દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૨. ઉત્તમ એક ગુણ મેળવવો જોઈએ તે વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૨. ઉત્તમ એક ગુણ મેળવવો જોઈએ તે વિષે


પોપટજી બેઠા સોનાને પાંજરે,
રાજા રાણી જોઈ જોઈ રાજી થાય જો;
ચાકર રોજ કરે પોપટની ચાકરી,
જુઓજી પોપટ ક્યાંઈ ન રળવા જાય જો.
એક જ ઉત્તમ ગુણ આપ્યો છે ઈશ્વરે,
મુખથી ઉચરે મધુરાં વચન અમૂલ્ય જો;
જગત વિષે જો જોઈએ પક્ષી જાતમાં,
તપાસતાં મળે કોઈક તેની તુલ્ય જો.
એક જ ગુણ પણ આ જગમાં એવો ભલો,
વિશેષ સૌથી વિશ્વ વિષે વખણાય જો;
જશ જામે તેનો સઘળા સંસારમાં,
ચતુર જનો સૌ તેને ચિત્તમાં ચહાય જો.
માણસમાં તે આભૂષણાં શોભે ભલાં,
માણસમાં તે તેથી પામ્યાં માન જો;
આંબો પણ રસ આપે એક પ્રકારનો,
તે ગુણથી તે ગણાય છે ગુણવાન જો.
સુગંધનો ગુણ સરસ ગુલાબ વિષે વસે,
ભક્ષ કર્યાથી ભાગે નહિ જન ભૂખ જો;
અફીણ તો આવે ઓસડ ઉપયોગમાં,
દેહતણું તે દૂર કરે છે દુઃખ જો.
સોમલ પણ સંહારે રોગ શરીરનો,
તદબિરથી તેનો કરતાં ઉપયોગ જો;
ઘોડું તો ઘણી મજલ કરે દિન એકમાં,
જણાય ઉત્તમ જનને વાહન જોગ જો.
હેમ તણી વીંટી શોભાવે હાથને,
શોભાવે નહીં એવું સોનું શેર જો;
લેખણ તો લખવું હોય તે આપે લખી,
પામી તે એક જ ગુણ ઉત્તમ પેર જો.
મેળવવો એક ઉત્તમ ગુણ તો માણસે,
જેથી જગમાં પ્રગટે કિર્તિ પ્રકાશ જો;
નહિ તો જીવતર વ્યર્થ જગતમાં જાણવું,
એકે ઉત્તમ થાય નહિ અભ્યાસ જો.
જુઓ વળી હલકામાં હલકી ચીજમાં,
તુંબડાનો તો કોણ ગણે છે તોલ જો;
પણ ઉત્તમ તારવાનો છે તેહનો,
ગરજ પડે જન બોલે ગુણ ગણિ બોલ જો.
અકેક ગુણ આપ્યો છે સૌને ઈશ્વરે,
ઠરી ઠરીને નિરખો ઠામોઠામ જો;
ઈશ્વર તું ઉત્તમ ગુણ અમને આપજે,
દિલથી એવું ઇચ્છે દલપતરામ જો.