દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૫. વસંત ઋતુનું વર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૫. વસંત ઋતુનું વર્ણન

ઉપજાતિ વૃત્ત


રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો;
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો.

જુનાં જુનાં પત્ર ગયાં ખરીને,
શોભે તરુ પત્ર નવાં ધરીને;
જાણે નવાં વસ્ત્ર ધર્યાં ઉજાળી,
સમીપમાં લગ્નસરા નિહાળી.

આંબે જુઓ મ્હોર અપાર આવ્યો,
જાણે ખજાનો ભરી મ્હોર લાવ્યો;
જો કોકિલા ગાન રૂડું કરે છે,
વસંતના શું જશ ઉચ્ચરે છે?

બોલે મીઠું કોકિલ એક જ્યારે,
વાદે બીજા એથી મીઠું ઉચારે,
વિવાદ જાણે કવિયો કરે છે,
વખાણ લેવા સ્પરધા ધરે છે.

ચોપાનિયાં પુસ્તક જો પ્રકાશે,
ભલું જ તેથી નૃપરાજ્ય ભાસે;
તથા તરુ શોભિત પુષ્પ ભારે,
તો કેમ આંબા નહિ પુષ્પ તારે?

સુશોભિતો થા હરિને પ્રતાપે,
પ્રભુ તને ઉત્તમ પુષ્પ આપે;
સ્તુતિ કરી ભાગ્ય પ્રભુ સમીપે,
સુપુષ્પથી સુંદર દેહ દીપે.

અરે ન કીધાં ફુલ કેમ આંબે,
કર્યા વળી કંટક શા ગુલાબે;
સુલોચનાને શિર અંધ સ્વામી,
ખરે વિધાતા તુજ કૃત્ય ખામી.