દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/બધાં કહે છે તું તો વણનોતર્યો આવે
મોતના દહાડા ( SAMEEPE : 13)
1
બધાં કહે છે કે તું તો વણનોતર્યો આવે
વાવાઝોડા જેવો વસંત જેવોવનમાં લાગ્યા દવની જેવો
કોકે તને ઝાકળ જેવો જોયો છે
અને કોકે અતળ દરિયા જેવો
સૂરજ ઊપટે ત્યારે સાંજના તારા જેવો અફર
પાંદડું ઊમળે ત્યારથી પીળાશ જેવો પાક્કો
ખાલી ઝોળીનેય ભાગતે ઘોડે આંચકી લેતા લુટારા જેવો
સાબદા ચોકીદારોએ જાળવેલી તાળાબંધ હવેલીને તોડતા ધાડપાડુ જેવો
કરોળિયાની જેમ કળાકારી વાટ જોતો
કળ પડે એની મોર બાજ જેવો ઝપટતો
જીતનારની છાતીએ હરખમુંઝારે દમ છોડીને
હારેલાને માથે કાંટાળો તાજ ઠોકી ખીલા ઝાલીને
બત્રીસ કોઠે સુવાંગને અધવચ અછડતો મેલી
પાંગળાને ખોળે લેતો
નિત નવીન વેશનાટકિયો
આવ મારે નેસડે
સુકાયલા મરચા જેવોકચરાયેલા લીંબુ જેવો
ડૂચો વળેલી ચબરખી જેવોસળેકડા ઝાડુ જેવો
છાપરા વિનાની ભીંત જેવો
ભીંત વિનાની ઈંટ જેવો
ભૂકો કાટ ધૂળ
ઊડતા કસ્તર જેવો
અરીસામાં ઓળખાઉં તો શું દેખાઉં પણ નહીં એવો
હું
કોઈ ખપનો નથી
મારા ખાલીપાને ખાંપણ ઓઢાડવા નહીં આવે ?
નોતરાની કંકોતરી લખવાને શાહી શેની ઘૂંટી છે
એ તને ક્યાં અજાણ છે ?