દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ઘર તું આટલું આઘું કેમ છો?
Jump to navigation
Jump to search
ઘર
૧. ઘર તું આટલું આઘે કેમ છે?
૧. ઘર તું આટલું આઘે કેમ છે?
ઘર તું આટલું આઘે કેમ છે?
કેમ અઘરું છે તારી પાસે આવવાનું?
ભૂખ્યો થાક્યો તરસ્યો દમિયલ મેલો ઘામટ સોડાતો
ગોઠણ સોજેલો એડીમાં કાંકરો ખૂંપેલો હાથમાં ઝોળી ન ઝાલી શકતો
હું ખાડાળા રસ્તા પર ભાંગેલી પાટલી પર બાવળની હેઠળના ઘાસ પર
ફસડાઈ પડું છું ત્યારે તને જરાય દયા નથી આવતી
તારે પાણિયારે માટલું છે
તારા શીકામાં રોટલો છે
તારી ખોલીમાં ખાટલો છે
તારે ઓટલે બેસણિયું છે
તારે ટોડલે ઝીણું જોતો ચકલો છે
તને હું ક્યાંય નથી દેખાતો?