દલપત પઢિયારની કવિતા/હું બાહર ભીતર જોતી!
Jump to navigation
Jump to search
હું બાહર ભીતર જોતી!
ચીઢા વચ્ચે ચોક ખૂલ્યા ને ચઉદિશ વરસ્યાં મોતી
હું બાહર ભીતર જોતી!
મેં પ્રગટાવ્યો દીપ, દીપમાં હું જ ઝળોહળ જ્યોતિ,
હું જ ચડી મંદિર આરતી હું જ મગન થઈ મો’તી
કોની મૂરતિ ક્યાં પધરાવું, ઘર લિયો કોઈ ગોતી,
હું બાહર ભીતર જોતી!
જળ મધ્યે હું ઝીલતી ઝીલણ હું જ ખળળ ખળ વહેતી,
હું મોજું, હું મત્સ્ય, છીપ હું, હું જ છલોછલ મોતી,
કુંભ ભરી આ કોણ નીકળ્યું? અરથ લિયો કોઈ ઓતી
હું બાહર ભીતર જોતી!
હું માટી, હું મણકો, મંડપ, ગગન રમણ રળિયાતી,
શાખા પર્ણ પવન, ઊમટી હું, હું જ શમી મૂળમાંથી,
કોણ જગાડે ક્યાં જઈ કોને? – જ્યોત જુદી જ્યાં નો’તી
હું બાહર ભીતર જોતી!
હું મારી નગરીમાં પેઠી, હાશ કરીને બેઠી.
ના આવું, ના નીસરું અહીંથી, કબૂ ન ઊતરું હેઠી,
કયે ખૂણેથી ખબર મોકલું? – હું જ મને જ્યાં ખોતી
હું બાહર ભીતર જોતી!