ધીરેન્દ્ર મહેતાની કવિતા/સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧.
સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ

સહેજ પડખું ફેરવું તો
પેલી પાર આવી જઉં
સરહદની આ પાર સૂતેલો હું
હવા તો
કશી રોકટોક વિના
એ રીતે
અવરજવર કરે જ છે..
પેલી પારની હવા
વાસાં લઈને
ઉચ્છ્વાસમાં છોડું છું
એ આ પારની હવામાં
ભળે છે;
એ તારા વાસમાં દાખલ થઈને
તારા લોહીમાં
ઉત્પન્ન કરે,
શક્ય છે.
તારી ધરતી પર
વહેતાં કે ઊછળતાં ખળખળ જળમાં
પ્રતિબિંબાતી હશે
આ નભની નીલિમા...
એના કંઈ ભાગલા કે ટુકડા હશે?
સામે પાર
બંદૂક તાકીને સૂતેલા ઓ દોસ્ત!
બંદૂકનું નાળચું જરા નીચું કરીને
જવાબ આપીશ?
૨-૪-’૭૪