ બક્શે છે તેવું યાન. કાળના પ્રવાહમાં જન-સંસ્કૃતિ વિષેનો આલેખ જે વહન કરતું રહે છે તે યાન. આજે પણ, અમેરિકામાં સામાજિક અને સાંસ્કૃતિક એવા ઝંઝાવાતો થતા રહે છે, કે જે આ મુક્તિ-યાનને ખોરવી દઈ શકે છે. “મુક્તિની કિંમત શું?”, એમ પૂછીને સમાજને વિચાર કરવા પ્રેરતા આ પ્રદર્શનને રજૂ કરીને લાયબ્રેરી જાણે વચન આપે છે, કે એ હંમેશાં વિચાર-સ્વાતંત્ર્યના પક્શમાં રહેશે. કાચના એ મુક્તિ-પ્રતીકની અંદર, અમેરિકાના ત્રીજા પ્રમુખ થૉમસ જૅફરસનના હાથે લખાયેલો, ‘સ્વાતંત્ર્યના નિયમો’ નામનો ખરડો હતો; અબ્રાહમ લિન્કનના સમયના કોમી રમખાણોના ફોટા હતા, અને સાથે જ, મહાત્મા ગાંધીએ ૧૯૩૧માં આપેલા એક ભાષણનો અંશ પણ મૂકેલો હતો. એની શરૂઆતમાં ગાંધીજીએ કહ્યું હતું, કે “હું એક શાંતિનો સૈનિક છું.” આ અને આવાં વિખ્યાત વાક્યો દીવાલો પર સતત પ્રતિબિંબિત થતાં હતાં. દરેક વાક્યનો અને આખા પ્રદર્શનનો ભાર એ બાબત પર હતો કે મુક્તિ માટેનાં યુદ્ધ આજે પણ કેટલાં આવશ્યક અને અર્થઘન હોય છે. લાયબ્રેરીની બહુ મોટી વર્ષગાંઠની ઉજવણી હતી. ફક્ત સંગીત, નૃત્ય, મદિરા અને મહેફિલ જ ત્યાં નહતાં, પણ ઊંડા વિચારને અને આદર્શની ઝંખનાને પોષણ આપે તેવું પ્રશસ્ય અનુષ્ઠાન થયું હતું. દાનવીરો જ નહીં, પણ સંવેદનશીલ બુદ્ધિજીવીઓ પણ જેને સતત સહાય કરતાં હોય તેવી આ લાયબ્રેરી સાથે આપણે સંકળાયેલાં હોઈએ તે પણ કેવું સૌભાગ્ય.