દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનની રમતો


ભગવાનની રમતો

ભગવાન ભેળું રમવું હોય તો રમો
પણ જાણી લેજો
કે ભગવાન અંચઈ કરે છે
પછી પડતું મેલીને રાવ કરવા નહીં જતા
અને ફરિયાદ કરશો તો કોને?
આજ લગી ભગવાનને લગરીક પણ બેન્ચ પર બેસાડી દેનારો
પેદા નથી થયો

ડ્રેસિંગરૂમમાં કે બાલબાબરીરૂમમાં કે ગ્રીનરૂમમાં કે વેઈટિંગરૂમમાં
એક્સ્ટ્રાની જેમ બેઠેલા ભગવાનને કોઈએ જોયા છે?

રમત રમવી, ડ્રામા કરવો, જંગ ખેલવો
ભગવાનને માટે એક હી બાત હે
પણ સુપરસ્ટાર હીરો બનીને

રમત માટે મેદાન, ઘાસકાપ, બાઉન્ડ્રી માર્ક, ગોલપોસ્ટ, વીઆઈપી બેઠક, પાવલી સ્ટેન્ડ, લાઈટ, સ્કોરબોર્ડ, ટીમ, તાળી, નચણીઓ, જાહેરાત, કોમેન્ટ્રીખાતું, પોતાની લસરક સહી કરી રાખેલી ગેડીઓ આવું બધું ઝીણવટથી ભગવાન પોતે જ પ્લાન કરે. તમારી ટીમના ભેરુઓ ભેળા તમે ઈસ્ટાઈલમાં દડો ઉલાળતા જાવ અને સીધા જ ભગવાન હુતૂતૂતૂ કરતા આવે અને તમને અને તમારા ગ્રૂપને ટપલી મારીને સામી વિંગમાં વયા જાય. વી ફોર વિકટરી. પછી તાળીઓના ગડગડાટ સીટીબાજી અને શંખ ભેરી ચંગ મૃદંગનાદની હરીફાઈ. ગેમ બિગિન હુઆ ઓર ફર્સ્ટ સ્ટ્રાઈકમેં જો જીતા વો હી ભગવાન. નાટકગીરી કરની હૈ ક્યા? ડ્રેસરિહર્સલકે બિના આયેગા ક્યા? આમ કહીને ભગવાન તાણી જાય મંચ ઉપર. પછી-

નાટકઘર ભગવાનનું પોતાનું મુખ્ય કલાકાર પોતે
નાટ્યલેખક પોતે ગીતકાર પોતે
દિગ્દર્શક પોતે સંગીતકાર પોતે
નિર્માતા પોતે મેકઅપ પોતે
વેશભૂષા પોતે સર્વસહાયક પોતે
મંચસજ્જા પોતે પ્રોમ્પ્ટર પોતે
પ્રકાશયોજના પોતે (Let there be light)

હવે મંચ ઉપર સજધજ થઈ ભગવાન સબડાક ચડી જાય. સફાળો પડદો ઊઠે. તાળીઓ પડે અને તમે વિન્ગમાં ઊભા રહીને ગડગડાટ સાંભળો. ભગવાન એક્ટિંગ સાથ ડાયલોગ બોલવા માંડે અને તમને ઈશારો કરી વિન્ગમાં જ ખડા રહેવાને કહે. વચ્ચે વચ્ચે જોનારાં આહ કહે વાહ કહે ઓહ કહે ઊંહ કહે હસી પડે રડે ઉધરસ કરે ગળું ખંખારે પગના જોડા ઉતારે વળી પહેરે એકબીજાને ચૂપ રહેવા કહે બાજુવાળા સાથે ઘુસપૂસ કરે પરસેવા લુંછે ખિસામાં હાથ નાંખી બટવામાંથી કે કેરીબેગમાંથી પાવલી ફૂલ ફળ કાઢી મનગમતો ડાયલોગ કે સોન્ગ ચાલુ થાય—પતે એટલે સ્ટેજ પર ઉછાળે. ભગવાન સિક્કા ગજવામાં નાંખે ફૂલ બાલમાં કાનની પછવાડે કે બટનના ગાજમાં પરોવે ફળ પાકેલું હોય તો ખાતાં ખાતાં બોલતા ગાતા જાય. તમારે બોલવાના સંવાદ પણ પોતે જ બોલ્યે જાય. તમને વિન્ગમાં જ રાખે. છેવટે પડદો પડે પછી તાળીઓ અને તાળીઓ સૌ કોઈ ઊભા થઈને બે બે હાથે તાળીઓ વળી પાછો પડદો ઊંચકાય ભગવાન તમને વિન્ગમાંથી તાણીને પોતાની સાથે ઊભા રાખે માથે હાથ ફેરવે ખભે ખભા મેળવે તમને આંગળીથી ચીંધી દેખાડે કમર ફરતો હાથ વીંટાળી અદાથી એકાદ ફૂલ તમને આપે અને તાળીઓ તાળીઓ તાળીઓ. તમારે માટે ફરી ત્રણ ચાર વાર પડદો પડે ઊપડે અને દીવા આછરે ત્યારે મંચ પરથી ઊતરે. તમને વાત કરવાનું પૂછવાનું ફરિયાદ કરવાનું મન ઘણું હોય પણ ઓડીયન્સ્માંથી અનેક ઇમ્પોર્ટન્ટ તેમ જ વયોવૃદ્ધ વ્યક્તિઓ તેમને મળવા આતુરતાથી ટોળે વળે. વાહવાવાહવા તમને આઘે ને આઘે હડસેલે જાય અને ઘેરાતી રાતે તમે હાથમાં ફૂલ ભેરવી ખાલી હૈયે ઘરે પાછા આવો. લૂસફૂસ ખાઈ પી સૂવા જાવ ત્યારે ભગવાનનો ફોન આવે ‘કવીરાજ, આજના અનેરા અવસર માટે અને તમારા બેજોડ રોલ માટે એકાદી કવિતા લખી કે નહીં?’

રોજ કહે, ‘લખો, લખો.’
છાના રહો તો પૂછે, ‘કટ્ટી કરવી છે કે બટ્ટી?’
ફરીથી ‘લખો, લખો. મારી વાત નહીં માનો તો નાહકની દુશ્મની. ફિર
જાન લેના યારોં, અરે દીવાનો, મુઝે પહેચાનો
મૈં હૂં મૈં હૂં મૈં હૂં
અરિભંજન ભગવાન
રિપુમર્દન ભગવાન
શત્રુદહન ભગવાન
વૈરીહનન ભગવાન.’

આમ રાગડા તાણીને ખેલ-નાટક-લડાઈ કરતા ભગવાનની સાથે કે સામે તમે ડ્રો પણ કરી શકશો? અને ભગવાન તમને પોતાની ટીમમાં ક્યારે લેશે તેની શું ખાતરી? એટલે ખાડો ખોદી કે કાઠની બેન્ચ પર લંબાવી કે દરિયો ગોતી તમતમારે જે કરવું હોય તે કરો. એવે ટાણે ભગવાન તમને પૂછશે પણ નહીં ને અંચીખોર છે તો બથમાં પણ બાંધી લેશે.

***