દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/મરવા ટાણે જીભે ફૂલ ખીલ્યાં હશે

મોતના દહાડા ( SAMEEPE : 13)

મરવા ટાણે જીભે ફૂલ ખીલ્યાં હશે

મરવા ટાણે જીભે ફૂલ ખીલ્યાં હશે
પરસેવા તારાકણી જેમ ચળકતા હશે
કીકીમાં ઓગળેલાં આકાશ
પલકારે પલકારે ફેલાતાં હશે

માટી દરિયા રણ જંગલ પહાડ ખાણ
પોતાનું રહેઠાણ છોડી
મારું ઘર બાંધવા આવી વસ્યાં હશે.

ત્યારે શોધતું શોધતું કોઈ આવી ચડે
અને પહેલો શબ્દ બોલતાં પહેલાં
એની જીભ ઝલાઈ જાય
પછી બાઘાની જેમ આંગળી કરીને ચીંધે
ત્યારે એની સામે હું હોઈશ
અને આંગળીથી નામ દોરતો હાથ
મારે ખભે
મૂગા મૃત્યુનો હશે