દલપત પઢિયારની કવિતા/ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો,
જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો!

મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું,
શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું,
નભનું ક્યાં કોઈ નિશાન નક્કી?
ઓરું કે આઘેરું નોંધો...

શિખર પછી પણ ક્યાં છે છેડો?
ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો
વસ્તુને છે ક્યાં કોઈ વાંધો?
મનનો મૂળ બગડેલો બાંધો....

ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે?
ગગન સદાયે જ્યાંનું ત્યાં છે!
બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો?
આસન અંદર વાળો, સાધો...

બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા,
પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા,
શ્વાસ કનેરી તૂટ્યા કોટને
શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી