દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૯. ‘ફોર્બ્સવિરહ’માંથી એક અંશ
ધનાક્ષરી છંદ
પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો,
પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ;
ધામ ધાઈ ભેટવાને આવતો હું તારે ધામ,
ધીમે રહી સામો ઊઠી આવતો તું ધાઈ ધાઈ;
ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે,
ગુજારું છું દિવસ હું હવે દુઃખ ગાઈ ગાઈ;
ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી,
ભલો મીત્રતાનો ભાવ ભજાવ્યો તેં ભાઈ ભાઈ.
જે જે જગા તારી જોડે જોતાં જીવ રાજી થતો,
તે તે જગા આજ અતિશે ઉદાશી આપે છે;
કાગળો કિન્લાક તારા દેખી દુઃખ દૂર થતું,
એજ કાગળો આ કાળે કાળજાને કાપે છે.
જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી તે,
વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;
દૈવની ઉલટી ગતિ દીઠી દલપત કહે,
જેથી સુખ શાંતિ થતી તે સઉ સંતાપે છે.
જો તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે
જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,
તું વસંત રૂપ હું કોકિલ ગુણ ગાઉં છું;
જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,
તું – સૂરજ વિના હું કમળ કરમાઉં છું;
કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી,
એથી ઓ કિન્લાક મિત્ર મનમાં મુંઝાઉં છું.