ધરતીનું ધાવણ/4.સર્વની રઢિયાળી રાત


4.સર્વની રઢિયાળી રાત

મહારાષ્ટ્રનું ગોડ આપણે ત્યાં કંઠસ્થ લોકસાહિત્યનાં સંશોધન, સંપાદન અને જાહેર વ્યાખ્યાન પ્રવૃત્તિના પ્રારંભ પછી રજપૂતાના, મહારાષ્ટ્ર, પંજાબ, સિંધ વગેરે પ્રદેશોમાં પણ તે જ પ્રવૃત્તિનો નાદ લાગ્યો છે. ઠેકઠેકાણે લોકગીતોના સુશિક્ષિત ગાયકો ઊભા થતા આવે છે. રસાનંદ રેલાય છે. ઉચ્ચ અભ્યાસદૃષ્ટિએ વિવેચનો પણ થાય છે; અને સર્વ દિશામાંથી એક સૂર તો નિશ્ચિતપણે ગાજી રહ્યો છે કે તળપદી લોકવાણીમાં ન ઉવેખી ને ન ગુમાવી શકાય તેવાં સાહિત્ય-બળો, ભાષાભંડોળ, ભાવસમૃદ્ધિ, કલ્પનાકુંજ અને ઇતિહાસ-પુરાવાની દૃષ્ટિ પડેલી છે. છેલ્લામાં છેલ્લો આ અવાજ મહારાષ્ટ્રમાંથી આવે છે. ગુજરાતના બાંધવ મહારાષ્ટ્રની પાસે એક ઠાવકો શબ્દ છે ‘ગોડ’. ‘ગોડ’નું ગુજરાતી ભાષાંતર ‘મીઠું’ કે ‘મધુર’ ન હોય, પણ ‘ગળ્યું’ હોય. ગળ્યું શબ્દ સૌરાષ્ટ્રીય છે. બાળકનો એ શબ્દ છે. લાડીલા શબ્દથી બાળક પોતાની ખાદ્ય વસ્તુની જે સ્વાદુતા દર્શાવે છે તે બીજો કોઈ શબ્દ દર્શાવી શકે નહિ. મહારાષ્ટ્રની વાઙ્મય-મીઠાઈમાં એ ‘ગોડ’ શબ્દ એમના લોકસાહિત્ય વિશે યોજાવા લાગ્યો છે. એમણે લોકસાહિત્યનું સંશોધન હજુ હમણાં જ કરવા માંડ્યું છે. મુગ્ધ શિશુના ભાવે તે સંશોધકો ને સંગ્રાહકો પોતાની માતાઓ બહેનો પાસેથી મેળવેલી ‘ગાણી’, ‘કહાણ્યાં’, ‘ઓખાણે’, ‘ઓવ્યા’ વગેરે કંઠસ્થ સ્ત્રીવાઙ્મયની સામગ્રી માટે આ ‘ગોડ’ એવું વિશેષણ વાપરતા થયા છે. મહારાષ્ટ્રી સ્ત્રીજીવનના આ પ્રાચીન સાહિત્યધનમાં પ્રથમ વાર વિવેચનોચિત ડોકિયું આપણને 1939માં શ્રી વામન કૃષ્ણ ચોરઘડેએ કાકાસાહેબ કાલેલકરની સહાય લઈને કરાવ્યું. એ નાનકડા પુસ્તકનું નામ ‘સાહિત્યાંચે મૂલધન’. એનો પરિચય મેં તે કાળે ગુજરાતને કરાવ્યો હતો. સાને ગુરુજી તે પછી આજે એ જ પંથના પ્રવાસી મહારાષ્ટ્રના સુવિખ્યાત ગ્રંથકાર શ્રી સાને ગુરુજી બન્યા છે. 1940 ને 1941ના એક જ વર્ષમાં તેમણે ‘સ્ત્રીજીવન’ નામના પુસ્તકના બે ખંડો આપણને સોંપી દીધા છે. એ સોંપણ કરીને પોતે એક સત્યાગ્રહી બની જેલમાં સિધાવે છે ને કહેતા જાય છે કે : “મી ગોળા કેલેલ્યા ઓવ્યા જ ન તેલા દેઉન ભી મોકલા હોત આહે : મેં એકઠાં કરેલ આ ઓવી-ગીતો જનતાને આપી દઈને હું હવે મોકળો બન્યો છું.” બીજો ભાગ તો એમણે સત્યાગ્રહના ગરમ બનેલા વાતાવરણ વચ્ચે, પોતાને જેલ જવાની ઘડીઓ ગણાતી હતી તે વચ્ચે, બે જ દિવસ ફાજલ પાડીને સંપાદિત કરી આપી દીધો. અભિજાત મરાઠી છંદ ‘સ્ત્રીજીવન’ના બીજા ભાગના દસમા પ્રકરણના પ્રારંભમાં શ્રી સાને ગુરુજીએ ફરગ્યુસન કૉલેજનો એક પ્રસંગ ટાંક્યો છે. પ્રો. પટવર્ધન એક દિવસ મરાઠી શીખવતા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે ‘તમને મરાઠી કાવ્યસાહિત્યનો અભિજાત છંદ કર્યો તે માલૂમ છે?’ વિદ્યાર્થીઓ ઉત્તર ન દઈ શક્યા. પછી પ્રોફેસર પટવર્ધને એકદમ કહી દીધું : ‘ઓવી. ઓવી જ મરાઠીનો અભિજાત છંદ છે. મરાઠી મહાકાવ્યોમાં આ વૃત્ત વપરાયું છે, આ વૃત્તમાં જ સ્ત્રીઓએ પોતાનાં સુખદુ :ખ દર્શાવ્યાં છે. તમને એકાદ કોઈ ઓવી આવડતી હોય તો ગાઈ બતાવશો?’ છોકરા હસ્યા કોઈને ઓવી આવડે નહિ. એટલે પ્રો. પટવર્ધને — પહિલી માઝી ઓવી, પહિલા માઝા નેમ, તુળશી ખાલી રામ. પોથી વાચી. એ ઓવી ગાઈને કહ્યું, ‘ઓવી વૃત્ત ફાર ગોડ : ઓવી વૃત્ત બહુ ગળ્યું છે’. આ ગોડ શબ્દ સાને ગુરુજીએ વારંવાર વાપર્યો છે. ઓવીનું લાઘવ ઓવી એટલે સાડાત્રણ અથવા ચાર ચરણોનું અક્કેક મોતી. પહેલા પ્રકારમાં બીજા અને ત્રીજા ચરણનું યમક આવે ને બીજા પ્રકારમાં બીજા ને ચોથા ચરણનું યમક. એ ગાવાનો એક વિશિષ્ટ લય હોય છે. આવી અઢી હજાર ઓવીનો સંગ્રહ સાને ગુરુજીએ એક અથવા બીજાં ગામોની સ્વજન સ્ત્રીઓ પાસેથી કરેલ છે. લોકસાહિત્યનો સંગ્રહ કોણ કરી શકે? કોને કરવો ફાવે? જેનાં મનપ્રાણમાં એ સાહિત્યનો રસ સિંચાઈ જઈ સારાય સર્જનનું બળ બની ગયો હોય તેને જ એ અધિકાર છે. બીજાઓ એ સાહિત્યને કેવળ પાંડિત્યદૃષ્ટિએ ન્યાય આપી શકે નહિ. નાનકડી ઉપનિષદો સાને ગુરુજી એક એવા અધિકારી પુરુષ છે. એ કહે છે : સ્ત્રીઓએ સ્વત : એવું સુંદર અભિજાત સાહિત્ય નિર્મિત કરેલ છે. કહાણીઓ, ગાણાં, ઓવી એ બધું સ્ત્રી-વાઙ્મય છે. કહાણીઓને તો પ્રોફેસર પોતદાર નાની નાની ઉપનિષદો જ કહે છે. આ કહાણીઓનું મારા ઉપર અપાર પરિણામ પેદા થયું છે. મારાં લખાણોમાંની સહૃદયતા ને સલુકાઈ મને કહાણીઓ પાસેથી મળે છે. કહાણીઓનો હું ઋણી છું. ઓખાણાં પણ અત્યંત કાવ્યમય છે. સૂચકતા એ જો કાવ્યનો આત્મા હોય તો ઓખાણાંને ઉત્કૃષ્ટ કાવ્યનાં નમૂના કહેવામાં અડચણ નથી. સ્ત્રીઓની નાનીમોટી હજારો ‘ગાણી’ છે. તેમાં પૌરાણિક આખ્યાનો છે. સંસારનાં સુખદુ :ખો છે. દેહ વિશેનાં ગાણાંમાં આધ્યાત્મિક વિચારો છે. કોઈ કોઈ વટસાવિત્રી સમી અતિ પવિત્ર લાંબી ગાણી મહાકાવ્યો સમી છે. વટસાવિત્રીનાં ગાણાં તો બી.એ.ના મરાઠી અભ્યાસક્રમમાં મૂકવા જેવા છે. “પરંતુ જે વાઙ્મયમાં સ્ત્રીઓએ પોતાના આત્માને સંપૂર્ણપણે ઠાલવેલ છે તે છે ઓવી. બાળકોને રમાડવાની, થાબડવાની, સુવરાવીને નીંદર કરાવવાની વગેરે આ ઓવીઓ સહજસ્ફૂર્તિથી રચાઈ છે. એમાં અપૂર્વ અકૃત્રિમ સહૃદયતા છે. એમાં વત્સલતાનો તો દરિયો છે. વચ્ચે વચ્ચે વિનોદની સુંદર છટા છે. અન્યોન્ય રસો પણ પ્રમાણસર પડેલા છે. એના પુકારો તો ભરપૂર પડ્યા છે. દળતાં દળતાં ને ખાંડતાં ખાંડતાં સ્ત્રીઓ ઓવી ગાતી હતી તેનો ઉલ્લેખ તો સાતમી ને આઠમી સદીમાં પણ છે. આવી અસંખ્ય ઓવી કંઠોપકંઠ ચાલી આવે છે. આ ઓવીઓની માધુરી વિશે હું શું કહું? તેની અંદરની ભાવનોત્કટતા વિશે હું શું લખું? મારી બહેન ઓવીઓ ગાતી ગાતી રડતી.” એમ કહીને ગુરુજી એક મોતી ટાંકે છે. માઝે કીં આયુષ્ય, ઉર્ણે કરી હે ગણયા, ઘાલ સખીચ્યા ચૂડેયા, મનુતાઈ ચા. [મારું જે કાંઈ બાકી આયુષ્ય હોય તે ઓછું કરીને, હે ગણેશ! તું મારી દીકરીના ચૂડામાં ઉમેરજે.] સુખની વાત છે કે આજ મોડા મોડા પણ સાચા મહારાષ્ટ્ર-પુત્રોને પોતાની નક્કર સંપત્તિનું ભાન થાય છે. મુગ્ધભાવ કોઈ જેવાતેવા માણસનો નથી, પણ પ્રૌઢ પાવરધા ગ્રંથકારોનો અને રીઢા અધ્યાપકોનો છે. રાજસ્થાની ત્રિપુટી આની પૂર્વે 1941ના જ વર્ષમાં શાંતિનિકેતનમાં લોકસાહિત્ય પર પાંચ વ્યાખ્યાનો આપીને પાછા વળતાં દિલ્હીમાં, હરિજન સેવક સંઘના મંત્રી શ્રી શ્યામલાલજીએ મારા હાથમાં ‘રાજસ્થાન કે લોકગીત’ના બે સંગ્રહો મૂક્યા. એ પ્રકટ કરનાર સંસ્થા કલકત્તાની ‘ધ રાજસ્થાન રિસર્ચ સોસાયટી’. એના સંપાદક ત્રણ વિદ્વાનો છે : શ્રી નરોત્તમદાસ સ્વામી, એમ.એ. (ડુંગર કૉલેજના હિન્દીના પ્રાધ્યાપક), ઠાકર રામસિંહ, એમ.એ. અને સ્વ. સૂર્યકરણજી પારીક, એમ.એ. તેમણે એકઠાં કરેલાં હજારેક ગીતો પૈકી 230નો આ સંગ્રહ હજુ તો 1938માં પ્રકટ થયો છે. પ્રકટ કરવાનું કારણ સોસાયટીના મંત્રીના ‘દો શબ્દ’માં છે : અશ્લીલ પ્રકાશનો “લોકગીત તો દેશના આત્માનાં પરિચાયકો છે. લોકગીતોમાં દેશનું ચરિત્ર, લોકોના મનોભાવ અને માતૃજાતિની પ્રતિભા ભરી છે. રાજસ્થાનના અન્ય સાહિત્યની જેમ એનું લોકસાહિત્ય પણ ઉચ્ચ કોટિનું છે. લોકગીતોનો સંસાર તો એનો પોતાનો જ નિરાળો છે. પરંતુ કલકત્તા અને જયપુરના ધનલોલુપ પ્રકાશકોએ રાજસ્થાની લોકગીતોને ખરાબમાં ખરાબ સ્વરૂપે જનતાની સામે ધર્યાં. લોકો વર્ષોથી એ વાંચે છે. તેથી ઈતર પ્રાંતની વ્યક્તિઓના અંતરમાં અમારાં લોકગીતો વિશે જે માન્યતા વસી હોય તે તો ખેર, પણ શહેરોના નિવાસી અમારા જ સમાજના સમજદાર માણસોમાં એવી માન્યતા ઠસી હશે કે અમારું લોકસાહિત્ય અતિ હીન કોટિનું છે. કલકત્તાના અમુક પ્રકાશકોએ તો અશ્લીલ રૂપે જનતાની સામે આ ગીતો ધર્યાં ને જખમ પર મીઠું ભભરાવવા માટે સાથે અશ્લીલ ચિત્રો જોડી દીધાં. અમે એની સામે આંદોલન ઉઠાવ્યું, તો અમને ઘણાએ કહ્યું કે આને જ મળતાં ગીતો અમારા ઘરઘરની સ્ત્રીઓ ગાઈ રહી છે. સાંભળીને હૃદય ફાટી ગયું. તે જ ક્ષણે ઇચ્છા થઈ કે સમાજને પોતાના ગૌરવરૂપ લોકસાહિત્યનો કંઈક રસાસ્વાદ કરાવવો.” માત્ર શ્રેષ્ઠ જ નહિ આપણી ‘રઢિયાળી રાતો’ની માફક આ સંગ્રહની પણ સુદીર્ઘ રસાસ્વાદક પ્રસ્તાવનામાં વિદ્વાન સંપાદક-ત્રિપુટીએ લખ્યું કે “રાજસ્થાની લોકગીતો એના સૌંદર્યે અનોખાં છે. પરંતુ આધુનિક કહેવાતી સભ્યતા અને શિક્ષણના પ્રવાહમાં પડીને એ પ્રતિદિન વિસ્મૃતિના ગર્ભમાં વિલીન થઈ રહેલ છે. એના ઉદ્ધાર તેમજ રક્ષણને માટે જો આપણે આજથી જ પ્રયત્નશીલ નહિ બનીએ તો આપણો એ અમૂલ્ય ખજાનો તરતમાં જ હાથથી ખોઈ બેસશું. સુબુદ્ધિ તો એમને આ સૂઝી કે “આ સંકલનને તૈયાર કરવામાં કેવળ સર્વશ્રેષ્ઠ ગીતો જ સંગ્રહાય એમ ન રાખતાં બને તેટલા વધુ વિષયોનાં ગીતો સંઘરવાની દૃષ્ટિ રાખી છે.” સૌંદર્યમુગ્ધ રાજસ્થાનીઓ આ લોકગીતોનાં દર્શને સંપાદકો મુગ્ધ બન્યા છે. એ સૌંદર્યમુગ્ધતાને વ્યક્ત કરતાં તેઓ ઉચ્ચારે છે કે “માનવજીવનની, એના ઉલ્લાસની, ઉમંગોની, કરુણાની, રુદનની, સમસ્તની કહાણી આ ગીતોમાં અંકિત છે. ખબર નથી કે કેટલો કાળ ચીરીને એ ચાલ્યાં આવે છે. કાળનો વિનાશકારી સ્વભાવ એને જરીકે બગાડી શક્યો નથી. સર્વભક્ષી કાળના એને મિટાવી દેવાના પ્રયત્નની નિષ્ફળતા પર હસતાં આ ગીતો જનતાની જીભ પર નાચી રહેલ છે. કાળ ખિજાય છે, એને ભાંગે છે, મરડે છે, પણ મિટાવી નથી શકતો. કાળાન્તરમાં એનાં બાહ્ય સ્વરૂપો બદલાય છે. ભાષાનું આવરણ ધીરે ધીરે બદલાય છે. પણ ભીતરી પ્રાણતત્ત્વમાં કંઈ ફરક પડતો નથી.” કેટલાં મનોરમ, કેટલાં હૃદયસ્પર્શી ને કેટલાં સ્વાભાવિક છે આ નારી-ગાન! અંત :સ્તલની તંત્રીના એક-એક તારને ઝંકારી મૂકતાં આ ગાનને સુધારાના કૃત્રિમતાપૂર્ણ વાતાવરણમાં રહેનાર શાસ્ત્રીય કળાકારની વાણી કઈ રીતે પહોંચી શકે? “નારી-હૃદયમાં જ્યારે જ્યારે સુખદુ :ખ, આશા-નિરાશા કે ઉમંગ-આઘાતની પ્રબળ લહરી ઊઠી ત્યારે ત્યારે એ ગીતના રૂપમાં વ્યક્ત થઈ. એણે પોતાના સારા વા બૂરા કોઈપણ ભાવને નિષ્કપટપણે શબ્દારૂઢ કર્યા. એમાં સરલ છલહીનતા છે. ભાવગોપનની વૃત્તિ ક્યાંક નથી મળતી.” દેશદેશાન્તરોનાં લોકગીતો વચ્ચે નિજસંપત્તિના સામ્યનું દર્શન કરાવતાં સંપાદકો લખે છે કે “માનવહૃદય સર્વત્ર એ-નું એ જ છે. એ જ કારણે સંસારભરના લોકસાહિત્યમાં સર્વત્ર એક જ અંતર્ધારા વહેતી રહી છે. એમાં કેવળ ભાષાની જ ભિન્નતા છે”. એમ કહીને એ સંપાદકો આપણાં ‘ચૂંદડી’, ‘રઢિયાળી રાત’ વગેરેનાં ગીતો સાથે રાજસ્થાની સમાન ગીતોનો, ટીપ ભરીને હવાલો આપે છે ને પ્રતીતિ કરાવે છે કે ગુજરાત-રાજસ્થાનની સંસ્કૃતિ અભિન્ન છે. આ સામ્ય કેટલું સુંદર છે! — રાજસ્થાની ગુજરાતી સાત સાહેલી પાણીડે ને નિકલી સાત સાહેલી પાણી રે ગ્યાં’તાં. સાતું એક ઉણિયા રે, હો રામ સૈયર મેણાં બોલ્યા હો રામ; ભરણ ગઈ જલ જમના કો પાણી પાણીડે ગ્યાં’તાં રામની વાડી, સાતું કી સાતું યો ઉઠ બોલી અમે રે પરણ્યાં ને તુલસી કુંવારાં. તુળછા ઓડ કુંવારા હો રામ એવા સૈયર મેણાં, બોલી હો રામ, — ભરણ — પાણીડે રોવત ઠિણગત બાઈ તુળછાં ઘર આઈ ઘેર આવી તુલસી ઢોલિયા ઢાળે, તો બાબો લી ગોઠ બિઠાઈ હો રામ ઢોલિયે ચડી તુલસી પોઢ્યાં હો રામ

— પાણીડે

કૈ બાઈ થાને ચાંદો વર હેરાં કો’તો તમને તુલસી સૂરજ પરણાવું કૈ સૂરજ વર હેરાં હો રામ ચંદર વરનાં માંગાં હોય રામ

— ભરણ	— પાણીડે

ચાંદો તો બાબોજી ચકમક ઉગૈ, સૂરજના દાદા! તેજ ઘણેરાં, તો સૂરજકી કિરણ ઘણેરી હો રામ ચંદર રાતે ખંડત હો રામ — ભરણ — પાણીડે [‘રાજસ્થાન કે લોકગીત’]          [‘રઢિયાળી રાત’]

મેંદી રંગ લાગ્યો આવાં આવાં તો સંખ્યાબંધ રાજસ્થાની સહોદરોની મને આ સંગ્રહોમાં ભાળ મળી. આપણું સુપ્રસિદ્ધ મસ્ત વિનોદી ગીત ‘મેંદી રંગ લાગ્યો રે’ (માનેતીની આંખ : ‘ર. રા.’) અને રાજસ્થાનનું ‘મહંદી’ (‘રાજસ્થાન કે લોકગીત’ : 64) બન્ને વચ્ચે કથાનું તેમ જ શબ્દોનું સામ્ય હોવા છતાં તેમાં ગુજરાતી ગીતની જે માર્મિકતા ‘તારી માનેતીની ઊઠી આંખ’ વાળા સંદેશામાં છે તે રાજસ્થાનીમાં નથી. પ્રથમ તો એમાં આપણી રીતે વાટીઘૂંટીને વાટકા ભરી ભાભીના હાથ રંગાવવાના કોડેભર્યો દેર નથી. એમાં સ્ત્રીએ પરદેશવાસી પતિને બધાં જ ગંભીર બહાનાંવાળા સંદેશા મોકલીને પછી છેલ્લું બહાનું ‘થારી નાર મુઈ ઘર આય’ એમ કહાવ્યું છે. એમાં ખૂબી નથી. ખૂબી તો ગુજરાતે જ બતાવી, ‘તારી માનેતીની ઊઠી આંખ’ એમ કહીને. પણ એથી ઊલટું રાજસ્થાની પાઠમાં જે છેલ્લી માર્મિકતા છે તે ગુજરાતી પાઠમાં નથી. ઘેર પહોંચતો પતિ બધાં જ સ્વજનોને જીવતાં નિહાળે છે. પોતાને છલ કરી બોલાવવા માટે ગોરીને ટકોર કરે છે ત્યારે સ્ત્રી મીઠી દાઝ કાઢે છે કે — ચ્યાર ટકારી થાંરી નોકરી, લાખ મોહરકી મ્હારી રાત

સોદાગર મહંદી રાચણી.

નેડેકી કરલ્યો રાજન ચાકરી, સાંઝ પડ્યા ઘર આવ — સોદાગર [તારી ચાર ટકાની નોકરી વધુ કીમતી કે મારી લાખ ટકાની રાત! માટે, હે સ્વામી, કોઈ નજીકની નોકરી ગોતી લ્યો, ને રોજ સાંજ પડ્યે ઘેર આવતા જાઓ.] તેજમલ અને સજના લોકસંસ્કૃતિના આંતરપ્રાંતીય વિચારનીરની આવ-જા અને આપ-લે તો, લોકસમૂહની આવ-જાની સાથે જ થતી રહી છે. પણ તે આપ-લે ઊછીઉધારાં જેવી કે નરી નકલ જેવી ન હોતાં નિજ નિજની ભોમને ભાવતી સંસ્કાર-ભાતે કેવી સુશોભિત બની છે! ‘ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે’ એ ગીત-પંક્તિ કાને પડે છે, ને તમારામાંના કંઈકના ચક્ષુ સમીપ ‘તેજમલ’ની તેજમૂર્તિ ખડી થતી હશે. ઠાકોરની એ નાનેરી દીકરીએ પુરુષવેશ સજીને દુશ્મનોનાં દળકટક વાઢ્યાં હતાં પણ શત્રુઓનાં સંહાર કરતાંયે એનું વધુ મોટું પરાક્રમ તો એણે પોતાનો નારી-સ્વભાવ છુપાવવામાં દાખવ્યું હતું. ઠાકોરનો દીકરો બનીને એણે પોતાના વતનની રક્ષા કરનાર વીર-સેના ભેળી કરી હતી. (તેજમલ ઠાકોર : ‘ર.રા.’) જેવું પ્યારું અને રોમાંચક આપણા ગુર્જરોને તેજમલનું નામ છે, તેવું જ પ્રેરક અને પ્રોત્સાહક નામ રાજસ્થાનમાં ‘સજના’નું છે. તેઓની ‘સજના’ ને આપણી ‘તેજમલ’ એકનાં એક છે, એક છતાં એકબીજાની નકલ માત્ર નથી, ફોટોગ્રાફી માત્ર નથી. ભાષાએ અને સંસ્કારે એક છતાં ભાવે અને કલ્પનાશક્તિએ ભિન્ન, એવા બે લોકવિરાટનાં બે જુદાં સર્જનો છે. એ ભિન્નતામાં સામ્ય અને સામ્યમાં ભિન્નતા, એ તો લોકસાહિત્યનું રમ્ય લક્ષણ છે. ‘તેજમલ’નો ઉઘાડ કરતી પંક્તિઓ આ રહી : ઉગમણી ધરતીના, દાદા! કોરા કાગળ આવ્યા રે એ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે ‘સજના’નો ઉઘાડ આમ છે : બૈઠ્યા બાબોજી તખત બિછાય, કાગદિયા તો આયા લે બાબાજી રે હાડેરાવ રા. ત્યારે સજના દીકરી પૂછે છે : કાગદ, બાબાજી, મ્હાને બાંચ સુણાય, કાંઈ રે હે લિખ્યો છે બાબાજી કોરે કાગદાં? આપણી તેજમલ દાદાને પૂછે છે : શીદને રુવો છો, દાદા! અમને સંભળાવો રે. સજનાને એના બાબા ઉત્તર આપે છે : કાગદ બાઈજી વાંચ્યા એ ન જાય છાતી તો ફાટે, એ બાઈ સજના, હિવડો ઉજળે. [હે બાઈ! કાગળ તો વાંચ્યા જાય તેવા નથી. છાતી ફાટે છે ને હૈયું વ્યાકુળ બને છે.] સજનાના પિતા પર, મોટા રાજા હાડેરાવજી જયમલે કાગળમાં શું લખ્યું છે? એવડછેવડ લિખી છે સાત સિલામ બીચમેં તો લિખિયો, એ બાઈ સજના, વેગ પધારણા. સોરઠી ગીતની પંક્તિઓ એ જ છે : કોરે મોરે લખિયું છે સાત સલામું રે વચાળે લખી ચાકરી રે લોલ. અને તેજમલના દાદા પરના કાગળમાં : દળકટક આવ્યું, દીકરી, વારે કોણ ચડશે રે! સજનાના બાપ નાના ઠાકોર છે ને એને મોટા રાજા હાડેરાવ કાનૂન પ્રમાણે બાર વરસની લશ્કરી નોકરી પર હાજર થવા બોલાવે છે. જાગીરના બદલામાં આ રીતે જાગીરદારે પોતે કે એના પુત્રે મોટા રાજની ફોજમાં નોકરી ઉઠાવવી પડતી. ‘બાર વર્ષ’ શબ્દને લોકગીતમાં મોટું સ્થાન છે. એનો અર્થ લાંબી મુદત એટલો જ કરવાનો રહે છે. તેજમલનો બાપ પણ નાનો ઠાકોર છે; એની રિયાસત પર શત્રુઓ ચડ્યા છે. પણ સામે સૈન્ય લઈ કોણ ચડે? દાદા વૃદ્ધ છે, અને — સાત સાત દીકરીએ દાદો વાંઝિયા કે’વાણા રે! સાત દીકરી છે, દીકરો એક પણ નથી. એ જ દશા સજનાના બાબાની હોવી જોઈએ. તેજમલ શો તોડ કાઢે છે? હૈયે હિમ્મત રાખો દાદા! અમે વારે ચડશું રે સજના શો ઉકેલ બતાવે છે? — થે મારા બાબાજી, બેદિલ મત હોય, બારે તો વરસાં લગ કરસાં ચાકરી. [તું, ઓ મારા પિતા, બેદિલ ન બનજે. હું જઈને બાર વરસ સુધી હાડેરાવની નોકરી ભરી આવીશ.] તે પછી તુરત સજના તો મરદ-વેશ ધારણ કરીને, ઢળતી રાતે ઊંટ પર ચડી ચાલી નીકળે છે — કરિયા સજના મરદાના-ભેસ કરલા લલકાર્યા એ બાઈ સજના ઢળતી રાતરા. પરંતુ આપણી તેજમલના દાદા એટલી ઝડપે મનનું સમાધાન પામે તેવા નથી. એ તો સ્તબ્ધ બને છે દીકરીની ધૃષ્ટતા ભાળીને! એને વિમાસણ થાય છે કે તેજમલ પોતાનું નારીત્વ કેમ કરીને છુપાવશે? ને એક સ્ત્રીની સરદારી નીચે રજપૂત લડવૈયાનું મેલાણ કેમ કરીને થઈ શકશે? બાપ-દીકરીની વચ્ચે સંવાદ ચાલે છે : પ્રશ્ન : માથાનો અંબોડો, તેજમલ, અછતો કેમ રે’શે રે! ઉત્તર : માથાનો અંબોડો, દાદા, મોળીડામાં રે’શે રે. [હે પિતા! અંબોડાને તો હું મારી પાઘડીમાં લપેટી લઈશ.] પ્રશ્ન : કાનના આકોટા, તેજમલ, અછતા કેમ રે’શે રે? ઉત્તર : કાનના આકોટા, દાદા, બુકાનીમાં રે’શે રે. પ્રશ્ન : હાથનાં ત્રાજવડાં, તેજમલ, અછતાં કેમ રે’શે રે? ઉત્તર : હાથનાં ત્રાજવડાં, દાદા, બાંહોડલીમાં રે’શે રે. [યોદ્ધાની અંગરખીની બાંય હંમેશાં લાંબી હોય છે, એટલે છૂંદણાં છુપાવી શકાશે.] પછી તો મૂંઝવણ આગળ વધે છે : પ્રશ્ન : દાંત રંગાવેલ, તેજમલ, અછતા કેમ રે’શે રે? ઉત્તર સહેલો નથી. રાતા રંગાવેલ દાંતને છુપાવવાનું કોઈ સ્થૂળ સાધન નથી. પણ ડાહી તેજમલને એ છુપાવવાની બૌદ્ધિક આવડત છે. ઉત્તર : નાના હતા તે દી મોસાળે ગ્યા’તાં રે ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે [હે પિતા! શંકા કરનારને હું આવો ખુલાશો કરીશ કે હું બાળપણમાં મોસાળમાં ગયેલ ત્યાં મારી હોંશીલી મામીએ વહાલ કરીને મારા દાંત રંગાવેલા.] યાદ રાખજો, ‘નાના હતા ત્યારે’. મોટપણે કોઈ મામી પુરુષ-ભાણેજને આવું મીઠી હાંસીભર્યું વહાલ કરે નહિ ખરી ને! પ્રશ્ન : નાક વીંધાવેલ તેજમલ અછતાં કેમ રે’શે રે? ઉત્તર : અમારા દાદાને અમે ખોટના હતા રે. ખોટના હતા તેથી નાક વીંધાવ્યાં રે! સાત બહેન ઉપર આવેલ એક ભાઈ ખોટનો કહેવાય. પણ છઠ્ઠીના (જન્મ પછી છઠ્ઠા દિવસની રાતના) ભાગ્યલેખ લખવા વિધાતાદેવી આવે ત્યારે દીકરો દેખીને રખે વહેલું મૃત્યુ લખી નાખે, એટલે વિધાતાને છેતરવા માટે નાક વીંધાવેલું કે જેથી કરીને વિધાતા ‘આ તો છોકરી છે!’ એમ વીંધાવેલ નાક પરથી માની લઈને અમંગળ કશું લખ્યા વગર ચાલી જાય! આવું આવું હું મને પ્રશ્ન કરનારને સમજાવી દઈશ, હો પિતા! એમ તેજમલ કહે છે. આ આખીય લાક્ષણિક વાતચીત રાજસ્થાનના ‘સજના’ ગીતમાં ગેરહાજર છે. મરદાના-વેશનો મરોડ ઓઠી (ઊંટસવાર)નો મરદાના-વેશ ધારણ કરનારી સજના પૂછતી પૂછતી હાડા રાજા જેમલને મહેલે જઈ પોતાનું ગાયડમલ એવું નામ પોકારી ઊભી રહે છે. પોતાની હાજરી (પેલા તાબેદાર પટાવના પુત્ર તરીકે) નોંધાવે છે. બીજી તરફ આપણી બુકાનીદાર ને મોળીડે શોભતી તેજમલ, અંગરખીની લાંબી ચાળોમાં છૂંદણાં છુપાવતા કરડા મરદવેશે, દાદાના દીકરા તરીકે, ગામેગામથી જુવાન જોદ્ધાઓને હાક મારતી કટક જમાવે છે ને શત્રુ પર ત્રાટકવા તત્પર ઊભી છે. પરીક્ષાના પ્રકારો તે પછી તેજમલ અને સજના બેઉની પરીક્ષાનો પ્રારંભ થાય છે. તેજમલ સ્ત્રી છે કે પુરુષ તેનાં પારખાં એના સાથી સૈનિકો કરે છે. સજનાની પરીક્ષા તો ખુદ હાડેરાવ માંડે છે. ઓછામાં પૂરું, હાડેરાવની મદદમાં તો એની ભાભી જ છે. એટલે એ પરીક્ષા વધુ ખૂબીદાર બને છે. આંહીં કલ્પી લેવું રહે છે કે હાડેરાવ યુવાન રાજવી છે, ને તેણે ‘સજના’ને પોતાની તહેનાતમાં રાજમહેલમાં જ નોકરી પર ગોઠવેલ છે. કારણ તો સ્પષ્ટ છે કે એ મરદાના-વેશી સજના પર યુવાન રાજવીને છૂપું આકર્ષણ ઉદ્ભવ્યું હોવું જોઈએ. ઘણું મથે છે પણ હાડેરાવ કળી શકતો નથી. નેણાં નારીનાં દીસે છે, પણ બોલી મરદની છે! (‘મર્ચન્ટ ઑફ વેનિસ’ની પોર્શિયાએ પણ બેરિસ્ટરવેશ ભજવવા સારુ કંઠ બદલી નાખ્યો હતો ને!) એ મીઠી મૂંઝવણ હાડેરાવ પોતાની ભાભી પાસે મૂકે છે : ભાભી, મ્હાંને અચરજ હોય, નૈણા નારીરા ઐ, આ બોલી બોલે મરદરી. ભાભી માર્ગ બતાવે છે — એક વાર, દેવર, બાગાંમે લે ચાલ, વેરો તો પાડાં, ઓ દેવરિયા, નારી-મરદરો. [હે દેરજી, એકવાર એ તારા સૈનિકોને બાગ-બગીચામાં લઈ જા. ત્યાં એ નારી છે કે મરદ તેનું પારખું પડી રહેશે.] શું થશે? નારી હોય નો પડ્યાં-રિડ્યાં ફળ ખાય મરદ હુવે તો તોડે ફૂલ ગુલાબરો. [નારી હશે તો નીચે પડ્યાં ફળ વીણી ખાવા લાગશે. ને મરદ હશે તો ગુલાબનું ફૂલ તોડશે.] હાડેરાવે એ મુજબનું કર્યું ને પોતે પોતાના વર્તનથી સજનાને થાપ દેવાની કળા કરી. પણ સજનાએ ભૂલ ખાધી નહિ. એ સાવધ હતી. રાણા જૈમલ પડ્યાં રિડ્યાં ફળ ખાય, ગાયડમલરી સજના ઓ તોડે ફૂલ ગુલાબરો. જુદે જુદે અંતરે રાજા જયમલ આ રમણીય મૂંઝવણ અનુભવે છે, ભાભીને વહારે બોલાવે છે. ભાભી ત્રણ પારખાં બતાવે છે : એક વાર, દેવર, લે ચલો, સમંદ-તળાવ વેરો તો પાડાં, ઓ દેવરિયા, નારી મરદરો, નારી હોય તો ઈરાં-તીરાં ન્હાય મરદ મૂંછાલો ઓ ન્હાબે સમંદ ઝકોળ કૈ. રાજા જેમલ ઈરાં-તીરાં ન્હાય ગાયડમલ રી સજના તો યા ન્હાબે સમંદ ઝકોળ કૈ. સમંદર સમા તળાવે લઈ જા. સ્ત્રી હશે તો કાંઠે બેઠી નાહશે ને મુછાળો મરદ હશે તો સરોવરનાં સમંદર-જળમાં ઝંપલાવી, નીર ડહોળીને નાહશે. જયમલ રાજા સજનાને થાપ ખવરાવવા તીરે બેસી નાહ્યો, પણ ગાયડમલ સજના તો પુરુષ-લક્ષણો પ્રત્યે પૂરી સાવધાન હતી, એ તો સરોવરના સમુદ્ર-નીરમાં ઝંપલાવીને નાહી. ત્રીજી કસોટી : એક બાર, દેવર, રાય રસોઈ લે ચાલ

નારી હોય તો ધીરે ધીરે ખાય મરદ મૂંછાલો તો ઝટ દે જીમ ચળુ કરૈ. [સાથે જમવા તેડી જા. સ્ત્રી હશે તો ધીમે ધીમે જમશે, પુરુષ હશે તો ઝટ ઝટ જમી લઈ ચળુ કરશે.] એ પારખામાં પણ સજના જીતી ગઈ. પછી છેલ્લી પરીક્ષા સૂચવાય છે : એક વાર, દેવર, સેજાંમેં લે ચાલ,  નારી હોય તો ફૂલ જાવે મુરઝાય મરદ મૂંછાલો રી સેજાં, ઓ દેવર, સળવટ ના પડે. [પોતાની સાથે સજનાને એક જ સેજમાં સુવાડવાની વાત આવી. સ્ત્રી હશે તો ફૂલની માફક ચીમળાઈ જશે ને પુરુષ હશે તો દિલમાં કંઈ સંકોચ નહિ રાખે!] આવી ઉગ્ર પરીક્ષાનું પરિણામ શું આવશે? ગીતના શ્રોતાઓ (કે વાચકો)! તમે અધીર બનશો. તમારા શ્વાસ અધ્ધર ચડી જશે. હૈયું ફફડી ઊઠશે કે શું થશે? શો બચાવ જડશે! એનો નિકાલ લોકકવિ ખરી ચમત્કારિક રીતે લાવે છે. એ કહે છે કે તે જ દિવસે સજનાની ચાકરીનાં બાર વરસ (મુકરર સમય) ખતમ થઈ ગયાં. પછી એને રોકાવાનું બંધન નહોતું. હો ગઈ સજના ઘુડલે અસવાર દિન તો ઉગાયો એ બાઈ સજના બાબાજી રે દેસમેં ઉળંગી સજના સમંદ-તળાવ ચૂડલો તો દિખાયો બાઈ સજના બાંવે હાથ રો. ઉઠ ઓ બાબાજી, ઢકિયો ફળસો ખોલ બારે બરસાં રી ઓ બાઈ સજના કર આયી ચાકરી. [એ કટોકટીની રાત પડી કે તત્કાળ સજના ઘોડે ચડી ચાલી નીકળી. રાતભર મજલ ખેંચી. પ્રભાતે તો પિતાના વતનમાં પહોંચી ગઈ અને પોતાના હાથનો ચૂડલો બતાવી (પોતે પરિશુદ્ધ રહી છે તેની એંધાણી તરીકે?) એણે હાક મારી, ‘ઊઠો, ઓ પિતા, કમાડ ખોલો, બાર વરસની નોકરી પુરાવીને હું પાછી આવી પહોંચી છું.’] આપણી તેજમલની પરીક્ષા આ કરતાં સહેજ જુદી ઢબે થાય છે. શંકાશીલ સાથીઓ ગોઠવે છે કે — ચાલો મારા સાથી, આપણ દોશીડા હાટ જઈએ રે દોશીડા હાટ જઈએ ને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એનાં પાઘડીએ મન મો’શે રે અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો’શે રે સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે તેજમલ ઠાકોરિયાએ પાઘડલી મૂલવિયું રે એ જ રીતે બીજી ખરીદી કરવા લઈ ગયા. પણ તેજમલે તો પુરુષોચિત વસ્તુઓનો આગ્રહ બતાવ્યો. પછી છેલ્લી પરીક્ષા નદીએ નાહવા જવાની આવે છે. એના શબ્દો બરાબર ‘સજના’ના ગીતને મળતા છે : ચાલો મારા સાથી, આપણ નદીએ ના’વા જઈએ રે. નદીએ ના’વા જઈએ ને અસતરી પારખીએ રે. અસતરી હશે તો એ કાંઠે બેસી ના’શે રે, પુરુષ હશે તો એ દરિયો ડોળી ના’શે રે. સઘળા સાથીડા તો કાંઠે બેસી ના’યા રે, તેજમલ ઠાકોરિયો તો દરિયો ડોળી ના’યો રે. પારખામાં વિભેદ તેજમલનાં પારખાં અને સજનાનાં પારખાં મોટે ભાગે ભિન્ન છતાં લોકવિદ્યાના રહસ્યની દૃષ્ટિએ એક જ છે. બેઉમાં ભૂલથાપ દેવાની કરામત એક જ પ્રકારની છે. સજનામાં જે છેલ્લી ટોચરૂપ કસોટી છે તે તેજમલમાં નથી. કારણ સ્પષ્ટ છે. સજનાને ને તેજમલને જુદાં જુદાં જ ક્ષેત્રો ખેડવાનાં હતાં. સજનાને ચાકરી પૂરી કરી ચાલ્યા જવાનું હતું. તેજમલને શત્રુઓ પર જીત મેળવીને વળવાનું હતું. સજનાની લીલાભૂમિ યુવાન રાજવી જયમલના મહેલમાં અંગત જીવનમાં હતી, તેજમલની લીલાભૂમિ રણાંગણ હતું. સજના વધુ રહસ્યમયી ને કૌતુકભરી છે. તેજમલ વધુ તેજસ્વિની છે. બેઉ ગીતો પર નિજનિજ કવિકળાની ન્યારી ન્યારી નકશી છે. બન્ને પોતપોતાની જ જન્મભોમનાં રાષ્ટ્રગીતોને ઉચ્ચ પદે બિરાજે છે. ચમારણનું ગીત ‘રાજસ્થાની લોકગીત’નાં આપણાં સંખ્યાબંધ લોકગીતોના એવા, નિજ નિજ તળપદા સંસ્કારે સુરમ્ય ને લાક્ષણિક સામ્ય પર વધુ ન થોભતાં પ્રત્યેક પ્રાંતના લોકગીતોપાસકોએ જે સૌંદર્ય-મુગ્ધતા અને અભ્યાસદૃષ્ટિ દાખવી છે તે નિહાળવા માટે આપણા શ્રી રામનરેશ ત્રિપાઠીએ સંપાદિત કરેલ ‘ગ્રામગીત’ તરફ વળીએ. રામનરેશ ત્રિપાઠી પ્રયાગમાં હિન્દી મંદિર ચલાવનાર શ્રી રામનરેશનું ઉર્દૂ, હિંદી અને સંસ્કૃત લલિત વાઙ્મયનું બહોળું તેમજ ઊંડું અવગાહન એમના ‘કવિતા-કૌમુદી’ નામના પહેલા ચાર દળદાર સુભાષિત-સંગ્રહો દ્વારા સુપ્રસિદ્ધ છે. 1922-23માં એ વિદ્વાન રસાત્માની નિગાહ ગ્રામલોકોના દુ :ખસંવેદિત સંસાર તરફ ખેંચાઈ. એક દિવસ જાનપુરથી પ્રયાગ આવતાં સ્ટેશન પર ચમાર અને અહિર મર્દોને આજીવિકા અર્થે કલકત્તા તરફ વિદાય દેતી સ્ત્રીઓનું છાતીફાટ આક્રંદ એમણે સાંભળ્યું. મર્દોને ઉઠાવીને ટ્રેન ચાલી નીકળી ત્યારે એ જાહેર વિલાપ-પ્રદર્શનની નિર્બળતા પર વિચાર કરતા ઊભેલા આ વિદ્વાને એ જ સ્ત્રીઓને કંઠેથી ‘પરદેશી’ના ગીત ઊપડતાં સાંભળ્યાં. એમાંના એક ગાનની એક કડી એના કાનમાં ગુંજતી રહી : રેલિયા સવતો મોરે પિયાકે લઈ કે ભાગી. [મારી શોક્ય રેલગાડી મારા પિયુને લઈને ભાગી.] કેમ આકર્ષાયા! એ લખે છે : “રેલગાડીનું શોક્ય નામે સંબોધન સાંભળી હું ચોંકી ઊઠ્યો. આ તો બિલકુલ નવી ઉપમા! કોઈક સ્ત્રીનું જ રચેલું આ ગીત હશે. નહિ તો આવી મર્મની વાત કહેવાની આ જમાનામાં ફુરસદ કોને? શું સ્ત્રીઓ પણ કવિતામય હૃદય ધરાવે છે! હું એ કડીની સાથે જ આ વાતને વિચારી રહ્યો. સેંકડો વર્ષ પૂર્વે કવિ રહીમે સ્ત્રીઓના વતી એક ‘બરવો’ કહ્યો હતો. જેમાં શોક્યની તુલના હંસણીને અપાઈ છે. મને યાદ આવ્યું : પિય સન અસ મન મિલિયુ જસ પય પાનિ હંસિનિ ભઈ સવતિયા, લઈ બિલગાનિ. [પિયુ સાથે મારું મન એવું મળેલું કે જેવાં દૂધપાણી મળેલાં હોય. પણ શોક્યે હંસણી બનીને અમારાં બેઉ હૈયાંને જુદાં પાડ્યાં.] “પણ આ તો પયથી પાણી જુદું પાડવાનો હંસ-હંસણીનો કલ્પિત ગુણ, પક્ષી-વિશારદના કથનાનુસારનો નહિ; ને આંહીં રેલગાડી તો પ્રત્યક્ષ શોક્યનું કામ કરી ગઈ. એ પતિને લઈને ભાગી જાય છે. મને એ ગીત રચનારીની સરસતા અતિ મધુર લાગી. તે દિવસથી હું ગ્રામગીતો સંગ્રહવા આકર્ષાયો. “એક દિવસ મેળામાં ગ્રામનારીને મોં એથી એક કડી સાંભળી — હમ ચિતવત તુમ ચિતવત નાહીં તોરી ચિતવન મેં મન લાગો પિયા. મશ્કરી કરેલી “મને અનુભવ થયો કે મારામાં ફૂટેલાં અંકુરને કોઈએ સિંચન કર્યું. મારો જન્મ ગામડામાં થયો છે, પ્રારંભનાં અઢાર-વીસ વર્ષ મેં ગામડામાં જ ગાળેલાં છે, ગ્રામજીવનની રીતરસમથી હું ઠીક ઠીક પરિચિત છું, અને ગ્રામપ્રદેશોની જનતામાં પ્રચલિત દોહા, ચોપાઈ, સવૈયા, કવિત આદિને હું બચપણથી જ જાણું છું. પણ મોટો થયા છતાં, હિન્દી કવિઓથી પરિચિત છતાં હું ગ્રામીણ કંઠસ્થ સાહિત્યને ગમારોની વાણી સમજી એની અવગણના કરતો હતો ને પ્રસંગ પડતાં એની મશ્કરી પણ ઉડાવતો હતો. પરંતુ તે દિવસની રેલગાડીની ઘટનાએ મારા પ્રવાહને પલટી નાખ્યો. હું ચારેય ગમ ભાષાની શોધ કરતો હતો. તે દિવસથી હું ભાવોની મીઠાશ શોધવા લાગ્યો. મધની માખી ફૂલો પર લુબ્ધ નથી બનતી. એ તો મધુ શોધે છે. બરાબર એવી જ પ્રવૃત્તિ મારી બની ગઈ. હવે હું ગ્રામીણ ગીતો ધ્યાનથી સાંભળવા લાગ્યો. અને એમાં છુપાયેલા એક પ્રાચીન પણ મારે માટે તો બિલકુલ નવીન જગતનું ચિત્ર જોવા લાગ્યો.” હાથમાંનો દીવો વર્ષો સુધી યુક્ત પ્રાંત [ઉત્તરપ્રદેશ], બિહાર, રજપૂતાના આદિ પ્રદેશો ઘૂમીને શ્રી ત્રિપાઠીજીએ દસ-બાર હજાર ગીતો મેળવ્યાં, એમ પોતે કહે છે. એનો પહેલો સંગ્રહ ‘ગ્રામગીત’ (‘કવિતા કૌમુદી’નો પાંચમો ખંડ) 1930માં પીરસ્યો. (બીજો ખંડ પણ પ્રસિદ્ધ થયો છે.) એની પ્રસ્તાવનાના પહેલા જ શબ્દો : “એક વિચિત્ર પ્રકારની શિક્ષણપ્રણાલીને પ્રભાવે આપણે આપણા લોકોથી ને દેશથી બહુ દૂર પડી ગયા છીએ. આપણે આપણી ભાષાના થોડા જ શબ્દોના કૂંડાળામાં કેદ બન્યા છીએ. આપણે આપણા દેશમાં વિદેશી જેવા બન્યા છીએ પૂર્વજોની ભૂમિમાં પહોંચાડનારી પગદંડી છોડી દઈને એક એવી સાફ સીધી સડક પર મુગ્ધ બની ચાલી નીકળ્યા. છીએ કે એ સડક આપણને ક્યાં લઈ જશે તેની ખબર નથી. ક્યાં લઈ જશે એ પૂછવું પણ ભૂલી ગયા છીએ. આપણે હાથમાંનો દીવો જ ફેંકી દીધો છે. આવો, એ દેશમાં જઈએ.” સાત ફાયદા ગીતો શોધવાની મુશ્કેલીઓ, એક એક ગીતની તૂટક કડીઓને હાથ કરવામાં લાગી જતા દિવસોના દિવસો, જેમની પાસેથી એ ગીતો લેવા ગયા તે ગરીબ ચમારણોનાં ઝૂંપડાંની અંદરની દુરવસ્થા, ગ્રામપ્રદેશો ખૂંદવામાં પડતાં શારીરિક કષ્ટો, ગ્રામીણ લોકોની કઢંગી જીવનપ્રણાલીઓ, બીજી બાજુ સુશિક્ષિત સ્નેહીઓ તરફથી થતી ઠેકડી વગેરે વિટંબણાઓમાંથી કે જેનો અનુભવ લોકસાહિત્યના સર્વ કોઈ સાચા સંગ્રાહકને માટે સામાન્ય છે તેમાંથી પસાર થયેલ સંપાદક ગીતોને ગ્રંથારૂઢ કરવાના સાત લાભો ગણાવે છે : 1. કંઠસ્થ સાહિત્ય રક્ષિત બનશે. 2. સ્ત્રીઓ કે જેમને આપણે મૂરખી ગણી છે તેમની બુદ્ધિનો ને કવિત્વશક્તિનો મહિમા જોવાશે. એના પર હિન્દીના કેટલાય કવિઓની કૃતિઓ ન્યોછાવર થઈ શકે તેમ છે. સુપ્રસિદ્ધ વિદ્વાન બાબુ ભગવાનદાસના શબ્દોમાં ‘એ ગીતોની રસની માત્રા તો વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ, તુલસીદાસ અને સૂરદાસથી પણ અધિક છે’. 3. પ્રાચીન અને નવી કવિતાની શૈલી પર એનો પ્રભાવ પડશે. 4. દેશનાં ભિન્ન ભિન્ન રસમ-રિવાજોની માહિતી મળશે. 5. જનતાને બતાવી શકાશે કે આ ગીતો રચાયાં હશે તે કાળમાં બાલવિવાહની પ્રથા પ્રચલિત નહોતી, વરકન્યા પોતાની પસંદગી કરી શકતાં હતાં. ગીતોમાં સર્વત્ર એવાં વર્ણનો છે. 6. ગીતોમાં વર્ણવેલા ભાઈ-બહેનના પ્રેમની વૃદ્ધિ કરી શકશું, પતિ-પત્નીના પ્રેમને વધુ મધુર, ચિરસ્થાયી અને સુખમય બનાવશું. વહુ પ્રતિ સાસુની કઠોરતા અને નણંદ-ભોજાઈ દેરાણી-જેઠાણી વચ્ચેના ઝઘડા કરતી કરશું. વહુ પર ગુજરતા અત્યાચારોની માત્રા કમ કરશું. 7. સાહિત્યમાં નવા નવા પ્રયોગો, કહેવતો અને નવીન શબ્દોની વૃદ્ધિ કરશું. આજકાલ હિન્દી સાહિત્ય સરજાવવામાં જે શબ્દો યોજાય છે તેની સંખ્યા ત્રણસોથી વધુની નથી. આટલા જ શબ્દોમાં આપણે વિચાર કરીએ છીએ, લખીએ છીએ — ને ભાષણો દઈએ છીએ. ગામડાંની બોલીમાં એથી ઉલટું લગભગ દરેક પદાર્થ અને ભાવને ઠીક ઠીક પ્રકટ કરનારા શબ્દો મોજૂદ છે. તે પછી 140 જેટલાં પાનાં ભરીને લખેલા પ્રવેશકમાં સંપાદક પોતાના અંગ્રેજી, ઉર્દૂ, સંસ્કૃત અને હિન્દી કાવ્યસાહિત્યના અવગાહનની સમસ્ત વિદ્વત્તાને, રસિકતાને, તુલનાબુદ્ધિને, અલંકારજ્ઞાનને, મર્મગામિતાને અને કાવ્યરુચિને કામે લગાડી, બિલકુલ ડર કે સંકોચ રાખ્યા વગર ગ્રામગીતોના કવિત્વમાંનો પ્રત્યેક રસ અન્ય અનેક શિષ્ટ કાવ્યોની આંકણીએ ચડાવીને બહાર લાવવા પ્રયત્ન કરે છે. લોકગીતોનું સરસ અને અકૃત્રિમ, સ્વતંત્ર અને રહસ્યભરપૂર હાર્દ એમણે જુદી જુદી રીતે તુલના કરીને પ્રકટ કર્યું છે. કેટલા પુરાતન? લોકગીતોની પ્રાચીનતાનો મુદ્દો છણતા શ્રી ત્રિપાઠીજી, રામજન્મ પ્રસંગે ગાંધર્વોનાં ગાન ગવાયાનો હવાલો વાલ્મીકિ પાસેથી આપે છે. શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં ગોપીઓ ગાતી હતી ને કૃષ્ણ પણ ગાતા ગાતા અહીં તહીં ઘૂમતા એવું ભાગવત-કથન ટાંકે છે, ને પૂછે છે કે આ ગાંધર્વો, આ ગોપવનિતાઓ અને કૃષ્ણ પોતે ક્યાં ગાન ગાતાં? ‘વિજયિકા’નો શ્લોક ટાંકીને ધાન ખાંડનારીઓનાં, મુસળ (સાંબેલા)ના ઘાએ તાલ લઈ ગવાતાં મનોહર ગાનનો ઉલ્લેખ ટાંકે છે. પ્રાચીન સંસ્કૃત શ્લોક ટાંકે છે કે — सुभाषितेन गीतेन युवतीनां च लीलया | मनो न भिद्यते यस्य, स योगी हाथवा पशु : || એ યુવતીનાં હાવ-ભાવ સાથેનાં ગીતો ક્યાં? તેનો જવાબ એ પોતે જ આપે છે કે અવશ્ય એ કંઠસ્થ લોકગીતો જ હશે. શ્રી ત્રિપાઠીનું બીજું અનુમાન એ છે કે પ્રાચીન કાળમાં તો લગ્નાદિક અવસરે ધંધાદારી ગાંધર્વો જ ગાતા હતા. વિવાહોત્સવમાં સ્ત્રી-પુરુષો મિશ્ર ઠાઠ કરીને નાટકો ભજવતાં, પણ તેના બહુ પ્રચારથી બૂરું પરિણામ આવવાને કારણે છેવટે પ્રત્યેક કુટુંબે ગીતો બાબતમાં પોતપોતાને સ્વતંત્ર બનાવી દીધું; સંસ્કારો, વ્રતો ને તહેવારો સ્વયં સ્ત્રીઓ જ ગાતી બની ગઈ. મુગલોનાં સમકાલીન મુગલ લોકોની સાથે આપણા વીરો અને આપણી સ્ત્રીઓને પડેલા યુદ્ધ, ઈશ્ક ઈત્યાદિ પ્રસંગોને સંઘરતાં કેટલાંક ગીતોને તપાસી પોતે એમ કહે છે કે મજકૂર ગીતો મુગલોનાં સમકાલીન હશે. અનેક ગીતોનું આયુષ્ય હજારો વર્ષનું હશે; તે થોડા ફેરફારો સાથે સમાજમાં પોતાનું અસ્તિત્વ ટકાવ્યે આવતાં હશે. ગીત તો પ્રકૃતિનું નિરન્તર ગાન છે. જ્યારથી પૃથ્વી પર મનુષ્ય છે, ત્યારથી ગીત પણ છે. ને મનુષ્ય જીવશે ત્યાં સુધી રહેશે. આપણાં અને ઉત્તર હિન્દનાં શ્રી ત્રિપાઠીનાં બિહારી ને યુક્તપ્રાંતીય ગ્રામગીતોમાં પણ આપણે ગુર્જર ગીતોનાં પ્રચુર જોડકાં જડી આવે છે. ‘રઢિયાળી રાત’માં ‘કજોડા-ગીતો’માં એના નમૂના આપેલા છે. પુત્ર જન્મને અવસરે ગવાતાં હિન્દી ‘સોહર’ અથવા ‘સોહિલો’ ગીતો ને આપણાં અઘરણીનાં તેમ જ વાંઝિયા-ગીતો, એનાં વિવાહ કે ગીત અને આપણાં લગ્નગીતો, એનાં જાંત કે ગીત (ઘંટી દળવાનાં ગીતો), નિરવાહી કે ગીત (ખેતરમાં ધાન્ય-નિંદામણનાં ગીતો), હિંડોળે કે ગીત, કોલ્હૂ કે ગીત (સીંચોડાનાં ગીતો), મેલે કે ગીત, બારહ માસા (મહિનાઓ) વગેરેની આપણાં ગીતો સાથે મેળવણી ને સરખામણી કરતાં રસાનંદ નિરવધિ બને છે ને ભારતીય સંસ્કારની અભિન્નતા વિશેનો આપણો ખ્યાલ વધુ ઘાટો બને છે. પનિહારી-ગીત પ્રાંતપ્રાંતનાં સ્વાધીન ગીતો વચ્ચેનું વિષયસામ્ય અને ભાવસામ્ય તો ઠેર ઠેર મળે, પણ રચનાના મરોડો એક જ ઘાટના ઊતરેલા જડે ત્યારે આશ્ચર્ય લાગ્યા વગર રહેતું નથી. આપણા એક પનિહારી-ગીતની સુંદર પંક્તિઓ છે કે કડ્ય રે મરડીને ઘડો મેં ચડ્યો રે

નાગર, ઊભા રો’ રંગરસિયા!

તૂટી મારા કમખાની કસ રે — નાગર, ઊભા ભાઈ રે દરજીડા વીરા વીનવું રે — નાગર, ઊભા ટાંક્યે મારા કમખાની કસ રે — નાગર, ઊભા ટાંક્યે ટાંક્યે તે ઘમર ઘૂઘરી રે — નાગર, ઊભા હૈયે તે ટાંક્ય ઝીણા મોર રે — નાગર, ઊભા જાતાં તે વાગે ઘમર ઘૂઘરી રે — નાગર, ઊભા વળતાં ઝીંગોરે નીલા મોર રે — નાગર, ઊભા [‘રઢિયાળી રાત’] એ સૌંદર્ય-ચિત્રને છેક બિહાર, યુક્ત પ્રાંત તરફ કોણ લઈ ગયું? મોરે પિછવારે દરજિયાકી બખરી

અચ્છી અચ્છી ચોલિયા સિયાયો જી

અસકૈ સુઈયા ચલાયે રે દરજિયા.

ચારિ ચરૈયા દુઈ મૌરે જી

કંહંવા બનાવાં ચારિ ચિરૈયાં

કંહંવા બનાવાં જુઈ મૌરે જી

આંગિયાં બનાઓ ચારિ ચિરૈયાં

અંચરે બનાઓ દુઈ મૌરૈ જી

ઉઠતે બોલૈ ચારિ ચિરૈયા

બૈઠત કુહકૈ દુઈ મૌરે જી

[મારા પછવાડે દરજીનું ઘર છે. હે દરજી! મને સરસ ચોળી બનાવી દે. એવી સોય ચલાવજે કે જેથી ચાર ચાર-ચકલીઓ ને બે મોરનું ભરત ઊઠી આવે. દરજીએ પૂછ્યું, ચાર ચકલી ક્યાં ભરું ને બે મોર ક્યાં? — ચાર ચકલીઓ બદન પર ને બે મોરલા અંચળા (પાલવ) ઉપર એવાં ટાંકજે કે હું ઊઠું ત્યારે ચકલી બોલે ને હું બેસું ત્યારે બે મોરલા ટૌકે. ] ગુજરી અને ચંદ્રાવળી હિન્દી ગીતમાં આવો શણગાર કરાવતી યુવાન ગોપવધૂનું નામ છે ગુજરી, એ ગુજરી તે જ શું આપણી ચંદ્રાવળી નહિ? (જુઓ ‘ચંદ્રાવળી’ : ‘રઢિયાળી રાત’.) કાનાની પકડમાંથી છટકીને નાસી ગયેલી ચંદ્રાવળી પાછળ ઘેલો બનેલો ગોપબાળ કાનો સ્ત્રીનો પોશાક પહેરીને ચંદ્રાવળીને ઘેર જઈ એની બહેન તરીકેની ઓળખાણ આપે છે. એ જ પ્રસંગ આ ગુજરી-કાન્હાના હિન્દી ગીતમાં છે : ગુજરાતી હિન્દી સાસુ ને વહુ બે વલોણાં વલોવે બા’ર આવો વહુની બેન આવ્યાં રે. નથી રે કાકાની ને નથી રે મામાની નથી મારે માડીજાઈ બેનડી રે. ‘તમે રે હતાં બેની તમારે સાસરે વાંસે જલમીને અમે ઊઝરિયાં રે.’ લાગી કહન પરોસિન ઉનસે પીછે બહિન તુમરી ઠાઢીજી ના તો ચચા કે ના તો બબા કે દૂસરી બહિન કહાં પાવા જી તુમરા બિવાહ બહિનિ હમારા જનમવા દૂસરો બહિનિ તુમ પાયો જી

પછી બહેન-વેશધારી કપટી કાનો ગોપીના ઘરમાં રહીને પુરુષની ચેષ્ટાઓ બતાવે છે તે પણ ગુજરાતી ને હિન્દી બેઉ કૃતિઓનું લાક્ષણિક અંગ બન્યું છે : દાતણ કરે ને ઈ તો ચીર ઉડાડે આ તો સરગટ જાણે પુરુષની રે નાવણ કરે ને ઈ તો નીર ઉડાડે બધી રે સરગટ આ તો પુરુષની રે ભોજન કરે ને ઈ કોળિયા ઉડાડે બધી રે સરગટ જાણે પુરુષની રે દૂનૌં બહિનિ મિલિ પિસના જો પીસે હાથ ઘુમાવૈ મરદાને જી દૂનૌં બહિનિ મિલિ કૂટના જો કૂટૈ મૂસર ઉઠાવૈ મરદાને જી દૂનૌં બહિનિ મિલિ રોટિયા બનાવે થપકી ચલાબૈં મરદાને જી દૂનૌં બહિનિ મિલિ જેંવન જો બૈઠી કોર ઉઠાવૈ મરદાને જી

[બેઉ બહેનો દળવા બેઠી તો નવી બહેનનો હાથ મરદની પેઠે ફરતો હતો. બન્ને બહેનો ખાંડવા બેઠી, તો નવી બહેનનું સાંબેલું મરદની માફક ઊપડતું હતું. બેઉ બહેનો રોટલા બનાવે. તો નવી બહેનના હાથનો ટપાકો મરદની જેમ બોલતો હતો. બેઉ બહેનો જમવા બેઠી તો નવી બહેનનો કોળિયો મરદની જેમ ઊપડતો હતો.] પછી જ્યારે પોઢણ વેળા આવે છે ત્યારે બેઉ ગીતો ન્યારે ન્યારે, બલકે સામસામે જ, પંથે ગતિ કરે છે : ગુજરાતી ગીતનો કાન તો ચંદ્રાવળીને સપડાવવા શક્તિમાન બને છે, ત્યારે હિન્દી ગીતની નાયિકા ગુજરી રાત્રિએ એક જ ખાટલામાં બહેનવેશી કાન્હાનું રૂપ પારખે છે કે તુરત નાસી છૂટી ‘કાના, નાસ, નાસ, મારા સસરા જેઠ દેર ને સ્વામી આવે છે’ એવી ખોટી બૂમો પાડે છે. કાનો અરધો સ્ત્રીવેશ ઉતારવા પામે છે અને બાકીના બેઢંગ લઈ બજારે ભાગતો ખસિયાણો પડે છે. ગુજરી કાનાને કહે છે : હથવા બજાય કૈ હંસી ગુજરિયા ઠહરો ન કાન્હા, રસ લૂંટૌજી તાળીઓ પાડતી ગુજરી હસીને કહે છે કે ‘કાં, રહો ને, કાના! રસ લૂંટતા જાઓ ને!’ અપહરણનાં ગીતો આપણાં ગુર્જર પ્રેમમસ્તીનાં ગીતો છે તેવાં (પરસ્ત્રી સંબંધનાં, ભાગી જવાનાં, અપહરણનાં, વાંસળીનાં, વશીકરણનાં) આ ‘ગ્રામગીત’ના ‘નિરવાહી કે ગીત’ વિભાગમાં શ્રી ત્રિપાઠીએ સંગ્રહ્યાં છે. એ ગીતો અશ્લીલ નથી. શું ગુજરાતીમાં કે શું હિન્દીમાં, પણ જીવનમાં અનિવાર્ય બનતી ખટમીઠી કરુણતાઓની કથા તટસ્થ આર્દ્રભાવે કથનારાં એ ગીતો છે. પરપુરુષ સાથે ભાગી જનાર વિલાસિનીની ઘટના કહેનારાં એ ગીતો કે જબરદસ્તીથી ઝૂંટવાઈ જતી કુલીન કન્યાએ કુળની પ્રતિષ્ઠા સાચવવા માટે પોતાનો દેહ પાણીમાં પધરાવ્યો તેનાં ગીતો, બેઉ પ્રકારની કૃતિઓમાં હિન્દી લોકકવિઓએ દાખવેલું તાટસ્થ્ય, એક જ પ્રવાહે કરેલું કથાનિરૂપણ, કવિહૃદયના ઊંડેરા સંવેદનની ઉચ્ચ કક્ષા બતાવે છે. એ માટે ‘ગ્રામગીત’માંનું ‘નિરવાહી કે ગીત’ વિભાગનું ત્રીજું ગીત — જયસિંહની બહેન કુસુમા અને તેનું માગું કરનાર તુરક નવાબ મિરઝાનું ઇતિહાસ-ગીત — એક અદ્વિતીય નમૂનો છે. ‘સોનલ રમતી રે, ગઢડાને ગોખે જો’ એ ગુજરાતી કથાગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે ‘માથાની મોળ્યું’ (પોતાનું મસ્તક) આપવા તરવારભેર નીકળતા પુરુષનો, પડકારનો ધમકે વિજય થાય છે : સોનલ રમતી રે ગઢડાને ગોખે જો રમતાં ઝણાલી સોનલ ગરાસણી આડો આવ્યો રે દાદાનો દેશ જો સોનલે જાણ્યું કે દાદો છોડવશે દાદે દીધાં રે ધોળુડાં ધણ જો તોય ન છૂટી સોનલ ગરાસણી કાકે દીધાં રે કાળુડાં ખાડુ જો તોય ન છૂટી સોનલ ગરાસણી  વીરે દીધાં રે ધમળાં વછેરાં જો તોય ન છૂટી સોનલ ગરાસણી  સ્વામીએ દીધી રે માથા કેરી મોળ્યું જો. ધમકે છૂટી સોનલ ગરાસણી [‘રઢિયાળી રાત’] હિન્દી ગીત (‘ગ્રામગીત’ : જાંત કે ગીત : 33)માં વર્ણવેલી એ-ની એ જ ઘટના : પણ તેમાં તો સ્વામી પણ અપહર્તાને કાજે પૈસા લઈને આવ્યો. આખરે જે કામ સ્વામીએ કરવાનું, તે સ્ત્રીએ પોતે જ કર્યું : આંખલી ચાબલ છાંટતી, બાતે કરતિ બનાય આવેગા મોગલ છોકડા. યે ડાલુંગી કૂટ  ઊડિ ઊડિ પતિયા જાય તૂ યહ સનેસ લેઈ જાન બાબાસે કહિયો સમુઝાઈ કે, બહિની પડી બન્દીખાન  આગે ઘોડા મોરે બાબા કે, પીછે બીરન ભાઈ તેહિ પીછે આવે મેહા કન્તજી, બહિનિ લેંગે છોડાઈ કેહૂ મોગલ કે છોકડા, રુપયા લેહુ બહુત બેટી કો મેરી છોડ દે જૈસે કંચન-થાલ.  … …મોતી હુલે બહુત … …મોહર હુલે બહુત  દુલ્હન મેરી કો છોડ દો... રુપયા હમારે બહુત હૈ, અશર્ફી મહા હૈ સન્દૂક સુન્દર કો મૈં ના છોડોં જૈસે ગલે કા હાર સુન્દર બોલી ક્રોધ કર કમર કટારી ખીંચ લેહુ મોગલ કે છોકડા યહ હૈ ગલેકા હાર. મૂળ કથાવસ્તુ ક્યાંનું? એક જ જીવનસમસ્યાને છેડતા, આ દૂર દૂર પ્રાંતોના લોકગીત-પ્રકારો આપણા દિલમાં એક મૂંઝવણ તો એ પેદા કરે છે કે મૂળ કથાવસ્તુ ક્યાંનું? આ સમાન ગીતો કયે પિયરથી કયે સાસરે સિધાવ્યાં હશે? ને બીજી વિમાસણ આ કે પ્રાંતપ્રાંતના પાઠો પૈકી કયો ચડિયાતો, કયો વધુ કાવ્યલક્ષી ને મર્મગામી? એકમાં એક ખૂબી હોય છે તો બીજાની બીજી કચાશને ધોઈ નાખનાર ઓર કોઈક ખાસ માર્મિકતા હોય છે. પૌરાણિક ઐતિહાસિક કોઈ સર્વસામાન્ય સંપત્તિમાંથી લોકકથાનક લેવાયું હોય તો તો તેનાં પ્રાંત-સ્વરૂપો વચ્ચે અમુક સમાનતા અવશ્ય આવે. પણ પ્રત્યેક પ્રાંતના લોકસમૂહે પોતપોતાના પ્રાંતગત જીવનમાંથી પકડેલા પ્રસંગો તેમ જ ભાવો વચ્ચેય આવા સામ્યયુક્ત વૈવિધ્ય અને વિવિધતાયુક્ત સામ્યનું જે દર્શન લોકસાહિત્ય કરાવે છે તે તો ભારી રસીલી મૂંઝવણ જન્માવે છે. ‘સોન્ગ્ઝ ઑફ ધ ફોરેસ્ટ’ નામનો એક ગ્રંથ ફાધર વેરીઅર એલ્વિને પ્રકટ કર્યો છે. તેમાં સાતપુડા પહાડો, બેતૂલ, ચિનવારા, બલાસપુર વગેરેનાં જંગલોમાં વસતા અઘોર, અજ્ઞાન અને અવિદ્યામાં, ક્રૂરતા તેમ જ કંગાલિયતમાં સબડતાં આદિવાસી ‘અનાર્યો’માં ગવાતાં કંઠસ્થ ગીતોના અંગ્રેજી અનુવાદો આપેલ છે. એના એક ગીતમાં (પાનું 76 : ગીત 50) આમ છે : Dar, dar, dar, my wife is weeping ... ... ... If it were written in a book I would read it. But who can read his fate? [દડ, દડ, દડ, મારી સ્ત્રી રુએ છે. ચોપડીમાં લખ્યું હોત તો હું વાંચી શકત, પણ પોતાના તકદીરને કોણ ઉકેલી શકે?] એક મારવાડી ગીત જુઓ : કુવો તો વ્હે તોં પિયા ડાકલૂં જી ઢોલા, સમદર ડાકિયો, સમદર ડાકિયો નવ જાય. કાગદ વ્હે તો પિયા બાંચલૂં જી ઢોલા, કરમ ન બાંચ્યો, કરમ ન બાંચ્યો જાય. ટાબર તો વ્હે તો પિયા રાખ લૂં જી ઢોલા, જોબન રાખ્યો, જોબન રાખ્યો નવ જાય. [‘મારવાડ કે ગ્રામગીત’ : સં જગદીશસિંહ ગહલોત] હવે આપણું ગુર્જર લોકગીત જોઈએ : એક અધ્ધર સમળી સમસમે, બેની, સંદેશો લઈ જા. મારા દાદાને જઈને એટલું કે’જે તારી દીકરીને પડિયાં દુ :ખ. દીકરી, દુ :ખ તો હોય તે વેઠીએ, દીકરી, સુખ વેઠે છે સૌ; દાદા, કૂવો તે હોય તો તાગીએ, દાદા, સમદર તાગ્યા કેમ જાય? દાદા, ખેતર હોય તો ખેડીએ, દાદા, ડુંગર ખેડ્યા કેમ જાય? દાદા, કાગળ હોય તો વાંચીએ, દાદા, કરમ કેમ વાંચ્યાં જાય! એક માનાં સંતાનો આ ત્રણ ઉદાહરણો એમ બતાવી આપે છે કે માત્ર મારવાડી-રાજસ્થાની અને ગુજરાતી નહિ, પણ ગોંડ જેવાં આદિવાસીઓની બોલી પણ એક જ માતૃભાષાનાં સંતાનો છે. અને એ મૂળ ભાષા સારી પેઠે પ્રવાહી હોવી જોઈએ. પરંતુ માત્ર ભાષાની એકતા બસ નથી. આંહીં તો ભાવોનું ઐક્ય સાબિત છે. ભારતીય પ્રજાજીવનની સામૂહિક અખંડતાનાં પણ આ સર્વ સાહેદો છે. ગોંડ આજે ભલે અનાર્ય, જંગલી, અર્ધપશુ ગણાતો, મધ્યકાલીન પ્રજાજીવનમાં તો એ પણ એક જ સંસ્કૃતિ-આરે બેસીને સૌની સંગાથે વાણીનાં નીર પીતો હશે. સમાજશાસ્ત્રનાં સહાયકો આ દૃષ્ટિએ આપણે એક મુદ્દા પર નિશ્ચિત થઈએ છીએ : લોકસાહિત્ય એ સાહિત્યકીય રસાનંદ-રસાસ્વાદની સામગ્રી તરીકે વત્તાઓછા ગુણદોષવાળું સાહિત્ય ભલે હો; લોકોત્તર, શિષ્ટ કે નવતર સાહિત્યનાં ધોરણે લોકસાહિત્યમાં આપણને રસ પડો કે ન પડો, છતાં તેની સંશોધનદૃષ્ટિએ જે કિંમત છે તે શિલાલેખો ને સિક્કાઓ કરતાંય ઘણી વાર વધી જાય છે. એક ઉદાહરણ આપું : મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વિદ્વાન અધ્યાપક ગોવિંદ સદાશિવ (જી. એસ.) ઘુર્યેએ મને લખ્યું કે ‘રઢિયાળી રાત’માં જે ‘અડવી’ નામનું ગીત છે તેનો પૂરો પાઠ મોકલો. તદુપરાંત તેમણે મામી-ભાણેજના પ્રણયને નિર્દેશતાં અન્ય ગીતો હોય તો તે પણ જાણવા માગ્યાં. મેં એ ત્રણ ગીતો નીચે મુજબ લખી મોકલ્યાં : 1 અડવી હાં રે ભાણેજડા, સ્રોવર જાઉં તો ઢોલે રમે રે. માથાની ચૂંદડી લઈ ગયો વિઠલો માથે અડવી થઈ રે, ભાણેજડાં. — સ્રોવર નાકની તે નથડી લઈ ગિયો વિઠલો નાકે અડવી થઈ રે, ભાણેજડા. — સ્રોવર હાથની તે ચૂડલી લઈ ગિયો વિઠલો હાથે અડવી થઈ રે, ભાણેજડા. — સ્રોવર કેડ્યનો તે ઘાઘરો લઈ ગયો વિઠલો કેડ્યે અડવી થઈ રે, ભાણેજડા. — સ્રોવર 2 ઝીણી પિયાલી જેસંગ, ઝીણી પિયાલી જળે ભરી રે જેસંગ, દાતણ કરતા જાવ રે અચરજ લાગી અભેસંગ ભાણેજની રે, મામી, અમે દાતણિયાં નૈ રે કરીએં રે અમારો મામો છે પરદેશ. — અચરજ [પછી નાવણ, ભોજન ને મુખવાસની ક્રિયાઓ અંગે એ જ ગવાય છે. ને છેલ્લે — ] જેસંગ, ઝીણી પિયાલી જળે ભરી રે જેસંગ, પોઢણ કરતા જાવ રે. અચરજ મામી, અમે પોઢણિયાં ન રે કરીએં રે અમારો મામો છે પરદેશ. — અચરજ 3 લાલ પિયારો ભાણેજડો એકલડાં દાતણ કેમ કરીએં રે કરશું કરશું રે ભેળાં મામીને ભાણેજ કે લાલ પિયારો ભાણેજડો. એકલડાં નાવણ કેમ કરીએ રે કરશું કરશું રે ભેળાં મામી ને ભાણેજ કે લાલ પિયારો ભાણેજડો.  એકલડાં પોઢણ કેમ કરીએં રે કરશું કરશું રે ભેળાં મામી ને ભાણેજ કે લાલ પિયારો ભાણેજડો. અંતર્ગત પુરાવા આ ત્રણ પૈકી પહેલામાં ભાણેજ અને મામીની સરોવરકાંઠાની પ્રણયલીલા બતાવી છે. બીજામાં જેસંગ-અભેસંગ નામના બે મહેમાન ભાણેજો પ્રત્યે મામીનો જાતીય મોહ દર્શાવેલ છે, ને ત્રીજામાં તો બેઉ વચ્ચેનો આડો પ્રણય સ્પષ્ટ છે. આવાં ગીતોને અનૈતિક કે કામદૂષિત ગણીને આપણે ફેંકી દઈએ તે જેટલું સહજ છે તેટલું જ ભૂલભર્યું છે. ‘રઢિયાળી રાત’ ભાગ 2ની પ્રથમ આવૃત્તિમાંથી એવાં ગીતો બીજી આવૃત્તિ વેળાએ કાઢી નાખવાનું કારણ આ નૈતિક સૂગ જ હતી. ગીતોના સંગ્રહ-સંપાદનમાં તે વખતે મોટે ભાગે રસદૃષ્ટિ ને સૌંદર્યદૃષ્ટિ કામ કરી રહી હતી. અત્યારે એક સમાજશાસ્ત્રના સંશોધકને એ ગીતોની ગરજ પડી તે કેવળ સમાજની કોઈ અનીતિના પોપડા ઉખેળવા માટે નહીં પણ પરાપૂર્વથી કૌટુંબિક સંબંધોએ કેવાં કેવાં પરિવર્તનો અનુભવેલ છે, કયા સંબંધો મૂળે નીતિપુર :સર ગણાતા હતા ને પછી નીતિવિરોધી ને નિષિદ્ધ (‘ટેબૂ’) ગણાયા, તેનો કાળ કયો હતો, તે નિર્ણય પર આવવાને માટે તેમને આ ગીતો અંતર્ગત પુરાવા જેવાં લાગ્યાં. ડૉ. ઘુર્યેએ મને લખ્યું તેનો નિષ્કર્ષ આ છે : ચોખલિયા દૃષ્ટિ “આપણા સામાજિક વિકાસના ઇતિહાસમાં ‘દેર-ભોજાઈ’ અને ‘મામી-ભાણેજ’ નામની બે ગ્રંથિઓ (‘કૉમ્પ્લેક્સ’) છે તેના પુરાવા લોકગીતો, લોકકથાઓ અને લોકકહેવતોમાંથી મળી આવે છે. ‘દેર-ભોજાઈ’ ગ્રંથિ તો ઉત્તર હિન્દ અને રજપૂતાના પર પણ પથરાયેલ પડી છે. જ્યારે મામી-ભાણેજ ‘કોમ્પ્લેક્સ’ના અંશો કેવળ ગુજરાત-કાઠિયાવાડની જ વિશિષ્ટતા છે. નાની-નાની ‘કૉમ્પ્લેક્સ’ અર્થાત્ માના બાપ અને દીકરીની દીકરી વચ્ચેનો હકસરનો જાતીય સંબંધ એ છોટાનાગપુર પ્રદેશની વિશિષ્ટતા છે. એવા સંબંધનો કોઈ પત્તો મને ગુજરાત, રજપૂતાના તેમ યુક્ત પ્રાંતના લોકસાહિત્યની આંતરિક તપાસમાંથી લાગેલ નથી. એ જ રીતે મારા સાંભળવામાં આવ્યું કે યુક્ત પ્રાંતના અમુક પ્રદેશોમાં ઉપર કહ્યો તેવો હક્કપુર :સરનો સંબંધ ફોઈ-ભત્રીજા વચ્ચે હસ્તી ધરાવે છે અને એવા સંબંધનો નિર્દેશ કરતાં લોકગીતો પણ ત્યાં છે. પણ યુક્ત પ્રાંતના પ્રસિદ્ધ થઈ ચૂકેલા લોકગીતસંગ્રહોમાંથી મને એવી કોઈ બાતમી જડી નથી. લોકગીત-સંગ્રાહકોએ ચોખલિયા (‘પ્યુરિસ્ટ્સ’) બનીને ઈરાદાપૂર્વક આવાં ગીતોને દબાવી દીધાં હોય તો તે અસંભવિત નથી. પણ મારા જેવા વિદ્યાભ્યાસીથી તો માત્ર સાંભળી વાતને સત્ય તરીકે ન નોંધી શકાય. મારે કાંઈક પુરાવો જોઈએ અને આવી વસ્તુઓને માટે તો કહેવતો અને લોકગીતો જ સજ્જડ પુરાવા બની શકે. તમે જાણો છો કે લોકસાહિત્યમાં મારો જે રસ છે તે નથી સૌંદર્યપ્રેમીનો કે નથી સાહિત્યનો, પરંતુ નર્યા એક સમાજવિજ્ઞાનીનો છે.” માર્ગદર્શકો મુંબઈ ઈલાકાના એક પ્રખર વિદ્વાનનું વિધાન આપણને લોકસાહિત્યના સંશોધકોને એક ચેતવણીરૂપ છે કે આપણે લોકવાણીને એકઠી કરવામાં ચોખલિયા દૃષ્ટિ ન રાખવી ઘટે. એકલી સૌંદર્યદૃષ્ટિ આ સાહિત્યનું મૂલ્યાંકન કરવામાં સલામત માર્ગદર્શિકા નથી. જૂનાં ગીતો, વાતો, કહેવતો, એ તો કાળજૂના ઇતિહાસ-પોપડા છે. એ પોપડાને મોહેં-જો-દારોના અવશેષ-ખોદાણમાં રાખીએ છીએ તેવી નાજુક સંભાળ રાખી ખોદવા જોઈએ. નહિ તો એ અલભ્ય પુરાવા નકામા બની જાય. વેદકાળથી લઈ આજ પર્યંતના આપણા સામાજિક, સાંસારિક ને કૌટુમ્બિક સંસ્થા-વિકાસનું ચોખ્ખું, જેવું હોય તેવું, જરીકે વરખ નહિ ચઢાવેલું એવું ચિત્ર હસ્તગત કરવાને માટે જે કષ્ટો ઉઠાવાઈ રહેલ છે તેમાં આ નિર્દંભી લોકવાણીનો ફાળો જબરો પડવાનો છે. અનીતિમાં અનુમોદન નહોતું ‘રઢિયાળી રાત’ના ચોથા ભાગનું સંપાદન એ ઉદ્દેશને આગળ રાખીને થયું છે. ગંદાં ગણીને કોઈ ગીત તારવ્યાં કે બાદ દીધાં નથી. વિનોદ-ગીતોના વિભાગમાં આજની શિષ્ટ અભિરુચિ જેને વિનોદી ન કહી શકે તેવાં પણ ગીતો મૂક્યાં છે. વહુ-સાસુના સંબંધની વક્રતાને આલેખતાં ગીતો શા ખપનાં તેવો પ્રશ્ન અસ્થાને છે. કજોડાંનાં ગીતોમાં જોબનજોધ સ્ત્રી પોતાના નાનકડા પરણ્યાને આંબાની ડાળે હીંચકોરે તે ગીત સારું અને ધબ દઈને ઢીંકો મારે તે ગીત નઠારું, એવી સરખામણી પણ અનિષ્ટકર છે. દેર-ભોજાઈ વચ્ચેના વિકારી સંબંધમાં લોકગીતોના કર્તાઓનું અનુમોદન કે રસ હતો તેથી એ રચાયાં છે અથવા સમાજ ભ્રષ્ટ હતો તેને લીધે એ ગાવાની પરંપરા ટકી છે એમ પણ આપણે ન કહી શકીએ. સામાજિક પરિસ્થિતિઓમાંથી સંવેદન જન્માવે તેવા કિસ્સા કે પ્રણાલિકાઓની આ શબ્દછબીઓ ખેંચાઈ છે, તેમાં તેનાં સર્જાવનારાં કે ગાનારાંઓએ ઢાંકોઢૂંબો કર્યો નથી એટલે એ ગીતો પ્રામાણિક સાહેદો સરખાં છે. પ્રેમમસ્તીનાં ગીતોમાં પણ વરણાગી જીવનનાં ચિત્રો ઘણાં છે. જોબનિયા માટેનો ભક્ત પ્રેમ ગવાયો છે. તેનાથી મોં મચકોડવાની જરૂર નથી. કડવલીનાં કુચરિતનાં ગીતો, અદડી-હરિસિંગનું, મારવાડી વાણિયણ અને રાજાનું કે ચંદ્રાવળીનું, એ ગીતોમાં આલેખાયેલ જીવન ભલે આપણાં સ્વીકૃત નીતિધોરણોની કસોટીએ અનૈતિક હશે (અને નીતિધોરણો કદી નિશ્ચિત કે નિશ્ચલ રહ્યાં નથી) પણ ગીતો નીતિહીન નથી, નૈતિક કે અનૈતિક બેમાંથી એકેય નથી. હોય તોપણ તેને સંતાડવા જેવી કોઈ શરમિંદી સ્થિતિમાં આપણે મુકાતા નથી. એ જેવાં હશે તેવાં જવાબ દેશે — આપણા સમાજશાસ્ત્રના શોધકોને અને અભ્યાસીઓને.