દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૫. એરંડીની ગરબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૫. એરંડીની ગરબી


ઓ એરંડી, ઉત્તમ સંગે તે ઉત્તમ ગુણ નવ ધર્યા;
રહી શેલડીમાં, શેલડી સરખા, ગુણ સંપાદન નવ કર્યા, ટેક
જે વાડીમાં શેલડી વાવી, તુજને પણ તે સ્થળે રોપાવી,
તોપણ તું ઉપજી કેમ આવી? ઓ એરંડી
તું ઉછરી શેલડીની સંગે, પણ રંગાણી જૂદે રંગે,
ઉપન્યો૧ નહિ મીઠો રસ અંગે; ઓ એરંડી.
તમે એક કુવે પાણી પીધું, બેનું રક્ષણ સરખું કીધું,
નથી વિશેષ તેને કાંઈ દીધું, ઓ એરંડી.
તને અવલોકીને આજ ઘડી, એક કહેવત મારે ચિત્ત ચડી,
તારી જાત વિના નવ ભાત પડી; ઓ એરંડી.
સૌ જગત વદે છે જે વાણી, તે જરૂર મેં સાચી જાણી,
ઠરી તું દાસી તે ઠકરાણી; ઓ એરંડી.
તું ને તે તારી બહેનપણી, જુદી જુદી ઓલાદ તણી,
માટે જણાય જુદી રીત ઘણી; ઓ એરંડી.
શેલડી સૌને લાગે સારી, એને મળવા ઇચ્છે નરનારી,
તેની આગળ શી કિર્તિ તારી? ઓ એરંડી.
શેલડીના સંતાનો સારાં, લોકોને બહુ લાગે પ્યારાં,
જો ખોળ દિવેલ દીસે તારાં, ઓ એરંડી.
થઈ શેલડીના સરખી મોટી, પણ તે તારી મોટાઈ ખોટી,
જો છે તુજમાં કીમત છોટી; ઓ એરંડી.
સજેયુક્તિ તને સમજાવવાની, ખૂબ ચીજો આપે ખાવાની,
પણ તું તેવી નથી થાવાની; ઓ એરંડી.
શિખામણ તુજને શી દઈએ? જીભે કહી કહી થાકી જઈએ,
નહિ હિતની વાત ધરે હૈયે; ઓ એરંડી.
તારે શેલડી સરખો સંગ થયો, પણ કુળનો ગુણ તારો ન ગયો,
તારો તેનો તે જ સ્વભાવ રહ્યો; ઓ એરંડી.
ગાઈ ગરબી એરંડી નામે, પણ અર્થ જુદો છે પરિણામે,
દીધી શિખામણ દલપતરામે; ઓ એરંડી.