દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૮. બાપાની પીંપર વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૮. બાપાની પીંપર વિષે

કુંડળિયો છંદ


વિચરીને વઢવાણથી, લીધો લીંબડી પંથ;
વિતક વરણવતાં વધે, ગ્રીષ્મ વરણન ગ્રંથ;
ગ્રીષમ વર્ણન ગ્રંથ, પંથમાં ન મળ્યું પાણી;
તપ્યો પ્રલય સમ તાપ, રહી શિર રામ કહાણી;
દાખે દલપતરામ, રામનું રટણ કરીને;
અતિશય કર્યા ઉચાટ, વાટ મધ્યે વિચરીને.
લગભગ આવી લીંબડી, દોઢ ગાઉ પર દૂર;
ત્યાં તો ધોમ ધખ્યો ઘણો, ન રહ્યું તનમાં નૂર;
ન રહ્યું તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યું,
દાખે દલપતરામ, ભલી જોતાં મન ભાવી;
પીંપર બાપાતણી, લીંબડી લગભગ આવી.

બાપાની પીંપર બડી, પૃથવી પર પ્રખ્યાત;
પ્રસિદ્ધ જેવો પ્રાગવડ, વિશ્વ વખાણે વાત;
વિશ્વ વખાણે વાત, પીંપળો પ્રભાસ પાસે;
કદંબ જમુના કૂલ કલ્પતરુઓ કૈલાસે;
દાખે દલપતરામ, ઉપમા એ આપ્યાની;
ભલે થઈ ભૂમાંહિ, બડી પીંપર બાપાની.
ત્યાં બેશીને ત્રણ ઘડી, કવિએ કર્યો વિરામ;
અતિ સુખ ઉપજ્યું એ થકી, આશીષ દીધી આમ;
આશિષ દીધી આમ, નામ તુજ નવ જુગ રહેજો;
તુજને વાવી તેહ, લાખ સુખ સ્વર્ગે લેજો;
દાખે દલપતરામ, પરમ પદમાં પેશીને;
લેજો ઉત્તમ લ્હાણ, બહુ જુગ ત્યાં બેશીને.
આંબા કરતાં અતિ ભલું, દીસે તારું ડોળ,
શેલડી શા હિસાબમાં, આપે સાકર ગોળ;

આપે સાકર ગોળ, તાપ તનનો ન મટાડે;
સુરતરુ સ્વર્ગે વસે, ન દેખે નર કોઈ દહાડે;
દાખે દલપતરામ, સરવ તરુના ગુણ સ્મરતાં;
તુજમાં અમૃત તત્ત્વ, અધિક તું આંબા કરતાં.

દોહરો

જાન્હ્‌વી તીરે જળતણું, દેવું સુલભ દાન;
દેજો નિર્જળ દેશમાં, કહું જળ કીમતવાન.

કુંડળિયો

પ્યારી પીંપર પદમણી, શાંતિ દાન દેનારી;
ભૂપતિ વિક્રમ ભોજસમ, તું અતિશે ઉપકારી;
તું અતિશે ઉપકારી, તારી કીર્તિ શું કહીએ;
જે ઉચરું તે અલ્પ, એમ અંતર ધરી રહીએ;
દાખે દલપતરામ, કોટીધા તું ગુણકારી,
રાખીશ તારું નામ, પૃથ્વિ પર પીંપર પ્યારી.

આપે ગામ ગરાસ કે, દ્રવ્ય વસ્ત્ર કે દાન;
એમાંનું એકે નહીં, શાંતિ દાન સમાન;
શાંતિ દાન સમાન, જગતમાં કશું ન જાણું;
તે માટે હું તને, વિશેષે કરી વખાણું;
દાખે દલપતરામ, કષ્ટ કાયાનાં કાપે;
દુનિયા મધ્યે દાન, કહો એવું કો આપે.

જ્યાં સુધી આ જગતમાં, મુજ કવિતા કહેવાય;
બાપાની પીંપર તણા, ગુણ જગમાંહિ ગવાય;
ગુણ જગમાંહિ ગવાય, પામજો બહુ પ્રખ્યાતિ;
કીર્તિ દેશ વિદેશ, મુલકમાં તાજો માતી;
દાખે દલપતરામ, અરે સુખના અંબુધી;
જીવે તું જગમાંહિ, જીવે કવિતા જ્યાં સુધી.

ઓગણિસેં ઉપર થયે, વિક્રમ વર્ષે એક;
વદિ દશમી વૈશાખની, વાસર શનિ વશેક;
વાસર શનિ વશેક, પીંપરે તાપ ઉતાર્યો;
નિશ્ચળ રહેવા નામ, આમ આ વિષય ઉચાયો;
દાખે દલપતરામ, ભલે જનમી આ ભૂપર;
વિક્રમ વર્ષ ગણાય, એક ઓગણિસેં ઉપર.

સવૈયો

કદળી તરુ તુચ્છ ગણી કહીએ,
કદિ આંચ હરે ન ઉતાપાની,
તરુ ફૂલતાણાં વિરહી જનને,
બહુ વૃદ્ધિ કરેજ બળાપાની,
ધિક જન્મ ધરી જશ જો ન જપાય
છપાય ન અંદર છાપાની;
નિરભાગણી નાગરવેલ અને,
બડભાગણિ પીંપળ બાપાની.