ધૂળમાંની પગલીઓ/થોડી-શી વાત ‘ધૂળમાંની પગલીઓ’ વિશે


થોડી-શી વાત ‘ધૂળમાંની પગલીઓ’ વિશે

આદરણીય, અધ્યક્ષશ્રી, સજ્જનો અને સન્નારીઓ,

સર્વપ્રથમ તો સાહિત્ય અકાદમી તરફથી ‘ધૂળમાંની પગલીઓ’ને પારિતોષિક અપાયું તે બદલ હું આનંદ વ્યક્ત કરું છું – અને જેમણે જેમણે આમાં નિમિત્તરૂપે ભાગ ભજવ્યો તે સૌ પ્રત્યે હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ પ્રસંગે ‘ધૂળમાંની પગલીઓ’ના સંદર્ભે આપની સમક્ષ થોડી વાત રજૂ કરું તો તે આપને ગમશે એવી આશા છે. ‘ધૂળમાંની પગલીઓ’ મારા બાળપણ અને કૈશોર્યની કથા છે. હું વધુમાં વધુ સાચી રીતે - ધારદાર રીતે લખી શકું તો મારા વિશે લખી શકું. એમાં સહજતયા જ મારા વૈયક્તિક સંદર્ભના કારણે કેટલીક વિશિષ્ટતા પણ આવી રહે. મારે મારા જીવનમાંથી એવી વસ્તુ રજૂ કરવી જોઈએ જે વધુમાં વધુ મનેય રસપ્રદ લાગતી હોય, અને એ વસ્તુ હતી મારા બાળપણ તથા કૈશોર્યની. ત્યાં આજના જેવું પ્રદૂષણ નહોતું. મન પર આજે છે તેવો ભાર કે તણાવ ત્યારે નહોતો. ત્યારે જીવન એક ખેલ હતું, રમત હતું. દીવાલ સાથે ત્યારે નિરાંતે વાત થઈ શકતી હતી, કીડીની પાછળ પાછળ નજર દોડાવવાનો ત્યારે પૂરતો સમય મારી પાસે હતો. વરસતો વરસાદ જોતાં ત્યારે સહેલાઈથી વસ્ત્રો કાઢી શકાતાં હતાં. ત્યારે, વિનાક્ષોભ-સંકોચ, એક ગૌરીની હથેળીમાંથી બોર, એ સર્વ પોતાના માટે જ હોય એવા ભાવથી લઈ શકાતાં હતાં. એ સમયને યાદ કરવો, તેને યાદ કરતાં કરતાં જીવવો – એમાં મને એક પ્રકારનો અમૃતસંજીવનીનો પ્રયોગ પ્રતીત થતો હતો. કેટકેટલું આપણી અંદર સચવાય છે! કેટકેટલું આપણામાં જીવતું હોય છે| જેમ જેમ હું સ્મૃતિના અજવાળે અજવાળે મારા બાળપણના-કૈશોર્યના માર્ગમાંની પગલીઓ નીરખતો ગયો તેમ તેમ એ પ્રત્યેક પગલીમાંથી જીવનનો એક લીલામય ખંડ ઊઘડતો ગયો. પ્રત્યેક એ પગલીએ મારા આંતરજગતની અમૃતમય બૃહદ્ વ્યાપકતાને હું સ્પર્શતો ગયો. જેને હું ગયેલું-ગુમાવેલું માનતો હતો તે રસમય રીતે મારામાં મૂળિયાં નાખીને રહ્યું હતું. દુનિયાદારીની વ્યવહારુ ગણતરીઓથી પર, પૂર્વગ્રહયુક્ત વિધિનિષેધોથી પર એવું એક નિતાંત આસ્વાદ્ય વિશ્વ, મીઠા ફળની જેમ, મારી ભીતર ઝૂલતુ હતું. એ વિશ્વે, જ્યારે મેં બાળપણની વાત લખવા કલમ ઉપાડી ત્યારે મને લીલારસે પૂરેપૂરો ભરી દીધો. જેમણે બાળપણમાં મારી સાથે કિટ્ટા કરી હતી તેઓ પણ મને કેટલી મીઠાશથી બોલાવતાં હતાં! જેઓ ત્યારે કેાઈક અકળ કારણોસર મારાથી વેગળે રહેતાં હતાં તેઓ સૌ સ્વકીયતાના અધિકારે મારા પર છવાઈને રહ્યાં. હું મારી ઝંખનાના બાળકને – એક સ્વપ્નશિશુને-સ્વપ્નબાળને લીલામય રીતે મારામાં જાગતો-ખેલતો પામી રહ્યો. ક્યારે એ બાળકે મારા પર, હું એનું એક રમકડું હોઉં તેમ પોતાનો પૂર્ણાધિકાર સ્થાપી દીધો તેનું મને તો ભાન પણ ન રહ્યું. મારા ક્ષોભ-સંકોચ ગળી ગયા. મારી વયના થર ઊતરી ગયા. હું યયાતિની જેમ પરિવર્તન પામ્યો. હું ફરીથી બાળક બની, મારું બાળપણ ચણીબોરની જેમ ચાખવા લાગ્યો. હું ફરીથી મારા બાળપણના ભેરુઓમાં ભળી રહ્યો. હું મારા બાળપણને વાતોમાં વણવા શબ્દોમાં સાકાર કરવા મથતો હતો. એક સર્જનાત્મક આવેગ હું શબ્દો સાથે સાથે મારી પગલીઓનો તાલ મિલાવવા મથતો હતો. હું શબ્દો દ્વારા મારી સ્મરણ પગલીઓની ફૂલગૂંથણી કરવા મથતો હતો, અને તેથી એ શબ્દો સાથે, એ મારા બાળપણના ભેરુ હોય તેમ તેમની આગળ હૂંફાળી રીતે હૈયું ખોલતાં, હું રમતે ચડ્યો. એ રમતની જ કથા તે આ ’ ધૂળમાંની પગલીઓ.’ ત્યારે શહેરનો ડામરનો રસ્તો મારી પગની પાનીને અડ્યો નહોતો. રવાદાર લાપસી જેવી ધૂળમાં અવનવી રીતે પગલીઓ પાડવાનો રોમાંચ મને વળી વળીને મારા કઠોર વર્તમાનમાંથી ઉપાડીને પથ્થર ને પાણી સાથે ગોઠડી કરવા ધકેલતો હતો. મેં પૂરા રસથી એ ગોઠડી માંડી. આપ સૌએ એ સ્નેહ અને ધૈર્યથી સાંભળી. આપ એ ગોઠડી સાંભળતાં સાંભળતાં મારા અંતરલોકનાં સ્વજન બની રહ્યાં. આથી મારો સ્નેહ તથા આનંદનો સંસાર બઢ્યો, અને એથી મારું અંતર કૃતકૃત્યતાના ભાવે ઊભરાતું થયું. શબ્દ મને વર્તમાનમાંથી ઉપાડીને ભૂતકાળમાં-અતીતમાં લઈ જનારો, પ્રૌઢત્વમાંથી શૈશવ તરફ દોરી જનારો, એકાંતમાંથી મેળા સુધી પહોંચાડનારો, મને એકને અનેક સાથે સ્નેહભાવે સાંકળનારો ભાવસેતુ તો બન્યો જ, અને એ રીતે મને સ્નેહ ને સચ્ચાઈ, સૌન્દર્ય અને શાશ્વતી સાથેના સાચા સગપણનુ સ્મરણ-ભાન કરાવનાર લીલાસંકેત પણ બની રહ્યો. શબ્દે જ આપ સૌની મારા પ્રત્યેની આત્મીયતાનો સાક્ષાત્કાર કરાવી મને જીવનસમૃદ્ધ કર્યો. આજે એ શબ્દબ્રહ્મને, આપ સૌને અભિવંદી વિરમું છું, આપણી સ્નેહસંગતિનું સંગીત વધુ ને વધુ જામતું એક અનિર્વચનીય સમાધિમાં આપણને સુપ્રતિષ્ઠિત કરે એવી શુભ અભિલાષા સાથે.

આભાર.

૯-૨-૧૯૮૭

- ચંદ્રકાન્ત શેઠ


સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ૧૯૮૬માં પુરસ્કૃત કૃતિ.

ધૂળ સુંવાળી, એમાં કેવાં પગલાં નાજુક નમણાં!
નિર્મળ નયણે આવે જેવાં મધમીઠેરાં સમણાં!.


વિરાટ ગ્રંથાવલિ
પુસ્તક ૨૬૪ મું.