દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ

દોહરો


બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્યનું, કરે શૂદ્રનું કામ;
બહુરૂપી બહુ નામિને, પ્રેમે કરું પ્રણામ.

મનહર છંદ

સમસ્યામાં સૌને ઉપદેશ જે હંમેશ દે છે,
ધર્મને અધર્મ તણો મર્મ જેથી ધરું છું;
ઉજ્જવળ આકાશગંગા જેવી છે જનોઈ જેની,
એનાજ આશીર્વાદ થકી હું ઉગરું છું;
પુસ્તક અનેક તણાં પડ ફેરવતો રહે,
અક્ષર એમાંથી વાંચી વાંચી હું ઉચરું છું;
હજારો છે જેને ઘેર કુંડ અગ્નિહોત્ર તણા,
એવા એક બ્રાહ્મણનું ભજન હું કરું છું.

વેદ વિદ્યા આદિમાં વિચક્ષણ સુલક્ષણ છે,
રક્ષણ કરે છે સદાચારનું સુરીતથી;
કરે ખટકર્મ મનમાં જાણે છે બધા મર્મ,
પાળે છે પોતાનો ધર્મ પરિપૂર્ણ પ્રીતથી;
કરે છે ત્રિકાળ સંધ્યા તર્પણ કરે છે તથા,
અર્પણ કરે છે ભૂત બલિ ચાહિ ચિત્તથી;
કહે દલપતરામ એવા વિપ્રને પ્રણામ,
કર જોડી કરું વળી ગાઉં ગુણ ગીતથી.

ક્ષત્રિય રૂપ

જેના તાબામાં અનેક જીલ્લાઓ જણાય જોતાં
તે જીલ્લામાં રાજધાની નગરો ને ગામ છે;
પવન વરુણ મેઘ પાવક જેવા પ્રતાપી,
સારા સરદારો જેના તાબામાં તમામ છે;
ફરે જેનો હુકમ તે કોઈ ફેરવી ન શકે,
ઠરેલાં જણાયે તેનાં થાણાં ઠામોઠામ છે;
કરજોડી કરગરી કહે દલપતરામ,
પરાક્રમી એવા રાજાને મારા પ્રણામ છે.

વાણિયારૂપ

શિયાળે ઉનાળે માલ સંઘરે વકરો કરી,
ચોમાસે વિશેષ વસ્તુનું વેચાણ કરે છે;
માગતો નથી તે મૂલ આપે છે ઉધારે માલ,
વેપાર અપાર કરી વિશેષ વાવરે છે;
દેશોદેશમાં છે દોશી ગાંધીની દુકાનો જેની,
વિવિધ વસાણાની વખારો ઘણી ભરે છે;
પ્રેમથી કરી પ્રણામ દ્વિજ દલપતરામ,
એવા એક વાણિયાનું દિલે ધ્યાન ધરે છે.

કણબી રૂપ

સર્વથી પ્રથમ જેણે સૃષ્ટિમાં અનાજ વાવ્યાં,
જેના ખેતરનું અન્ન જુક્તિથી હું જમું છું;
ઉપજાવે શેલડી ને સ્વાદિષ્ઠ સાકર ખાંડ,
ભોજન કરીને હું સદૈવ સુખે ભમું છું;
કરે છે કપાસ પેદા કાપડ બને છે જેનાં,
સારો સજી શણગાર રંગભર રમું છું;
કરે છે ખેતીનું કામ કહે દલપતરામ,
એવા એક કણબીને નિત્ય નિત્ય નમું છું.

માળી રૂપ

સૃષ્ટિ રૂપી બાગને બનાવ્યો જેણે બહુ સારો,
વિધવિધ વૃક્ષ વેલ વાવી હદ વાળી છે;
કેવા કેવા મેવા ઉપજાવ્યા છે અમૃત જેવા,
રંગ રંગ ફૂલ તણી રચના રૂપાળી છે;
પાણીના પ્રવાહ તો ચલાવ્યા છે અથાહ વાહ,
આળસ તજીને સદા વાડીને સંભાળી છે;
કહે દલપતરામ કીધું છે સરસ કામ,
એ તો મારો ઇષ્ટદેવ એક વનમાળી છે.

કુંભાર

કહો કે કુંભાર લોકો તમે તે શા કસબી છો,
કસબી અમારા દેશમાં રૂડો કુંભાર છે;
નાનાં મોટાં રાંધવાના કામનાં તે ઠામ ઘડે,
ચડે એક કણથી અનંતને સુમાર છે;
ચુલે મૂકવું ન પડે ફૂંકે ફુંકાવું ન પડે,
તાપ ને ધમણ તો તે ઠામમાં તૈયાર છે;
એ થકી અનેક કામ સરે દલપતરામ,
એવા એના ઠામમાં કોટી ચમતકાર છે.

દોહરો

ઘાટ ઘડી માટી તણા, કરે સજીવન સાર;
એ તો ઈશ્વર આપણો, કહું ભલો કુંભાર.

હજામ રૂપ


મનહર છંદ

મશાલ ધરીને સર્વ આગળ ઉજેસ કરે,
તદબીર કરીને અંધારું ઘોર ટાળે છે;
કોણ જાણે કેવી રીતે તેમાં તે પુરે છે તેલ,
બુઝાઈ ન જાય તેમ મશાલ તે બાળે છે;
કોઈ સમે અનુભવ આરશી દેખાડે વળી,
કોઈ સમે ન્હવરાવા નીરને ઉકાળે છે;
કહે દલપતરામ એવો એક છે હજામ,
તે સદૈવ સૌને ઘણા સ્નેહથી સંભાળે છે.

બાજીગર રૂપ

અદર્શ રહીને કરે એકલો અપૂર્વ ખેલ,
જોનારા જનોની જુઓ નજર ચુકાવે છે;
ધૂળમાંથી ધાતુ કરે પાણીમાંથી પ્રાણી કરે,
દેખાડી દેખાડી આપ કળાથી ઉડાવે છે;
વિવિધ પ્રકાર વસ્તુ નવીનવી ઉપજાવે,
કોણ જાણે ક્યાં સંતાડે છે ને ક્યાંથી લાવે છે;
એવા બડા બાજીગર પદે દલપતરામ,
નમ્રતાથી નિત્ય નિત્ય મસ્તક નમાવે છે.