દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૬. વસંતમાં વનનો દેખાવ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૬. (વસંતમાં) વનનો દેખાવ

શાર્દૂલવિક્રીડિત વૃત્ત


આંબા આમલી લીંમડા વડવડા, ઝુંડે ઝુક્યાં ઝાડ છે,
છત્રોની છબિ છાઈ હોય છતમાં, તેવા ઉંચા તાડ છે;
ગાયો વૃંદ હરે ફરે તૃણ ચરે, ગોવાળિયા ગાય છે,
જોતાં આ વનને જરૂર ઉરમાં, આનંદ સધાય છે.

ઉપજાતિ વૃત્ત

ટોચે નવાં પલ્લવ લૂમખાં છે,
દીસે વળી સુંદર ડોલતાં છે;
કહે રૂડાં ચામર તે ક્વીશ,
જાણે ફરે છે વનરાય શીશ.

કેવાં જુઓ આ ફુલ કર્ણિકાનાં,
રાતાં તથા શ્વેત દિસે મજાનાં,
પ્રીતી તણા રંગથી હોય રાતાં,
સુકીર્તિથી શ્વેત હશે જણાતાં.

નવાણમાં નિર્મળ નીર દીસે,
આકાશમાં નિર્મળતા અતીશે;
સર્વ પ્રકારે સુખકારી આમ,
માટે કહે છે ઋતુરાજ નામ.

અસંત ને સંત વસંત ટાણે,
ઉમંગ તો અંગ અભંગ આણે;
તે જેમ પાંડિત્ય કવિત્વ પામી,
ખીલે ભલા લોક તથા હરામી.

વસંતી વસ્ત્રો તન ધારી બાળા,
સજે જુઓ વેષ રૂડા રૂપાળા;
ટાણું ભલું લગ્નતણું વિચાર્યું,
જાણે સુપાનેતર અંગ ધાર્યું.