ધરતીનું ધાવણ/9.લગ્નગીતોના ધ્વનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


9.લગ્નગીતોના ધ્વનિ

[જ્ઞાન પ્રસારક સભા (મુંબઈ)માં આપેલું વ્યાખ્યાન : 1929] સ્પેઈન દેશનાં લોકગીતોના સંપાદકે ઊર્મિભેર ઉચ્ચાર્યું છે કે : “બુદ્ધિ મિથ્યાભિમાની છે. વિચારોનાં વણેલાં દોરડાની માફક દુ :ખદાયક નિસરણીને બદલે કોઈ ટૂંકેરા માર્ગેથી પણ માનવ-પ્રાણ સત્ય અને સૌંદર્યને શિખરે પહોંચી શકે છે, એ વાત તો આ મગરૂબ માનવબુદ્ધિને ગળે ઊતરતી નથી. આત્મસ્ફૂરણા અને આત્મપ્રતિભા પણ નિ :શંક એ સત્ય-સૌંદર્યને પામી શકે છે. સ્પેઈન દેશના લોકો, એમના શુભેચ્છુ સુધારકોએ એમને વર્તમાનપત્રો વાંચતા કર્યા નહોતા ત્યાં સુધી કાંઈ સત્ય-સૌંદર્યની શોધ માટે રાહ જોઈ બેસી નહોતા રહ્યા. ઝીણી આંખોએ એ લોકોએ પોતાની ચોગમ જોયા કર્યું અને ધબકારા અનુભવતા દિલે તેઓએ ગાન ગાયું. પરિણામે તેઓ એક ઉત્તમ કાવ્ય-સાહિત્ય સરજી શક્યા. એક સામુદાયિક કવિ તરીકે લઈએ તો સ્પેનિશ લોકસમૂહ યુરોપના મહત્તમ કવિની ગણનામાં આવી શકે.” દેશદેશના લોકસાહિત્યમાં તે તે સંપાદકોને આવું જ મનમોહન દર્શન થયું છે. તેઓએ પોતાની મોહિનીને મુક્ત કંઠે વ્યક્ત કરી છે. આપણા હિન્દના પ્રાંતોના લોકસાહિત્યમાં ઊતરનારાં પણ એ જ સૂર ઉચ્ચારી રહ્યા છે. આપણા પ્રાંતના એ સત્ય-સૌંદર્યના દર્શન આપણો લોકસમાજ પણ એ દિવસ મેળવી શક્યો હતો. એની સાક્ષી આપતા એક વિશાળ કાવ્ય-પ્રદેશમાં આપને હું આજે તેડી જાઉં છું. એનો સર્જક પણ ‘ઈન્ટેલેક્ટ’ નહિ, ‘સ્પિરીટ’ છે. પરદેશનાં લગ્નગીતો સંસ્કૃતિવંત ગ્રીસમાં પણ પ્રાચીનકાળમાં લોક લગ્નગીતો હતાં એ Epythalamams કહેવાતાં : એનો અર્થ ‘નપ્શલ સોંગ્સ’. નવવિવાહિત વર-વધૂ શયનગૃહમાં સીધાવે ત્યારે નાનાં કુમાર-કુમારિકાઓ એને ગાઈ સંભળાવતાં. પ્રાચીન રોમમાં કુમારીઓ જ દંપતીના શયનગૃહમાં સવાર-સાંજનાં પ્રેમગીતો ગાતી. આજે કદાચ એ ગીતો સમાજને અસભ્ય જેવાં લાગશે. પ્રાચીન ઈરાનમાં પણ આ પ્રથા અસ્તિત્વમાં હતી. ખુદ જરથુષ્ટ્ર પયગમ્બરે જ પોતાની પુત્રીના વિવાહ નિમિત્તે ઝંદ-અવસ્તાની ત્રેપનમી આખી ગાથા લગ્નગીત તરીકે રચી હતી. કવિ સ્પેન્સરે પોતાનું જ લગ્નગીત રચ્યું. આજે પોલૅન્ડ દેશમાં પરણતી કન્યાની સખીઓ ખાસ લગ્નગીતો ગાય છે. હંગેરીમાં આવે અવસરે જે ગીતો રચાય છે તેમાંના એકનું ભાષાંતર આ રહ્યું : I wish your two hearts, which have been tied together, every happiness. May holy loves in lasting bonds encircle you. May your union blossom into fruit as the trees burst into bloom. May the Almighty surround you with so much happiness that it may weigh upon you as a burden. Finally when life departs from its seat and your bodies rest in the soil, may your souls joyfully look back upon the past, and be received with greetings in eternal paradise. હૉલેન્ડ દેશમાં પણ લગ્નની મહેફિલ વખતે નૃત્ય કરતી કરતી સ્ત્રીઓ જે લોકગીતો ગાય છે. તેમાંના એકનો આરંભ આવી પંક્તિથી થાય છે : ‘હાઉ સ્વીટ ઈટ ઈઝ વ્હેર ફ્રેન્ડશિપ ડ્વેલ્સ!’ આ ગીત તો પ્રત્યેક લગ્ન-પ્રસંગે હમેશાં ગવાય જ છે. એવાં જ થોકેથોક ગીતો ગુજરાતની મોટી બહેન મારવાડમાં તથા પંજાબમાં છે ને અદ્યાપિ પ્રચલિત છે. ગુજરાત-સૌરાષ્ટ્રનાં લગ્નગીતો લગ્નગીતો હજુ જીવંત છે. છેક ઢેઢ અને કોળી કોમમાં પણ એ કવિતા રેલી રહી છે. આજે તો અંત્યજવાડેથી પણ આવાં પ્રકૃતિસૌંદર્ય આલેખતાં ભાવનાગીતો લાધે છે : મારે આંગણિયે તુળસીનો ક્યારો તુળસીના ક્યારે ઘીના દીવા બળે ઘીના દીવા બળે, દેવ જોવા મળે દેવ જોવા મળે રૂડા રામ રમે રૂડા રામ રમે સાચાં મોતી ઝરે સાચાં મોતી ઝરે લીલા મોર ચરે લીલા મોર ચરે ઢેલ્યું ઢુંગે વળે [‘ચૂંદડી’] સ્ત્રીઓ ફરજ કે બંધન વગર પણ ગાયા જ કરે છે. પણ આજે એ વેવલાં ગણાઈને ઉપેક્ષા પામ્યાં — કારણ? એક દોષ છે એ ગાવાની પ્રથામાં : ઘણાં ગીત બેઠાં બેઠાં જ ગાવાનાં : વળી એક સાથે સહુએ રાગડા ખેંચવાના : સૂર દેવા વાદ્ય નહિ, તેમ તાલ દેવા ઢોલક નહિ. ઢાળો પણ ઘણાખરાના લાંબા ધીરા ને એકસૂરીલા : એટલે પુરુષોને પરડ લાગી ને સ્ત્રીઓનો રસ ઓસર્યો. ગુર્જર લગ્નગીતોના જૂજવા ધ્વનિ પ્રધાન ધ્વનિ તો છે દાંપત્યની ઊર્મિઓ જાગ્રત કરવાનો : પરંતુ એના અન્ય સૂરો ઘણા ઘણા છે. સ્વયંવરની ભાવનાના, ગૃહપરિશુદ્ધિ અને દેવમાંગલ્યના, સગાંવહાલાંને નિમંત્રવાના, રિસાયાને મનાવવાના, ભાઈબહેનની સ્નેહગ્રંથિના, ભેટસોગાદના, કન્યાના પ્રેમૌત્સુક્યના, દીકરી-માવતર વચ્ચે આવનારા વિજોગના, ગ્રામ્ય સમાજની રક્ષાને અંગે મુકરર થયેલાં ઋણો ચૂકવવાના, સવારી શણગાર તેમજ ખાનપાનના, માર્મિક વિનોદના, જાડી ઠઠ્ઠા-મશ્કરીના, અને દંપતી-જીવનનો ઊઘડતો શૃંગારરસ વટાવ્યા પછી લગ્નજીવનની સાર્થકતારૂપ મનાતા સંતતિ-જનનના. જેટલી જેટલી વિધિ-ક્રિયાઓ તેટલાં તેટલાં ગીતો : ‘અ સેરીમની ઈન સોંગ્ઝ’! ને એ તમામ ગીતો લોક-રચ્યાં! સ્વયંવર-ગીતો દૂધે તે ભરી રે તળાવડી મોતીડે બાંધી પાળ : ઈસવર ધોવે ધોતિયાં પારવતી પાણીડાં જાય. એવા કોઈ નિર્મલ જળાશયની પાળે વરકન્યાનું એકઠાં થવું : અને પછી વૈશાખ માસમાં પરણવાના કૉલ દેવા એ આ નિત્ય ગવાતા લગ્નગીતનું પ્રણયનચિત્ર છે. અથવા તો — લાંબી તે લાંબી સરવરિયાની પાળ એ રે પાળે રે મોતી નીપજે મોતી તે લાગ્યું....ભાઈ વર હાથ ઘેરે રે આવીને ઝઘડો માંડિયો. એમાં પુરુષનું પસંદગી તત્ત્વ આવ્યું. એ જ રીતનું ગીત પારસી કોમમાં છે. ડૉ. જીવણજી મોદીએ રૉયલ એશિયાટીક સોસાયટી સમક્ષ વાંચેલા ‘મૅરેજ કસ્ટમ્સ ઍન્ડ પારસીઝ’ નામના પોતાના નિબંધમાં એનો અંગ્રેજી તરજુમો મૂક્યો છે કે — Playing by the side of the fountain my Sorabji saw her, Home came and continued repeating Father, have we married. તે પછી તો — એક તે રાજદ્વારમાં રમતાં બેનીબા! દાદે તે હસી રે બોલાવિયાં કાં કાં રે દીકરી! તમારી દેહ જ દૂબળી? કાં રે આંખડલી જળે ભરી? એ ગીતમાં પિતા પુત્રીના અંતરની વાત કઢાવે છે : એના જ સરીખું પારસી ગીત છે. પારસી ગીત એટલું ચઢિયાતું નથી. છતાં ત્યાં પણ કન્યાની ઈચ્છા વ્યક્ત થતી ગવાય છે : આ રહ્યો ડૉ. જીવણજી મોદીનો તરજુમો : On a golden chair studded with rubbies sits my Sirinbai and prays to her father : Father, find me such a husband as will grant me all wish. Mother, find me such a husband as will brind bracelets and bangles for me. તે પછી એટલેથી પણ આગળ વધતી સ્વયંવરભાવના સ્મરાવતું ગીત : કુંવરી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા રે દાદા મારા! એ વર જોજો! એ વર છે વેવારિયો રે! એની અંદર કન્યા પોતાના મનગમતા વરને વિદ્યા, ખેલાડીપણું, દેહસૌંદર્ય અને મિતાહાર એવી ચાર સિદ્ધિઓને લીધે સ્વીકારવા વડીલોને આગ્રહ કરે છે. પછીનાં ગીતોમાં એ પુત્ર-પુત્રીની પસંદગીના પરિણામે બન્ને વડીલોએ વિવાહ જોડાયા હોવાની ભાવના ગવાય છે. આખરે લગ્નની કુંકુમપત્રિકા લખતી વખતે પણ ગીત એવું ગવાય છે કે : ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે રાયવર વે’લેરો આવ! સુંદર વર વે’લેરો આવ! તારાં ઘડિયાં લગન, રાયવર, વહી જશે. અને એ ગીતમાં વર જાણે કે મોંઘો થતો કલ્પાય છે. એ કહાવે છે કે હું તો અમુક શરતે જ આવીશ. જવાબમાં વહુ તરફથી વિનોદ થતો આલેખાયો છે કે — આંગણે બેઠું’તું કોણ? દીકરી દેતું’તું કોણ? જમાઈ કેતું’તું કોણ? તું તો વગડાનો વાસી તું તો રયો રે અપવાસી તારા પગડા ગ્યા ઘાસી તારાં ઘડિયાં લગન રાયવર વહી જશે. સારાંશ એ છે કે ‘તું એટલો મરડાય છે શા સારુ? તારે આંગણે આવીને મારો પિતા કાંઈ તને દીકરી આપવા માટે લાંઘવા નહોતો બેઠો. તું પોતે જ ભૂખ-દુ :ખ વેઠી વેઠી અમારે ઘેર આંટા ખાતો હતો અને તારા પગ પણ ઘસાઈ ગયા હતા!’ ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે રાયવર, વે’લેરો આવ! સુંદર વર, વેલે’રો આવ!... આવી રીતની લગ્નપત્રિકા કન્યા પોતે જ લખતી હોવાનો ભાવ આ ગીતમાં વિલસે છે. આજે અમુક જ્ઞાતિઓમાં તો સાચેસાચ જ લગ્નપત્રિકા કન્યાના નામથી જ વરને નામે સંબોધીને લખવાનો નિયમ ચાલુ છે. એ રીતે આ ગીત અસલની ‘ટ્રેડિશન’ સાચવી રાખશે. વર-કન્યાની સીધી સ્વયંવરણીના સિદ્ધાંતનો આ ધ્વનિ છે. નિમંત્રણ-ગીતો આ ઉપરાંત અન્ય સ્વજનો, સ્નેહીઓને, એટલે કે વરની બહેન, વરના મામાને, તમામને અપાતાં નિમંત્રણ પણ કાવ્યમાં જ ગવાય છે : પરણનાર વરનો ભાઈ અથવા વર પોતે સગાંવહાલાંને ગામેગામ નિમંત્રવા નીકળે છે. લીલી પીળી પાંખનો ભમરલો રે ભમિયો દેશ-પરદેશ જાજે ભમરા નોતરે રે! પહેલું નોતરું પોતાના જમાઈને ઘેર, કે જ્યાં રાતે ચૂડે બેની તે બા રે! સૌભાગ્યવતી બહેન વસે છે : બેનના સુખનું તેમજ સૌંદર્યનું સૂચન ‘રાતે ચૂડે’ પ્રયોગથી થઈ ગયું. બહેનને પણ દાંપત્યના ઉચ્ચ ભાવનું આરોપણ થયું : બહેન કહે છે — હું કેમ આવું એકલી રે મારે ઈસવર ભરથાર! સ્વામી વિના હું ન આવું : ભાઈ કહે છે કે તમે બન્ને આવો : ઈસવર ચાડણ ઘોડલાં રે બાને માફાળી વેલ્ય; માફા આવે મલપતા રે નેજા ઢળકતા મેલ્ય! ચંપાવરણી રજે ભરાય રે. હે બહેન, તારા સ્વામીને ચડવા આ રહ્યો મારો ઘોડલો. બહેનને બેસાર્યાં લાલ ઘુમ્મટદાર માફા (‘હૂડ’)વાળી બળદગાડીમાં. પણ સાથે ચાલતો ભાઈ માર્ગમાં હાંકનારને કહે છે કે પડદા નીચા પાડી દે, ભાઈ! મારી રૂપાળી બહેન રજે ભરાય છે! બહેનનું પણ રૂપ સમજનારી આ બાંધવ-દૃષ્ટિ લોકસાહિત્યમાં જ જડશે. તેડાવવાનું ગીત : એમાં બહેનનું ઉચ્ચ સ્થાન, બહેનનો કોમલ સ્વભાવ, બહેનની સારસંભાળ વગેરે ભાવ ગુંજે છે. વરના મામાને તેડાવવાના ગીતમાં એથી ઉલટો જ ભાવ : એટલે કે એ પક્ષે તો મામેરું લઈને આવવાનું. વર-માતાને મેણાં ન બેસે તે સારુ સહુને માટે મામેરાંની ભેટ લાવવાનું; અને નહિ તો બિલકુલ ન જ આવવાનું : સસરાને લાવે વીરા! પાઘડી, સાસુને સાડલાની જોડ; જેઠને લાવે વીરા! મોળિયાં, જેઠાણીને છાયલ ચીર. દેરને લાવે વીરા! પાંભડી, દેરાણીને દખણીનાં ચીર; નણદીને લાવે વીરા! ચૂંદડી, નણદોઈને ભેરવ ઝૂલ્ય દો; છોડીને લાવે વીરા! ઢીંગલી, કુંવરિયાને રાતી મોળ્ય;  એટલી ને સંપત હોય તો આવજો! નહિ તો રે’જો ઘેર. [‘ચૂંદડી’] આવાં નિમંત્રણ-ગીતો સંખ્યાબંધ સચવાયાં છે, અને એ વાટે આપણી સુખદ તેમ જ દુ :ખદ જૂની પ્રણાલીઓનાં સ્વરૂપ રક્ષાયાં છે. પ્રભાત-સંગીત લગ્ન-પત્રિકા લખ્યા પછી પ્રત્યેક પ્રભાત ફૂટતી વેળા કુટુંબની સ્ત્રીઓ ઘરમાં એકત્ર મળીને સૂર્ય-સ્વાગતનાં, સૂતેલા વર અથવા કન્યાને મીઠાશથી જાગ્રત કરવાનાં અને ગૃહશાંતિનાં ગીતો ગાય છે. એમાં કુદરતનું જીવન્ત સ્વરૂપે દર્શન થાય છે : સૂરજ ઊગ્યો રે કેવડિયાને ફણશે કે વેણલાં ભલે વાયાં રે! એ સુપ્રસિદ્ધ ગીતમાં સૂર્યોદયને કેવડા-પુષ્પોની પાંખડીઓના ઉઘાડની ઉપમા દેવાઈ છે. અને એવે રમ્ય સૂર્યોદયે — સૂતા જાગો રે...બાઈના કંથ કે — વેણલાં લેજો લેજો રે રૂપા કેરી ઝારી કે — વેણલાં દાતણ કરજો રે તુલસી કેરે ક્યારે રે — વેણલાં મુખ લૂજો રે પાંભરિયુંને છેડે કે — વેણલાં લેજો લેજો રે શ્રીરામનાં નામ કે — વેણલાં [‘ચૂંદડી’] એવાં શાંતિનાં ગીતો : કોઈ કોઈ ગીતમાં તે કાલનો સમુદાય કેવાં ઘરને આદર્શ ઘર, લક્ષ્મીનું અધિકારી ઘર લેખતો તેનું અખંડ ચિત્ર : જેવું કે લાશ (ઉદ્યમ) અને લક્ષ્મી, બેઉ દેવ-સત્ત્વો વહેલી પરોઢે વાતો કરતા કલ્પાયાં છે : હે લક્ષ્મી! આપણે કયે ઘેર જશું? લક્ષ્મી જવાબ વાળે છે કે આવા આવા ઘેર — ઊઠો ને ભોળી! વીછળો ને ગોળી! મહીડાં વલોવો ભેસું તણાં.  લાશ ભણે લખમી! કિયા ભાઈ ઘેર જાશું? જે ભાઈ ઘેરે પરભાતે પાણી ગળે!  જે ભાઈ ઘેરે સાસુ-વહુ સુવાસણાં.  જે ભાઈ ઘેરે બાપ-બેટા લેખાં કરે.  જે ભાઈ ઘેરે પુતર કેરાં પારણાં.  જે ભાઈ ઘેરે સમીસાંજે દીવા બળે.  જે ભાઈ ઘેરે સામી ભીંતે સાથિયા.  જે ભાઈ ઘેરે પોપટ કેરાં પાંજરાં [‘ચૂંદડી’] તે પછી ફૂલો લઈને આવતી માલણનું સ્વાગત-ગીત : નાગરવેલનાં પાન લાવતા તંબોળીનું ગીત : ભાતભાતનાં ધાન્ય લઈ આવતા વણજારાનું સ્વાગત-ગીત : અને પ્રત્યેક પ્રભાતે વર-કન્યાને પીઠી (પીળા લેપ)નું મર્દન કરી નવરાવવાનાં પણ ગીતો : પછી સર્વે સગાં મળી વર-કન્યાનો પસ ભરાવે (હાથની અંજલિમાં ભેટ આપે) તેનું પણ ગીત. એ બધાને હું પ્રભાત-ગીતના વિભાગમાં મૂકું છું. કર્તવ્ય-ઉપદેશનાં ગીતો જ્યારે વર પરણવા માટે જવા તૈયારી કરે છે, ત્યારે એની વિવેકબુદ્ધિને હૂંફ આપવા માટે હંસનું રૂપક ખડું કરાય છે : ગાગર ઉપર બેઠો લીલો હંસ રે આ હંસ કેણે ઉડાડિયો રે! કહો હંસરાણા! કેમ જાશો પરદેશ રે આ કેમ કરી દરિયો ડોળશો રે! પાંખે ઊડી જાશું પરદેશ રે. આ ચાંચે દરિયો ડોળશું રે! [‘ચૂંદડી’] એ સાંકેતિક શિખામણો સ્પષ્ટ કરવા માટે ફરીથી વરને પોતાને નામે પ્રશ્ન થાય કે ‘કેમ જાશો પરદેશ? કેમ કરી લાડડી લાવશો રે?’ પ્રત્યુત્તરમાં ‘રૂપિયાની થેલીએ જાશું પરદેશ રે, ગરથે લાડડી લાવશું રે!’ એવું ગવાય. આ ‘રૂપિયાની થેલી’ તથા ‘ગરથ’ પરથી કન્યા-વિક્રયની કલ્પના આવે. પરંતુ એ વિશે બીજો ખુલાસો આપણને એક બીજા ગીતમાંથી મળે છે : એ ગીત તે આ છે : મેઘવરણા વાઘા વરરાજા! કેસરભીના વરને છાંટણાં સીમડીએ કેમ જાશો વરરાજા! સીમડીએ ગોવાળીડો રોકશે. ગોવાળીડાને રૂડી રીત જ દેશું પછી રે લાખેણી લાડી પરણશું. [‘ચૂંદડી’] આ ગીતમાંથી જોઈ શકાય છે કે કન્યાના ગામના ગોવાળ, માળી, ઢોલી, મહાજન, સૈયરો વગેરે સંઘ-જીવનના સંરક્ષકોને કર ચૂકવવા પડતા હોવાથી ‘રૂપિયાની થેલી’ની જરૂર રહેતી. તે ઉપરાંત પરણવા જતી વેળા બીજા કરો કોને કોને ચૂકવવા પડતાં? પ્રથમ તો ગોત્રના પૂર્વજો, રક્ષકો, જે ગોત્ર-દેવતાની પ્રતિષ્ઠા પામેલા હોય છે તેને — પાગલડે પગ દઈ ચડો રે વરરાજા! ગોત્રજ છેડો સાહી રહ્યા. મેલો મેલો રે ગોત્રજ છેડા અમારા! તમારા કર અમે આપશું. જેણે નાના થકી મોટાં રે કીધાં તેના કર કેમ ભૂલશું? [‘ચૂંદડી’] એ રીતે વિદાય લેતી વખતે પોતાનો છેડો પકડી રાખનાર માતાજી, ફોઈબા, બહેન વગેરે તમામનાં ઋણોનો અનુક્રમે આમ સ્વીકાર થાય છે : જેણે તે નવ માસ ભાર વેંડાર્યો!  જેણે નાને થકી નામ પમાડ્યાં!  જેણે નાનપણમાં લાડ લડાવ્યાં! તે સહુના ‘કર કેમ ભૂલશું?’ આવા ઉદ્ગારો આવે છે. એ રીતે પણ ‘ગરથ’ની જરૂર પડતી. જીવનનાં નાનાંમોટાં સમગ્ર ઋણ ચૂકવવાની ભાવના પર આ ગીત સજ્જડ ભાર મૂકે છે. એવાં વિધવિધ કર્તવ્યના બોધપાઠ લગ્નગીતોમાં મહત્ત્વનું સ્થાન રોકીને લોક-સમુદાયની વિચારસરણીનો સાચો પડછંદો ઝીલે છે. સ્નેહોર્મિનાં ગીતો જાન આવવાની વેળા થાય છે ત્યારે બન્નેનાં હૈયાં ઊછળે ને સ્નેહ-સંસ્કારથી રંગાઈ રહે તેવાં ગીતો ગવાય છે. એ ગીતોમાં — વર તો બહુ રે હોંસીલા વર બહુ રે ખંતીલા : એની મૃગનેની જોવે વાટ રે નગારાં વાગે ધીમે ધીમે! [‘ચૂંદડી’] એવું ઉત્સુકતાનું ચિત્ર : તે પછી વળી — મલપતો આવે છે મોર ઢળકતી આવે રૂડી ઢેલડી રે! એવું સુંદર પક્ષીનું રૂપક : કેવડો અને નાગરવેલનું રૂપક અને તે પછી — આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરઓ ચંદ દીવા કેરી જ્યોત વિવા કેરી વરધ કે વર આવ્યે અજવાળાં રે! [‘ચૂંદડી’] તેજ પાથરતા વરના આગમનનું એવું વર્ણન : પછી જાણે કે ઊંચા ઊંચા રે દાદે ગઢ રે ચણાવ્યા ગઢ રે સરીખા ગોખ મેલિયા ગઢડે ચડીને બાઈ ને દાદેજીએ જોયું કન્યા ગોરાં ને રાયવર શામળા! એના ઓરતડા નવ કરશો દાદા! દ્વારકામાં રણછોડરાય શામળા! [‘ચૂંદડી’] એ પ્રકારે પરોક્ષ રીતે કન્યાનો સંતોષ નિપજાવવાની રીતિ : અને — કન્યા ચડ્યાં રે દાદાજીની મેડીએ રાયવર આવ્યા દાદાજીની શેરીએ દાદા! અમે જોયા વર રાજિયા દાદા! અમે જોયા ચતુર-સુજાણ! છત્રીસ વાજાં વાગિયાં. [‘ચૂંદડી’] એવાં ગીતો વાટે ‘ચાતુરી’ના ગુણ પર વધુ ભાર મુકાય છે. પછી લગ્ન થતી વેળા પણ — કણ કણ કંકણિયાળી ચૂડી રે! લાડા પાસે લાડડી દીસે રૂડી રે! [‘ચૂંદડી’] એવું પરસ્પર યોગ્ય જોડલું જોડાયાનો ભાવ ગવાય છે, અને કહોને, લાડી, એવડાં તે તપ શાં કીધાં રે! જેને તપે...ભાઈ વર પામ્યાં રે! એ પંક્તિઓમાં સુયોગ્ય વર મળવો તે તપશ્ચર્યાનું, પૂજનનું ફળ હોવાની લોકમાન્યતા આંહીં કાવ્યમાં ટપકેલી છે. લગ્ન સમયનું ‘પોંખણાં’નું ગીત ઘણું મહત્ત્વનું છે. સાસુ પોતાના જમાઈને ચાર વસ્તુ વડે જળનું પ્રોક્ષણ કરે છે : સીતાને તોરણ રામ પધાર્યા લેજે પનોતી! પે’લું પોંખણું રવાઈયે વર પોંખો પનોતાં! રવાઈયે ગવરી સોહામણાં  ધોંસરિયે ધોરી સોહામણા  તરાકે રેંટીડા સોહામણા  પિંડિયે હાથ સોહામણા [‘ચૂંદડી’] રવાઈ, ધોંસરી, ત્રાક અને લોટનાં પિંડિયાં : લક્ષણાલંકાર પ્રમાણે ગાય, બળદ, રેંટિયો ને ક્ષેત્રપાળ : એ જાણે લોક-જીવનનાં મુખ્ય આધાર સત્ત્વો હતાં તેથી જ આ ‘પોંખણાં’ જીવન-સમૃદ્ધિની આશિષો સૂચવનાર હતાં. વર-વધૂનું સહભોજન પણ લાડો-લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે! એ ગીતમાં નોંધાઈ ગયું છે. અન્ય દેશોમાંયે આ પ્રથા છે. આખા લગ્નોત્સવની અંદર બીજાં ઘણાંખરાં ગીતો જ્યારે પ્રેમોર્મિ, પ્રફુલ્લતા અને વિનોદનું વાતાવરણ સર્જે છે, ત્યારે તેની અંદર એટલા જ જોરથી કરુણતાની ભાત્ય પાડનાર વિદાય-ગીતો છે. વિદાય-ગીતો આ ગીતનો પ્રત્યેક ઢાળ પણ કરુણ છે : કન્યારૂપી ચકલીને જાણે કે પિતાના ગૃહરૂપી આંબામાંથી ઊડી જવાનું છે — દાદાને આંગણે આંબલો, આંબલો ઘોર ગંભીર જો! એક તે પાન, દાદા! તોડિયું, દાદા! ગાળ ન દેજો જો! અમે રે લીલુડા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો! આજ રે દાદાજીના દેશમાં, કાલે જાશું પરદેશ જો! દાદાને વા’લા દીકરા, અમને દીધાં પરદેશ જો! [‘ચૂંદડી’] આવું જ વેધક ગીત પંજાબી લગ્ન-ગીતોમાં મળી આવે છે : સાઁડા ચિડિયાઁ દા ચમ્બાવે, બાબલ અસીં ઊડ જાનાં! સાડી લંબી ઉડારી વે, બાબલ કેહડે દેશ જાનાં! તેરા ચૌંકા-ભાણ્ડા વે, બાબલ તેરા કૌન કરૂ! તેરા મહલાઁ કે બિચબિચ વે, બાબલ પરી માઁ રોવે! [હે પિતા! અમારો તો પંખીઓનો મેળો છે. અમારે એક દિવસ ઊડી જવાનું છે. અમારું ઊડણ લાંબું હશે. અમે ઊડીને કોણ જાણે કયા દેશમાં જશું! હે પિતા! પછી તમારી રસોઈ કોણ કરશે! તમારા મહેલ વચ્ચે મારી માતા રડી રહી છે, હે બાપુ!] બન્ને ગીતો બરાબર મળે. પુત્રીને ‘ચિડિયાં’, ‘કોયલ’, ‘કુંજ’, ‘કબૂતરી’ ઈત્યાદિ સંબોધનો કરી પંજાબી જનેતાઓ વિદાયને સુંદર રીતે રડી કાઢી છે. સૌરાષ્ટ્રીય ગીતમાં દીકરી પિતાને વીનવે છે કે — સંપત હોય તો દેજો દાદા મોરા! હાથ જોડી ઊભા રે’જો! હાથ જોડી ઊભા રે’જો દાદા મોરા! જીભડીએ જશ લેજો! સ્વજનો બધાં કન્યાને વળાવતી વેળા જે શિખામણ આપે છે, તેમાં પણ સ્ત્રીને સાસરિયામાં કેવું સ્થાન હતું તેનું ચિત્ર છે : ડેલી વળામણ બાનો દાદોજી, દીકરી ડાયલાં થાજો! હૈડે તે જડજો સોનાસાંકળાં, મનડાં વાળીને રે’જો! સસરાનો સરડક ઘૂમટો, સાસુને પાયે તે પડજો! જેઠ દેખી ઝીણાં બોલજો! જેઠાણી વાદ ન વદજો! નાનો દેરીડો લાડકો, એનાં હસ્યાં રે ખમજો! નાની નણંદ જાશે સાસરે એનાં માથડાં ગૂંથજો! માથાં ગૂંથી સેંથા પૂરજો! બેનને સાસરે વળાવજો! સાસરવાસનાં આ ભિન્ન ભિન્ન કર્તવ્યોનો બોધ થાય છે. માતા રુએ છે કે — મેં તો હરખે ને લાડવઈ મોટાં કર્યાં રે, મારો ઉછેરતાં ભવ જાય કામની વેળાએ જમાઈ લઈ ગયા રે! પિતા રુએ છે કે — વાળી વાળી દાદા પૂછે વાત આજ માંડવ કેમ અણોહરો રે! દીવડો હતો બેનીબાને હાથ મેલીને ચાલ્યાં સાસરે રે! કન્યા રુએ છે — વળો વળો રે મારા સમરથ દાદા! અમને દીધાં તમે વેગળાં આવા જ વિદાય-સ્વરો છેક પોલૅન્ડ દેશનાં વિજોગી કલેજાંમાંથી છૂટે છે. કન્યાને વિદાય દેતાં સખીઓ ગાય છે કે : Barbara, it is all over, then you are lost to us. You belong to us no more. [Marriage-Customs in Many Lands by H. N. Hutchinson] ઉક્ત ગ્રંથકાર લખે છે કે એ ગીતનો ઢાળ અત્યંત ગમગીન (‘મોસ્ટ મેલન્કલી ટોન’) હોય છે. આવી — બલકે આથી પણ ચડિયાતી — કરુણતા સૂરત-અમદાવાદમાં પ્રચલિત ‘ખાયણાં’ નામનાં બબ્બે પંક્તિનાં લોકગીતોમાં નીતરે છે. ખાયણાં લગ્નના અવસર પર જ કન્યાઓ સામસામી બેસી દ્રાવક સ્વરે ગાય છે. એની અંદર મુખ્યત્વે કરીને દીકરીનાં કલ્પાંતો વહે છે : એમાં — કાળી તે કોયલ આંબલિયામાં રમતી બાપાજી ભેગી જમતી... કે બહેની નાનડી! બાપાજી બાપા, મેં શું કરિયાં પાપ! ભર્યે તે ભાદરવે... વળાવી સાસરે! એવા કંઈ કંઈ વિદાય-સૂરો હોય છે. અને આકાશે અર્પ્યાં ને ધરતી માએ ઝીલ્યાં માએ ને બાપે ઉછેર્યાં... કે પરને સોંપવા! મારા તે બાપે તાજુડીમાં તોળી ભર્યા કુટુંબમાં બોળી.... કે દાદા! દીકરી. એવાં કજોડાં, કન્યાવિક્રય ઈત્યાદિ અનેક સંસારી સંતાપોની સામે આક્રંદના સૂરો પણ આવે છે. એમાં પણ કડીએ કડીએ રુદન છે, ને એ બધું ગવાય છે લગ્નપ્રસંગે! સાચું છે કે — Our sweetest songs are those That tell of saddest thoughts! એવું જ વિદાય-ગીત, બરાબર પંજાબી ગીતને મળતું, પારસી સ્ત્રીઓ ગાય છે : સાસુજી! હૈયાં કરજો ભોળાં રે : જરબાઈને ના પીરસતાં થોડાં રે! સાસુજી! હૈયાં કરજો ઘાડાં રે જરબાઈને ના પીરસતાં ટાઢાં રે! સાસુજી! ચમટો રખે તોડતાં રે ચમટો તો ચમચમશે ને રોશે રે! એમાં કન્યાના સાસરવાસી જીવનનું વફાદાર નિરૂપણ છે. સાસુઓ વહુઓને ચીમટી ખણવા જેટલો અધિકાર પણ ભોગવતી હતી! ગૃહસંસારનાં ગીત કન્યા ને સાસરવાસમાં સંસાર શરૂ કરાવવાનાં ભાવભરપૂર ગીતો અનેક ગવાય છે. એમાં પતિ પ્રત્યેના ઊભરા આલેખાયા હોય છે. ‘પતિ બીજી સ્ત્રી પરણી લાવશે!’ એવી મતલબનો ક્રૂર કરુણ વિનોદ પણ કોઈ કોઈ ગીતોમાં હોય છે : દાખલા તરીકે, નવવધૂને વર વિનોદ કરતો હોય છે કે — તમારું તે મૈયર ગોરી! વેગળું રે

પાલવ છોડજો!

ઢુકડા સાસરિયાની ખાંત, નવજાદી!

નવ પાલવ છોડજો!

તમારાં છોરુડાં ગોરી ગોબરાં રે

પાલવ છોડજો

ખોળે બેસાર્યાની ખાંત

નવજાદી....

[‘ચૂંદડી’] કન્યાને જાણે વર જીતીને લાવ્યો હોય એવા કોઈ કોઈ ‘અપહરણની પ્રથા’ના સૂરો પણ ભળી ગયા છે : જેવા કે, આજ અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદભર્યા! અથવા તો જીત્યા જીત્યા મારા સસરાની બેટી બીજું તે જીત્યા સાયર-સાસરું રે વરલાડડા અથવા તો, મારે...ભાઈનાં વાજિંત્ર વાગિયાં પેલા વેવાઈનાં પડિયાં નિશાન!

સાહેલીનો આંબો મોરિયો.

એટલાં જંગલી તત્ત્વો પણ ક્યાંક ક્યાંક ડોકિયું કરે છે. ખરું જોતાં આપણી અત્યારની લોકલગ્નની પ્રથા એ આઠેય પ્રકારનાં લગ્નોના કોણ જાણે કેવાયે વિલક્ષણ મિશ્રણમાંથી નીપજી હશે. છેલ્લો એક બલવાન સૂર છે તે લગ્ન-જીવનના લોકમાન્યા સાફલ્યનો. એ સાફલ્ય બે રીતનું મનાયું : દંપતીપ્રેમ તથા સંતતિ : એટલે જ ગવાયું કે — કાળી-શી કોયલ શબદે સોહામણી આવે રે કોયલ આપણા દેશમાં!

કેમ કરી નણદીબા એ ઘર વાસ્યાં? કેમ કરી નાહોલિયો રીઝવ્યો? દીકરા દીકરાએ એ ઘર વાસ્યાં નેણલે તે નાહોલિયો રીઝવ્યો. [‘ચૂંદડી’] આ પ્રમાણે લગ્નનાં લોકગીતો લોકોની લગ્નભાવનાને, લગ્નવિધિઓને, પ્રકૃતિ પ્રતિની દૃષ્ટિને, કાવ્યભરી કલ્પનાને અને સ્નિગ્ધ સરલ ભાષાને ઐતિહાસિક સાહિત્યમાં તેમ જ રસસાહિત્યમાં અગત્યનું સ્થાન અપાવે છે.