દલપત પઢિયારની કવિતા/મેડીનો મઘમઘ મોગરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મેડીનો મઘમઘ મોગરો

અવળાસવળી ઓકળીઓના આરા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા,
                   મેડીનો મઘમઘ મોગરો રે!

રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યો,
                   મેડીનો મઘમઘ મોગરો રે!