દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૦. ‘વેનચરિત’માંથી એક અંશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૦. ‘વેનચરિત’માંથી એક અંશ


મારૂં જોબન જાય ભરપૂર, સંકટ હું તે શી રીતે સાંખું;
રોઈ નેણનું ખોયું મેં નૂર, સંકટ હું તે શી રીતે સાંખું;
દહાડો મોતનો તો હજી દૂર, સંકટ હું તે શી રીતે સાંખું. ટેક.

દહાડા જાવા દોહલા, કેમ કરી કાઢું માસ;
પલક કલપ સમથઈ પડે, મને વસ્તીમાં ન ગમે વાસ.

કારતક માસ કોડામણો, અંનકુટ ઉચ્છવ થાય;
સ્વામી મુજને સાંભરે, મારૂં અંતર અતિ અકળાય.

માગસરે લોક લગન કરે, તોરણ બાંધે દ્વાર;
ઢોલ ઉપર ડંકા પડે, મારે કાળજે તે વાગે માર.

પોષ મહિનાની ટાઢડી, અતિ રાતે અંધકાર;
તમરાં બોલે તે સમે, મને ઉપજે અનેક વિચાર.

માઘે બેસી માંહરે, નિરખ્યો નહિ મેં નાથ;
ચતુર કંથને ચોરીમાં, મેં તો હસીને ન આપ્યો હાથ.

ફાગણ માસે કંથને, રસિલી છાંટે રંગ;
હશીને બોલે હેતથી, મારૂં એ જોઈ સળગે અંગ.

ચૈતર ચંપો ફૂલિયો, ફુલ્યાં ગુલાબી ફૂલ;
સંઘરીને ફૂલ શું કરૂં, મારા શરીરમાં ઉપજે શૂળ.

વૈશાખે વન વેડીયાં, આંખે સાખ જણાય;
કોયલડી ટહુકા કરે, મારું ભીતર ભેદાઈ જાય.

જેઠે જમીન તપે ઘણી, તપે વિજોગણ તન;
એક તાપ ઉપરતણો, બીજે તાપે તપે મુજ મન.

અષાઢે ઘન ચડી આવિયો મધુરા બોલે મોર;
કુદકા મારે કાળજું, મારૂં જાગે જોબન જોર.

શ્રાવણ માંહિ સુહાગણી, પિયુશું રમે ચોપાટ;
કોટે વળગી કંથને, હેતે હીંચે હીંચોળા ખાટ.

ભાદરવો ગાજે ભલો, દિલ દાઝે તે ઠામ;
દશદિશ બોલે દેડકા, એ તો દાઝ્‌્યા પર જ્યમ ડામ.

નદીયે હું ન્હાવા ગઈ, છાયા લીલા છોડ;
ચકવા ચકવી ત્યાં દીઠાં, સારા ભાગ્યનાં દીસે સજોડ,

અરે નદી ઉતાવળી, પિયુને મળવા જાય;
ઉછરંગેથી ઉછળે, એને હઈડે હરખ ન માય.

આસો માસે નોરતાં, ગોરી ગરબા ગાય;
લેરખડી લટકાં કરી, સ્વામી સામું તે જોતી જાય.

દીવાળીના દહાડલા, સરસ ગણે સઉ કોય;
શણગારાઈને સાંચરે, મારે હોળી હૈયામાં હોય.