દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૭. ધીરે ધીરે સુધારાનો સાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૭. ધીરે ધીરે સુધારાનો સાર


સજ્જન સંભળાવજોરે, ધીરે ધીરે સુધારાનો સાર;
સજ્જન સ્નેહ સહિત સંભળાવજો.                   ટેક.

છોટી અકલવાળા આગળે, મુખ ન વદીએ મોટી વાત;
પાશેર કેરા પાત્રમાં કેમ શેર સમાશે સાત.                   સજ્જન

લાખો કેડીપર લાડવો, આખો મેલિયે તો મરી જાય;
ભૂકો કરી ભભરાવીયે, તો તે ખાસી રીતે ખાય.                   સજ્જન

માંકડ લઈને માનવી, બેઠો નાવમાં દઈને નૂર;
ભડકાવે તો તે અભાગિયાં, પડે કૂદી પાણીને પુર.                   સજ્જન

જે સમજે જેવી રીતથી, તેને પણ સમજાવીએ તેમ;
બેરો તો સમજે સાનમાં, ત્યારે કરીએ લવારો કેમ.                   સજ્જન

બાળક આગળ બોલિયે, ત્યારે બનિયે બાળક રૂપ;
ભૂ બાઉ તાતા ભાખિયે, ભલે હોઈએ ભણેલા ભુપ.                   સજ્જન

પલક ટકે નહિ પેટમાં, જા ખાય બિલાડી ખીર;
પામુંઆં શિદ ખવરાવિએ, તે વિચારોને મારા વીર.                   સજ્જન

જંગલ કેરાં જાનવરો, આપે પાળવા કરિએ જો આશ;
એવું આદરિએ કે આપણી પાસે વસે કરી વિશ્વાસ.                   સજ્જન

ધીરે ધીરે નિત્ય ધીરવી, એને અકલ શિખવીએ અનેક;
હળીમળી હેત વધારિએ, પણ છૂટા ન પડિએ છેક.                   સજ્જન

નિશાળિયાને ગમે નહીં, આપે શિક્ષક જો એવું જ્ઞાન;
નાશીને જાય નિશાળિયા, મળે શિક્ષકને કેવું માન.                   સજ્જન

છણછણતે તેલે છાંટિએ, લઈને નિર્મલ ઠંડું જો નીર;
સળગી ઉઠે એ સામટું વળી, સામાનું બાળે શરીર.                   સજ્જન

સજ્જનને મન શુદ્ધ છે, પણ વિશ્વ વિરુદ્ધ વિચાર;
બહુજનમાં નહિ બોલીએ, જેથી ઉપજે ઉપાધી અપાર.                   સજ્જન

સંસારીજનને સુધારશો, રૂડી રાખી એવી જો પ્રીત;
દલપતરામના દેવની તમે પામશો પુરી પ્રીત.                   સજ્જન