દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/આ જીવનને મારી સાથે કેટલું છે વેર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મોતના દહાડા (ETAD : 214)

આ જીવનને મારી સાથે કેટલું છે વેર
મને સપનાંમાં રોજ રોવરાવે

સંધિવાને હેત કંઈ જનમોનાં
એક એક હાડકાને હરખે પંપાળે મને વળગી છે જ્યારથી સાઠી
હાલવા ન દે મને
કે ઝાલવા ન દે જરીક કોળિયો
કે હાથમાં કાઠી

વાર વાર બગડેલાં લૂગડાં
ને પરસેવે ગંધાતાં અંગ કોણ ધોવરાવે
મને સપનાંયે રોજ રોવરાવે

એવું તે કોરું વીત્યું આયખું
કે છેકવાને નામ નહીં આંકડા કે લીટા
રોજ રોજ માંગવાની ભીખ વહી વીંટાળી
મોકલવા મોતને ખલીતા
આંખોને અજવાળાંઅંધારાં એક સમાં

તોય તે ઉઘાડમીંચ ધડકારા નસકોરે શ્વાસ
આગલપટોની જેમ દોહરાવે
મને પડઘાપડછાયા રોવરાવે
સપનાંઉજાગરાની જેમ
આખી આવરદા ઠાલવીને...