દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૬. ઈશ્વર છે તે વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૬. ઈશ્વર છે તે વિષે

મનહર છંદ


પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,
ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;
નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,
દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;
દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,
ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;
તેમ કરતાર તણાં કામ દલપતરામ,
દેખી કરતાર છે એવું કહી શકાય છે.

છપ્પો

એક તરખલું આજ, હાથમાં લીધું હરખી,
જગકર્ત્તાની જુક્તિ, નજરથી તેમાં નીરખી;
નસો નળી નવરંગ, ગાંઠ તેમાં ગંઠાઈ,
સરખું વચે સળંગ, સરસ તેમાં સાફાઈ;
નરથી એવું નવ બની શકે, કરે ક્રોડ કારીગરી,
અદ્‌ભુત એમાં દલપત કહે, હિકમત તે હરિએ કરી.