ધરતીનું ધાવણ/10.હાલરડાં અને બાલગીતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


10.હાલરડાં અને બાલગીતો

[જ્ઞાન પ્રસારક સભા (મુંબઈ)માં આપેલું વ્યાખ્યાન : 1929] જગતભરના લોકસાહિત્યનો મહાસાગર : એમાં ગુજરાતનું લોકસાહિત્ય : એની પણ એક જ તળાવડી સ્વરૂપ લોકગીતનો વિભાગ : એના જૂજવા વિભાગો જોતાં જશું તેમ તેમ આપણામાં સમગ્રતાની દૃષ્ટિ ઊઘડશે. જીવનનું સાચું ધ્યેય સમગ્રને જોતા શીખવું, ફક્ત ખંડોને કે ખૂણાખાંચરાને નહિ. ચિંતનનો ઇતિહાસ અંગ્રેજી ભણનારાઓ ‘ફોકલોર’ શબ્દથી સુપરિચિત છે. એ શબ્દ પણ જર્મન volksepos, volksfest અથવા volksleidનો પડઘો : યુરોપી સાહિત્યમાં પ્રથમ પહેલાં જર્મનીમાં આ સાહિત્યનું સંશોધન મંડાયું, તેને આજે બે સૈકા વીત્યા : એણે જનતાની સ્મૃતિ પર તરતી કંઠસ્થ કથાઓ ને કાવ્યગાથાઓ, કહેવતો ને ઉખાણાંઓ, વહેમની વાતો ને પૂજા-માનતાઓ વગેરે તપાસીને એક શાસ્ત્ર (‘સાયન્સ’) ઘડી કાઢ્યું. એમાંથી ઇતિહાસ પર, સમાજ-વિકાસ પર, રાજનીતિ પર ને ધર્મજીવન પર પ્રકાશ પથરાયો. અન્યોન્ય અનેક જાતિઓની સંસ્કૃતિ વચ્ચે એકતાના દોરા દેખાયા. જર્મન ગામડામાં રેંટિયા ફેરવતી ડોસીઓની મુખવાણીમાંથી આર્ય જાતિઓનું સંગમ-બિન્દુ જડ્યું. કેમ કે લોકસાહિત્યનો એક ઉત્કૃષ્ટ ગુણ છે : સ્વાભાવિક સચ્ચાઈ : સારું વા માઠું જે બન્યું, ઉદ્ભવ્યું અથવા વિચારાયું હોય, તે બધું વાચામાં ઊતરીને ઉત્તરોત્તર નવી ઓલાદોમાં વહેતું જ આવે. એ રીતે, ‘એન્સાઈક્લોપીડીઆ બ્રિટાનિકા’માં લેખક કહે છે તે પ્રમાણે “ગઈ કાલ સુધી આ ગામઠી પ્રાચીનતાનું લોકસંઘર્યું આ ધન શોધવું ને ખોદવું બાલિશ ગણાતું તે આજે ઇતિહાસનું મૂલ્યવંતું અંગ લેખાવા લાગ્યું : કોઈ મહાન નગરીના ખંડિયરમાં એક અટૂલી પડેલી ઈંટ જેવું.” ફરી વાર એ જ વિશ્વગ્રંથ ભાખે છે : “પ્રત્યેક પ્રજાને તેમ જ સ્થળને પોતાની ભાષા છે તેમ પોતાનું લોકસાહિત્ય પણ છે. અને એ લોકવિદ્યાને એના સર્વે થરો સહિત સુવ્યવસ્થિત રીતે ગોઠવી કાઢવી એ તે તે પ્રજાની માનસિક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિનો ભૂત તેમજ વર્તમાન ઇતિહાસ સંપૂર્ણપણે પ્રકટ કરવા બરોબર છે; ને દુનિયાની લોકવિદ્યાનું સવિસ્તર વૃત્તાંત કરવું એ માનવ-જાતિના ચિંતનનો ઇતિહાસ આપવા બરોબર છે.” લોકસાહિત્યનાં તમામ અંગોમાંથી ‘લોકગીતો’ આવી શોધને વધુ સહાય આપે છે, કેમ કે એનું સ્વરૂપ મોટા ફેરફારો અનુભવતું નથી, ‘ઈન્ટેક્ટ’ (અણિશુદ્ધ) રહે છે. એના પર બેશક ભાષાના થર ચડે છે : જેવા કે — જણ મારગ કેસરી વુહો, રજ લગ્ગી તિરણાંહ વે ખડ ઊભાં સુખસી, નવ ચાખે હરણાંહ. એ રાજસ્થાની દોહો : એના પર કાળાન્તરે સોરઠી ભાષાનો નવો પુટ ચડ્યો : જે મારગ કેસરી ગયો, રજ લાગી તરણાં, તે ખડ ઊભાં સૂકશે, નહિ ચાખે હરણાં. એટલે એમાંથી ઊલટું ભાષાવિકાસનો ઇતિહાસ પણ ઉકેલાય છે. ‘લોકગીત’ વિભાગની મહત્તા વિશે જર્મન વિદ્વાન પ્રો. ડ્રેમસ્ટેટરનું આ સુયોગ્ય કથન છે : “એ અણલખ્યાં લોકગીતો, વાચનપ્રેમી સમુદાયે તિરસ્કારેલાં તેમજ વિસારેલાં છતાં, છેક જુદા પ્રકારનાં છે. એ અશિક્ષિત કવિઓનું સર્જન છે, છતાં એ તેઓના મનોભાવો વ્યક્ત કરે છે. એ કવિતામાં પ્રાણ છે — લોકોનો પ્રાણ છે, એ સરલ છે ને નિસર્ગનું સત્ય પ્રતિબિમ્બ છે, કેમ કે એ પોતાના વિચારોને કશા નૈતિક પૂર્વગ્રહ વિના કે સાહિત્યની ઢબના અનુચિન્તન વિના રજૂ કરે છે.” મારો મનોરથ તો આ અભ્યાસમાં એક, એક ને એક જ છે કે લોકસાહિત્યમાંથી વર્તમાન યુગસાહિત્યને માટે કયાં બળો ખેંચી શકાય. હું લોકસાહિત્યને કંજૂસના ધન પેઠે કેવળ ગણી ગણીને સંઘરી રાખવા લાયક નથી માનતો. હું તો એને શાશ્વત જીવનનું રસાયણ લેખું છું. પારણું : ઝોળી આજનો વિષય હાલરડાં ને બાલગીતો (‘ક્રેડલ-સોંગ્સ ઍન્ડ નર્સરી ર્હાઈમ્સ’) : એટલે કે લોકગીતોના પ્રથમાંકુરો : નાના કૂણા, નવા ફૂટેલા કાવ્યકોંટા : જેમાં સાહિત્યનું મહાવૃક્ષ સંતાઈને રહ્યું છે : જ્યાંથી જીવનનું કાવ્યઝરણ પ્રથમ પહેલું ફૂટીને વહેવા લાગે છે. રેંટિયો કાંતતી કે બાળ-હીંચોળતી માતાના અને શેરીની ધૂળમાં રમતાં બાળકોના એ મુખસ્વરોમાં સંગીત, નૃત્ય અને કવિતા ત્રણેયનો સંગમ થાય છે. પારણું દીઠું હશે. એની રચનામાં લોક-કલાના દર્શન કર્યાં હશે. એ લોકહૈયે કલ્પાઈને ગવાયું : સાવ રે સોનાનું મારું પારણિયું

ને ઘૂઘરીના ઘમકાર. બાળા પોઢો ને.

ચાર પાયે ચાર પૂતળિયું

ને મોરવાયે બે મોર. — બાળા.

આવાં પારણાંમાં કે ઘોડિયાંમાં માતા બાળકને પોઢાડવા મથતી. ત્યારે જગતભરની માતાને એ હાલરડાંની જરૂર પડી. પારસી માતાએ પણ એ વર્ણવ્યું એની કાલી મીઠી વાણીમાં —

ઝોરીએ લલીતાં નેત

રે મરું તમે આયાં રૂરાં પેટ!

ઝોરીએ ગુંગરા વાગે

રે મરું વાલાં તમને જે પેરાઉં તે છાજે!

ઝોરીએ હીરની દોરી

રે મરું પોહરાને ઊઠો મારા નાધલા રૂરા ધોરી!

ઝોરાએ પાલણાં જરિયાં

રે મરું સોવણ ખડકીમેં મા ઉગમનાં માંરિયાં. શા માટે માતા આવાં કલ્પના-રત્નો પોતાને રંક પારણે મઢે છે! 1. ‘The need for some simple rhythm is instinctive in the tiniest babe’ : “નાનામાં નાના બચ્ચામાં પણ કોઈ સરલ તાલસૂરની આવશ્યકતા સ્વાભાવિક છે : એ તાલબદ્ધ સંગીત એને ઊંઘાડી આપે છે” એવું અંગ્રેજ સંગ્રહકાર કુમારીનું કથન છે. (‘ક્રેડલ-સૉગ્સ ઍન્ડ નર્સરી ર્હાઈમ્સ’, સંપાદક : ગ્રેસ ર્હાઈસ.) 2. બીજી અગોચર અસરો એ કૂણા ગીતના ભાવની — શબ્દાર્થની — પણ હોવાનું કહેવાય છે. દંતકથાઓ ચાલે છે : એક ફ્રેન્ચ ઇતિહાસકાર એક કથા ટાંકે છે : એક વિદ્વાનને માનવ-ભાષાનો પ્રથમોચ્ચાર શો હશે તે બાળકની પ્રથમ વાણી પરથી શોધવા મન થયું. એણે બે નબાપાં બાળકોને જન્મતાંવેંત જ લઈને જ્યાં મનુષ્યનો સ્વર ન પેસે તેવી એકાન્તમાં એક બકરીને સોંપ્યાં. ઇતિહાસકાર કહે છે કે કમભાગ્યે બાળકો મરી ગયાં : કેમ કે એને ત્યાં કોઈ ગાણું ગાઈને સુવાડનાર નહોતું. માતાનું હાલરડું બાળકને એટલું બધું જરૂરી છે. અને ભાવની અસર જુઓ : પુરાણો કહે છે કે રાજા ઋતુધ્વજની રાણી મદાલસાએ એક પછી એક સાત પુત્રોને પારણે હીંચોળતા વૈરાગ્ય ગાયો : ત્વમસિ તાત શુદ્ધ બુદ્ધ નિરંજન

ભાવમાયાવર્જિતજ્ઞાતા

એવું એવું ઘણું ગાયું : એની વૈરાગ્યમય અસરને પરિણામે સાતેય પુત્રો મોટી વયે રાજપાટ છોડી ચાલ્યા ગયા. આઠમાના હીંચોળણ વેળાએ ઋતુધ્વજ દોડ્યો, રાણીના હાથમાંથી દોરી ઝૂંટવી લીધી. આ દંતકથાઓ હશે; પણ એનો ધ્વનિ સત્ય છે. એથીયે વહેલેરી પ્રસવની પણ પૂર્વે થતી અસરો : અભિમન્યુ, શિવાજી વગેરેની લોકમાન્યતાઓ પ્રચલિત છે. એથી જ ગર્ભમાં સરજાતા શિશુ પર સુંદર વાતાવરણ છાંટવા માટે આપણા લોકસાહિત્યમાં સીમન્ત-ગીતોની ગોઠવણ કરી કહેવાય છે : કિયા બાઈને બેટડો દ્યો, મોરી મા! અંબાજી આઈ મા! કિનખાબનાં ઘોડિયાં બંધાવો, મોરી મા! અંબાજી આઈ મા! અને પેલું જાણીતું સીમન્ત-ગીત — લીંપ્યું ગૂંપ્યું મારું આંગણું પગલીનો પાડનાર દ્યો ને, રન્નાદે! વાંઝિયાં, મેણાં, માતા દોયલાં! વગેરે અભિનવ ઊર્મિઓની પરંપરા ગવાતી હતી. હાલરડાનું સંગીત તથા ઘડતર ફ્રેન્ચ હાલરડાં વિશે ઉપલા પુસ્તકમાં કહ્યું છે કે They begin with the two-line nenna, sung on two notes in a monotonous chant. Their charm lies in the monotonous cadence of the mother’s chant.” નાની નાની બબ્બે પંક્તિઓ : એકસૂરીલા ઢાળે ગાવાનું : એની ખૂબી માતાના સૂરના એકધારા આરોહ-અવરોહમાં જ રહી છે. અને એવાં ઉત્તમોત્તમ યુરોપી હાલરડાં કયાં લેખાયાં છે? ઉપલા પુસ્તકમાં : “ઉત્કૃષ્ટ કૃતિ તો ખેડૂત માતાઓ ગાય છે તે જ : બબ્બે ત્રણ-ત્રણ શબ્દોની અક્કેક પંક્તિ અને એમાં પણ કેવળ બે જ સૂર : એક જાતનો જાણે ભ્રમર-ગુંજારવ : ઝૂલતા પારણાના રવ સાથે જેનો બરાબર મેળ જામે અને જેની અસર પણ બાળકના જ્ઞાનતંતુ પર એવી જ શીતળ બને.” એ જ લક્ષણ આપણા ગુર્જર હાલરડાનું : એવી જ ટૂંકી પંક્તિ, એવી જ સ્વરની એકતાનતા ને એવો જ પોઢણ-પ્રભાવ : જુઓ : નીંદરડી તું આવે જો! આવે જો! અથવા સૂઈ જા, વીર, સૂઈ જા! બાલુડા વીર, સૂઈ જા! કોડીલા કુંવર, સૂઈ જા! વીર, સૂઈ જા! એથી પણ અધિક એકસૂરીલાપણું — ભાઈ મારો છે ડાયો પાટલે બેસીને નાયો; પાટલો ગ્યો ખસી ભાઈ મારો ઊઠ્યો હસી! હાં......હાં હાલાં! [‘રઢિયાળી રાત’] અને પછી એ ગીત લંબાય — લંબાતું જ જાય. એમાંથી નાની-શી વાર્તા ગોઠવાતી થાય : બરોબર યુરોપી હાલરડાની જ તાસીર : These songs gradually became longer and more lively, even developing a simple plot, but always adapting themselves to the amazing intelligence of a little child. એ જ માર્ગે મારવાડી હાલરડાં વહે છે : એક સૂરે ને એક ધારે : હાલાં હાલાં કરતાં’તાં સંતોકરા મામા રમતા’તા. રમતે ખેલતે બાજરી વાઈ બાજરીરા ખેતમેં ઢેલડી વીંયાઈ. વગેરે વગેરે. એ જ ઢબે મહારાષ્ટ્રી હાલરડાં : લક્ષુમીબાઈ આલી તાંબ્યાની દૂધ પ્યાલી. ધરાલા માનવલી વાસુદેવ બાળાચ્યા. વગેરે પંક્તિઓમાં લંબાતા ને અધિકાધિક રંગે ચડતાં જાય : એકસૂરીલાં, ટૂંકા ને શિશુની સમજમાં ઊતરે તેવાં. એની ખૂબી શબ્દ-રચનામાં જ છે. એનાં ભાષાન્તરો થઈ જ ન શકે. ગ્રેસ ર્હાઈસ કહે છે : They do not bear translating. Their charm lies in the words themselves, often half-meaningless and the monotonous cadence of mother’s chant. એ ‘ચૅન્ટ’ કયો? હાં....હાલાં! ઓળોળોળો....હાં હાલાં! અથવા અંગ્રેજી : By by lulla lullaby. Lullaby oh lullaby. મોટે ભાગે જોશો તો કોમળ વ્યંજનો આવતા હશે. ‘લ’કાર વારે વારે મળશે. અને ‘ઓળોળોળોળો — ’ એ મધુર અવાજ માંહેલો ‘ળ’ ક્યાંથી આવ્યો? સંસ્કૃતમાં તો નથી. બાળકને પોઢાડનારી માતાના મુખમાંથી તો નહિ નીપજ્યો હોય? નહિ, છેક વેદકાળનો એ સૂર છે. ‘ળ’ પરબારો વેદ-સાહિત્યમાંથી ચાલ્યો આવે છે. ને વેદની વાણી તે લોકસાહિત્યની વાણી હતી. માતાનું ભાવોચ્ચારણ પરંતુ કોમલ સૂરો થકી બાળકને પોઢાડી દેવા ઉપરાંત બીજું એક પ્રયોજન પણ હતું, અને એ વિચાર આપણને હાલરડાના બીજા પ્રકાર પર આણે છે. માતાને તો બાળક પ્રતિનો પોતાનો પ્રેમ ઠાલવવાનું એ સાધન હતું. તેને પોતાની આશા, આકાંક્ષા અને જીવન-વેદના પણ વ્યક્ત કરવી હતી. બાળક વિષેનો મહિમા ગાવો હતો. તેથી જ આ પ્રકારનાં હાલરડાંમાં પંક્તિઓ લાંબી, શબ્દ-રચના સંસ્કારી અને સૂર-જમાવટ અધિક રસમય બની : જેવાં કે — તમે મારાં દેવનાં દીધેલ છો તમે મારાં માગી લીધેલ છો આવ્યાં ત્યારે અમર થઈને રો’! [‘રઢિયાળી રાત’] એ ગીત, અથવા બહેનને પોતાના નાના ભાઈ પ્રતિ ઉમળકા ઠાલવવાનું નૃત્ય-ગીત : એક નાનું સરીખડું બાળ રે મા!

આવ્યું છે આપણે આંગણિયે.

એને નમ્યેથી પ્રાછત જાય રે મા!

આવ્યું છે આપણે આંગણિયે.

એ રીતે ડૉ. જીવણજી મોદીના શબ્દો સાક્ષી આપે છે કે “અશિક્ષિત કે શિક્ષિત તમામ જાતિનાં હાલરડાં તે વાત્સલ્યની લાગણીના સાદામાં સાદી વાણી વાટે નીકળેલા સાદાં ઉદ્ગારો છે.” એથી પણ અધિક : હાલરડાં વાટે તો સ્ત્રીનું સ્વામી પરનું વહાલ બોલે છે, દાંપત્યનાં સુખદુ :ખ દર્શાવાય છે. અંગ્રેજી હાલરડામાં વિધવા, પકિત્યક્તા અને વિયોગિની માતાઓના મનોભાવ વેરાયા છે — He calls me, he cries Who is father to thee : O birdeen his eyes In these blue eyes I see. [એ મને બોલાવે છે — તારો પિતા બોલાવે છે. ઓ પંખીડા! તારી નીલ આંખોમાં હું એની આંખો ઝલકતી જોઉં છું.] અથવા — But come to mother, babe! and play, For father false is fled away. [પરંતુ મા પાસે આવ, બેટા! ને રમ્યા કર. કેમ કે દગલબાજ બાપુ તો નાસી ગયા છે.] બાલ-ગીતો (‘નર્સરી ર્હાઈમ્સ’) અંગ્રેજી નામ ઘણું સૂચક છે : બાળકને ‘નર્સ’ કરવાની — ઉછેરવાની રચનાઓ, અથવા કહો કે કવિતા-ફૂલોની જ ‘નર્સરી’ (ફૂલ-વાટિકા) કે જ્યાં કાવ્યના નાજુક છોડ ઉઝેરાય છે. છેક નાના અપંગ શિશુને ચલાવવાની જુક્તિથી લઈ એની કિશોરાવસ્થાનાં રાસો ને રમતો સુધીની કરામતો આ સમૂહમાં પથરાયેલી દીસે છે. એમાં સંગીત ઓછું છે. તાલ, નૃૃત્ય અને રમતનું તત્ત્વ પ્રધાન છે : ગવાતાં બહુ નથી, છતાં લહેકાથી ભરેલા છે. એના પ્રકારો ઘણા ઘણા : 1. ચલાવવા-કૂદાવવાના. 2. બેઠાં બેઠાં રમવાના. 3. કૂદતાં કૂદતાં રમવાના. 4. છોકરાઓને હુ તુ તુ, ધમાલગોટો વગેરે રમતો રમવાના. 5. ઋતુઓના. 6. પક્ષીઓના. 7. ઉખાણાંના. 8. વાર્તાઓના. 9. વ્રતોના. 10. નવરાતના ગરબાના. 11. રાસડાના. એક પછી એક લઈએ : 1. બાળકના બે હાથ ઝાલીને એને શબ્દના તાલ સાથે ડગલાં ભરાવે : પા! પા! પગલી મામાની ડગલી ને એ તાલ સાથે સ્વત : બાળક કદમ મિલાવતું જાય. પંક્તિઓ વારંવાર બોલાય, જાણે શબ્દની ચાલણ-ગાડી બની જાય. અથવા જુઓ આ વધુ અર્થમય જોડકણું : ડગ મગ! ડગ મગ! ડગલાં ભરતા

હરજી મંદિર આવ્યા.

પગમાં ડાક, જશોદા માએ

ગોકુળમાંય ચલાવ્યા.

થેઈ થેઈ ચરણ ભરોને કાન

આપું મુક્તાફળ ને પાન!

એમાં જરા ત્વરિત ગતિનો તાલ છે. આખું ગીત કલ્પનામય છે. એ વતી બાળકની ચાલ બંધાતી. એનો ઉત્સવ થતો. ફળ ને પાન વહેંચાતાં. 2. કુદાવવાનાં તરલ ગીતો : ધુંબડી સૈયરમાં રમે ધુંબડી કાજળની કોર ધુંબડી આંબાની છાંય ધુંબડી સૈયરમાં રમે! સૂર પલટાઈને વધુ તરલ બને છે : ગા દોવાને ગોંણીઓ ઉપર તાંબડી ધુંબડ જાઈને કાજે ધુંબડી સૈયરમાં રમે! પછી તો સીધી કૂદાકૂદ : બારણે રમે બાપને ગમે — ધુંબડી. મેડીએ રમે માને ગમે — ધુંબડી. શેરીએ રમે સૌને ગમે — ધુંબડી. 3. બેઠાં બેઠાં રમવાનાં : શિયાળાની ટાઢ હોય, તડકામાં બાળકો બેઠાં હોય : જમીન પર પાંચેય આંગળીએ હાથ રાખે. પછી એક બાળક બીજા સૌના હાથ પર આંગળી મારતો તાલબદ્ધ જોડકણું બોલે : અડકો દડકો દહીં દડાકો એતર મેતર ચમરો ઢાળ્યો ઊર મૂર ધતૂરાનું ફૂલ સાકર શેરડી છોકરાં! ખાઈ જાવ ખજૂર. બોલીને ખોટો ખોટો ખજૂર ખાય. અથવા એક હાથની કોણી બીજા હાથમાં ખૂંદતા ખૂંદતા — ચણ ચણ બગલી! ચણાની દાળ હું પોપૈયો, તું મગદાળ. એવાં જોડકણાં કોણી સાથે તાલબદ્ધ કરીને ચલાવે. અર્થ નથી સમજાતો. શબ્દોમાં કોણ જાણે કેવા ફેરફાર થઈ ગયા હશે. પણ તાલ અનામત છે. 4. જાતજાતની કૂદાકૂદ ગોઠવીને સામસામા પક્ષો પાડી તાલબદ્ધ ગાવાનાં : છોકરાંવ રે! હો રે! વોરો આવ્યો શું શું લાવ્યો? ડાબલી લાવ્યો ડુબલી લાવ્યો પાન સોપારી પાનનાં બીડાં ભગરી ભેંસ ભૂરિયો પાડો આમ દોઈશ તેમ દોઈશ વગેરે. અથવા તો સામસામી બે કન્યાઓ ઉભડક બેસીને ડોલનભેર કૂદતી કૂદતી બોલે આવ રે નાર! — નહિ આવું. તારે પોઠિયે જાર! — નહિ આવું. તારી ભેંસ વિયાણી! — નહિ આવું. તારી પાડી જોવા! — નહિ આવું. તને બળી ચખાડું! — નહિ આવું. 5. હુ તુ તુ વગરેની રમતો રમવામાં શ્વાસને વિરામ મળે, શ્વાસ ઘૂંટી શકાય, દેહ એક કમાનની માફક અથાક ઊછળતો રહે તેવી નૃત્યોર્મિ જગાવતી શબ્દ-તરકીબો : વાવડીનું પૈયું કે રામ રામ કૈયું કે વાવડીનું પૈયું કે રામ રામ કૈયું કે......... અથવા લીંબડે ચડું કે લપટી પડું કે લીંબડે ચડું કે....... સામા પક્ષના પટમાં જઈને એકશ્વાસે જ્યાં સુધી ભેરુ આ બોલ બોલ્યા કરે ત્યાં સુધી પ્રતિપક્ષીઓ એને પકડી શકે નહિ! એવાં કોડીબંધ શબ્દ-ઝૂમખાં હજુ ગઈ કાલે જ સંતાઈ ગયાં. કોઈ કોઈ તો રમૂજ પણ કરાવે, ધમાલગોટો ધુધડુ ધુ પાછું વાળી જોવે એના ડેબામાં દઉં! એ ધમાલગોટાની રમતનું વિધિસૂચક જોડકણું હતું. ગોળકૂંડાળે બેઠેલા ખેલાડીઓની પીઠ પાછળ એક માણસ કપડાંનો ગૂંથેલ ‘ધમાલગોટો’ લઈને ફરતો, પાછળ કોઈથી જોવાય નહિ, જોનારને એ ગોટા વડે મારે. સર્વત્ર આ હતાં. યુરોપ પણ એને યાદ કરે છે : Such gamerthymes have almost a pathetic interest as fast disappearing survivals from days more jocund and careless than these days; when not only children but men and maids, knights and ladies joined hands and danced their karoles on the green spring grass. (Grace Rhys.) 6. ઋતુ-સત્કારનાં જોડકણાં બાળકોની કલ્પનાશક્તિને જાણે કે કુદરતની સાથે સંધાડી દેવાનાં કાવ્ય-સાધનો હતાં. શેરીનું છોકરું એની રીતે ઋતુ-સન્માન કરતું :

આવ રે વરસાદ
ઘેવરિયો પરસાદ

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક

મેઘ મેઘ રાજા!

દિવાળીના બાજરા તાજા. એ સ્વાગતનાં : કોઈ વળી આજીજીનાં — વરસ રે વાદળી! વીરના ખેતરમાં (તો) બંટીનું ઢેબરું બેનનાં પેટમાં કોઈ વળી ઠપકાની અધખીલી કાવ્ય-કલ્પના : આ શી તમારી ટેવ? રે હો મેઘરાજા! પેલી વીજળી રિસાઈ જાય છે પેલી બાજરી સૂકાઈ જાય છે પેલી જારોનાં મૂલ જાય છે હો મેઘરાજા! — આ શી ત્યાં કલ્પનાનો ચમકાર થયો. ‘વીજળીનું રિસાવું’ એમાં સરસ સજીવારોપણ થયું — દાંપત્યનું. 7. પક્ષીઓનાં જઓડકણાં : જુદા જુદા પક્ષીઓ જુદા જુદા તાલમાં બોલે છે. એ તાલબદ્ધ અવાજનું શબ્દાનુકરણ શોધીને અક્કેક વાર્તા જોડી દીધી. બાળકને પક્ષી-સ્વરનું અનુકરણ મળ્યું, અર્થવાળાં શબ્દ-જોડકણાં મળ્યાં, પક્ષીની દુનિયામાં ‘રોમૅન્ટિક’ રસ ઉત્પન્ન થયો : દૃષ્ટાંત : હોલો બોલે ઘુ ઘુ ઘુ! ઘુ ઘુ ઘુ! એ તાલબદ્ધ અવાજનું ઘુઘી ફઈ! ઘોઘે ગઈ! ઘુઘી ફઈ! ઘોઘે ગઈ! અથવા તેતરની વાણી : કિલકિલ્કિલા! કિલકિલ્કિલા! કિલકિલ્કિલા! એને કાવ્યમાં ઉતારવા માટે — ઊઠ બેન! ઊઠ બેન! તલ તેતલા! તલ તેતલા! તલ તેતલા! એટલે કે ‘તલ કેટલા?’ વાળી વાર્તા રચાઈ : એક ગરીબ ખેડૂત હતો. ખાવા માટે તલ લાવ્યો. નાની બહેને તલ ચોખ્ખા કર્યા. પણ ભાઈ ઘેર આવ્યો ત્યારે તલ ઘટેલા જોયા : ભોજાઈએ જૂઠું ભરાવ્યું કે બહેન તલ ખાઈ ગઈ. ભાઈએ બહેનને મારી. બહેન તો મરી ગઈ. પછી ભાઈને સાચી વાતની જાણ થઈ. ભાઈ પસ્તાયો. બહેનના શબ પાસે બેસીને ભાઈ જગાડવા મથે છે : ‘ઊઠ બેન! તલ તેતલા! તલ તેતલા! તલ તેતલા!’ બહેન તો ક્યાંથી જાગે! ભાઈએ પણ આપઘાત કર્યો. મરીને ભાઈ તેતર અવતર્યો. હવે જંપ્યા વિના પોકાર જ કરતો ફરે છે. જાણે સદાકાળ બહેનને જગાડે છે! આવી જ કથાઓ ટીટોડીની, લેલાંની, હોલાંની. અને એ પ્રત્યેકની સાથે અનુકારી સ્વર-રચનાવાળું જોડકણું. 8. ઉખાણાંનાં જોડકણાં : રાતે બાળકો ટોળે મળી દાદીમાની ગોદમાં બેસે. પછી સામસામાં ઉખાણાં નાખે : એક પક્ષ આહ્વાન કરે : ‘લંકાની દોણી લાવી આપો જોઉં!’ બીજો પક્ષ ઉત્તર આપે : રાતાં બગલાં રણે ચડ્યાં, પાણી દેખી પાછાં વળ્યાં, એક બગલાની ભાંગી કોણી લાવ્યા રે લંકાની દોણી! એ જોડકણામાં પણ કોઈક વાર સુરેખ પ્રકૃતિ-દર્શન આવે : પ્રશ્ન : દરિયો ધુણાવી આપો તો! ઉત્તર : —

બટકુંક રોટલો થીનું ઘી,
દરિયો ધૂણે રાતને દી.

રાતદિવસ દરિયાનું ધૂણવું — એ દરિયાનું આબાદ ચિત્ર છે. એવાં તો સેંકડો ઉખાણાં ઊખળતાં ને અધરાત વીતતી. બાળકો એ પ્રાસાનુપ્રાસ અને તાલ-સ્વરની ગૂંથણીમાંથી કવિતાના પ્રથમ પાઠ શીખી લેતાં. 9. વાર્તાઓનાં જોડકણાં : જૂની બાલવાર્તાઓમાં છલોછલ ભરેલાં. કેટલીક તો આખી વાર્તાઓ જ આ પ્રમાણે સ્વર-મેળમાં : કહાણી કહું કૈયા સાંભળ મારા છૈયા છૈયે માંડ્યું હાટ હાટમાંથી નીકળ્યો ભાટ વગેરે. બીજી વાર્તામાં મુખ્ય ઘટનાઓ અથવા સંવાદો પદ્યમાં જ આવે : ઠાગા ઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાવ કાબરબાઈ! કાલ વે’લો આવું છું. એવાં ઘણાં રમૂજી ને કેટલાંક કરુણ : જેમ કે સોનબાઈ અને કૂતરાની વાતમાં — કોણ હલાવે લીંબડી! કોણ હલાવે પીપળી! ભાઈની મારેલ બેનડી! ભોજાઈની રંગેલ ચૂંદડી! [‘ડોશીમાની વાતો’] બાલવાર્તાઓને સ્મરણસુલભ બનાવનાર, એના સ્થંભ સમાં આ જોડકણાંએ આજ શિક્ષણમાં ચોક્કસ સ્થાન લઈ લીધું છે. 10. વ્રતોનાં જોડકણાં : નાની બહેનોને વર્ષભરમાં રહેવાના અર્ધધાર્મિક, અર્ધ સામાજિક, એવાં લોકવ્રતો હતાં. તેનાંયે સ્તોત્રો સમ રણઝણતાં જોડકણાં હતાં : સાદામાં સાદું — ચાંદા ચોળી! હબૂક પોળી! બીજ માવડી! ચૂલે તાવડી! અથવા પોષી પૂનમનું : ચાંદા! તારી ચાનકી મારું ચૂરમું ભાઈ જમ્યો બહેન ભૂખી. અથવા પોષણહાર પશુના વ્રત : ગાય રે ગાય! તું મોરી માય! નત નત ડુંગરે ચરવા જાય આ બધાંમાં સતત રમે છે ધાર્મિક ભાવ, પ્રકૃતિપૂજન, પશુપ્રીતિ, વૃક્ષપ્રીતિ વગેરે. એ આંહીં છે તેમ બંગાળમાં પણ છે. લાગે છે કે બીજે સર્વત્ર હશે. (એ નિબંધ આગળ આવશે.) 11. નવરાતના બાલ-ગરબા : આંહીં આપણે 8થી 10-11 વર્ષનાં બાળકો માટે યોજેલાં ગીતો પર આવી પહોંચીએ છીએ. એક બાજુ નાનાં બચ્ચાંની રમતનાં જોડકણાં અને બીજી બાજુ મોટાંને રમવાના રાસડા : તેની વચ્ચે આ બાલ-ગરબાનું સ્થાન છે. એમાં કૌટુમ્બિક ભાવની કોર દેખાય છે. અખંડ કવિતાનું સ્વરૂપ બંધાતું લાગે છે. માથા પર માટીના ‘ગર્ભદીપ’ મૂકી નવરાત્રની સંધ્યાએ ઘરેઘર ઘૂમીને દીકરીઓ ગાય છે : ગરબડિયા કોરાવો, ગરબે જાળીડા મેલાવો જો! હું ને પનોતા મારે નાના ભાઈ છે વીરા જો! નાના ભાઈનાં મોળીડાં હું શેલડીએ શણગારું જો! નાની ભાભીનો ઘૂંઘટડો હું મોતીડે વધાવું જો! વગરે : એવું એવું કૌટુમ્બિક ચિત્ર : ધીરે ધીરે ચિત્ર સુરેખ બનતું જાય છે. તાલો પણ વિવિધ પલટા ખાય છે. અંગ્રેજ માતાનું કથન છે — મીઠામાં મીઠો ગુણ : તર્કશૂન્યતા “કોઈ કદાચ કહે કે આ તો જંગલી લોકોના દિલને ગમતું તે પ્રકારનું સંગીત થયું! પરંતુ આ તો પાછો શાસ્ત્રીય સવાલ ખડો કરવા જેવું થશે. આ સવાલ તો બાલગીતોના ઐતિહાસિક તેમજ રાજનૈતિક મહત્ત્વને લગતા અન્ય સવાલોની માફક આવા સંગ્રહની અંદર બાજુએ મૂકીએ એ જ ઈષ્ટ છે. નહિ તો થશે એવું, કે પેલાં, બકરીને ભળાવેલાં બે બચ્ચાંની પેઠે આ ગીતો પણ, વધુ પડતી શાસ્ત્રીય તપાસને પરિણામે એનું મીઠામાં મીઠું લક્ષણ જે તર્કશૂન્યતા, તેને જ ગુમાવી બેસશે. એ જેવાં છે તેવાં જ જો એને વાપરશું, તો એ અત્યંત નવીન, અત્યંત મધુર અને એના સંગીત વડે સહેલાઈથી સ્મૃતિમાં વસી જતાં દેખાશે. કેમ કે કવિ શ્રી યેટ્સના શબ્દોમાં કહીએ તો ‘બધુંય કહેવાઈ અને થઈ ચૂક્યા પછી એમ લાગે છે કે કોણ જાણે કેમ, પણ આપણી તર્કશૂન્યતા બીજાના સત્ય કરતાં બહેતર હશે. કેમ કે જે આપણું છે તે આપણા જ અંતરાત્માની હૂંફમાં સેવાયું છે; ને આપણા એ સ્વતંત્ર સર્જનની અંદર સત્યની મધમાખો ચાહે ત્યારે આવીને મધપૂડો બાંધી શકશે ને મીઠું મધ નિપજાવશે.” (“It might perhaps be suggested that this is of the same species of music as that which commands itself to the savage senses. But this would be to raise a point of scientific interest which, with many others relating to the lost historical and political significance of certain nursery rhymes, are perhaps better left unnoticed in such collection as this. Else like those two devoted babes, these songs and rhymes might, beneath too curious and serious an enquiry, lose some of that savour of unreason which is their pleasantest quality. Taken for their own sake, they will be found most fresh, most sweet, and often musically persistent to the memory. For, to quote Mr. W. B. Yeats : ‘When all is said and done, how we do not know but that our own unreason may be better than another’s truth! For it has been warmed on our hearts and in our souls, and is ready for the wild bees of truth to hive in it and make their sweet honey.”)