દરિયાપારથી.../મૌન વિષે શું કહેવું ?
સામાન્ય રીતે એમ કહી શકાય કે ઘણાં જણને મૌન શબ્દ પહાડ જેવો ભારે લાગતો હશે, અને રાની પશુઓ જેવો ડરામણો. મૌન હોવું એટલે ચૂપચાપ હોવું, એટલે એકલાં હોવું, એટલે બિચારાં જેવાં હોવું – આવું કશું ઘણાં જણને લાગતું હોય, તો નવાઈ નહીં. મૌન શબ્દ પર વિચાર કરતાં કરતાં થાય, કે આમ જુઓ તો એ શબ્દ કેટલો તિરસ્કૃત થતો લાગે છે. “કેમ આજે મૌન લઈને બેઠાં છો?”, અથવા “કેમ, આજે સાવ મૌન રાખ્યું છે કે શું?” જેવા કટાક્શ કરવામાં આ શબ્દ વધારે વપરાતો દેખાય. મૌન એટલે તત્પૂરતો વાણીનો અભાવ કહીએ, તો રોજિંદા જીવનમાં આવી ચુપકીદી કે શાંતતા મોટા ભાગના લોકોને ગભરાવી-ગુંગળાવી મૂકે છે. એમને અવાજ જોઈતો હોય છે, પછી ભલે એ સાંભળતા, કે એના પર ધ્યાન આપતા ના હોય. એટલેકે જેને ‘ white noise’ કહે છે તે. વ્હાઇટ નૉઇઝ – ‘કૃત્રિમ અવાજ’, ઇચ્છાપૂર્વક પશ્ચાદ્ભૂમાં હાજર રખાતો just some sound. એમ તો એ કર્ણપ્રિય રવ હોઈ શકે છે, ને મધુર ધ્વનિ પણ હોઈ શકે છે. એ સતત ચાલુ રહે છે, ને એની હાજરી લોકોને એકલાં નહીં હોવાની ધરપત આપે છે. એવો કૃત્રિમ અવાજ અર્થહીન ને ઉપરછલ્લો હોય તો વાંધો નહીં, પણ હોવો જોઇએ તે નક્કી. “સાવ શાંત હોય તો જગ્યા ભેંકાર લાગે, ભઈ”; ને “કોઈ વાત કરનારું ના હોય તો સાવ કંટાળી જવાય, હોં”- જેવા ઉદ્ગારો આપણે ક્યાં નથી સાંભળ્યા? તો ‘મૌન’ શબ્દ શું કેવળ શબ્દોની, વાણીની, અવાજની ગેરહાજરી જ સૂચવે છે? એ શબ્દમાં શું કશાની, કશા તત્ત્વની હાજરી છે જ નહીં? હું પોતે એમાં રહિતતા નહીં, પણ સભરતા જોઉં છું. મૌન શબ્દને હું વ્યાપક રીતે જોવા પ્રેરાઉં છું. મૌન એટલે સ્વ-સ્થ હોવું, એમ સમજું છું. સ્વમાં, નિજમાં સ્થિર હોવું તે, એટલેકે જાતની સમજણ તરફ જવું તે, ચિત્તના ઊંડાણને કેળવતાં જવું તે. અહીં મૌન શબ્દને ધ્યાનની પ્રક્રિયાની સાથે સાંકળી શકાય. લૌકિકમાંથી કંઈક અ-લૌકિક તરફની ગતિ, કે વ્યક્તિગતતામાંથી નીકળી જઈને વૈશ્વિકતા તરફની મતિ. ‘મૌન’ એટલે જો ‘નિઃશબ્દતા’ ગણીએ તો પણ એમાં અર્થનું ઊંડાણ પામી શકાય છે. મૌન દરમ્યાન ચૈતસિક પ્રવૃત્તિ શક્ય બને છે. એ પ્રવૃત્તિ જો, અને જ્યારે, શબ્દથી છૂટી જાય તો, અને ત્યારે, ધ્યાન સંપૂર્ણ બને છે, અને પછી ગ્નાન લાધી શકે છે. અમેરિકામાં જન્મેલા, ને પછી બ્રિટિશ નાગરિક બનેલા વિખ્યાત કવિ ટિ. એસ. એલિયટ એક કાવ્યમાં કહે છે, કે I said to my soul, be still. ને છેલ્લે લખે છે, – so the darkness shall be the light, and the stillness the dancing. પહેલાં સ્થિરતા મેળવો, ને પછી ઉત્ફુલ્લતા પામો – એવું કંઈક. એમનું કલ્પન કેટલું બધું હિન્દુ અધ્યાત્મ-વિચાર જેવું નથી લાગતું? જોકે ‘મૌનનું મંદિર’ અને ‘વિપશ્યના’ જેવા, મૌનનો મહિમા કરતા પ્રયોગો જરા પણ સહેલા, કે સહેલાઈથી થઈ શકે તેવા ના ગણાય. એ દરમ્યાન આઠ-આઠ દસ-દસ દિવસ સુધી શબ્દરહિત, વાણીરહિત થઈને ફક્ત સ્વની સાથે વસવાનું હોય છે. સાવ મૂક આધ્યાત્મિકતાનું આ ઘણું દુષ્કર કહી શકાય તેવું સ્વરૂપ લાગે છે. દેહનું અને મનનું વધારે પડતું દમન કર્યા વગર પણ મૌનને મેં ઘણા પ્રમાણમાં, અને ઘણી સહજ રીતે, અનુભવ્યું છે. હું તો કહીશ કે હું મૌનને માણતી રહી છું. મેળામાં એકલું લાગવાની વાત ગુજરાતી કવિતા કરતી હોય છે, પણ એકલાં હોઈએ ત્યારે અનહદ આનંદની પ્રતીતિની વાત મેં વારંવાર કરી છે. જેમકે, મારા એક કાવ્યની શરૂઆત છે – “મને મારગ પર દૂર સુધી ચાલવા દેજો, મને એકલાં યે આનંદે મ્હાલવા દેજો –”. ઇંગ્લૅંડના દક્શિણ-પશ્ચિમ છેડે આવેલો કૉર્નવૉલ પ્રાંત અને ત્યાંનું “ભૂમિનું છેલ્લું” ગણાતું, પૅન્ઝાન્સ ગામ મારાં અતિપ્રિય સ્થાનો છે. ત્યાં પ્રકૃતિ જાણે મૌન પાળીને રહેતી હોય છે. હોય તો ક્યારેક ઊડતાં જતાં પંખીઓનો અવાજ, કે ક્યારેક કિનારાની પાષાણી શિલાઓને અથડાતાં મોજાંનો અવાજ. ઉપરાંત, આવું જ મૌન ધરીને રહેલું, અને ધીરે ધીરે અત્યંત ગાઢ થતું જતું ધુમ્મસ ભૂમિના એ છેડે મોડી બપોરની રોજિંદી બિના છે. એક વાર એ ધુમ્મસ મારી પાછળ પડવા લાગેલું. મારે તો એ ગાઢ તેમજ મૂક અંચળો ઓઢવાની ઇચ્છાની સાથે સાથે, સુરક્શિત રહેવા વિષે ‘પ્લાન બી’નો વિચાર પણ કરવો પડેલો. હું તો જાહેર બસમાં ફરું, તેથી પાછી કઈ રીતે ફરીશ, એનો ખ્યાલ કરવાનું શરૂ કરેલું. છેવટે, ઘણી મોડી મોડી પણ બસ આવેલી, ને ત્યારે વળી એ ધુમ્મસીય આશ્લેષ-મુક્તિ બાબતે જીવ બળ્યો હતો પણ ખરો. પ્રવાસ-સ્થાનો પાસેથી મળેલાં ઊંડાં મૌન-આનંદનાં ઘણાં યે સ્મરણ છે, પણ એ સિવાયના એક અસાધારણ પ્રસંગનો ઉલ્લેખ કરું: ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયૉર્કમાં આપણા પ્રખર વિચારક કૃષ્ણમૂર્તિને સાંભળવાનો વિરલ એવો લાભ પ્રાપ્ત થયેલો. શહેરના ખૂબ મોટા કાર્નેગી હૉલના અતિવિશાળ સ્ટેજ પર હતી ફક્ત એક નાની ખુરશી. સમય થતાં, કૃષ્ણમૂર્તિ એકદમ ચૂપચાપ આવીને બિરાજ્યા. બીલકુલ હાલ્યા-ચાલ્યા વગર, એટલેકે હાથને સહેજ પણ હલાવ્યા-ફેલાવ્યા વગર, એકદમ શાંત – લગભગ ભાવવિહીન – અવાજમાં આખું વ્યાખ્યાન આપ્યું, ને પછી એ જ રીતે, ચૂપચાપ સ્ટેજની પાછળના ભાગમાં ચાલ્યા ગયા. ખીચોખીચ બેઠેલા પ્રેક્ષકોમાંથી કોઈની દેન નહતી કે તાળી પાડે. સ્વના ઊંડાણનું, ખાલીપણાની સભરતાનું, મૌનની અસાધારણતાનું હંમેશાં યાદગાર એવું આ સંસ્મરણ છે.